સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૯

“જ્યાં નદી વહેશે, ત્યાં જીવન લાવશે”

“જ્યાં નદી વહેશે, ત્યાં જીવન લાવશે”

હઝકિયેલ ૪૭:૯

ઝલક: મંદિરમાંથી વહેતી નદીની ભવિષ્યવાણી પહેલાંના જમાનામાં કઈ રીતે પૂરી થઈ? એ આજે કઈ રીતે પૂરી થાય છે અને ભાવિમાં કઈ રીતે પૂરી થશે?

૧, ૨. હઝકિયેલ ૪૭:૧-૧૨ પ્રમાણે હઝકિયેલ શું જુએ છે? દૂતે તેમને શું જણાવ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

 હઝકિયેલે મંદિરનું જે દર્શન જોયું હતું, એનો ફરીથી વિચાર કરો. તે એમાં બીજો એક જોરદાર બનાવ જુએ છે. તે જુએ છે કે મંદિરમાંથી પાણી વહેતું હતું. કલ્પના કરો, એ વહેતી નદીની સાથે સાથે હઝકિયેલ આગળ વધે છે. એનું પાણી એકદમ ચોખ્ખું છે. (હઝકિયેલ ૪૭:૧-૧૨ વાંચો.) એ પાણી મંદિરના ઉંબરા નીચેથી નીકળે છે અને મંદિરના પૂર્વ તરફના દરવાજાથી આગળ વહે છે. એક દૂત હઝકિયેલની સાથે છે. તે હઝકિયેલને મંદિરથી થોડે દૂર લઈ જાય છે. તેઓ જેમ જાય છે, તેમ દૂત એનું અંતર માપે છે. દૂત હઝકિયેલને વચ્ચે વચ્ચે પાણીમાંથી પસાર થવા કહે છે. હઝકિયેલને લાગે છે કે જેમ જેમ તેઓ આગળ વધે છે, તેમ તેમ પાણી ઝડપથી વધી રહ્યું છે અને ઊંડું થઈ રહ્યું છે. એક ઝરણામાંથી એ ખળખળ વહેતી મોટી નદી થઈ જાય છે. પછી હઝકિયેલ એમાંથી પસાર થઈ શકતા નથી, સિવાય કે તે એમાં તરવા લાગે.

દૂતે હઝકિયેલને જણાવ્યું કે એ નદી મૃત સરોવરમાં મળી જાય છે. પછી એ નદી સરોવરનું ખારું પાણી મીઠું કરી નાખે છે. આમ જોવા જઈએ તો, મૃત સરોવરમાં કંઈ જીવતું ન રહે. પણ એ નદી સરોવરમાં મળે પછી, એ સરોવર ઢગલેબંધ માછલીઓનું ઘર થઈ જાય છે. હઝકિયેલ જુએ છે કે નદીના બંને કિનારે જાતજાતનાં લીલાંછમ વૃક્ષો છે. એના પર દર મહિને નવાં ફળ આવે છે. એનાં પાંદડાં દવા માટે છે. આ બધું જોઈને હઝકિયેલ કેટલા ખુશ થઈ ગયા હશે! તેમના દિલને કેટલી ઠંડક વળી હશે કે ભાવિમાં બધું સારું થઈ જશે! પણ દર્શનમાં જોયેલી નદીનો હઝકિયેલ માટે શું અર્થ થતો હતો? ગુલામીમાં રહેતા બીજા યહૂદીઓ માટે એનો શું અર્થ થતો હતો? આપણા માટે એનો શું અર્થ થાય છે? ચાલો જોઈએ.

એ નદીનો ગુલામીમાં રહેતા લોકો માટે શું અર્થ થતો હતો?

૩. પહેલાંના સમયના યહૂદીઓ હઝકિયેલે જોયેલી નદીને કેમ સાચૂકલી માનતા ન હતા?

પહેલાંના સમયના યહૂદીઓ હઝકિયેલે જોયેલી નદીને સાચૂકલી માનતા ન હતા. એનાથી તેઓને યહોવાની ભક્તિ ફરી શરૂ થવા વિશેની એક ભવિષ્યવાણી યાદ આવી હશે. એ ભવિષ્યવાણી તેઓના સમયથી ૨૦૦ વર્ષ અગાઉ પ્રબોધક યોએલે કરી હતી. (યોએલ ૩:૧૮ વાંચો.) ગુલામીમાં રહેતા યહૂદીઓ યોએલની ભવિષ્યવાણી વાંચીને શું સમજ્યા હશે? તેઓ એવું સમજ્યા ન હતા કે સાચે જ પહાડોમાંથી “મીઠો દ્રાક્ષદારૂ ટપકશે,” ટેકરીઓ પર “દૂધની ધારા વહેશે,” કે પછી “યહોવાના મંદિરમાંથી” ઝરણું ફૂટી નીકળશે. એ જ રીતે, હઝકિયેલના સમયમાં પણ તેમની સાથેના યહૂદીઓ સમજ્યા હશે કે તે કંઈ સાચૂકલી નદીની વાત કરતા ન હતા. * તો પછી યહોવા આ દર્શનથી કયો સંદેશો આપવા માંગતા હતા? શાસ્ત્ર આપણને આ દર્શનના અમુક ભાગની ચોખ્ખી સમજણ મેળવવા મદદ કરે છે. એમાં આપણને ત્રણ મુખ્ય મુદ્દા જોવા મળશે. એ આપણને પાકી ખાતરી આપશે કે યહોવા પોતાના લોકોને કેટલો પ્રેમ કરે છે.

