સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે કઈ રીતે જાણીએ છીએ કે આપણે “છેલ્લા દિવસોમાં” છીએ

આપણે કઈ રીતે જાણીએ છીએ કે આપણે “છેલ્લા દિવસોમાં” છીએ

ભાગ ૯

આપણે કઈ રીતે જાણીએ છીએ કે આપણે “છેલ્લા દિવસોમાં” છીએ

૧, ૨. આપણે કઈ રીતે જાણી શકીએ કે આપણે છેલ્લા દિવસોમાં છીએ કે કેમ?

 આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યારે દેવનું રાજ્ય માનવ શાસનની આ હાલની વ્યવસ્થા વિરુદ્ધ પગલાં લેશે? આપણે કઈ રીતે જાણી શકીએ કે આપણે એ સમયની બહુ નજીક છીએ જ્યારે દેવ સર્વ દુષ્ટતા અને યાતનાનો અંત લાવશે?

ઇસુના શિષ્યો આ બાબતો જાણવા માગતાં હતાં. તેઓએ તેમને પૂછ્યું કે રાજ્યાધિકારમાં તેમની હાજરીની અને “જગતના અંતની” શું “નિશાની” થશે. (માત્થી ૨૪:૩) ઇસુએ, જગતને હલાવી નાખતા બનાવો અને પરિસ્થિતિઓની વિગતો આપીને, જવાબ આપ્યો કે એ સંયુક્તપણે બતાવશે કે માણસજાત ‘આખરના સમયમાં,’ આ વસ્તુવ્યવસ્થાના “છેલ્લા સમયમાં” પ્રવેશી છે. (દાનીયેલ ૧૧:૪૦; ૨ તીમોથી ૩:૧) શું આપણે આ સદીમાં આ સંયુક્ત નિશાની જોઈ છે? હા, આપણે ભરપૂરપણે જોઈ છે!

વિશ્વ યુદ્ધો

૩, ૪. આ સદીના યુદ્ધો ઇસુની ભવિષ્યવાણીમાં કઈ રીતે બંધબેસે છે?

ઇસુએ ભાખ્યું કે “પ્રજા પ્રજાની વિરુદ્ધ, તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે.” (માત્થી ૨૪:૭) ૧૯૧૪માં જગત એવા યુદ્ધમાં સંડોવાયું જેણે રાષ્ટ્રો અને રાજ્યોની એવી કૂચ જોઈ જે એ અગાઉના કોઈ પણ યુદ્ધ કરતાં જુદી હતી. એ હકીકતને સ્વીકારતાં, એ સમયે ઇતિહાસકારોએ એને મહાયુદ્ધ કહ્યું. એ ઇતિહાસમાં એના પ્રકારનું પ્રથમ યુદ્ધ હતું, પ્રથમ વિશ્વ યુદ્ધ. અગાઉના કોઈ પણ યુદ્ધ કરતાં વધુ, કંઈક ૨,૦૦,૦૦,૦૦૦ સૈનિકો અને નાગરિકોએ પોતાના જીવન ગુમાવ્યાં.

વિશ્વ યુદ્ધ-૧એ છેલ્લા દિવસોની શરૂઆત ચિહ્‍નિત કરી. ઇસુએ કહ્યું કે આ અને બીજા બનાવો “દુઃખોનો આરંભ જ” હશે. (માત્થી ૨૪:૮) એ સાચું સાબિત થયું, કેમ કે વિશ્વ યુદ્ધ-૨ વધુ ઘાતક હતું, કંઈક ૫,૦૦,૦૦,૦૦૦ સૈનિકો અને નાગરિકોએ પોતાના જીવન ગુમાવ્યાં. આ ૨૦મી સદીમાં, ૧૦,૦૦,૦૦,૦૦૦થી વધુ લોકો યુદ્ધોમાં માર્યા ગયાં છે, અગાઉના ૪૦૦ વર્ષોના કુલ સર્વ કરતાં ચાર ગણાં વધુ! માનવ શાસનનો કેટલો મોટો અપરાધ!

