સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે કઈ રીતે જાણી શકીએ કે દેવ છે

આપણે કઈ રીતે જાણી શકીએ કે દેવ છે

ભાગ ૩

આપણે કઈ રીતે જાણી શકીએ કે દેવ છે

૧, ૨. દેવ છે કે નહિ એ નક્કી કરવા કયો સિદ્ધાંત આપણને મદદ કરે છે?

 આ સુસ્થાપિત સિદ્ધાંત લાગુ પાડવાથી, દેવ છે કે કેમ એ નક્કી થઇ શકે: બનાવેલા માટે બનાવનાર જરૂરી છે. બનાવેલી વસ્તુ જેટલી જટિલ, એનો બનાવનાર એટલો વધુ સક્ષમ હોવો જોઈએ.

દાખલા તરીકે, તમારા ઘરમાં આસપાસ જુઓ. ટેબલ, ખુરશીઓ, મેજ, પલંગો, તપેલા, તાવડીઓ, થાળીઓ, અને જમવા માટેના બીજા બધાં વાસણો માટે બનાવનાર જરૂરી છે, જેમ દિવાલો, ભોંયતળિયા, અને છત માટે પણ જરૂરી છે તેમ. જો કે, એ વસ્તુઓ બનાવવી પ્રમાણમાં સહેલી છે. સાદી વસ્તુઓ માટે બનાવનાર જરૂરી છે, તેથી શું એ તર્કપૂર્ણ નથી કે જટિલ વસ્તુઓ માટે વધુ બુદ્ધિશાળી બનાવનાર જરૂરી છે?

આપણું ભયાવહ વિશ્વ

૩, ૪. દેવ અસ્તિત્વ ધરાવે છે એ જાણવા માટે વિશ્વ આપણને કઈ રીતે મદદ કરે છે?

ઘડિયાળ માટે ઘડિયાળી જરૂરી છે. તો પછી સદીઓથી સૂક્ષ્મસેકન્ડની ચોકસાઈવાળા સૂર્ય અને એની આસપાસ ફરતાં ગ્રહોવાળા આપણા અનંતપણે વધુ જટિલ સૂર્યમંડળ વિષે શું? આકાશગંગા કહેવાતી, ૧૦૦ અબજથી વધુ તારાઓવાળી, ભયાવહ નિહારિકા જેમાં આપણે રહીએ છીએ એનું શું? શું તમે કદી પણ રાત્રે થોભીને આકાશગંગા પર મીટ માંડી છે? શું તમે પ્રભાવિત થયા? તો પછી આપણી આકાશગંગા જેવી અકથ્ય અબજો નિહારિકાઓ ધરાવતા, માનવામાં ન આવે એવા વિશાળ વિશ્વનો વિચાર કરો! વળી, એ નક્ષત્રો સદીઓથી તેઓના પરિભ્રમણમાં એટલા ભરોસાપાત્ર છે કે તેઓને ચોક્સાઈભર્યા સમયમાપક યંત્રો સાથે સરખાવાય છે.

જો પ્રમાણમાં સાદી ઘડિયાળ, ઘડિયાળીનું અસ્તિત્વ દર્શાવે છે, તો સાચે જ અનંતપણે વધુ જટિલ અને ભયાવહ વિશ્વ એના ઘડનાર અને બનાવનારને દર્શાવે છે. તેથી બાઈબલ આપણને આપણી ‘આંખો ઊંચી કરીને જોવાનું’ આમંત્રણ આપે છે, અને પછી એ પૂછે છે: “એ બધા તારા કોણે ઉત્પન્‍ન કર્યા છે?” જવાબ: “તે [દેવ] મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.” (યશાયાહ ૪૦:૨૬) આમ, વિશ્વ પોતાના અસ્તિત્વ માટે એક અદ્રશ્ય, નિયંત્રણ કરનાર, બુદ્ધિશાળી શક્તિ—દેવ—નું ઋણી છે.

અજોડપણે ઘડેલી પૃથ્વી

૫-૭. પૃથ્વી વિષેની કઈ હકીકતો બતાવે છે કે એનો ઘડનાર હતો?