૪. (ક) યહૂદીઓએ નદીના દર્શન વિશે સાંભળ્યું ત્યારે તેઓએ કેવા આશીર્વાદો મેળવવાની કલ્પના કરી હશે? (ખ) બાઇબલની ઘણી કલમોમાં “નદી” અને ‘પાણીના’ દાખલા કેમ આપ્યા છે? (ગ) એનાથી આપણને કઈ રીતે ખાતરી થાય છે કે યહોવા પોતાના લોકોને ચોક્કસ આશીર્વાદો આપશે? (“યહોવાના આશીર્વાદોની નદીઓ” બૉક્સ જુઓ.)

આશીર્વાદોની નદી. બાઇબલ યહોવાના આશીર્વાદો વિશે જણાવે છે. એ સમજાવવા ઘણી કલમોમાં નદી અને પાણીના દાખલા આપવામાં આવ્યા છે. નદી સતત વહેતી રહે છે. એવી જ રીતે, યહોવા પોતાના લોકો પર હંમેશાં આશીર્વાદો વરસાવતા રહેશે. હઝકિયેલે દર્શનમાં જે નદી જોઈ, એનાથી યહૂદીઓ શું સમજ્યા હશે? એ જ કે જો તેઓ પૂરાં દિલથી યહોવાની ભક્તિ કરતા રહે, તો તે તેઓને અઢળક આશીર્વાદો આપતા રહેશે. કયા આશીર્વાદો? એક તો એ કે યાજકો તેઓને ફરીથી યહોવાનાં વચનો શીખવશે. તેઓ યહોવાના મંદિરમાં અર્પણો ચઢાવશે ત્યારે પૂરી ખાતરી રાખી શકશે કે યહોવા તેઓનાં પાપ ચોક્કસ માફ કરશે. (હઝકિ. ૪૪:૧૫, ૨૩; ૪૫:૧૭) તેઓ યહોવાની નજરમાં ફરીથી શુદ્ધ થશે, જાણે મંદિરમાંથી વહેતી નદીના પાણીથી શુદ્ધ કરવામાં આવ્યા હોય.

૫. નદીના દર્શન વિશે જાણીને યહૂદીઓની ચિંતા કેમ દૂર થઈ ગઈ હશે?

યહૂદીઓ પોતાના વતન પાછા ફર્યા ત્યારે તેઓને કદાચ થતું હશે: યહોવા બધાને અઢળક આશીર્વાદો આપશે કે કેમ? જો તેઓને આ વાતની ચિંતા થતી હોય, તો નદીના દર્શનથી એ ચિંતા દૂર થઈ ગઈ હશે. દર્શનમાં મંદિરમાંથી જે થોડું થોડું પાણી નીકળતું હતું, એ આગળ જતાં ઊંડું થતું ગયું. એ પાણી ખાલી બે કિલોમીટરમાં જ ખળખળ વહેતી નદી બની ગયું. (હઝકિ. ૪૭:૩-૫) તેઓ ફરીથી પોતાના વતનમાં જઈને રહેવા લાગે ત્યારે ભલેને વસ્તી ગમે એટલી વધે, પણ તેઓને યહોવાના આશીર્વાદોની ક્યારેય ખોટ નહિ પડે. નદીના દર્શનથી તેઓને ભરોસો બેઠો હશે કે તેઓને હંમેશાં ભરપૂર આશીર્વાદો મળતા રહેશે.

૬. (ક) ભવિષ્યવાણીમાંથી લોકોને કેવી હિંમત મળી હતી? (ખ) દર્શનમાં કઈ ચેતવણી હતી? (ફૂટનોટ પણ જુઓ.)

