સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૦

“તમે જીવતા થશો”

“તમે જીવતા થશો”

હઝકિયેલ ૩૭:૫

ઝલક: ‘સુકાઈ ગયેલાં હાડકાઓનું’ દર્શન. તેઓ કઈ રીતે જીવતાં થયાં? એ ભવિષ્યવાણી કઈ રીતે મોટા પાયે પૂરી થઈ?

૧-૩. બાબેલોનમાં રહેતા યહૂદીઓ પર કેમ નિરાશાનાં વાદળો છવાઈ ગયાં હતાં? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

 યહૂદીઓ બાબેલોનમાં રહેતા હતા. તેઓ પર નિરાશાનાં વાદળો છવાઈ ગયાં હતાં. હઝકિયેલ લગભગ પાંચ વર્ષથી ભવિષ્યવાણી કરતા હતા. તે લોકોને જણાવતા હતા કે યરૂશાલેમનો નાશ થશે. પણ તેઓ એ માનવા તૈયાર ન હતા. હઝકિયેલ દૃશ્યો ભજવીને, ઉદાહરણો આપીને અને સંદેશાઓ જણાવીને તેઓને સમજાવતા હતા. પણ તેઓને એમ જ લાગતું હતું કે કંઈ નહિ થાય. અરે, જ્યારે તેઓને ખબર પડી કે બાબેલોને યરૂશાલેમને ઘેરી લીધું છે, ત્યારે પણ એવું જ માનતા કે તેઓનું જીવન સલામત રહેશે.

યરૂશાલેમને ઘેરો નાખવામાં આવ્યો એના બે વર્ષ પછી, ત્યાંથી કોઈ છટકીને આવ્યો. તેણે કહ્યું કે “શહેરનો વિનાશ થયો છે!” એ સાંભળીને યહૂદીઓનાં માથે જાણે આભ તૂટી પડ્યું! એ વાત તેઓનાં ગળે ઊતરતી ન હતી કે તેઓનું વહાલું વતન, મનગમતું શહેર અને પવિત્ર મંદિર ભોંયભેગું થઈ ગયું હતું. ઘણા સમયથી તેઓને ખાતરી હતી કે તેઓના શહેરને કંઈ નહિ થાય. પણ હવે એનું નામનિશાન રહ્યું ન હતું.—હઝકિ. ૨૧:૭; ૩૩:૨૧.

ગુલામીમાં ગયેલા ઈશ્વરભક્તો સાવ ભાંગી પડ્યા હતા. તેઓ નિરાશાની ખાઈમાં ડૂબી ગયા હતા. એવા સમયે હઝકિયેલને એક જોરદાર દર્શન થયું. એમાં લોકો માટે એક આશા હતી. એ દર્શનમાં કયો સંદેશો હતો? એનાથી આજે ઈશ્વરભક્તોને કઈ આશા મળે છે? આપણને પોતાને એનાથી કઈ આશા મળે છે? ચાલો જોઈએ કે યહોવાએ હઝકિયેલને શું બતાવ્યું.

“આ હાડકાં વિશે ભવિષ્યવાણી કર” અને “પવનને ભવિષ્યવાણી જણાવ”

૪. હઝકિયેલ દર્શનમાં કઈ બે બાબતો જુએ છે?

હઝકિયેલ ૩૭:૧-૧૦ વાંચો. હઝકિયેલે દર્શનમાં હાડકાંથી ભરેલી ખીણ જોઈ. યહોવાએ તેમને ખીણની ‘વચ્ચે આમતેમ ચલાવ્યા,’ જેથી તે પોતાની નજરે એ બધું જોઈ શકે. હઝકિયેલ ચાલતાં ચાલતાં ખીણની ચારે બાજુ જુએ છે ત્યારે, તેમને બે બાબતો ખબર પડે છે. એક, એના એક છેડાથી બીજા છેડા સુધી “ખીણમાં ઘણાં બધાં” હાડકાં હતાં. બીજી, “એ સાવ સુકાઈ ગયેલાં હતાં.”

૫. (ક) યહોવાએ હઝકિયેલને કઈ બે આજ્ઞા આપી? (ખ) હઝકિયેલે આજ્ઞા પ્રમાણે કર્યું ત્યારે શું થયું?

