સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨૦

“દેશની વહેંચણી કરો અને એનો વારસો લો”

“દેશની વહેંચણી કરો અને એનો વારસો લો”

હઝકિયેલ ૪૫:૧

ઝલક: જમીનની વહેંચણીનો શું અર્થ થાય છે?

૧, ૨. (ક) યહોવાએ હઝકિયેલને શું બતાવ્યું? (ખ) આપણે કયા સવાલોના જવાબ જોઈશું?

 હઝકિયેલે હમણાં જ એક દર્શન જોયું. એનાથી તેમને મૂસા અને યહોશુઆનો જમાનો યાદ આવ્યો હશે. લગભગ ૯૦૦ વર્ષ પહેલાં યહોવાએ મૂસાને બતાવ્યું હતું કે વચનના દેશની સરહદો કેટલેથી કેટલે સુધી છે. પછી યહોવાએ યહોશુઆને બતાવ્યું કે દેશની જમીન ઇઝરાયેલનાં કુળોને કઈ રીતે વહેંચી આપવાની છે. (ગણ. ૩૪:૧-૧૫; યહો. ૧૩:૭; ૨૨:૪, ૯) પછી ઈ.સ. પૂર્વે ૫૯૩માં શું થયું? યહોવાએ હઝકિયેલ અને ગુલામીમાં રહેતા યહૂદીઓને શું કીધું? એ જ કે ફરીથી વચનના દેશની જમીન ઇઝરાયેલનાં કુળોને વહેંચી આપવામાં આવે.—હઝકિ. ૪૫:૧; ૪૭:૧૪; ૪૮:૨૯.

હઝકિયેલ અને યહૂદીઓ માટે એ દર્શનનો શું અર્થ થતો હતો? આજે ઈશ્વરના લોકોને એ દર્શન વિશે જાણીને કેમ ખુશી થાય છે? આ ભવિષ્યવાણી ભાવિમાં મોટા પાયે પૂરી થશે ખરી?

ચાર આશીર્વાદોનું વચન

૩, ૪. (ક) યહોવાએ હઝકિયેલના છેલ્લા દર્શનમાં કયાં ચાર વચનો આપ્યાં? (ખ) આ પ્રકરણમાં આપણે કયા વચન વિશે જોઈશું?

હઝકિયેલે જોયેલું આ છેલ્લું દર્શન હતું. એના વિશે હઝકિયેલના પુસ્તકના છેલ્લા નવ અધ્યાયો જણાવે છે. (હઝકિ. ૪૦:૧–૪૮:૩૫) ગુલામીમાં રહેતા લોકોને આ દર્શન દ્વારા ચાર આશીર્વાદોનું વચન આપવામાં આવ્યું. તેઓને જણાવવામાં આવ્યું કે જ્યારે તેઓ પોતાના વતન પાછા જશે, ત્યારે તેઓને કેટલા બધા આશીર્વાદો મળશે. પહેલું વચન, યહોવાની ભક્તિ અગાઉની જેમ તેમના મંદિરમાં ફરીથી શરૂ થશે. બીજું વચન, યહોવાનાં ઊંચાં ધોરણો પ્રમાણે જીવનારા યાજકો અને આગેવાનો ફરીથી ઇઝરાયેલી લોકોની દેખરેખ રાખશે. ત્રીજું વચન, દરેકને દેશની જમીનનો અમુક ભાગ વારસા તરીકે ચોક્કસ મળશે. ચોથું વચન, યહોવા તેઓની સાથે હશે, જાણે તેઓની વચ્ચે રહેશે.

આ પુસ્તકનાં પ્રકરણ ૧૩ અને ૧૪માં પહેલા અને બીજા વચન વિશે જણાવ્યું હતું. એમાં સમજાવ્યું હતું કે ઈશ્વરની ભક્તિ કઈ રીતે ફરી શરૂ થશે અને નેક દિલ આગેવાનો કઈ રીતે યહોવાના લોકોની દેખરેખ રાખશે. આ પ્રકરણમાં આપણે ત્રીજા વચન વિશે જોઈશું, જે વારસા તરીકે જમીન વહેંચી આપવા વિશે જણાવે છે. આના પછીના પ્રકરણમાં ચોથા વચન વિશે જોઈશું, જે જણાવે છે કે કઈ રીતે યહોવા પોતાના લોકોની વચ્ચે રહેશે.—હઝકિ. ૪૭:૧૩-૨૧; ૪૮:૧-૭, ૨૩-૨૯.

