સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૪

મન ડંખવું—‘મારા પાપથી મને શુદ્ધ કરો’

મન ડંખવું—‘મારા પાપથી મને શુદ્ધ કરો’

“મારી નવી નોકરીથી કુટુંબને વધારે સુખ-સગવડો મળી. પરંતુ, હું એ નોકરીને લીધે બાઇબલ સિદ્ધાંતોથી દૂર થઈ ગઈ. હું તહેવારો ઉજવવા લાગી, રાજકારણમાં ભાગ લેવા લાગી અને ચર્ચમાં પણ જવા લાગી. હું ૪૦ વર્ષ સુધી યહોવાની ભક્તિમાં ઠંડી પડી ગઈ હતી. સમય પસાર થતો ગયો તેમ, હું વિચારવા લાગી કે યહોવા મને ક્યારેય માફ નહિ કરે. મને લાગતું કે, યહોવાના માર્ગમાં હું ક્યારેય ફરી ચાલી નહિ શકું. આખરે તો, સત્ય જાણવા છતાં મેં જ ખોટો માર્ગ પસંદ કર્યો હતો.”—માર્થા.

દોષની લાગણી વ્યક્તિને ભારે બોજની જેમ કચડી નાખી શકે. રાજા દાઊદે લખ્યું: “મારા અન્યાય મારા માથા પર ચઢી ગયા છે; ભારે બોજાની માફક તે મને અસહ્ય થઈ પડ્‌યા છે.” (ગીતશાસ્ત્ર ૩૮:૪) યહોવાના અમુક ભક્તો એટલા નિરાશ થઈ ગયા કે, યહોવા ક્યારેય તેઓને માફ નહિ કરે એવું માનવા લાગ્યા. (૨ કોરીંથી ૨:૭) શું એમ માનવું યોગ્ય છે? હકીકતમાં, તમે ગંભીર પાપ કર્યા હોય તોપણ, એમ ન વિચારો કે તે તમને માફ નહિ કરે!

આપણે બાબતોને થાળે પાડીએ

પસ્તાવો કરનાર વ્યક્તિને યહોવા ક્યારેય તરછોડતા નથી. હકીકતમાં, તે તેઓને મદદ કરવા ચાહે છે. ઉડાઉ દીકરાના ઉદાહરણમાં ઈસુએ યહોવાને પ્રેમાળ પિતા સાથે સરખાવ્યા હતા. તે પિતાનો દીકરો ઘર છોડીને જતો રહ્યો અને મન ફાવે એમ જીવવા લાગ્યો હતો. સમય જતાં, દીકરો ઘરે પાછો આવ્યો. ‘તે હજી ઘણે દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, અને તેમને દયા આવી, અને દોડીને તેને ભેટ્‌યા, અને તેને ચુંબનો કર્યાં.’ (લુક ૧૫:૧૧-૨૦) શું તમને પણ યહોવા પાસે પાછા આવવાનું મન થાય છે? પરંતુ, શું એવું લાગે છે કે, ઈશ્વરથી તમે ‘ઘણા દૂર’ છો? ઈસુએ આપેલા ઉદાહરણમાંના પિતાની જેમ યહોવા પણ તમારી સાથે દયા અને પ્રેમથી વર્તે છે. તે તમારો આવકાર કરવા આતુર છે.

શું તમને લાગે છે કે, તમારાં પાપ ગંભીર અથવા એટલા બધાં છે કે એને યહોવા ક્યારેય માફ નહિ કરે? એમ હોય તો, યહોવાએ યશાયા ૧:૧૮માં આપેલા આ આમંત્રણનો વિચાર કરો: આવો, આપણે બાબતોને થાળે પાડીએ, “તમારાં પાપ જોકે લાલ વસ્ત્રના જેવાં હોય, તોપણ તેઓ હિમ સરખાં શ્વેત થશે.” તમને લાગતું હોય કે, તમારા પાપ સફેદ કપડાં પર લાગેલા લાલ ડાઘ જેવા છે, જેને દૂર નહિ કરી શકાય. તેમ છતાં, ખાતરી રાખજો કે યહોવા એવા પાપને પણ માફ કરે છે.

