સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૧

“ખોવાઈ ગયેલાને હું શોધીશ”

“ખોવાઈ ગયેલાને હું શોધીશ”

લીલોતરીવાળી જગ્યાએ ચરતાં ઘેટાંમાંથી એક ઘેટું કોઈક રીતે અલગ પડી જાય છે. હવે, એ પોતાના ઘેટાંપાળક કે ટોળાને જોઈ શકતું નથી. અંધારું થવા લાગ્યું છે. શિકારી પ્રાણીઓ ફરતા હોય એવી ખીણમાં એ ફસાઈ ગયું છે. ઘેટું પોતાનો બચાવ કરી શકે એવી સ્થિતિમાં નથી. કઈ બાજુ જવું એ પણ એને ખબર નથી. એવામાં, એક જાણીતો અવાજ સંભળાય છે. એ એના ઘેટાંપાળકનો છે. તે દોડીને ઘેટાની પાસે આવે છે, એને ઉઠાવે છે, પોતાનાં વસ્ત્રોમાં લપેટી લે છે અને ઘરે લઈ જાય છે.

યહોવા વારંવાર પોતાને એવા જ ઘેટાંપાળક સાથે સરખાવે છે. બાઇબલમાં તેમણે ખાતરી આપી છે: ‘હું પોતે જ મારા ઘેટાંને શોધી કાઢીશ’ અને તેઓની સંભાળ રાખીશ.—હઝકીએલ ૩૪:૧૧, ૧૨.

હું મારાં ઘેટાંની સંભાળ રાખીશ

યહોવાનાં ઘેટાં કોણ છે? સાદા શબ્દોમાં કહીએ તો, એવા લોકો જેઓ યહોવાને પ્રેમ કરે છે અને તેમની ભક્તિ કરે છે. બાઇબલ જણાવે છે: ‘આવો, તેમને ભજીએ તથા નમીએ; આપણા ઉત્પન્‍નકર્તા યહોવાની આગળ ઘૂંટણિયે પડીએ. કેમ કે તે આપણા ઈશ્વર છે, આપણે તેમના વાડાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ.’ (ગીતશાસ્ત્ર ૯૫:૬, ૭) જેમ ઘેટાં પોતાનાં પાળકને અનુસરે છે, તેમ યહોવાના ભક્તો પણ તેમના પગલે ચાલવા આતુર છે. શું તેઓ સંપૂર્ણપણે ચાલે છે? ના. ઈશ્વરના ભક્તો પણ અમુક વખતે “ભૂલાં પડેલાં,” “ખોવાયેલાં,” અને ‘વિખેરાઈ ગયેલા’ ઘેટાં જેવા હોય છે. (હઝકીએલ ૩૪:૧૨; માથ્થી ૧૫:૨૪; ૧ પીતર ૨:૨૫) જોકે, વ્યક્તિ યહોવાથી દૂર જાય તોપણ, તે પાછી આવશે એવી આશા યહોવા રાખે છે.

શું તમને લાગે છે કે, યહોવા હજુ પણ તમારા પાળક છે? યહોવા આજે કઈ રીતે પાળક જેવા છે? ચાલો, ત્રણ રીતો જોઈએ:

તે આપણી ભક્તિની ભૂખ મિટાવે છે. યહોવા કહે છે: ‘હું તેમને સારા બીડમાં ચરાવીશ, ત્યાં તેઓ ઉત્તમ વાડામાં સૂઈ રહેશે, ને ઈસ્રાએલના પર્વતો પર તેઓ કસદાર ચારાવાળા બીડમાં ચરશે.’ (હઝકીએલ ૩૪:૧૪) યહોવા નિયમિત રીતે આપણી ભક્તિની ભૂખ મિટાવે છે. શું તમને કોઈ લેખ, પ્રવચન કે વીડિયો યાદ છે, જેનાથી તમારી પ્રાર્થનાનો જવાબ મળ્યો હોય? શું એનાથી તમને ખાતરી મળી હતી કે, યહોવા તમારી સંભાળ રાખે છે?