‘આ દેશ તમને વારસા તરીકે આપું છું’

૫, ૬. (ક) દર્શનમાં જે વિસ્તારની જમીન વહેંચી આપવાની વાત થાય છે, એ શાને રજૂ કરતો હતો? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) દર્શનમાં કેમ બતાવવામાં આવ્યું કે જમીનની વહેંચણી કઈ રીતે થશે?

હઝકિયેલ ૪૭:૧૪ વાંચો. યહોવા હઝકિયેલને દર્શનમાં એક મોટો વિસ્તાર બતાવે છે. બહુ જલદી એ વિસ્તાર “એદન બાગ” જેવો સુંદર બની જશે. (હઝકિ. ૩૬:૩૫) યહોવા કહે છે કે “ઇઝરાયેલનાં ૧૨ કુળોને તમે આ વિસ્તાર વારસા તરીકે વહેંચી આપજો.” (હઝકિ. ૪૭:૧૩) એ “વિસ્તાર” શાને રજૂ કરે છે? એ ઇઝરાયેલ દેશને રજૂ કરે છે, જ્યાં યહૂદીઓ ગુલામીમાંથી પાછા ફરીને રહેવા લાગશે. પછી હઝકિયેલ ૪૭:૧૫-૨૧ જણાવે છે તેમ, યહોવાએ શું કીધું? એમાં તેમણે સાફ સાફ જણાવ્યું કે દેશની સરહદ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચારે બાજુ ક્યાંથી ક્યાં સુધી હશે.

યહોવાએ હઝકિયેલને બતાવ્યું કે દેશની જમીન કઈ રીતે વહેંચી આપવામાં આવશે. યહોવાએ કેમ એ દર્શન બતાવ્યું? એનું કારણ એ કે યહોવા હઝકિયેલને અને તેમની સાથે ગુલામીમાં હતા, તેઓને ખાતરી આપવા માંગતા હતા. શાની ખાતરી? એ જ કે તેઓ પોતાના વતન પાછા જશે અને એમાં રહેવા લાગશે. યહોવાએ સાફ સાફ બતાવ્યું કે સરહદો ક્યાંથી ક્યાં સુધી હશે. એ પણ કીધું કે દેશની જમીન ઇઝરાયેલનાં કુળોમાં કઈ રીતે વહેંચી આપવામાં આવશે. જરા કલ્પના કરો, એ બધું સાંભળીને લોકો પોતાના વતન પાછા ફરવા વિશે કેવાં કેવાં સપનાં જોવા લાગ્યા હશે! પણ સવાલ એ થાય કે શું તેઓનાં સપનાં સાચાં પડ્યાં? તેઓ પોતાના વતન પાછા ફર્યા ત્યારે, શું તેઓ દરેકના ભાગે વારસા તરીકે જમીન આવી? હા ચોક્કસ આવી!

૭. (ક) ઈ.સ. પૂર્વે પ૩૭માં શું થવા લાગ્યું? (ખ) આપણા સમયમાં શું બન્યું છે? (ગ) આપણે પહેલા કયા સવાલનો જવાબ જોઈશું?

હઝકિયેલે આ દર્શન જોયું એના આશરે ૫૬ વર્ષો પછી શું થયું? ઈ.સ. પૂર્વે ૫૩૭માં હજારો યહૂદીઓ ગુલામીમાંથી આઝાદ થઈને ઇઝરાયેલ દેશ પાછા આવ્યા અને ત્યાં રહેવા લાગ્યા. આપણા સમયમાં પણ એવું જ કંઈક બને છે. યહોવાના લોકોને જાણે એક “દેશ” વારસામાં આપવામાં આવ્યો છે. એમાં તેઓ પૂરાં દિલથી યહોવાની ભક્તિ કરે છે. પહેલાંના સમયમાં જે રીતે યહોવાની ભક્તિ ફરી શરૂ થઈ, એનો વિચાર કરીએ. એનાથી શીખવા મળશે કે આપણા સમયમાં યહોવાની ભક્તિ કઈ રીતે ફરી શરૂ થઈ. એ જોતા પહેલાં, ચાલો આ સવાલનો જવાબ જોઈએ: “આપણે શાના પરથી કહીએ છીએ કે આજે યહોવાના લોકો જાણે એક ‘દેશમાં’ રહે છે?”

