સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧૯૧૯નું મહાસંમેલન યાદગાર હતું. એનાથી પાકો પુરાવો મળ્યો કે ઈશ્વરભક્તોને મહાન બાબેલોનની ગુલામીમાંથી આઝાદ કરવામાં આવ્યા હતા

બૉક્સ ૯-ખ

૧૯૧૯ જ કેમ?

૧૯૧૯ જ કેમ?

આપણે શાના પરથી એવું કહીએ છીએ કે ૧૯૧૯માં યહોવાના ભક્તો મહાન બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા? બાઇબલની ભવિષ્યવાણીઓ અને આપણા ઇતિહાસના અમુક બનાવો પરથી આપણે એવું કહીએ છીએ.

ઈસુ સ્વર્ગમાં ૧૯૧૪ની સાલમાં રાજા બન્યા. બાઇબલની ભવિષ્યવાણીઓ અને આપણા ઇતિહાસના બનાવો એ સાબિત કરે છે. એ સમયથી શેતાનની આ દુષ્ટ દુનિયાના છેલ્લા દિવસો શરૂ થયા. ઈસુએ રાજા બન્યા પછી શું કર્યું? શું તેમણે મહાન બાબેલોનની ગુલામીમાંથી ઈશ્વરભક્તોને આઝાદ કર્યા? શું તેમણે ૧૯૧૪માં “વિશ્વાસુ અને સમજુ ચાકર” પસંદ કર્યો? શું તેમણે કાપણીનું જોરદાર કામ ત્યારથી જ શરૂ કરી દીધું?—માથ. ૨૪:૪૫.

પુરાવા બતાવે છે કે ઈસુએ એ બધું ૧૯૧૪માં કર્યું ન હતું. પ્રેરિત પિતરે જણાવ્યું કે ન્યાય કરવાની શરૂઆત “ઈશ્વરના મંડળથી” થશે. (૧ પિત. ૪:૧૭) માલાખીએ પણ એવી જ કંઈક ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે યહોવા ‘કરારના સંદેશવાહક,’ એટલે કે પોતાના દીકરા સાથે મંદિરમાં આવશે. (માલા. ૩:૧-૫) પછી ઈશ્વરભક્તોને શુદ્ધ કરવાનો અને તેઓની પરખ કરવાનો સમય શરૂ થશે. શું એ ભવિષ્યવાણીઓ પ્રમાણે થયું?

ઇતિહાસ બતાવે છે કે એ ભવિષ્યવાણીઓમાં જે કીધું હતું એમ જ થયું. ૧૯૧૪થી ૧૯૧૯ની શરૂઆત સુધી બાઇબલ વિદ્યાર્થીઓની ઘણી કસોટીઓ થઈ અને તેઓને શુદ્ધ કરવામાં આવ્યા. એ સમયે યહોવાના સાક્ષીઓ બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા હતા. તેઓમાંના ઘણાને આશા હતી કે ૧૯૧૪માં દુષ્ટ દુનિયાનો અંત આવશે. પણ જ્યારે એમ ન થયું ત્યારે તેઓ નિરાશ થઈ ગયા. એ સમયે ભાઈ ચાર્લ્સ ટી. રસેલ સંગઠનની આગેવાની લેતા હતા. ૧૯૧૬માં તેમનું મરણ થયું. એનાથી ઈશ્વરભક્તો ખૂબ દુઃખી થયા. અમુક લોકોને ભાઈ રસેલ ખૂબ જ ગમતા હતા. એટલે જ્યારે તેમની જગ્યાએ ભાઈ જોસેફ એફ. રધરફર્ડ આગેવાની લેવા લાગ્યા, ત્યારે તેઓને એ બિલકુલ ન ગમ્યું. તેઓ ભાઈ રધરફર્ડનો વિરોધ કરવા લાગ્યા. ૧૯૧૭માં ઈશ્વરભક્તોમાં પક્ષો પડી ગયા અને સંગઠનમાં ભાગલા પડવાની તૈયારી હતી. પછી ૧૯૧૮માં પાદરીઓના ઇશારે ભાઈ રધરફર્ડ અને તેમની સાથે કામ કરનારા સાત ભાઈઓ પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. તેઓ પર ખોટા આરોપો મૂકવામાં આવ્યા અને તેઓને જેલમાં નાખી દેવામાં આવ્યા. બ્રુકલિનમાં આપણું મુખ્યમથક બંધ કરી દેવામાં આવ્યું. આ બનાવો પરથી ખબર પડે છે કે એ સમય સુધી ઈશ્વરના લોકો મહાન બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા ન હતા.

૧૯૧૯માં શું થયું? અચાનક બધું બદલાઈ ગયું. ૧૯૧૯ની શરૂઆતમાં ભાઈ રધરફર્ડ અને બીજા સાત ભાઈઓને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા. તેઓ છૂટીને તરત જ કામમાં લાગી ગયા. જલદી જ એક યાદગાર મહાસંમેલનની ગોઠવણ કરવામાં આવી. સાથે સાથે એક નવા મૅગેઝિન ધ ગોલ્ડન એજની તૈયારી પૂરજોશમાં ચાલુ થઈ ગઈ, જે હવે સજાગ બનો! કહેવાય છે. એ નવું મૅગેઝિન લોકોને સેવાકાર્યમાં આપવા માટે તૈયાર કરવામાં આવ્યું. દરેક મંડળમાં એક વડીલને પસંદ કરવામાં આવ્યા, જે પ્રચારકામની ગોઠવણ કરે અને ભાઈ-બહેનોને પ્રચારકામમાં ઉત્તેજન આપે. એ જ વર્ષે બુલેટિન પત્રિકા બહાર પાડવામાં આવી, જે પ્રચારકામ બરાબર રીતે કરતા શીખવે. એ હવે આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા કહેવાય છે.

એ બધું આટલું ફટાફટ કેમ થયું? ઈસુએ ૧૯૧૯માં ઈશ્વરભક્તોને મહાન બાબેલોનની ગુલામીમાંથી છોડાવ્યા. એ જ વર્ષે ઈસુએ વિશ્વાસુ અને સમજુ ચાકરને પસંદ કર્યો. કાપણીનો સમય શરૂ થઈ ગયો. એ સમયથી કાપણીનું કામ વીજળીની ઝડપે વધતું ગયું.