યહોવાએ હઝકિયેલને બે આજ્ઞા આપી. એનાથી હઝકિયેલને ખબર પડી કે યહોવાની ભક્તિ ફરી શરૂ કરવા માટે કઈ રીતે એક પછી એક બનાવો બનશે. પહેલી આજ્ઞા આ હતી: “આ હાડકાં વિશે ભવિષ્યવાણી કર.” હઝકિયેલે હાડકાંને કહેવાનું હતું કે તેઓ ‘જીવતાં થાય.’ (હઝકિ. ૩૭:૪-૬) હઝકિયેલે ભવિષ્યવાણી કરી કે તરત તેમને “ખખડાટ સંભળાયો અને બધાં હાડકાં એકબીજાં સાથે જોડાવાં લાગ્યાં.” પછી “તેઓ પર સ્નાયુઓ અને માંસ આવ્યાં. તેઓ પર ચામડી આવી.” (હઝકિ. ૩૭:૭, ૮) બીજી આજ્ઞા આ હતી: “પવનને ભવિષ્યવાણી જણાવ” અને કહે કે તેઓ પર ‘ફૂંક મારે.’ હઝકિયેલે ભવિષ્યવાણી કરી ત્યારે, “તેઓમાં શ્વાસ ફૂંકાયો. તેઓ જીવતા થવા લાગ્યા અને પોતાના પગ પર ઊભા થઈ ગયા, જાણે એકદમ મોટું સૈન્ય હોય!”—હઝકિ. ૩૭:૯, ૧૦.

“અમારાં હાડકાં સુકાઈ ગયાં છે અને અમારી આશા મરી પરવારી છે”

૬. યહોવાના કયા શબ્દોથી હઝકિયેલને દર્શન સમજવા મદદ મળી?

યહોવાએ હાડકાંનું એ દર્શન સમજવા હઝકિયેલને કઈ રીતે મદદ કરી? તેમણે હઝકિયેલને કહ્યું: “આ હાડકાં આખા ઇઝરાયેલના લોકો છે.” ગુલામીમાં ગયેલા લોકોએ જ્યારે સાંભળ્યું કે યરૂશાલેમનો નાશ થયો છે, ત્યારે શું થયું? તેઓની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. તેઓએ કહ્યું: “અમારાં હાડકાં સુકાઈ ગયાં છે અને અમારી આશા મરી પરવારી છે. અમારો પૂરેપૂરો વિનાશ થઈ ગયો છે.” (હઝકિ. ૩૭:૧૧; યર્મિ. ૩૪:૨૦) યહોવાએ તેઓનો વિલાપ સાંભળ્યો. તેમણે કહ્યું કે સુકાઈ ગયેલાં હાડકાઓના આ દર્શનમાં ઇઝરાયેલ માટે આશાનું કિરણ છુપાયેલું છે.

૭. (ક) હઝકિયેલ ૩૭:૧૨-૧૪ પ્રમાણે યહોવાએ હઝકિયેલને શું જણાવ્યું? (ખ) એનાથી યહૂદીઓને શાની ખાતરી થઈ?

હઝકિયેલ ૩૭:૧૨-૧૪ વાંચો. આ દર્શન દ્વારા યહોવાએ યહૂદીઓને કઈ ખાતરી આપી? તેમણે કહ્યું કે તે તેઓને જીવતા કરશે, તેઓના વતન પાછા લઈ જશે અને ત્યાં તેઓ સુખ-શાંતિથી રહેશે. એટલું જ નહિ, યહોવા તેઓને ફરીથી “મારા લોકો” કહે છે. એ સાંભળીને નિરાશ યહૂદીઓના ચહેરા કેવા ખીલી ઊઠ્યા હશે! યહૂદીઓ કેમ ખાતરી રાખી શકે કે ગુલામીમાંથી આઝાદ કરવાનું વચન ચોક્કસ પૂરું થશે? એ પૂરું થશે જ, કેમ કે ખુદ યહોવાએ કહ્યું હતું: “હું યહોવા એ બોલ્યો છું અને એ ચોક્કસ પૂરું કરીશ.”

૮. (ક) “આખા ઇઝરાયેલના લોકો” કઈ રીતે મરેલા જેવા હતા? (ખ) હઝકિયેલ ૩૭:૯માં જણાવ્યું છે તેમ ઇઝરાયેલીઓની હાલત કેમ મરેલા જેવી થઈ ગઈ હતી? (ફૂટનોટ જુઓ.)