જીવન આપનાર પાણી. દર્શનમાં આપણે જોયું કે મંદિરમાંથી વહેતી નદી જઈને મૃત સરોવરને મળે છે. એનાથી સરોવરનું ખારું પાણી મીઠું થઈ જાય છે. પછી મોટા સમુદ્ર, એટલે કે ભૂમધ્ય સમુદ્રની માછલીઓની જેમ, એમાં જાતજાતની ઢગલાબંધ માછલીઓ દેખાય છે. અરે, મૃત સરોવરના કિનારે બે શહેરો વચ્ચે માછલીઓનો મોટો વેપાર શરૂ થાય છે. એ બે શહેરો તો એકબીજાથી ઘણે દૂર દૂર આવેલાં હતાં. દૂત કહે છે: “જ્યાં નદી વહેશે, ત્યાં જીવન લાવશે.” શું એનો મતલબ એમ થાય કે એ નદીનું પાણી આખા મૃત સરોવરમાં ફરી વળશે? ના. દૂત સમજાવે છે કે જીવન આપનાર નદીનું પાણી ખાબોચિયાં સુધી પહોંચશે નહિ. એ તો ‘ખારા’ રહેશે. * (હઝકિ. ૪૭:૮-૧૧) એ ભવિષ્યવાણી લોકોને હિંમત આપતી હતી કે યહોવાની ભક્તિ ચોક્કસ ફરી શરૂ થશે. એ સાંભળીને લોકોની રગેરગમાં જોશ ભરાઈ ગયો હશે. સાથે સાથે એ ભવિષ્યવાણીમાં ચેતવણીનો સૂર પણ સંભળાય છે: બધું જ પાણી મીઠું નહિ થાય. એનો અર્થ કે બધા જ લોકો યહોવાના આશીર્વાદની કદર નહિ કરે. એટલે તેઓને એનો કોઈ ફાયદો નહિ થાય.

૭. નદી કિનારે લાગેલાં વૃક્ષોથી યહૂદીઓને કઈ વાતની ખાતરી થઈ હશે?

ખાવાનું અને દવા આપતાં વૃક્ષો. દર્શનમાં નદી કિનારે જાતજાતનાં વૃક્ષો છે. એ જોઈને આંખોને કેટલી ઠંડક વળે છે! હઝકિયેલ અને બીજા યહૂદીઓ માટે એ વૃક્ષોનો શું મતલબ થતો હતો? દર્શનમાં બતાવ્યું હતું કે એ વૃક્ષો પર દર મહિને નવાં ફળ લાગશે. એનાથી યહૂદીઓને ખાતરી થઈ હશે કે યહોવા તેઓને ખોરાક આપતા રહેશે. એનો અર્થ એ કે તેઓને પોતાનું શિક્ષણ આપતા રહેશે. એ વૃક્ષોથી બીજો પણ એક ફાયદો થશે. એનાં પાંદડાં “દવા માટે હશે.” (હઝકિ. ૪૭:૧૨) કઈ રીતે? યાદ કરો, યહોવા સાથે તેઓનો સંબંધ કમજોર થઈ ગયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ બીમાર થઈ ગયા હતા. યહોવાને ખબર હતી કે યહૂદીઓ પોતાના વતન પાછા આવે પછી તેઓને મદદની જરૂર પડશે. તેઓએ યહોવા સાથેનો પોતાનો સંબંધ મજબૂત કરવો પડશે. એવી જ મદદ કરવાનું યહોવાએ વચન આપ્યું. યહોવાએ તેઓને કઈ રીતે મદદ કરી, એના વિશે આપણે ૯મા પ્રકરણમાં જોઈ ગયા. યહોવાની ભક્તિ ફરી શરૂ થશે એ વિશે એમાં આપણે બીજી ભવિષ્યવાણીઓ જોઈ ગયા.

૮. હઝકિયેલનું આ દર્શન મોટા પાયે પૂરું થશે, એ શાના પરથી કહી શકાય?

આપણે ૯મા પ્રકરણમાં બીજું શું જોયું? આપણે જોયું કે ગુલામીમાંથી પાછા ફરેલા લોકોએ આવી ભવિષ્યવાણીઓ જીવનમાં સાચી પડતા જોઈ હતી. પણ એ નાના પાયે પૂરી થઈ હતી. કેમ એવું? એનું કારણ ખુદ ઇઝરાયેલી લોકો હતા. તેઓ પોતાના વતન પાછા ફર્યા, એ પછી તેઓ યહોવાને ભૂલી જવા લાગ્યા. તેઓ તેમની આજ્ઞા પાળવાનું ચૂકી જવા લાગ્યા. ધીમે ધીમે યહોવાની ભક્તિમાં તેઓનો જોશ ઠંડો પડી જવા લાગ્યો. એવા લોકોને યહોવા કઈ રીતે આશીર્વાદ આપે! એ જોઈને વફાદાર ઈશ્વરભક્તોનું દિલ રડી ઊઠ્યું. તેઓ બેવફા ઈશ્વરભક્તોનાં વાણી-વર્તન જોઈને એકદમ નિરાશ થઈ ગયા. તોપણ સાચા ઈશ્વરભક્તો જાણતા હતા કે યહોવાનું દરેક વચન સાચું પડશે. એમાંનું એક પણ વચન નિષ્ફળ જશે નહિ. (યહોશુઆ ૨૩:૧૪ વાંચો.) એટલે તેઓને ભરોસો હતો કે હઝકિયેલનું આ દર્શન એક દિવસ મોટા પાયે પૂરું થશે. પણ ક્યારે?