૮. (ક) યહોવાએ ઇઝરાયેલી લોકોને છોડીને કોને પોતાની ખાસ પ્રજા બનાવી? (ખ) યહોવાના લોકોને વારસામાં મળેલો “દેશ” શું છે? (ગ) એ “દેશ” ક્યારે આપવામાં આવ્યો અને એમાં કોણ કોણ રહે છે?

ઘણા સમય પહેલાં યહોવાએ હઝકિયેલને એક દર્શનમાં બતાવ્યું હતું કે તેમનો “સેવક દાઉદ,” એટલે કે ઈસુ ખ્રિસ્ત રાજ કરશે. તેમનું રાજ શરૂ થયા પછી શું બનશે? ઇઝરાયેલ દેશમાં લોકો ફરીથી રહેવા લાગશે, એ વિશેની ભવિષ્યવાણીઓ મોટા પાયે પૂરી થવા લાગશે. (હઝકિ. ૩૭:૨૪) ઈસુને ૧૯૧૪માં રાજા બનાવવામાં આવ્યા. આ બધી ભવિષ્યવાણીઓ મોટા પાયે એના પછી જ પૂરી થવાની શરૂ થઈ હશે. ઇઝરાયેલી લોકો હવે યહોવાના લોકો રહ્યા નહિ. યહોવાએ તેઓને ૧૯૧૪થી ઘણા સમય પહેલાં છોડી દીધા હતા. તેઓના બદલે યહોવાએ અભિષિક્ત લોકોથી બનેલી એક ખાસ પ્રજા પસંદ કરી લીધી. તેઓને ઈશ્વરનું ઇઝરાયેલ કહેવામાં આવે છે. (માથ્થી ૨૧:૪૩; ૧ પિતર ૨:૯ વાંચો.) પછી યહોવાએ ઇઝરાયેલ દેશના બદલે પોતાના લોકોને બીજો એક દેશ રહેવા માટે આપ્યો. (યશા. ૬૬:૮) આ પુસ્તકના પ્રકરણ ૧૭માં જોઈ ગયા તેમ, બાકી રહેલા અભિષિક્ત લોકો ૧૯૧૯થી એ ‘દેશમાં’ રહેવા લાગ્યા. એનો મતલબ એ થાય કે તેઓ એકદમ શુદ્ધ થયા. તેઓ એટલી હદે શુદ્ધ થયા કે તેઓ યહોવાને પસંદ પડે એવી પૂરાં દિલથી ભક્તિ કરી શકે. (“૧૯૧૯ જ કેમ?” બૉક્સ ૯-ક જુઓ.) પછી “બીજાં ઘેટાં,” એટલે કે પૃથ્વી પર રહેવાની આશા રાખનારા ઈશ્વરભક્તો પણ તેઓ સાથે એ ‘દેશમાં’ રહેવા લાગ્યા. તેઓ ભેગા મળીને યહોવાની ભક્તિ કરવા લાગ્યા. (યોહા. ૧૦:૧૬) યહોવાએ પોતાના લોકોને આપેલા આ ‘દેશની’ સરહદો વધતી ને વધતી જાય છે. આજે આપણને એના અનેક આશીર્વાદો મળે છે. પણ એનાથી મળનારા આશીર્વાદોનો ભરપૂર આનંદ આપણે ક્યારે ઉઠાવીશું? એ તો આર્માગેદન પછી આવનારી નવી દુનિયામાં જ મળશે.

જમીનની એકસરખી અને બરાબર રીતે વહેંચણી

૯. યહોવાએ જમીનની વહેંચણી વિશે શું કીધું?