ઇઝરાયેલના લોકોની હાલત કઈ રીતે સુકાઈ ગયેલાં હાડકાં જેવી હતી? ઈ.સ. પૂર્વે ૭૪૦માં દસ કુળના રાજ્યનો નાશ થયો. લોકોને ગુલામીમાં લઈ જવામાં આવ્યા. એ સમયથી તેઓનો યહોવા સાથેનો સંબંધ કપાઈ ગયો. આશરે ૧૩૦ વર્ષો પછી, યહૂદાના લોકોને પણ ગુલામ બનાવીને લઈ જવામાં આવ્યા. આ રીતે “આખા ઇઝરાયેલના લોકો” ગુલામીમાં ગયા. (હઝકિ. ૩૭:૧૧) બધા ઇઝરાયેલીઓ સુકાઈ ગયેલાં હાડકાં જેવા હતા. * યાદ કરો કે હઝકિયેલે જે હાડકાં જોયાં, એ “સાવ સુકાઈ ગયેલાં” હતાં. એનાથી આપણને ખબર પડે છે કે ઇઝરાયેલીઓની હાલત લાંબા સમય સુધી મરેલા જેવી હતી. લગભગ ૨૦૦ વર્ષો સુધી એવું ચાલ્યું. ઈ.સ. પૂર્વે ૭૪૦થી ૫૩૭ સુધી ઇઝરાયેલ અને યહૂદાની એવી હાલત રહી.—યર્મિ. ૫૦:૩૩.

૯. અગાઉના ઇઝરાયેલીઓ અને “ઈશ્વરનું ઇઝરાયેલ” એ બંનેના કિસ્સામાં શું એકસરખું બન્યું?

ઇઝરાયેલી લોકો પોતાના વતન પાછા જઈને રહેશે, એ વિશે ઘણી ભવિષ્યવાણીઓ છે. જેમ કે, હઝકિયેલની ભવિષ્યવાણીઓ. એ મોટા પાયે પણ પૂરી થશે. (પ્રે.કા. ૩:૨૧) અગાઉના ઇઝરાયેલીઓ જાણે “માર્યા ગયેલા” હતા. તેઓ મરેલા જેવી હાલતમાં લાંબા સમય સુધી રહ્યા હતા. “ઈશ્વરનું ઇઝરાયેલ,” એટલે કે અભિષિક્ત લોકોનું મંડળ પણ જાણે માર્યું ગયું. એ લાંબા સમય સુધી મરેલા જેવી હાલતમાં રહ્યું. (ગલા. ૬:૧૬) અભિષિક્ત લોકોની મરેલા જેવી હાલત એટલો લાંબો સમય ચાલી કે તેઓ એવાં હાડકાં જેવા બની ગયા, જે “સાવ સુકાઈ ગયેલાં હતાં.” એનો અર્થ કે યહોવા સાથેનો તેઓનો સંબંધ ખતમ થઈ ગયો હતો. (હઝકિ. ૩૭:૨) આગળના પ્રકરણમાં જોઈ ગયા તેમ, અભિષિક્ત લોકોની ગુલામી બીજી સદીથી ચાલુ થઈ. તેઓની ગુલામી સદીઓ સુધી ચાલી. ઈસુએ રાજ્યનું ઉદાહરણ આપતી વખતે ઘઉં અને જંગલી છોડની વાત કરી. અભિષિક્ત લોકોની હાલત એવી જ થઈ.—માથ. ૧૩:૨૪-૩૦.

હાડકાં “સાવ સુકાઈ ગયેલાં” હતાં. એ બતાવતું હતું કે અભિષિક્ત લોકો લાંબા સમય સુધી ગુલામીમાં મરેલા જેવી હાલતમાં રહ્યા હતા (ફકરા ૮, ૯ જુઓ)

“બધાં હાડકાં એકબીજાં સાથે જોડાવાં લાગ્યાં”

૧૦. (ક) હઝકિયેલ ૩૭:૭, ૮ પ્રમાણે ઈશ્વરના લોકો વિશે શું ભવિષ્યવાણી થઈ હતી? (ખ) યહોવાનો ડર રાખનારા યહૂદીઓને કઈ રીતે ખાતરી થઈ હશે?

