સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૧

મારી ઓળખ શું છે?

મારી ઓળખ શું છે?

એ જાણવું મહત્ત્વનું છે

તમે કોણ છો અને તમારા સિદ્ધાંતો શું છે, એ જાણવાથી તમે દબાણ આવે ત્યારે પણ સારા નિર્ણય લઈ શકશો.

તમે શું કરશો?

આની કલ્પના કરો: કેરન એક પાર્ટીમાં છે. તેને આવીને હજુ માંડ દસેક મિનિટ થઈ છે ને તેને એક જાણીતો અવાજ સંભળાય છે.

“લે, તું અહીં આમને આમ ઊભી છે?”

કેરન પાછળ ફરીને જુએ છે તો તેની ફ્રેન્ડ જેસિકા દેખાય છે. તેના હાથમાં બે બોટલ છે. કેરન પારખી જાય છે કે એમાં આલ્કોહૉલ છે. કેરનને બોટલ આપતા તે કહે છે, “તું હવે નાની તો નથી કે થોડી મજા ન માણી શકે?”

કેરન ના કહેવા માંગે છે, પણ જેસિકા તેની ફ્રેન્ડ છે. કેરન બોરિંગ વ્યક્તિ તરીકે ઓળખાવા નથી માંગતી. બીજું કે જેસિકા સારી છોકરી છે અને જો તે પીતી હોય તો લાગતું નથી કે પીવામાં કંઈ ખોટું છે. એટલે કેરન વિચારે છે, “આ તો બસ ડ્રિંક છે, હું કંઈ ડ્રગ્સ નથી લેતી!”

માની લો કે તમે કેરનની જગ્યાએ છો. તમે શું કરશો?

થોભો અને વિચારો!

એવા કિસ્સામાં સારો નિર્ણય લેવા તમારી પોતાની કોઈ ઓળખ હોવી જરૂરી છે. ઓળખ તમારા મનનો અવાજ છે, જે તમને જણાવે છે કે તમે કોણ છો અને તમારા સિદ્ધાંતો કયા છે. એ જાણીને, તમે પોતાના જીવન પર કાબૂ રાખવાનું શીખો છો અને લોકોના હાથની કઠપૂતળી બનતા નથી.—૧ કોરીંથી ૯:૨૬, ૨૭.

એ આવડત તમે કઈ રીતે કેળવી શકો? હવે પછીના સવાલોના જવાબ વિચારવાથી તમને મદદ મળશે.

૧ મારામાં શું સારું છે?

તમારી આવડતો અને સારા ગુણો જાણવાથી તમારો કોન્ફિડન્સ વધશે.

પવિત્ર શાસ્ત્રમાંથી દાખલો: ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: “જોકે બોલવામાં પ્રવીણ ન હોઉં, તોપણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી.” (૨ કોરીંથી ૧૧:૬) લોકોએ પાઊલની ટીકા કરી અને તેમને પડકાર્યા. તોપણ શાસ્ત્રની સારી સમજણ હોવાને કારણે, તેમણે પોતાનો આત્મવિશ્વાસ ડગવા દીધો નહિ.—૨ કોરીંથી ૧૦:૧૦; ૧૧:૫.

પોતાને જાણો: તમારામાં કઈ ટૅલેન્ટ કે સ્કિલ છે, એ લખો.

તમારામાં કયો ખાસ ગુણ છે એ લખો. (જેમ કે, શું તમે કાળજી રાખનાર, ઉદાર, ભરોસાપાત્ર કે સમયના પાબંદ છો?)

૨ મારામાં શું ખરાબ છે?

એક કમજોર કડીને લીધે મજબૂત સાંકળ તૂટી શકે છે. એ જ રીતે, જો કોઈ કમજોરીને તમારા પર કાબૂ મેળવવા દેશો, તો તમારી સારી ઓળખ બગડી શકે છે.