નદી આજે પણ વહે છે!

૯. મંદિરના દર્શનની ભવિષ્યવાણી મોટા પાયે ક્યારે પૂરી થશે?

આ પુસ્તકના પ્રકરણ ૧૪માં શું જોયું? આપણે જોયું કે મંદિરના દર્શનની ભવિષ્યવાણી “છેલ્લા દિવસોમાં” મોટા પાયે પૂરી થાય છે. આપણા સમયમાં યહોવાની ભક્તિ એટલી જોરશોરથી થઈ રહી છે, જેવી પહેલાં ક્યારેય નથી થઈ. (યશા. ૨:૨) હઝકિયેલનું એ દર્શન આજે કઈ રીતે પૂરું થાય છે?

૧૦, ૧૧. (ક) યહોવાના આશીર્વાદોની નદી વહે છે, એનો લાભ આપણને કઈ રીતે મળે છે? (ખ) છેલ્લા દિવસોમાં યહોવાના એ આશીર્વાદો કઈ રીતે વધતા જાય છે?

૧૦ આશીર્વાદોની નદી. યહોવાના મંદિરમાંથી સતત પાણી વહેતું હતું. એવી જ રીતે, આજે યહોવાના આશીર્વાદોની નદી વહે છે, જેનો લાભ આપણને મળે છે. યહોવાએ ઘણી બધી ગોઠવણ કરી છે. એનાથી આપણે યહોવા સાથે પાકી દોસ્તી હંમેશાં રાખી શકીએ છીએ. એ ગોઠવણોને લીધે આપણને યહોવાનું શિક્ષણ મળે છે. તેમની ગોઠવણોમાં ખાસ તો ઈસુની કુરબાની છે. એના આધારે જ આપણાં પાપોની માફી મળે છે. એના કારણે જ યહોવા આપણને શુદ્ધ ગણે છે. બાઇબલનું સત્ય પણ જીવન આપનાર પાણી જેવું છે, જે આપણને શુદ્ધ કરે છે. (એફે. ૫:૨૫-૨૭) આજે એ આશીર્વાદોની નદી કઈ રીતે વહે છે?

૧૧ સાલ ૧૯૧૯માં ફક્ત અમુક હજાર યહોવાના સાક્ષીઓ હતા. તેઓને જરૂરી હતું એટલું યહોવાનું શિક્ષણ મળતું રહેતું. એટલે તેઓ સત્યમાં મક્કમ થતા ગયા. એ પછીનાં થોડાં વર્ષોમાં તેઓની સંખ્યા વધવા લાગી. આજે યહોવાના લોકોની સંખ્યા ૮૫ લાખથી પણ વધારે છે. એની સાથે સાથે શું આશીર્વાદોની નદીનું પાણી પણ વધતું જાય છે? હા ચોક્કસ! આપણને બાઇબલના સત્યની કેટલી બધી સમજણ મળી છે! છેલ્લાં સોએક વર્ષોનો વિચાર કરો. આપણને અબજો બાઇબલો, પુસ્તકો, મૅગેઝિનો, પુસ્તિકાઓ અને પત્રિકાઓ મળી છે. આપણે જોઈ ગયા કે હઝકિયેલે દર્શનમાં જોયેલી નદીનું પાણી વધતું ને વધતું જતું હતું. આજે ભગવાન વિશે જાણવાની લોકોની તરસ પણ વધતી જાય છે, એટલે યહોવાનું શિક્ષણ મોટા પાયે પૂરું પાડવામાં આવે છે. બાઇબલની સમજણ આપતું છાપેલું સાહિત્ય લાંબા સમયથી મળે છે. હવે એ ઇલેક્ટ્રોનિક સાધનોમાં આપણી વેબસાઇટ jw.org પર પણ મળે છે. આજે એ ૧,૦૦૦થી પણ વધારે ભાષાઓમાં મળી રહે છે. સત્યનું શિક્ષણ જે નદીની જેમ વહે છે, એની નેક દિલ લોકો પર કેવી અસર થાય છે?

૧૨. (ક) સત્યના સંદેશાથી લોકોને શું ફાયદો થયો છે? (ખ) આ દર્શનથી કઈ ચેતવણી મળે છે? (ફૂટનોટ પણ જુઓ.)