૧૦ અગાઉના સમયમાં યહોવાના લોકોની હાલત મરેલા જેવી થઈ ગઈ હતી. યહોવાએ કીધું હતું કે તેઓ ધીરે ધીરે જીવતા થશે. (હઝકિ. ૩૭:૭, ૮) યહોવાનો ડર રાખનારા યહૂદીઓને ધીરે ધીરે ખાતરી થઈ કે તેઓ એક દિવસ પોતાના વતન ચોક્કસ પાછા જશે. તેઓને કઈ રીતે ખાતરી થઈ? પહેલું તો હઝકિયેલ પહેલાંના પ્રબોધકોએ એ વિશે ભવિષ્યવાણી કરી હતી. એ સાંભળીને યહૂદીઓની આશા બંધાઈ હશે. દાખલા તરીકે, યશાયાએ ભવિષ્યવાણી કરી હતી કે “પવિત્ર વંશ,” એટલે કે બચી ગયેલા અમુક યહૂદીઓ પોતાના વતન પાછા જશે. (યશા. ૬:૧૩; અયૂ. ૧૪:૭-૯) બીજું કે યહોવાની ભક્તિ ફરી શરૂ થશે એ વિશે હઝકિયેલે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. એનાથી તેઓની આશા વધારે મક્કમ થઈ હશે. ત્રીજું, બાબેલોનમાં દાનિયેલ જેવા પ્રબોધકો હતા. તેઓના લીધે યહૂદીઓની આશાની જ્યોત ઝળહળતી રહી હશે. પછી ઈ.સ. પૂર્વે ૫૩૯માં તેઓએ પોતાની નજરે જોયું કે બાબેલોન શહેરનો અચાનક નાશ થઈ ગયો. એ જોઈને તેઓને પૂરેપૂરી ખાતરી થઈ હશે કે તેઓ પોતાના વતન જરૂર પાછા જશે.

૧૧, ૧૨. (ક) કઈ રીતે “ઈશ્વરનું ઇઝરાયેલ” ધીમે ધીમે આઝાદ થયું? (“યહોવાની ભક્તિ ધીરે ધીરે ફરીથી શરૂ થઈ” બૉક્સ પણ જુઓ.) (ખ) હઝકિયેલ ૩૭:૧૦ના શબ્દોથી કયો સવાલ થાય છે?

૧૧ “ઈશ્વરનું ઇઝરાયેલ,” એટલે કે અભિષિક્ત લોકો પણ ધીમે ધીમે ગુલામીમાંથી આઝાદ થયા. કઈ રીતે? તેઓ સદીઓથી જાણે ગુલામીમાં હતા અને તેઓની હાલત પણ મરેલા જેવી હતી. પછી “ખખડાટ સંભળાયો,” એટલે કે ઈશ્વરનો ડર રાખનારા લોકો શુદ્ધ ભક્તિ માટે કંઈક કરવા લાગ્યા. દાખલા તરીકે, ૧૬મી સદીમાં વિલિયમ ટિંડેલે બાઇબલનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. એટલે રોમન કૅથલિક પાદરીઓ ભડકી ઊઠ્યા. તેઓને લાગ્યું કે હવે તો સામાન્ય લોકો પણ બાઇબલ વાંચી શકશે. ટિંડેલને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. તોપણ, અમુક લોકોએ હિંમત કરીને બીજી ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર કર્યું. અંધારી દુનિયામાં યહોવાનાં વચનોનો પ્રકાશ ફેલાવા લાગ્યો.

૧૨ એ પછી ચાર્લ્સ ટી. રસેલ અને તેમની સાથેના બીજા ભાઈઓ બાઇબલમાંથી પૂરા જોશથી શોધખોળ કરવા લાગ્યા. એ જાણે એવું હતું કે હાડકાં પર “સ્નાયુઓ અને માંસ” આવી ગયાં હોય. ઝાયન્સ વૉચ ટાવર અને બીજા સાહિત્યથી નેક દિલના લોકોને બાઇબલનું સત્ય શીખવા ઘણી મદદ મળી. એટલે તેઓ અભિષિક્ત લોકો સાથે મળીને યહોવાની ભક્તિ કરવા લાગ્યા. ૧૯૦૦ની શરૂઆતમાં ધ ફિનિસ્ડ મિસ્ટ્રી પુસ્તક, “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન” અને એના જેવા સાહિત્યથી યહોવાના અભિષિક્ત લોકોની શ્રદ્ધા હજુ મજબૂત થઈ. એના થોડા વખત પછી યહોવાનો એ સમય આવી પહોંચ્યો કે તેમના લોકો “પોતાના પગ પર ઊભા” થાય. (હઝકિ. ૩૭:૧૦) એવું ક્યારે અને કઈ રીતે બન્યું? એનો જવાબ મેળવવા જૂના જમાનાના બાબેલોનમાં જે બનાવો બન્યા એ મદદ કરશે.