બીજા પુરાવાઓ

૫-૭. આપણે છેલ્લા દિવસોમાં છીએ એના બીજા કયા પુરાવાઓ છે?

ઇસુએ બીજા પાસાઓને છેલ્લા દિવસો સાથે સાંકળ્યા: “મોટા મોટા ધરતીકંપો થશે, તથા ઠામેઠામ દુકાળો પડશે તથા મરકીઓ [રોગચાળાઓ] ચાલશે.” (લુક ૨૧:૧૧) એ ૧૯૧૪થી બની રહેલાં બનાવોને યોગ્યપણે બંધબેસે છે, કેમ કે આવી વિપત્તિઓમાંની વેદનાઓમાં પુષ્કળ વધારો થયો છે.

ઘણાં જીવનોનો ભોગ લેતાં, મોટા ધરતીકંપો નિયમિત બનાવો છે. વિશ્વ યુદ્ધ-૧ને અનુસરીને ફક્ત સ્પેનિશ ઇન્ફલુએન્ઝાએ જ ૨,૦૦,૦૦,૦૦૦ લોકોને માર્યા—કેટલાક અંદાજો ૩,૦૦,૦૦,૦૦૦ અથવા વધુ છે. એઇડ્‌સે (AIDS) લાખો જીવનો લીધાં છે અને નજીકના ભાવિમાં લાખો વધુ લઈ શકે. દર વર્ષે લાખો લોકો હૃદયરોગો, કેન્સર, અને બીજા રોગોથી મૃત્યુ પામે છે. લાખો ભૂખને કારણે ધીમે મોતે મરે છે. નિઃશંક ૧૯૧૪થી માંડીને ‘પ્રકટીકરણના ઘોડેસવારો’ તેમના યુદ્ધો, ખોરાકની અછતો, અને રોગચાળાઓથી માનવ કુટુંબની મોટી સંખ્યાની કતલ કરી રહ્યાં છે.—પ્રકટીકરણ ૬:૩-૮.

ઇસુએ સર્વ દેશોમાં અનુભવાતો ગુન્હાનો વધારો પણ ભાખ્યો. તેમણે કહ્યું: “અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.”—માત્થી ૨૪:૧૨.

૮. કઈ રીતે ૨ તીમોથી અધ્યાય ૩માંની ભવિષ્યવાણી આપણા સમયમાં બંધબેસે છે?

તદુપરાંત, બાઈબલ ભવિષ્યવાણીએ આજે આખા જગતમાં આટલી સ્પષ્ટપણે દેખાતું નૈતિક પતન ભાખ્યું: “છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ. કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપનું સન્માન નહિ રાખનારા, કૃતઘ્નો, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા; ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે: . . . દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે.” (૨ તીમોથી ૩:૧-૧૩) આ સર્વ આપણી આંખો સમક્ષ સાચું પડ્યું છે.

બીજો ઘટક

૯. આકાશમાં શું બન્યું જે પૃથ્વી પર છેલ્લા દિવસોની શરૂઆત સાથે સુસંગત હતું?

આ સદીમાં યાતનામાં પુષ્કળ વધારા માટે બીજો એક ઘટક જવાબદાર છે. ૧૯૧૪માં છેલ્લા દિવસોની શરૂઆતની સાથે, બીજું કંઈક બન્યું જેણે માણસજાતને મોટા જોખમમાં મૂકી. બાઈબલના છેલ્લા પુસ્તકમાંની ભવિષ્યવાણી વર્ણવે છે એમ, એ સમયે: “આકાશમાં લડાઈ જાગી; મીખાએલ [આકાશી અધિકારમાં ખ્રિસ્ત] તથા તેના દૂતો અજગર [શેતાન]ની સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો [અપદૂતો] પણ લડ્યા; તોપણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો; અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.”—પ્રકટીકરણ ૧૨:૭-૯.

૧૦, ૧૧. શેતાન અને તેના અપદૂતોને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યાં ત્યારે માનવજાત કઈ રીતે અસર પામી?