૧૨ જીવન આપનાર પાણી. દૂતે હઝકિયેલને કીધું હતું કે “જ્યાં નદી વહેશે, ત્યાં જીવન લાવશે.” એ આજે કઈ રીતે સાચું પડે છે? આજે લાખો લોકો સુધી સત્યનો સંદેશો પહોંચે છે. તેઓ એ સંદેશો સ્વીકારે છે. તેઓ એવા ‘દેશમાં’ રહે છે, જેમાં બધા યહોવાની ભક્તિ કરે છે. જીવન આપનાર પાણી તેઓનાં દિલમાં ઊતરી જાય છે. સત્ય જાણીને તેઓને જાણે નવું જીવન મળે છે અને તેઓ યહોવાના દોસ્ત બને છે. દર્શનમાંથી એ પણ શીખવા મળે છે કે સમય જતાં અમુક લોકો સત્યનો માર્ગ છોડી દેશે. તેઓ તો મૃત સરોવરનાં કાદવ-કીચડ અને ખાબોચિયાં જેવા છે. તેઓને યહોવાના શિક્ષણની કંઈ પડી નથી. તેઓ એ પ્રમાણે જીવવાનું છોડી દેશે. * ચેતી જઈએ કે આપણને તેઓનો રંગ ન લાગે!—પુનર્નિયમ ૧૦:૧૬-૧૮ વાંચો.

૧૩. દર્શનમાં બતાવેલાં વૃક્ષો પરથી શું શીખવા મળે છે?

૧૩ ખાવાનું અને દવા આપતાં વૃક્ષો. દર્શનમાં નદીના કિનારે આપણે જાતજાતનાં વૃક્ષો જોયાં. એના પરથી ઘણું શીખવા મળે છે. એ વૃક્ષો પર દર મહિને નવાં ફળ લાગે છે. એનાં પાંદડાં દવા માટે છે. (હઝકિ. ૪૭:૧૨) એ યાદ અપાવે છે કે આપણા ઈશ્વર યહોવા કેટલા દરિયાદિલ છે! તે ઉદાર હાથે મદદ કરે છે, જેથી આપણે તેમની દિલથી ભક્તિ કરી શકીએ. એનાથી તેમની સાથેની આપણી દોસ્તી પાકી કરી શકીએ. દુનિયાના મોટા ભાગના લોકો યહોવાની ભક્તિ કરતા નથી. તેઓને બાઇબલના અનમોલ શિક્ષણની કંઈ જ ખબર નથી. પણ યહોવા પોતાના લોકોને કેટલી બધી મદદ કરે છે! આપણાં મૅગેઝિનોમાંથી કોઈ એક લેખ વાંચવાની મજા લઈને તમને કેવું લાગે છે? કોઈ સંમેલન કે મહાસંમેલનને અંતે છેલ્લું ગીત ગાઈને ઝૂમી ઊઠો ત્યારે કેવું લાગે છે? અથવા કોઈ વીડિયો કે બ્રોડકાસ્ટિંગની મજા માણીને કેવું લાગે છે? શું એવું નથી લાગતું કે યહોવાએ આપણને ઘણો બધો આશીર્વાદ આપ્યો છે! સાચે જ યહોવા આપણને તેમની ભક્તિમાં મક્કમ થવા અનેક રીતે મદદ કરે છે. તે આપણને કશાની ખોટ પડવા દેતા નથી. (યશા. ૬૫:૧૩, ૧૪) બાઇબલનાં અનમોલ મોતી જેવાં વચનોની સમજણથી આપણાં જીવન પર કેવી અસર પડે છે? એના લીધે જ તો આપણે સુખચેનથી જીવીએ છીએ અને ખાસ તો યહોવાને દિલોજાનથી પ્રેમ કરીએ છીએ. બાઇબલમાંથી આવી સરસ સલાહ મળે છે. એનાથી આપણે આવાં ખરાબ, નીચ કામો સામે લડી શકીએ છીએ: વ્યભિચાર, લોભ અને શ્રદ્ધાની ખામી. પણ આપણામાંથી જો કોઈ મોટું પાપ કરી બેસે તો શું? એના માટે પણ યહોવાએ એક ગોઠવણ કરી છે, જેથી મોટું પાપ કરનારને મદદ મળે. (યાકૂબ ૫:૧૪ વાંચો.) હઝકિયેલના દર્શનમાં બતાવેલાં વૃક્ષો પરથી શીખવા મળે છે કે યહોવા આપણને કેટલો બધો આશીર્વાદ આપે છે!

૧૪, ૧૫. (ક) કાદવ-કીચડ અને ખાબોચિયાં પરથી કઈ ચેતવણી મળે છે? (ખ) હઝકિયેલના દર્શનની નદીથી આજે કયા આશીર્વાદો મળે છે?