યહોવા નથી ચાહતા કે તમારું મન હંમેશાં ડંખ્યા કરે. તો પછી, તમે કઈ રીતે સાફ મન મેળવી શકો? તેમ જ, ઈશ્વરે તમને માફ કર્યા છે એવી શાંતિ અનુભવી શકો? રાજા દાઊદે લીધેલાં બે પગલાંનો વિચાર કરો. પહેલું, તેમણે કહ્યું: ‘યહોવાની આગળ હું મારાં પાપ કબૂલ કરીશ.’ (ગીતશાસ્ત્ર ૩૨:૫) યાદ રાખો કે, યહોવાએ તમને પ્રાર્થના કરવા અને બાબતો થાળે પાડવા માટે આમંત્રણ આપ્યું છે. એ આમંત્રણનો સ્વીકાર કરો. યહોવા આગળ પાપ કબૂલ કરો અને તમારી લાગણીઓ તેમને જણાવો. પોતાના અનુભવથી દાઊદ પૂરી ખાતરીથી આમ કહી શક્યા: ‘મારા પાપથી મને શુદ્ધ કરો. હે ઈશ્વર, તમે કચડાયેલા હૃદયને ધિક્કારશો નહિ.’—ગીતશાસ્ત્ર ૫૧:૨, ૧૭.

બીજું, દાઊદને ઈશ્વરથી પસંદ કરાયેલા નાથાન પ્રબોધક પાસેથી મદદ મળી હતી. (૨ શમૂએલ ૧૨:૧૩) આજે, યહોવાએ મંડળમાં વડીલોની ગોઠવણ કરી છે. પસ્તાવો કરનાર વ્યક્તિ, યહોવા સાથે ફરી સંબંધ બાંધી શકે માટે મદદ કરવા તેઓને તાલીમ મળી છે. તમે વડીલો પાસે જશો ત્યારે, તેઓ બાઇબલમાંથી સલાહ આપશે અને પૂરા દિલથી પ્રાર્થના કરશે. એનાથી, તમારા દિલ પર લાગેલા ઘા રુઝાવવા મદદ મળશે. તેમ જ, નિરાશા દૂર કરવા અથવા ઓછી કરવા અને ઈશ્વર સાથે ફરી સંબંધ બાંધવા મદદ મળશે.—યાકૂબ ૫:૧૪-૧૬.

યહોવા ચાહે છે કે તમારું મન શુદ્ધ રહે

‘જેનું ઉલ્લંઘન માફ થયું છે તેને ધન્ય છે’

હકીકતમાં, યહોવા આગળ પોતાનાં પાપ કબૂલ કરવા અને વડીલોને એ વિશે જણાવવું સૌથી અઘરું લાગી શકે. દાઊદે એવો જ અનુભવ કર્યો હતો. પોતાના પાપ વિશે અમુક સમય તે ‘ચૂપ રહ્યા.’ (ગીતશાસ્ત્ર ૩૨:૩) જોકે, પોતાના પાપ કબૂલ કરવાથી અને સુધારો કરવાથી તેમને જ લાભ થયો.

સૌથી મોટો ફાયદો એ થયો કે, દાઊદે ફરી પોતાની ખુશી મેળવી. તેમણે લખ્યું: “જેનું ઉલ્લંઘન માફ થયું છે, તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે.” (ગીતશાસ્ત્ર ૩૨:૧) તેમણે આમ પણ પ્રાર્થના કરી હતી: ‘હે યહોવા, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.’ (ગીતશાસ્ત્ર ૫૧:૧૫) ઈશ્વર પાસેથી માફી અને સાફ દિલ મેળવવા બદલ દાઊદે યહોવાનો આભાર માન્યો. તેમ જ, તેમણે બીજાઓને યહોવા વિશે પૂરા ઉત્સાહથી જણાવ્યું.

યહોવા ચાહે છે કે તમારું મન શુદ્ધ રહે. તેમ જ, તમે તેમના વિશે અને તેમના હેતુઓ વિશે કચવાતા મને નહિ પણ, પૂરા દિલથી અને ખુશીથી બીજાઓને જણાવો. (ગીતશાસ્ત્ર ૬૫:૧-૪) તેમના આ આમંત્રણને યાદ રાખો: ‘તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે; અને એમ યહોવા પાસેથી તાજગીના સમયો આવે.’—પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯.

માર્થા જોડે એવું જ બન્યું હતું. તે જણાવે છે: “મને મારો દીકરો નિયમિત રીતે ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન મોકલતો હતો. સમય જતાં, હું યહોવાને ફરી ઓળખવા લાગી. યહોવા પાસે પાછા આવવા માટે પોતાના પાપની માફી માંગવી સૌથી અઘરું હતું. આખરે, મેં યહોવાને પ્રાર્થના કરી અને માફ કરવા કાલાવાલા કર્યા. માનવામાં નથી આવતું કે ૪૦ વર્ષ પછી હું યહોવા પાસે પાછી ફરી! મારો અનુભવ સાબિતી આપે છે કે, વર્ષો વીત્યાં પછી પણ વ્યક્તિ યહોવાની ભક્તિ ફરી કરી શકે છે. તેમ જ, તેમના પ્રેમની છાયામાં રહી શકે છે.”