હઝકિયેલ ૪૮:૧, ૨૮ વાંચો. યહોવાએ બતાવ્યું કે ઇઝરાયેલ દેશની સરહદો ક્યાંથી ક્યાં સુધી હશે. એના પછી તેમણે સાફ સાફ જણાવ્યું કે એક પછી એક ઇઝરાયેલનાં કુળોને ક્યાંથી ક્યાં સુધી જમીન મળશે. યહોવાએ કીધું કે ઉત્તરથી દક્ષિણ સુધી ઇઝરાયેલનાં ૧૨ કુળોને એકસરખી અને બરાબર રીતે જમીનનો વારસો વહેંચી આપવામાં આવશે. છેક ઉપર ઉત્તરના છેડે દાન કુળને જમીન આપવામાં આવશે. એના પછી બીજાં કુળોને એક એક કરીને જમીન આપવામાં આવશે. છેક નીચે દક્ષિણના છેડે ગાદ કુળને જમીન આપવામાં આવશે. આ રીતે ૧૨ કુળોને જે જમીનનો વારસો આપવામાં આવ્યો, એ જમણેથી ડાબે સુધી ફેલાયેલો હતો, એટલે કે પૂર્વથી પશ્ચિમ સુધી. ત્યાં મોટો સમુદ્ર, એટલે કે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે.—હઝકિ. ૪૭:૨૦; “જમીનની વહેંચણી” બૉક્સમાં આપેલો નકશો જુઓ.

૧૦. દર્શન વિશે સાંભળીને યહૂદીઓને કેમ ઘણો દિલાસો મળ્યો હશે?

૧૦ ગુલામીમાં રહેતા યહૂદીઓને હઝકિયેલે આ દર્શન વિશે જણાવ્યું. તેમણે કીધું કે કઈ રીતે દેશની જમીનની એકસરખી અને કાયદેસર રીતે વહેંચણી કરવામાં આવશે. હઝકિયેલે તેઓને એ દર્શનની નાનામાં નાની વિગતો જણાવી. એ સાંભળીને યહૂદીઓને કેવું લાગ્યું હશે? તેઓને ઘણો દિલાસો મળ્યો હશે કે પોતાના વતનની જમીન આ રીતે વહેંચી આપવામાં આવશે. એ દર્શનમાં એવું પણ કીધું હતું કે બારેય કુળોને ક્યાંથી ક્યાં સુધીની જમીન મળશે. એ સાંભળીને ગુલામીમાં રહેતા દરેક યહૂદીને કઈ વાતનો પાકો ભરોસો થયો હશે? એ જ કે જ્યારે તેઓ પોતાના વતન પાછા જાય, ત્યારે દરેકને પોતાના હિસ્સાની જમીન વારસા તરીકે ચોક્કસ મળશે. દરેક પાસે પોતપોતાની જગ્યા હશે. કોઈ એવું નહિ હોય, જેની પાસે પોતાની જમીન કે પોતાનું ઘર નહિ હોય.

૧૧. આ દર્શનથી શું શીખવા મળે છે? (“જમીનની વહેંચણી” બૉક્સ જુઓ.)

૧૧ આ દર્શનથી આપણને ઘણું શીખવા મળે છે. યાદ કરો, યહૂદીઓ ગુલામીમાંથી વચનના દેશમાં પાછા આવ્યા ત્યારે શું થયું? એ વખતે યાજકો, લેવીઓ અને આગેવાનોને જમીન આપવામાં આવી. એટલું જ નહિ, બારેય કુળોના બધા લોકોને વારસા તરીકે જમીન આપવામાં આવી. (હઝકિ. ૪૫:૪, ૫, ૭, ૮) એ દેશમાં દરેક ઇઝરાયેલી પાસે પોતાની જમીન હતી. એવી જ રીતે, આજે યહોવાના લોકોના ‘દેશમાં’ બધા માટે જગ્યા છે, જ્યાં તેઓ પૂરાં દિલથી તેમની ભક્તિ કરે છે. એમાં અભિષિક્ત લોકોમાંથી બાકી રહેલા અને ‘મોટા ટોળાના’ આગેવાનો માટે જગ્યા છે. એમાં મોટા ટોળાના બધા ભક્તો માટે પણ જગ્યા છે. * (પ્રકટી. ૭:૯) ભલે આપણે યહોવાના સંગઠનમાં કોઈ નાનું-મોટું કામ કરતા હોઈએ, પણ આપણે દરેક યહોવાની નજરમાં અનમોલ છીએ. યહોવાના સંગઠનમાં બધા મહત્ત્વના છે, એ જાણીને કેટલું સારું લાગે છે!