તે આપણને રક્ષણ અને મદદ આપે છે. યહોવા વચન આપે છે: “હાંકી મૂકેલાને હું પાછું લાવીશ, ને હાડકું ભાંગી ગયેલાને હું પાટો બાંધીશ, ને માંદાને હું સારું કરીશ.” (હઝકીએલ ૩૪:૧૬) નબળા કે ચિંતાના ભારથી દબાયેલા લોકોને યહોવા હિંમત આપે છે. કદાચ સાથી ભાઈ કે બહેનને લીધે જો કોઈને દિલ પર ઘા થયા હોય, તો યહોવા એના પર પાટા બાંધીને રુઝ લાવે છે. યહોવાથી દૂર ચાલ્યા ગયા હોય અથવા નિરાશ થઈ ગયા હોય, તેઓને તે પોતાની પાસે પાછા લાવે છે.

તે આપણી જવાબદારી ઉઠાવે છે. યહોવા કહે છે: ‘તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ ઠેકાણેથી હું તેમને ભેગાં કરીશ.’ અને “ખોવાઈ ગયેલાને હું શોધીશ.” (હઝકીએલ ૩૪:૧૨, ૧૬) યહોવા એવું નથી વિચારતા કે, તેમની ભક્તિમાં ઠંડી પડી ગયેલી વ્યક્તિ ક્યારેય બદલાશે નહિ. ઘેટું ખોવાઈ જાય છે ત્યારે, યહોવા એની શોધ કરે છે. અને પાછું મળે છે ત્યારે, તેમને આનંદ થાય છે. (માથ્થી ૧૮:૧૨-૧૪) એટલે, તે પોતાના દરેક ભક્તને કહે છે, “તમે મારાં ઘેટાં, મારા ચારાનાં મેંઢાં” છો, હું તમારી સંભાળ રાખીશ. (હઝકીએલ ૩૪:૩૧) તમે પણ એમાંના એક ઘેટા જેવા છો.

યહોવા એવું નથી વિચારતા કે, તેમની ભક્તિમાં ઠંડી પડી ગયેલી વ્યક્તિ ક્યારેય બદલાશે નહિ. ઘેટું પાછું મળે છે ત્યારે, તેમને આનંદ થાય છે

‘પ્રાચીન કાળમાં હતા એવા દિવસો અમને પાછા આપો’

યહોવા શા માટે તમારી શોધ કરે છે અને પાછા આવવા કહે છે? કારણ કે, તમે ખુશ રહો એવું તે ચાહે છે. તે વચન આપે છે કે પોતાનાં ઘેટાં પર “આશીર્વાદનાં ઝાપટાં” વરસાવશે. (હઝકીએલ ૩૪:૨૬) એ વચન નકામું નહિ જાય. તમે પણ એનો અનુભવ કર્યો હશે.

તમે યહોવા વિશે જાણ્યું એ સમયને યાદ કરો. દાખલા તરીકે, જ્યારે તમે યહોવાનું નામ અને માણસો માટે તેમના હેતુ વિશે જાણ્યું, ત્યારે તમને કેવું લાગ્યું હતું? સંમેલનો અને મહાસંમેલનોમાં ભાઈ-બહેનોને મળવાથી કેવી તાજગી મળતી હતી, એ શું તમને યાદ છે? ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવતી વખતે કોઈએ એ સંદેશામાં રસ બતાવ્યો હોય, તો શું તમને આનંદ અને સંતોષ મળ્યા હતા?

એ આનંદ તમે પાછો મેળવી શકો છો. પહેલાંના સમયના ઈશ્વરભક્તોએ આમ પ્રાર્થના કરી, ‘હે યહોવા, અમને તમારી બાજુ ફેરવો, એટલે અમે ફરીશું; પ્રાચીન કાળમાં હતા એવા દિવસો અમને પાછા આપો.’ (યિર્મેયાનો વિલાપ ૫:૨૧) યહોવાએ એ પ્રાર્થનાનો જવાબ આપ્યો. એ પછી, તેમના લોકોએ પાછા ફરીને પૂરા આનંદથી તેમની ભક્તિ કરી હતી. (નહેમ્યા ૮:૧૭) એ રીતે યહોવા તમને પણ મદદ કરશે.

જોકે, ‘યહોવા પાસે પાછા આવો’ એમ કહેવું સહેલું પણ કરવું અઘરું છે. વિચાર કરો કે, યહોવા પાસે પાછા આવવામાં કેવી મુશ્કેલીઓ રહેલી છે અને કઈ રીતે એનો સામનો કરી શકાય.