પવિત્ર શાસ્ત્રમાંથી દાખલો: ઈશ્વરભક્ત પાઊલ પોતાની નબળાઈઓ વિશે જાણતા હતા. તેમણે લખ્યું: ‘મારા મનમાં રહેલા ઈશ્વરના નિયમમાં હું આનંદ માનું છું. પણ હું મારા શરીરમાં એક જુદો નિયમ જોઉં છું, જે મારા મનના નિયમની સામે લડે છે અને મારા શરીરમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે.’—રોમનો ૭:૨૨, ૨૩.

પોતાને જાણો: તમારે કઈ કમજોરીઓ પર કાબૂ રાખતા શીખવું જોઈએ?

૩ મારા ધ્યેયો કયા છે?

શું તમે ટૅક્સીમાં બેસીને ડ્રાઇવરને એવું કહેશો કે પેટ્રોલ પતે ત્યાં સુધી કારને ગોળ ગોળ ફેરવ્યા કરે? એ તો મૂર્ખતા કહેવાશે અને ઘણું મોંઘું પડશે, ખરું ને?

એ શું શીખવે છે? એ જ કે જીવનમાં ધ્યેયો બાંધીશું તો, ગોળ ગોળ ફરવાને બદલે, આપણે મંજિલે પહોંચી શકીશું. મંજિલ સુધી પહોંચવા, એ દિશામાં જવું પડશે અને ત્યાં કઈ રીતે પહોંચવું, એની યોજના બનાવવી પડશે.

પવિત્ર શાસ્ત્રમાંથી દાખલો: પાઊલે લખ્યું: “હું લક્ષ વગર દોડતો નથી.” (૧ કોરીંથી ૯:૨૬, કોમન લેંગ્વેજ) જીવનના વહેણમાં વહી જવાને બદલે, પાઊલે ધ્યેયો બાંધ્યા અને એ પ્રમાણે જીવ્યા.—ફિલિપી ૩:૧૨-૧૪.

પોતાને જાણો: એક વર્ષમાં તમે જે ત્રણ ધ્યેયો હાંસલ કરવા ચાહો છો, એ લખો.

૪ હું શું માનું છું?

તમારી ઓળખ સારી હશે તો, એવા ઝાડ જેવા બનશો, જે વાવાઝોડામાં પણ ટકી રહે છે

તમારી માન્યતાઓ દૃઢ નહિ હોય તો, નિર્ણય લેવામાં ઢચુપચુ બનશો. તમે દોસ્તોને ખુશ કરવા કાચિંડાની જેમ રંગ બદલતા રહેશો. એ તો પોતાની કોઈ ઓળખ ન હોવાની નિશાની છે.

પરંતુ, તમારાં કાર્યો દૃઢ માન્યતાને આધારે હશે તો, તમે તમારી ઓળખ જાળવી રાખશો, ભલેને આસપાસના લોકો ગમે તે કરે!

પવિત્ર શાસ્ત્રમાંથી દાખલો: ઈશ્વરભક્ત દાનીયેલનો વિચાર કરો. તેમને કુટુંબથી દૂર લઈ જવામાં આવ્યા. એ સમયે તે કદાચ તરુણ હતા. તેમ છતાં, તેમણે “મનમાં ઠરાવ કર્યો” કે ઈશ્વરના નિયમો તે પાળશે. (દાનીયેલ ૧:૮) તેમણે એમ જ કર્યું, તે પોતાની માન્યતા પ્રમાણે જ જીવ્યા.

પોતાને જાણો: તમારી કઈ માન્યતાઓ છે? દાખલા તરીકે, શું તમે ઈશ્વરમાં માનો છો? જો હા, તો શા માટે? તમને શાનાથી ખાતરી થઈ કે ઈશ્વર છે?

શું તમે માનો છો કે ખરા-ખોટા વિશે ઈશ્વરનાં ધોરણો તમારા ભલા માટે છે? જો હા, તો શા માટે?

આખરે તમે શાના જેવા બનવા માંગો છો, થોડા પવનથી ઊડી જતા પાંદડા જેવા કે વાવાઝોડામાં અડીખમ ઊભા રહેતા ઝાડ જેવા? તમે તમારી ઓળખ વધુ સારી બનાવશો તો એવા ઝાડ જેવા બની શકશો. આમ, તમને આ સવાલનો જવાબ મળશે: મારી ઓળખ શું છે?