આપણે સંગઠનમાં જે કંઈ કરીએ છીએ, યહોવા એને ખૂબ જ અનમોલ ગણે છે (ફકરો ૧૧ જુઓ)

બે ખાસ ફરક—એનો આપણા માટે શું અર્થ થાય?

૧૨, ૧૩. જમીનની વહેંચણી વિશે યહોવાએ કઈ આજ્ઞા આપી?

૧૨ યહોવાએ જમીનની વહેંચણી માટે અમુક આજ્ઞાઓ આપી. એ સાંભળીને હઝકિયેલ મૂંઝવણમાં મુકાઈ ગયા હશે. યહોવાએ ઘણા સમય પહેલાં, મૂસાને જે આજ્ઞાઓ આપી હતી, એનાથી આ કંઈક અલગ જ હતી. ચાલો એવા બે ફરક વિશે જોઈએ. એક, જમીન વિશે અને બીજો, ત્યાં રહેનારા લોકો વિશે.

૧૩ પહેલો ફરક, જમીન. જમીનની વહેંચણી વિશે મૂસાને આજ્ઞા આપવામાં આવી હતી કે જે કુળ નાનું હોય, એને ઓછી જમીન આપવામાં આવે અને જે કુળ મોટું હોય, એને વધારે જમીન આપવામાં આવે. (ગણ. ૨૬:૫૨-૫૪) પણ યહોવાએ હઝકિયેલને સાફ સાફ કીધું કે બધાં કુળોને “એકસરખો” ભાગ મળશે. એનો અર્થ થાય કે “દરેકને પોતાના ભાઈ જેટલો વારસો મળશે.” (હઝકિ. ૪૭:૧૪, ફૂટનોટ) બીજા શબ્દોમાં કહીએ તો, દરેક કુળની જમીનનો વારસો છેક ઉત્તરના છેડાથી લઈને દક્ષિણના છેડા સુધી એકસરખો હશે. એટલે તેઓ ભલે ગમે એ કુળના હોય, દરેક ઇઝરાયેલીને એ સરસ મજાની જમીનનો ફાયદો મળશે. એમાં મળતા ભરપૂર પાણીનો લાભ લઈને તે સારી રીતે ખેતીવાડી કરી શકશે.

૧૪. યહોવાએ પરદેશીઓ માટે જે આજ્ઞાઓ આપી, એ કઈ રીતે મૂસાના નિયમ કરતાં અલગ જ હતી?

૧૪ બીજો ફરક, ત્યાં રહેનારા લોકો. મૂસાના નિયમશાસ્ત્રમાં પરદેશીઓની સલામતી માટે નિયમો હતા. તેઓ તન-મનથી યહોવાની ભક્તિ કરી શકતા હતા. પણ તેઓને દેશમાં વારસા તરીકે કોઈ જમીન મળી ન હતી. (લેવી. ૧૯:૩૩, ૩૪) ઇઝરાયેલી લોકો અને પરદેશીઓ વચ્ચે આ એક મોટો ફરક હતો. પણ યહોવાએ હઝકિયેલને દર્શનમાં એવી આજ્ઞા આપી, જે મૂસાના નિયમો કરતાં એકદમ અલગ હતી. યહોવાએ હઝકિયેલને કીધું: “પરદેશી માણસ જે કુળના વિસ્તારમાં રહેતો હોય, એમાં તમારે તેને વારસો આપવો.” યહોવાની આ આજ્ઞાને લીધે “ઇઝરાયેલમાં જન્મેલા વતનીઓ” અને પરદેશીઓ વચ્ચે હવે કોઈ ફરક રહ્યો નહિ. (હઝકિ. ૪૭:૨૨, ૨૩) હઝકિયેલે દર્શનમાં જોયું કે જે દેશમાં લોકો ફરીથી રહેવા લાગ્યા, એમાં કોઈની સાથે ભેદભાવ કરવામાં નથી આવતો. બધાને એકસરખા ગણવામાં આવે છે. તેઓ હળી-મળીને યહોવાની ભક્તિ કરે છે.—લેવી. ૨૫:૨૩.

૧૫. જમીન અને ત્યાં રહેનારા લોકો વિશે જે આજ્ઞાઓ આપવામાં આવી, એનાથી કઈ હકીકત સાબિત થાય છે?

