નિયામક જૂથ તરફથી પત્ર
વહાલાં ભાઈ-બહેનો:
તમે જાણો છો તેમ, બાઇબલમાં વિશ્વાસુ લોકોના દાખલા આપવામાં આવ્યા છે. એમાંના ઘણાએ આપણા જેવા જ અઘરા સંજોગોનો સામનો કર્યો હતો. તેઓએ પણ ‘આપણા જેવું’ અનુભવ્યું હતું. (યાકૂબ ૫:૧૭) અમુક લોકો જીવનની ચિંતાઓ અને તકલીફોથી દબાઈ ગયા હતા. બીજા અમુકને કુટુંબના કોઈ સભ્યે કે પછી સાથી ઈશ્વરભક્તે દુઃખ પહોંચાડ્યું હતું. અને કેટલાકને અગાઉ કરેલી ભૂલના લીધે મન ડંખતું હતું.
શું તેઓએ યહોવાને છોડી દીધા? ના. ઘણાએ ગીતશાસ્ત્રના લેખકની જેમ અનુભવ્યું, જેમણે આમ પ્રાર્થના કરી: ‘હું ભૂલા પડેલા ઘેટાની જેમ ભટક્યો છું; તમારા સેવકને શોધી કાઢો; કેમ કે હું તમારી આજ્ઞાઓ ભૂલી જતો નથી.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૬) શું તમને પણ એવું લાગે છે?
પોતાના વાડાથી દૂર જતા રહેલા ભક્તોને યહોવા ક્યારેય ભૂલી જતા નથી. એના બદલે, તેઓને પાછા લાવવા મદદ કરે છે. એ માટે, તે ઘણી વાર બીજા ઈશ્વરભક્તોનો ઉપયોગ કરે છે. જેમ કે, યહોવાએ પોતાના ભક્ત અયૂબને કઈ રીતે મદદ કરી એનો વિચાર કરો. અયૂબે ઘણી બધી મુશ્કેલીઓ સહી હતી. જેમ કે, આર્થિક નુકસાન, કુટુંબીજનોનું મરણ અને ગંભીર બીમારી. તેમ જ, જેઓએ તેમને મદદ કરવી જોઈતી હતી, તેઓના કડવા વેણ પણ સાંભળ્યા. ખરું કે, એક સમયે અયૂબના મનમાં ખોટા વિચારો આવી ગયા. તોપણ, તેમણે ક્યારેય યહોવાને છોડી ન દીધા. (અયૂબ ૧:૨૨; ૨:૧૦) યોગ્ય વલણ જાળવી રાખવા યહોવાએ અયૂબને કઈ રીતે મદદ કરી?
અયૂબને મદદ કરવા યહોવાએ પોતાના ભક્ત અલીહૂનો ઉપયોગ કર્યો. અયૂબે પોતાની લાગણીઓ જણાવી ત્યારે, અલીહૂએ ધ્યાનથી સાંભળ્યું. પછી તેમણે કઈ રીતે વાત કરી હશે? શું અયૂબના વાંક કાઢ્યા હશે? શું તેમને શરમિંદા કરીને વિચારો બદલવા કહ્યું હશે? શું અલીહૂએ પોતાને અયૂબ કરતાં ચડિયાતા ગણ્યા? જરાય નહિ. ઈશ્વરની શક્તિથી પ્રેરાઈને અલીહૂએ કહ્યું: ‘ઈશ્વરની આગળ હું અને તમે બંને સરખા છીએ; હું પણ માટીનો ઘડેલો છું.’ પછી, અયૂબને ખાતરી અપાવતા તેમણે કહ્યું: ‘તમારે મારાથી ગભરાવાની જરૂર નથી, મારું દબાણ તમારા પર ભારે થશે નહિ.’ (અયૂબ ૩૩:૬, ૭) અયૂબની મુશ્કેલીઓમાં વધારો કરવાને બદલે અલીહૂએ તેમને પ્રેમથી જરૂરી સલાહ અને ઉત્તેજન આપ્યાં.
અમે પણ આ પુસ્તિકા એ જ હેતુથી તૈયાર કરી છે. સૌથી પહેલા, અમે એવા લોકોનું ધ્યાનથી સાંભળ્યું, જેઓ મંડળથી દૂર જતા રહ્યા હતા. અમે તેઓની લાગણીઓ અને સંજોગો પણ ધ્યાનમાં લીધા. (નીતિવચનો ૧૮:૧૩) પછી, અમે શાસ્ત્રવચનો તપાસ્યા. તેમ જ, પ્રાર્થનાપૂર્વક પહેલાંના સમયના અમુક ઈશ્વરભક્તોના અહેવાલો તપાસ્યા, જેઓને યહોવાએ એવા સંજોગોમાં મદદ કરી હતી. પછી, એ અહેવાલોને આજનાં ભાઈ-બહેનોનાં અનુભવ સાથે સરખાવીને અમે આ પુસ્તિકા તૈયાર કરી છે. અમે તમને આ પુસ્તિકાનો અભ્યાસ કરવાનું ઉત્તેજન આપી છીએ. ખાતરી રાખજો કે, તમે અમને ખૂબ વહાલા છો.
યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