૧૦ માનવ કુટુંબ માટે શું પરિણામો આવ્યાં? ભવિષ્યવાણી ચાલુ રહે છે: “પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.” હા, શેતાન જાણે છે કે એની વ્યવસ્થા એના અંત નજીક આવી રહી છે, તેથી તેને અને તેના જગતને માર્ગમાંથી દૂર કરવામાં આવે તે અગાઉ તે માનવીઓને દેવ વિરુદ્ધ ફેરવવા બની શકે તેટલું બધું કરી રહ્યો છે. (પ્રકટીકરણ ૧૨:૧૨; ૨૦:૧-૩) પોતાની સ્વતંત્ર ઇચ્છાનો દુરુપયોગ કર્યાને લીધે એ આત્મિક પ્રાણીઓ કેટલા પતિત છે! તેમની અસર હેઠળ પૃથ્વી પર પરિસ્થિતિ કેવી દારુણ થઈ ગઈ છે, ખાસ કરીને ૧૯૧૪થી માંડીને!

૧૧ એ નવાઈની બાબત નથી કે ઇસુએ આપણા સમયો વિષે ભાખ્યું: “પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાઓની ગર્જનાથી [બહાર નીકળવાનો માર્ગ ન જાણવાથી, NW] ત્રાસ પામીને ગભરાશે; અને પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની વકીથી માણસો નિર્ગત થશે.”—લુક ૨૧:૨૫, ૨૬.

માનવી અને અપદૂતોના શાસનનો અંત નજીક

૧૨. આ વ્યવસ્થાના અંત પહેલા પરિપૂર્ણ થનારી છેલ્લી બાકી રહેલી ભવિષ્યવાણીઓમાંની એક કઈ છે?

૧૨ દેવ આ હાલની વ્યવસ્થાનો નાશ કરે એ અગાઉ કેટલી બાઈબલ ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ થવાની બાકી છે? બહુ જ થોડી! છેલ્લી કેટલીકમાંની એક ૧ થેસ્સાલોનીકી ૫:૩ છે, જે જણાવે છે: “જ્યારે તેઓ શાંતિ અને સલામતિ વિષે વાત કરી રહ્યાં છે, ત્યારે એકાએક વિપત્તિ તેમના પર આવી છે.” (ધ ન્યુ ઈંગ્લિશ બાઈબલ) આ બતાવે છે કે આ વ્યવસ્થાનો અંત “જ્યારે તેઓ . . . વાત કરી રહ્યાં” હશે ત્યારે આવશે. જગત અગાઉથી ન જોઇ શકે એ રીતે, જ્યારે માનવીઓનું ધ્યાન પોતે આશા રાખે છે તે શાંતિ અને સલામતિ પર હશે, જ્યારે સૌથી ઓછું અપેક્ષિત હશે, ત્યારે વિનાશ આવી પડશે.

૧૩, ૧૪. ઇસુએ કયો મુશ્કેલીનો સમય ભાખ્યો, અને એની સમાપ્તિ કઈ રીતે થશે?

૧૩ શેતાનની અસર હેઠળની આ દુનિયાનો, સમય પૂરો થવા આવ્યો છે. જલ્દી જ મુશ્કેલીના સમયમાં એનો અંત આવશે જેના વિષે ઇસુએ કહ્યું: “તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.”—માત્થી ૨૪:૨૧

૧૪ “મોટી વિપત્તિ”ની પરાકાષ્ઠા દેવનું આર્માગેદનનું યુદ્ધ હશે. દાનીયેલ પ્રબોધકે કહેલો આ એ સમય છે જ્યારે દેવ “આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે.” એનો અર્થ થયો કે દેવથી સ્વતંત્ર હાલના સર્વ માનવી શાસનોનો અંત. તેમનું રાજ્ય શાસન આકાશમાંથી સર્વ માનવ વ્યવહારનો પૂરેપૂરો કાબૂ સંભાળી લેશે. દાનીયેલે ભાખ્યું, કે ફરીથી કદી પણ શાસનની સત્તા “અન્ય પ્રજાના કબજામાં” સોંપાશે નહિ.—દાનીયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૧૬:૧૪-૧૬.