૧૪ આ દર્શનમાંથી આપણને એક ચેતવણી પણ મળે છે. યાદ કરો, જ્યાં કાદવ-કીચડ અને ખાબોચિયાં હતાં, એ જગ્યાનું પાણી મીઠું થયું નહિ, પણ ખારું જ રહ્યું. એનાથી શું શીખીએ છીએ? આપણું દિલ કઠણ ન થવા દઈએ કે યહોવાના આશીર્વાદોનું પાણી આપણા સુધી પહોંચે નહિ. આપણે એવું કંઈ ન કરીએ, જેનાથી યહોવા સાથેની દોસ્તી તૂટી જાય ને આપણે દુનિયાના લોકો જેવા થઈ જઈએ. (માથ. ૧૩:૧૫) આપણે તો એવું ચાહીએ છીએ કે યહોવાના આશીર્વાદોની નદી આપણાં જીવનમાં વહેતી રહે. આજે આપણને ઘણી રીતે એનો ફાયદો મળે છે. જેમ કે, બાઇબલમાંથી યહોવાનાં અનમોલ વચનોની સમજણ મળે છે. બીજા લોકોને પણ એ શીખવવાનો મોકો મળે છે. આપણને માર્ગદર્શન, દિલાસો અને મદદ આપવા માટે વડીલો પણ છે. તેઓને નિયામક જૂથે સરસ શિક્ષણ આપ્યું છે. આ બધી ગોઠવણોનો લાભ ઉઠાવીને આપણે જાણે આશીર્વાદોની નદીનું શુદ્ધ પાણી પીએ છીએ. આટલા બધા આશીર્વાદો માટે આપણે યહોવાનો કેટલો અહેસાન માનીએ છીએ! આ આશીર્વાદોની નદી જ્યાં જ્યાં વહે છે, ત્યાં ત્યાં જીવન લાવે છે. એ ખારાશ દૂર કરે છે અને મીઠાશ લાવે છે.

૧૫ નદીની આ ભવિષ્યવાણી આવનાર નવી દુનિયામાં મોટા પાયે પૂરી થશે. ચાલો જોઈએ કે એ ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડશે.

નવી દુનિયામાં આ ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડશે?

૧૬, ૧૭. (ક) નવી દુનિયામાં જીવનના પાણીથી કઈ રીતે ફાયદો થશે? (ખ) એ વખતે આપણને કયા આશીર્વાદો મળશે?

૧૬ શું તમે નવી દુનિયાની કલ્પના કરો છો? શું તમે પોતાને ત્યાં જુઓ છો? તમે તમારાં સગાં-વહાલાં સાથે છો. તમારા દોસ્તો તમારી સાથે છે. તમે એ જીવનની મજા લઈ રહ્યા છો. હઝકિયેલના દર્શનની વહેતી નદી વિશે જાણીને નવી દુનિયાને આપણી મનની આંખોથી જોઈ શકીએ છીએ. ચાલો ફરીથી એ દર્શનના ત્રણ મુદ્દાનો વિચાર કરીએ, જેમાંથી યહોવાનો પ્રેમ છલકાય છે.

૧૭ આશીર્વાદોની નદી. નવી દુનિયામાં આ નદીનું પાણી વધતું ને વધતું જશે. કઈ રીતે? એ સમયે યહોવા સાથેનો આપણો સંબંધ હજુ વધારે ગાઢ થશે. આપણી તબિયત એકદમ સરસ હશે. ઈસુના હજાર વર્ષના રાજમાં શું થશે? તેમની કુરબાનીના લીધે મળતા આશીર્વાદોનો યહોવાના વફાદાર લોકોને ભરપૂર ફાયદો મળશે. તેઓ ધીરે ધીરે તન-મનથી એકદમ તંદુરસ્ત થઈ જશે. તેઓમાં કોઈ ખામી નહિ રહે. કોઈ બીમાર નહિ હોય. ડૉક્ટર, નર્સ કે હૉસ્પિટલની જરૂર નહિ પડે. અરે, મેડિ-ક્લેઈમની પણ જરૂર નહિ પડે! “મોટી વિપત્તિમાંથી” લાખો-કરોડો લોકોનું “મોટું ટોળું” બચી જશે. જીવન આપનાર પાણી એ લોકોને નવું જીવન આપશે. (પ્રકટી. ૭:૯, ૧૪) આ તો બસ શરૂઆત હશે. એના પછી તો આશીર્વાદ, આશીર્વાદ ને આશીર્વાદ હશે! એ વખતે જાણે ધીમે ધીમે પાણી વહેતું હશે. આગળ જતાં, એ પાણી ખળખળ વહેતી મોટી નદી બની જશે!