૧૫ યહોવાએ હઝકિયેલને દર્શનમાં કેટલી સરસ બે આજ્ઞાઓ આપી! એનાથી ગુલામીમાં રહેતા યહૂદીઓનાં મનને કેટલી શાંતિ મળી હશે! તેઓને આ વાતનો પાકો ભરોસો થઈ ગયો હશે: યહોવા પોતાના દરેક ભક્તને જમીનનો એકસરખો હિસ્સો આપશે, ભલે પછી તેઓ ઇઝરાયેલમાં જન્મેલા વતની હોય કે પરદેશી. (એઝ. ૮:૨૦; નહે. ૩:૨૬; ૭:૬, ૨૫; યશા. ૫૬:૩, ૮) એ માર્ગદર્શનથી તેઓને કેટલી બધી હિંમત મળી હશે! એના પરથી આ એક હકીકત પણ સાબિત થઈ ગઈ કે યહોવાની નજરમાં તેમનો દરેક ભક્ત અનમોલ મોતી જેવો છે. (હાગ્ગાય ૨:૭ વાંચો.) આ એક એવું સનાતન સત્ય છે, જે કદી બદલાતું નથી. ભલે આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે ધરતી પર, યહોવા આપણને બેહદ ચાહે છે. એ જાણીને આપણા રોમેરોમમાં જોશ ભરાઈ જાય છે.

૧૬, ૧૭. (ક) જમીન અને ત્યાં રહેનારા લોકો વિશે જે જાણવા મળ્યું એનાથી શું શીખવા મળે છે? (ખ) હવે પછીના પ્રકરણમાં શાના વિશે વાત કરીશું?

૧૬ દેશની જમીન અને ત્યાં રહેનારા લોકો વિશે જે જાણવા મળ્યું, એનાથી શું શીખવા મળે છે? એ જ કે આખી દુનિયામાં આપણી વચ્ચેનો અજોડ સંપ દેખાય આવવો જોઈએ. આપણાં વાણી-વર્તનથી દેખાય આવવું જોઈએ કે આપણે બધાને પ્રેમ કરીએ છીએ. યહોવા કોઈની સાથે ભેદભાવ કરતા નથી. એટલે આપણે આનો વિચાર કરીએ: ‘આપણાં ભાઈ-બહેનો જુદી જુદી ભાષા બોલે છે. તેઓ અલગ અલગ દેશમાં રહે છે. તેઓના સંજોગો પણ અલગ હોય છે. તોપણ, શું હું યહોવાની જેમ તેઓની સાથે એકસરખી રીતે વર્તું છું? શું હું બધાં ભાઈ-બહેનોને દિલથી માન આપું છું?’ (રોમ. ૧૨:૧૦) આપણે કેટલા ખુશ છીએ કે યહોવાએ પોતાના લોકોના ‘દેશમાં’ આપણને રહેવાનો મોકો આપ્યો છે. તેમણે કોઈ ભેદભાવ રાખ્યો નથી. એ ‘દેશમાં’ આપણે બધા ભેગા મળીને દિલથી યહોવાની ભક્તિ કરીએ છીએ. આપણે પૂરાં તન-મનથી યહોવાની સેવા કરીએ છીએ અને તેમના આશીર્વાદો મેળવીએ છીએ.—ગલા. ૩:૨૬-૨૯; પ્રકટી. ૭:૯.

શું આપણે યહોવાની જેમ બધા સાથે એકસરખી રીતે વર્તીએ છીએ અને બધાને માન આપીએ છીએ? (ફકરા ૧૫, ૧૬ જુઓ)

૧૭ હઝકિયેલના છેલ્લા દર્શનના છેલ્લા ભાગમાં યહોવા આ વચન આપે છે: તે પોતાના લોકોની સાથે રહેશે. હવે પછીના પ્રકરણમાં જોઈશું કે યહોવાના આ ચોથા વચનમાંથી શું શીખવા મળે છે.

^ યહોવાની શુદ્ધ ભક્તિ કરનારા લોકોના ‘દેશમાં’ યાજકો અને આગેવાનોને યહોવાએ ખાસ જગ્યા અને જવાબદારી સોંપી છે. એના વિશે વધારે જાણવા આ પુસ્તકનું ૧૪મું પ્રકરણ જુઓ.