૧૫. શેતાન અને તેના અપદૂતોની અસરનું શું થશે?

૧૫ એ સમયે સર્વ શેતાની અને અપદૂતોમય અસર પણ બંધ થશે. એ બંડખોર આત્મિક પ્રાણીઓને માર્ગમાંથી દૂર કરાશે જેથી તેઓ ‘ફરીથી લોકોને ભુલાવી’ ન શકે. (પ્રકટીકરણ ૧૨:૯; ૨૦:૧-૩) તેઓને મોતની સજા ફરમાવાઈ છે અને તેઓ વિનાશની રાહ જુએ છે. તેઓની પતિત અસરમાંથી મુક્ત થવું માણસજાત માટે કેવો છુટકારો થશે!

કોણ બચશે? કોણ નહિ?

૧૬-૧૮. આ વ્યવસ્થાના અંતમાંથી કોણ બચી જશે, અને કોણ નહિ બચે?

૧૬ દેવના ન્યાયચુકાદાઓ આ જગત વિરુદ્ધ અમલમાં આવશે, ત્યારે કોણ બચશે? કોણ નહિ બચે? બાઈબલ બતાવે છે કે જેમને દેવનું શાસન જોઈએ છે તેમનું રક્ષણ થશે અને બચશે. જેઓને દેવનું શાસન જોઈતું નથી તેઓને રક્ષવામાં નહિ આવે અને તેઓ શેતાનના જગત સાથે નાશ પામશે.

૧૭ નીતિવચન ૨:૨૧, ૨૨ કહે છે: “સદાચારીઓ [જેઓ દેવના શાસનને આધીન થાય છે] દેશમાં વસશે, અને નીતિસંપન્‍ન જનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો [જેઓ દેવના શાસનને આધીન થતા નથી] દેશ પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી સમૂળગા ઊખેડી નાખવામાં આવશે.”

૧૮ ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧ પણ કહે છે: “કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; . . . નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” કલમ ૨૯ ઉમેરે છે: “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”

૧૯. કઈ સલાહ આપણે હૃદયમાં રાખવી જોઈએ?

૧૯ આપણે ગીતશાસ્ત્ર ૩૭:૩૪ની સલાહને હૃદયમાં રાખવી જોઈએ, જે જણાવે છે: “યહોવાહની વાટ જો, તેને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે; દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે.” કલમો ૩૭ અને ૩૮ કહે છે: “નિર્દોષ માણસનો વિચાર કર, અને યથાર્થીને જો; કેમ કે શાંતિપ્રિય માણસને બદલો મળશે. પણ અપરાધીઓ સમૂળગા નાશ પામશે; પરિણામે દુષ્ટોનો ઉચ્છેદ થશે.”

૨૦. આપણે શા માટે કહી શકીએ કે જીવવા માટે આ રોમાંચક સમયો છે?

૨૦ એ જાણવું કેટલું દિલાસાયુક્ત છે, હા, કેટલું પ્રેરણાદાયક છે, કે દેવ ખરેખર આપણી કાળજી રાખે છે અને જલ્દી જ તે સર્વ દુષ્ટતા અને યાતનાનો અંત લાવશે! એ સમજવું કેટલું રોમાંચક છે કે એ મહિમાવાન ભવિષ્યવાણીઓની પરિપૂર્ણતા હવે થોડો સમય જ દૂર છે!

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૦ પર ચિત્ર]

બાઈબલે છેલ્લા દિવસોની “નિશાની” બનાવતા બનાવો ભાખ્યા

[પાન ૨૨ પર ચિત્ર]

જેઓ દેવના શાસનને આધીન થતાં નથી તેઓનો જલ્દી જ, આર્માગેદનમાં, સંહાર કરાશે. જેઓ આધીન થાય છે તેઓ બચીને ન્યાયી નવી દુનિયામાં જશે