નવી દુનિયામાં આશીર્વાદોની નદીના લીધે બધા લોકો યુવાન થશે. તેઓની તબિયત એકદમ મસ્ત હશે (ફકરો ૧૭ જુઓ)

૧૮. નવી દુનિયામાં “જીવનના પાણીની નદી” કેવી રીતે વહેવા લાગશે?

૧૮ જીવન આપનાર પાણી. હજાર વર્ષના રાજ્યમાં “જીવનના પાણીની નદી” ખળખળ વહેવા લાગશે. (પ્રકટી. ૨૨:૧) ગુજરી ગયેલા લાખો-કરોડો લોકોને યહોવા પોતાના રાજ્યમાં જીવતા કરશે. તેઓને નવી દુનિયામાં હંમેશ માટે જીવવાનો મોકો આપશે. બીજા શબ્દોમાં કહીએ તો જીવન આપનાર પાણીથી એવા લોકોને ફાયદો થશે, જેઓ લાંબા સમયથી મરણની ઊંઘમાં છે. (યશા. ૨૬:૧૯) પણ જેઓને મરણમાંથી જીવતા કરવામાં આવશે, તેઓ બધા શું કાયમ માટે જીવશે?

૧૯. (ક) શાના પરથી કહી શકાય કે નવી દુનિયામાં યહોવા પાસેથી નવું નવું શીખવા મળશે? (ખ) ભાવિમાં અમુક લોકો કઈ રીતે ‘ખારા’ પાણી જેવા રહેશે?

૧૯ એ તો દરેકે પોતે પસંદ કરવાનું છે. એ સમયે નવા વીંટા ખોલવામાં આવશે. યહોવા પાસેથી વહેતી નદીમાં આ વીંટાઓમાં રહેલા શિક્ષણનો પણ સમાવેશ થશે. એમાં યહોવા પાસેથી નવું નવું શીખવા મળશે. કેટલી જોરદાર વાત! તોપણ, કેટલાક લોકો જાણીજોઈને યહોવાના નવા શિક્ષણ પ્રમાણે નહિ જીવે. તેઓ મનમાની કરશે અને યહોવાના કહેવા પ્રમાણે નહિ કરે. હજાર વર્ષના રાજમાં પણ અમુક લોકો એવા નીકળશે, જેઓ યહોવાનો વિરોધ કરશે. પણ તેઓને નવી દુનિયામાં ઝેરી હવા ફેલાવવા દેવામાં નહિ આવે. (યશા. ૬૫:૨૦) હઝકિયેલના દર્શનનો વિચાર કરો. યાદ છે, એમાં ખાબોચિયાં જેવી જગ્યા મીઠી થઈ નહિ, એમાં “ખારાશ” રહી. યહોવાનો વિરોધ કરનારા લોકો કેટલા મૂર્ખા છે! તેઓ હઠીલા બનીને જીવનનું શુદ્ધ પાણી પીવાની ના પાડે છે. હજાર વર્ષ પૂરાં થશે ત્યારે, એ બધા બંડખોર લોકો બદમાશ શેતાન સાથે જોડાઈ જશે. પણ યહોવા સામે ટક્કર લેનાર કોઈ બચી શકશે નહિ. એ બધાનો અંત એકસરખો હશે. તેઓને કાયમ માટે, હા, કાયમ માટે ખતમ કરી દેવામાં આવશે.—પ્રકટી. ૨૦:૭-૧૨.

૨૦. નવી દુનિયામાં યહોવા આપણા માટે કઈ ગોઠવણ કરશે?

૨૦ ખાવાનું અને દવા આપતાં વૃક્ષો. યહોવા નથી ચાહતા કે આપણામાંથી કોઈ પણ હંમેશ માટેનું જીવન મેળવવાની તક હાથમાંથી સરકી જવા દે. આપણે દર્શનમાં જોયું કે નદી કિનારે જાતજાતનાં વૃક્ષો હતાં. એનાં પર સારાં ફળ આવતાં હતાં. એનાં પાંદડાં દવા માટે કામ આવતાં હતાં. હજાર વર્ષના રાજમાં પણ યહોવા એવી જ કોઈ ગોઠવણ કરશે. એનાથી આપણું શરીર એકદમ તાજું-માજું થઈ જશે. યહોવા સાથેનો આપણો સંબંધ પણ એકદમ પાકો થઈ જશે. એ ગોઠવણ છે, ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્ત લોકોનું સ્વર્ગમાંથી હજાર વર્ષનું રાજ. અભિષિક્ત લોકો યાજકો તરીકે સેવા કરશે. તેઓ આપણને મદદ કરશે, જેથી આપણે ઈસુની કુરબાનીના આશીર્વાદો મેળવી શકીએ. એના લીધે આપણામાં તન-મનની કોઈ ખામી નહિ હોય. (પ્રકટી. ૨૦:૬) પ્રેરિત યોહાને પણ હઝકિયેલ જેવું જ દર્શન જોયું હતું. (પ્રકટીકરણ ૨૨:૧, ૨ વાંચો.) તેમણે પણ એવાં વૃક્ષો જોયાં, જેનાં પાંદડાં “પ્રજાના લોકોને સાજા કરવા માટે” હતાં. ૧,૪૪,૦૦૦ યાજકો જે સેવા આપશે, એનાથી લાખો-કરોડો લોકોને ઘણા ફાયદા થશે.