“તેઓ જીવતા થવા લાગ્યા અને પોતાના પગ પર ઊભા થઈ ગયા”

૧૩. (ક) હઝકિયેલ ૩૭:૧૦, ૧૪ની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થવા લાગી? (ખ) કઈ કલમો બતાવે છે કે દસ કુળના લોકો ઇઝરાયેલ આવ્યા?

૧૩ ઈ.સ. પૂર્વે ૫૩૭માં બાબેલોનમાં રહેતા યહૂદીઓએ હાડકાંનું દર્શન પૂરું થતા જોયું. કઈ રીતે? યહોવાએ તેઓને ગુલામીમાંથી છોડાવ્યા અને તેઓના વતન પાછા લઈ ગયા. આ રીતે જાણે યહોવાએ તેઓને જીવતા કર્યા અને તેઓને “પોતાના પગ પર ઊભા” કર્યા. ગુલામીમાંથી પાછા આવેલા લોકોમાં ૪૨,૩૬૦ ઇઝરાયેલીઓ અને આશરે ૭,૦૦૦ બીજી પ્રજાના લોકો હતા. તેઓએ યરૂશાલેમ અને એનું મંદિર બાંધ્યું ને ઇઝરાયેલમાં રહેવા લાગ્યા. (એઝ. ૧:૧-૪; ૨:૬૪, ૬૫; હઝકિ. ૩૭:૧૪) લગભગ ૭૦ વર્ષ પછી એઝરા બાબેલોનથી યરૂશાલેમ આવ્યા. તેમની સાથે આશરે ૧,૭૫૦ લોકો પણ આવ્યા. (એઝ. ૮:૧-૨૦) આ રીતે ૪૪,૦૦૦થી પણ વધારે યહૂદીઓ યરૂશાલેમ પાછા આવ્યા. કેટલું “મોટું સૈન્ય!” (હઝકિ. ૩૭:૧૦) બાઇબલ જણાવે છે કે એ સિવાય દસ કુળના અમુક લોકો પણ યરૂશાલેમ આવ્યા. તેઓએ મંદિર બાંધવામાં સાથ આપ્યો. ઈ.સ. પૂર્વે આઠમી સદીમાં આશ્શૂરીઓ જેઓને ગુલામ બનાવીને લઈ ગયા હતા, તેઓના વંશજ આ લોકો હતા.—૧ કાળ. ૯:૩; એઝ. ૬:૧૭; યર્મિ. ૩૩:૭; હઝકિ. ૩૬:૧૦.

૧૪. (ક) હઝકિયેલ ૩૭:૨૪થી કઈ રીતે ખબર પડે છે કે હાડકાં વિશેની ભવિષ્યવાણી મોટા પાયે ક્યારે પૂરી થશે? (ખ) ૧૯૧૯માં શું થયું? (“‘સુકાઈ ગયેલાં હાડકાઓ’ અને ‘બે સાક્ષીઓ’ વચ્ચે શું સંબંધ છે?” બૉક્સ પણ જુઓ.)

૧૪ હાડકાં વિશેની ભવિષ્યવાણી બતાવે છે કે યહોવાના લોકો જીવતા થશે. તેઓ પોતાના પગ પર ઊભા થશે અને તેઓનું એક મોટું સૈન્ય બનશે. એ ભવિષ્યવાણી મોટા પાયે કઈ રીતે પૂરી થઈ? એનો જવાબ આપણને એની સાથે જોડાયેલી એક ભવિષ્યવાણીમાં મળે છે. એ જણાવે છે કે મહાન દાઉદ ઈસુ રાજ કરવાનું શરૂ કરે, એના થોડા જ સમય પછી યહોવાની ભક્તિ ફરી શરૂ થવા વિશેની ભવિષ્યવાણી મોટા પાયે પૂરી થશે. * (હઝકિ. ૩૭:૨૪) બરાબર એ ભવિષ્યવાણી પ્રમાણે જ થયું. ૧૯૧૯માં યહોવાએ પોતાના લોકોને પવિત્ર શક્તિ આપી. તેઓ જાણે કે “જીવતા થવા લાગ્યા” અને મહાન બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા. (યશા. ૬૬:૮) પછી યહોવાએ પોતાના લોકોને તેઓના “દેશમાં” વસાવ્યા. એનો અર્થ થાય કે તેઓ ફરીથી યહોવાની ભક્તિ કરવા લાગ્યા. પણ કઈ રીતે તેઓનું “મોટું સૈન્ય” બન્યું?