વૈજ્ઞાનિકો પૃથ્વીનો જેટલો વધુ અભ્યાસ કરે છે, તેટલું વધુ તેઓને સમજાય છે કે માનવ વસવાટ માટે એને અજોડપણે ઘડવામાં આવી છે. પ્રકાશ અને ગરમી યોગ્ય પ્રમાણમાં મળે માટે એ સૂર્યથી યોગ્ય અંતરે છે. બરાબર યોગ્ય ખૂણે ઢળેલી રહીને એ વર્ષે એક વાર સૂર્યની આસપાસ ફરે છે, જેથી પૃથ્વીના ઘણાં ભાગોમાં ઋતુઓ શક્ય બને છે. પૃથ્વી પોતાની ધરી પર પણ દર ૨૪ કલાકે એક આંટો ફરે છે, જેથી પ્રકાશ અને અંધકારના નિયમિત સમયગાળા મળે છે. એની પાસે વાયુઓના યોગ્ય મિશ્રણવાળું વાતાવરણ છે જેથી આપણે શ્વાસ લઈ શકીએ છીએ અને અવકાશમાંનાં હાનિકારક કિરણોત્સર્ગમાંથી બચી શકીએ છીએ. એની પાસે ખોરાક ઉગાવવા માટે જરૂરી અગત્યના પાણી અને જમીન પણ છે.

એ અને એની સાથે કાર્ય કરતાં બીજા ઘટકો સિવાય જીવન અશક્ય બન્યું હોત. શું એ સર્વ એક અકસ્માત હતો? સાયન્સ ન્યુઝ કહે છે: “એમ લાગે છે કે આવી ચોક્કસ અને ચોક્સાઈભરી સ્થિતિઓ આડેધડ ઊભી ન જ થઈ શકે.” ના, તેઓ ન જ થઈ શકે. એમાં શ્રેષ્ઠ ઘડનારનું હેતુપૂર્વકનું ઘડતર સમાયેલું છે.

જો તમે એક સરસ ઘરમાં જાઓ અને તમને એ પુષ્કળ ખોરાકથી ભરેલું મળે, અને એને ઉત્કૃષ્ટ ગરમી અને એરકંડિશન વ્યવસ્થા હોય, અને પાણી પૂરું પાડવા એની પાસે સારી જળવ્યવસ્થા હોય, તો તમે શું તારવશો? કે એ બધું પોતાની મેળે જ આવ્યું છે? ના, તમે જરૂર એમ તારવશો કે એક બુદ્ધિશાળી વ્યક્તિએ ઘણી કાળજીથી એની રચના કરી છે અને બનાવ્યું છે. પૃથ્વીને પણ, એના રહેવાસીઓ માટે જે જરૂરી છે એ પૂરું પાડવા ઘણી કાળજીથી રચવામાં અને બનાવવામાં આવી છે, અને એ કોઈ પણ ઘર કરતાં વધુ જટિલ અને વધુ ભરપૂર છે.

૮. પૃથ્વી વિષે બીજું શું છે જે બતાવે છે કે દેવ આપણી પ્રેમાળ કાળજી રાખે છે?

તદુપરાંત, જીવનમાં આનંદનો ઉમેરો કરતી અનેક વસ્તુઓનો પણ વિચાર કરો. માનવીઓ જેનો આનંદ માણે છે એવી આનંદદાયક સુગંધવાળા સુંદર રંગીન ફૂલોની વિશાળ વિવિધતા તરફ જુઓ. પછી આપણા સ્વાદને આટલા બધા ભાવતા ખોરાકોની મોટી વિવિધતા પણ છે. જોવામાં આનંદદાયક જંગલો, પહાડો, સરોવરો અને બીજી ઉત્પત્તિઓ છે. તેમ જ, આપણા જીવનના આનંદને વધારતા સુંદર સૂર્યાસ્તો વિષે શું? અને પ્રાણીઓના પ્રદેશમાં, ગલુડિયાં, બિલાડીના બચ્ચાં, અને બીજા પ્રાણીઓના બચ્ચાંના ગમ્મત અને પ્રેમાળ સ્વભાવ શું આપણને આનંદ નથી આપતાં? આમ પૃથ્વી, જીવન ટકાવવા પૂરેપૂરા જરૂરી ન પણ હોય છતાં એવા આનંદદાયક આશ્ચર્યો પૂરા પાડે છે. એ બતાવે છે કે પૃથ્વી, માનવીઓને ધ્યાનમાં રાખીને, પ્રેમાળ કાળજીથી ઘડવામાં આવી હતી, જેથી આપણે ફક્ત અસ્તિત્વ જ ન ધરાવીએ પણ જીવનનો આનંદ માણીએ.