૨૧. (ક) દર્શનની નદી વિશે જાણીને તમને કેવું લાગે છે? (“ધીમે ધીમે વહેતું પાણી એક નદી બની જાય છે” બૉક્સ જુઓ.) (ખ) હવે પછીના પ્રકરણમાં શાના વિશે વાત કરીશું?

૨૧ હઝકિયેલે જણાવેલા નદીના દર્શન વિશે વિચાર કરવાથી આપણી આંખોમાં ચમક આવી જાય છે. એ નવી દુનિયા કેટલી જોરદાર હશે! યહોવા પોતાના લોકો પર આશીર્વાદોનો વરસાદ વરસાવશે. કેટલું સારું કે યહોવાએ હજારો વર્ષો પહેલાં એ ભવિષ્યવાણીઓ વિશે લખાવી લીધું. એમ કરીને તેમણે એક ઝલક આપી. તેમણે વર્ષોથી કેટલી બધી ધીરજ રાખી છે! તે લોકોને પ્રેમથી આવકારે છે અને જાણે કહે છે, ‘આવો આવો! નવી દુનિયામાં આવો! ઘણા બધા આશીર્વાદોનો આનંદ લો!’ શું તમને પણ નવી દુનિયામાં જવું છે? કદાચ તમે વિચારો કે શું મને નવી દુનિયામાં જવા મળશે? તમને એનો જવાબ હવે પછીના પ્રકરણમાં મળશે. એમાં હઝકિયેલના પુસ્તકના છેલ્લા અમુક અધ્યાયોની વાત કરીશું.

^ ગુલામીમાં રહેતા યહૂદીઓને ખબર હતી કે તેઓના દેશમાં કઈ જગ્યાએ નદીઓ છે અને કઈ જગ્યાએ પર્વતો છે. દર્શનમાં જોયેલી નદી ઊંચા પર્વત પરના મંદિરમાંથી નીકળતી હતી. પણ એ જગ્યાએ એવો કોઈ ઊંચો પર્વત ન હતો. યહૂદીઓ જાણતા હતા કે યરૂશાલેમથી નીકળીને કોઈ નદી સીધેસીધી મૃત સરોવરમાં મળી જાય, એ શક્ય ન હતું. કેમ નહિ? ત્યાં તો અનેક જગ્યાએ પહાડો આવેલા હતા. એટલે પાણી એના પરથી વહીને સરોવરમાં મળે, એ અશક્ય હતું.

^ બાઇબલના ટીકાકારોનું કહેવું છે કે આ બનાવ સારી વાત જ કરે છે. મીઠું કોઈ ચીજને બગડી જતા રોકે છે. એટલે મૃત સરોવરના વિસ્તારમાં લાંબા સમયથી મીઠાનો ધમધોકાર વેપાર ચાલે છે. પણ ધ્યાન આપો કે અહેવાલ બતાવે છે કે એ ખાબોચિયાં અથવા એ જગ્યાઓ મીઠી થશે નહિ. યહોવાના મંદિરમાંથી વહેતી નદીનું જીવન આપનાર પાણી તેઓ સુધી પહોંચશે નહિ. એટલે તેઓ ‘ખારા જ રહેશે.’ એમાં કોઈ પ્રાણી કે માછલી રહેશે નહિ. આ અહેવાલમાં ખારાશ કોઈ સારી નહિ, પણ ખરાબ વાતને રજૂ કરે છે. —ગીત. ૧૦૭:૩૩, ૩૪; યર્મિ. ૧૭:૬.

^ ઈસુએ મોટી જાળનો દાખલો આપ્યો ત્યારે પણ એવું જ કંઈક કીધું હતું. જાળમાં દરેક પ્રકારની માછલીઓ પકડાય છે. પણ બધી માછલીઓ “સારી” નથી હોતી. ખરાબ માછલીઓ ફેંકી દેવામાં આવે છે. આ દાખલાથી ઈસુ કઈ ચેતવણી આપતા હતા? એ જ કે અમુક લોકો યહોવાના સંગઠનમાં આવશે તો ખરા, પણ સમય જતાં તેઓ ખરાબ માછલીઓ જેવા થઈ જશે.—માથ. ૧૩:૪૭-૫૦; ૨ તિમો. ૨:૨૦, ૨૧.