૧૫, ૧૬. (ક) આપણા સમયમાં યહોવાના લોકોનું “મોટું સૈન્ય” કઈ રીતે બન્યું? (ખ) હઝકિયેલની આ ભવિષ્યવાણીથી કઈ રીતે હિંમત મળે છે? (“આપણા પગ પર ઊભા રહેવા માટે મદદ” બૉક્સ જુઓ.)

૧૫ ઈસુ ખ્રિસ્તે ૧૯૧૯માં વિશ્વાસુ ચાકર પસંદ કર્યો. એ પછી ઈશ્વરભક્તોએ જોયું કે પ્રબોધક ઝખાર્યાએ જે કીધું હતું, એ પૂરું થવા લાગ્યું. ઝખાર્યા જૂના જમાનામાં ગુલામીમાંથી પાછા ફરેલા ઇઝરાયેલી લોકો વચ્ચે પ્રબોધક હતા. ઝખાર્યાએ કહ્યું હતું: ‘ઘણી પ્રજાઓ અને શક્તિશાળી દેશો ઈશ્વર યહોવાની સેવા કરવા આવશે.’ પ્રબોધક તેઓ વિશે આમ કહે છે: “બધી ભાષાઓ અને પ્રજાઓમાંથી દસ માણસો આવશે.” એ માણસો ‘એક યહૂદીને,’ એટલે કે ઈશ્વરના ઇઝરાયેલને પકડીને કહેશે, “અમે તમારી સાથે આવવા માંગીએ છીએ, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.”—ઝખા. ૮:૨૦-૨૩; ગલા. ૬:૧૬.

૧૬ આજે યહોવાના લોકોનું “એકદમ મોટું સૈન્ય” છે. તેઓની સંખ્યા લાખોમાં છે. (હઝકિ. ૩૭:૧૦) એ સૈન્ય ઈશ્વરના ઇઝરાયેલનું (બાકી રહેલા અભિષિક્તોનું) બનેલું છે. એમાં “દસ માણસો” (બીજાં ઘેટાં) પણ છે. આપણે ઈસુ ખ્રિસ્તના સૈનિકો છીએ. એટલે આપણા રાજાની બધી જ આજ્ઞાઓ માનીએ છીએ. આપણને જે આશીર્વાદોનું વચન આપવામાં આવ્યું હતું, એ આશીર્વાદો જલદી જ મળશે.—ગીત. ૩૭:૨૯; હઝકિ. ૩૭:૨૪; ફિલિ. ૨:૨૫; ૧ થેસ્સા. ૪:૧૬, ૧૭.

૧૭. આપણે આવતા લેખમાં શું જોઈશું?

૧૭ યહોવાની શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ થઈ. એની સાથે સાથે ઈશ્વરભક્તો પર એક ખાસ જવાબદારી આવી. કઈ જવાબદારી? એનો જવાબ જાણવા યાદ કરીએ કે યરૂશાલેમના નાશ પહેલાં યહોવાએ હઝકિયેલને કઈ જવાબદારી આપી હતી. એના વિશે આવતા લેખમાં ચર્ચા કરીશું.

^ હઝકિયેલે દર્શનમાં લોકોનાં હાડકાં જોયાં. એ લોકો આમને આમ મરી ગયા ન હતા. તેઓ તો “માર્યા ગયેલા લોકો” હતા. (હઝકિ. ૩૭:૯) એનાથી ખબર પડે છે કે ‘આખા ઇઝરાયેલના લોકોની’ હાલત કેમ એવી થઈ ગઈ હતી. દસ કુળના ઇઝરાયેલ રાજ્યના લોકોને આશ્શૂરીઓ ગુલામ બનાવીને લઈ ગયા. બે કુળના યહૂદા રાજ્યના લોકોને બાબેલોનીઓ ગુલામ બનાવીને લઈ ગયા હતા. આ રીતે આખા ઇઝરાયેલના લોકોને જાણે મારી નાખવામાં આવ્યા. એનો અર્થ થાય કે તેઓનો યહોવા સાથેનો સંબંધ તૂટી ગયો.

^ આ પુસ્તકના આઠમા પ્રકરણમાં મસીહ વિશેની ભવિષ્યવાણી આપી છે.