સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૫

‘તમારા પાળક તથા અધ્યક્ષની પાસે’ પાછા આવો

‘તમારા પાળક તથા અધ્યક્ષની પાસે’ પાછા આવો

શું તમે આ પુસ્તિકામાં જણાવેલી એકાદ મુશ્કેલીનો સામનો કર્યો છે? જો એમ હોય, તો તમે એકલા નથી. બાઇબલ સમયના અને આજના અમુક વિશ્વાસુ ઈશ્વરભક્તોએ એવી જ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એનો સામનો કરવા તેઓને યહોવા પાસેથી મદદ મળી. એવી જ રીતે, યહોવા તમને પણ મદદ કરશે.

તમે પાછા ફરશો ત્યારે યહોવા તમારી સાથે હશે

ખાતરી રાખજો કે, તમે પાછા ફરશો ત્યારે યહોવા તમારી સાથે હશે. યહોવા તમને ચિંતા સહન કરવા, દિલ પર લાગેલા ઘા રુઝાવવા અને શુદ્ધ અંતઃકરણ રાખવા મદદ કરશે. એનાથી, તમે મન અને હૃદયની શાંતિ મેળવી શકશો. પછી, તમે પણ સાથી ઈશ્વરભક્તો સાથે મળીને યહોવાની ભક્તિ ફરી કરી શકશો. તમારા સંજોગો પહેલી સદીના અમુક ઈશ્વરભક્તો જેવા હશે. તેઓ વિશે પ્રેરિત પાઊલે આમ લખ્યું હતું: ‘તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા; પણ હવે તમારા પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો.’—૧ પીતર ૨:૨૫.

યહોવા પાસે પાછા આવવામાં જ તમારું ભલું છે. શા માટે? એમ કરવાથી તમે યહોવાનું દિલ આનંદથી ભરી દેશો. (નીતિવચનો ૨૭:૧૧) તમે જાણો છો તેમ યહોવાને પણ લાગણીઓ છે. તેથી, તમારા કામથી તે ખુશ અથવા નાખુશ થઈ શકે છે. જોકે, તે કોઈને પણ તેમની ભક્તિ કરવા કે તેમને પ્રેમ કરવા બળજબરી કરતા નથી. (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) બાઇબલના એક નિષ્ણાત એ વિશે આમ જણાવે છે: “તમારા દિલનું બારણું બીજું કોઈ નહિ ખોલી શકે. પણ, તમારે પોતે જ એને ખોલવું પડશે.” યહોવાની ભક્તિ પ્રેમને લીધે કરીએ છીએ ત્યારે, એ બારણું આપણે ખોલીએ છીએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણે તેમને વફાદાર છીએ. એનાથી, તે બહુ ખુશ થશે. સાચે જ, યહોવાને જ માન-મહિમા આપવાથી આપણને અનેરો આનંદ મળે છે, જે દુનિયાની કોઈ વસ્તુ નહિ આપી શકે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫; પ્રકટીકરણ ૪:૧૧.

તેમ જ, યહોવાની ભક્તિ કરવાનું ફરી શરૂ કરો છો ત્યારે, તમારી ભક્તિની ભૂખ સંતોષાશે. (માથ્થી ૫:૩) કઈ રીતે? દુનિયાના લોકોને આવો સવાલ થતો હોય છે: ‘આપણા જીવનનો હેતુ શું છે?’ આ સવાલનો જવાબ મેળવવા તેઓ તરસે છે. યહોવાએ દરેકમાં એવી ઇચ્છા મૂકી છે કે એનો જવાબ શોધે. યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છીએ કે તેમની ભક્તિ કરવાથી સંતોષ મળે. આપણે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ છીએ એ જાણીને જે સંતોષ અને ખુશી મળે છે, એ બીજા કશાથી નહિ મળે.—ગીતશાસ્ત્ર ૬૩:૧-૪, ૬.

યહોવા ચાહે છે કે તમે તેમની પાસે પાછા આવો. એની શું ખાતરી છે? આનો વિચાર કરો: બહુ જ પ્રાર્થનાપૂર્વક આ પુસ્તિકાને તૈયાર કરવામાં આવી છે. કદાચ મંડળના વડીલ કે સાથી ઈશ્વરભક્તે તમને આ પુસ્તિકા આપી હશે. પછી, તમે એ વાંચવા પ્રેરાયા હશો. અને એના સંદેશા પર ધ્યાન આપ્યું હશે. આ બધું સાબિતી આપે છે કે, યહોવા તમને ભૂલી નથી ગયા. પણ, તે પ્રેમથી તમને પોતાની તરફ ખેંચે છે.—યોહાન ૬:૪૪.

યહોવા પોતાનાથી દૂર ગયેલા ભક્તોને ક્યારેય ભૂલી નથી જતા, એ જાણીને દિલાસો મળી શકે છે. ડોના નામના બહેને એવું જ અનુભવ્યું. તેમણે જણાવ્યું: “હું ધીરે ધીરે સત્યથી દૂર થઈ ગઈ. પણ, ઘણી વાર હું ગીતશાસ્ત્ર ૧૩૯: ૨૩, ૨૪ના આ શબ્દો પર વિચાર કરતી, ‘હે ઈશ્વર, મારી પરીક્ષા કરો, અને મારું અંતઃકરણ ઓળખો; મને પારખો, અને મારા વિચારો જાણી લો; મારામાં કંઈ દુરાચાર હોય તો એ તમે જોજો, અને મને તમારા માર્ગમાં હંમેશાં ચલાવજો.’ હું જાણતી હતી કે, હું આ જગતનો ભાગ નથી અને મારે યહોવાના સંગઠનમાં જ રહેવું જોઈએ. હું જોઈ શકી કે યહોવાએ ક્યારેય મને તરછોડી નથી. મારે જ મારો માર્ગ બદલીને તેમની પાસે પાછા આવવાની જરૂર હતી. મને એ વાતની ખુશી છે કે મેં એમ જ કર્યું.”

“હું જોઈ શકી કે યહોવાએ ક્યારેય મને તરછોડી નથી. મારે મારો માર્ગ બદલીને તેમની પાસે પાછા આવવાની જરૂર હતી”

તમે પણ “યહોવાનો આનંદ” ફરી અનુભવો એવી અમારી પ્રાર્થના છે. (નહેમ્યા ૮:૧૦) યહોવા પાસે પાછા ફરવાનો તમને ક્યારેય અફસોસ નહિ થાય.