૯. પૃથ્વી કોણે બનાવી, અને તેમણે એ શા માટે બનાવી?

તેથી, વાજબી તારવણી એ છે કે આ બધી વસ્તુઓના આપનારને કબૂલવા જોઇએ, જેમ બાઈબલ લેખકે કર્યું, જેણે યહોવાહ દેવ વિષે કહ્યું: “તેં આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યા છે.” કયા હેતુ માટે? “પૃથ્વીનો બનાવનાર તથા તેનો કર્તા તે છે; તેણે એને સ્થાપન કરી, ઉજ્જડ રહેવા સારુ એને ઉત્પન્‍ન કરી નથી, તેણે વસ્તીને સારુ તેને બનાવી,” એમ દેવનું વર્ણન કરીને તે જવાબ આપે છે.—યશાયાહ ૩૭:૧૬; ૪૫:૧૮.

આશ્ચર્યકારક જીવંત કોષ

૧૦, ૧૧. શા માટે જીવંત કોષ આટલો આશ્ચર્યજનક છે?

૧૦ જીવંત વસ્તુઓ વિષે શું? શું તેઓને બનાવનારની જરૂર નથી? દાખલા તરીકે, જીવંત કોષના કેટલાક આશ્ચર્યકારક પાસાઓનો વિચાર કરો. પરમાણું જીવવિજ્ઞાની માઇકલ ડેન્ટન તેના પુસ્તક ઈવોલ્યુશન: એ થીયરી ઇન ક્રાઇસિસમાં, જણાવે છે: “આજે પૃથ્વી પર સર્વ જીવંત વ્યવસ્થાઓમાં સૌથી સાદા, બેક્ટેરિયા કોષો પણ અતિશય જટિલ પદાર્થો છે. જો કે સૌથી નાના બેક્ટેરિયા કોષો માનવામાં ન આવે એટલા નાના હોય છે છતાં, . . . એમાંનો દરેક જટિલ પરમાણું યંત્રના ઉત્કૃષ્ટપણે ઘડેલા હજારો ભાગો ધરાવતું યથાર્થ અતિસૂક્ષ્માલ્પાકૃત કારખાનું છે . . . જે માણસે બનાવેલા કોઈ પણ યંત્ર કરતાં વધુ જટિલ અને નિર્જીવ જગતમાં પૂરેપૂરું અજોડ છે.”

૧૧ દરેક કોષમાંના રંગસૂત્રની સંજ્ઞા (genetic code) વિષે, તે કહે છે: “ડીએનએ (DNA)ની માહિતી સંગ્રહવાની શક્તિ, જાણમાં હોય એવી બીજી કોઈ પણ વ્યવસ્થા કરતાં વિશાળપણે ઊંચી છે; એ એટલું બધું સક્ષમ છે કે માણસ જેવા જટિલ સજીવરચનાના સવિસ્તર વર્ણન માટે જરૂરી સર્વ માહિતી પણ, એક ગ્રામના કેટલાય અબજમાં ભાગ કરતાં પણ ઓછું વજન ધરાવે છે. . . . જીવનના પરમાણું યંત્ર દ્વારા પ્રદર્શિત કૌશલ્ય અને જટિલતાના સ્તરને પડખે, આપણી સૌથી વધુ વિકસિત [ઉત્પાદિત વસ્તુઓ] પણ કઢંગી દેખાય છે. આપણે વામણાં હોવાનું અનુભવીએ છીએ.”

૧૨. કોષની શરૂઆત વિષે એક વૈજ્ઞાનિકે શું કહ્યું?

૧૨ ડેન્ટન ઉમેરે છે: “સૌથી સાદા પ્રકારના જાણીતા કોષની જટિલતા એટલી બધી છે કે એ સ્વીકારવું અશક્ય છે કે આવો પદાર્થ કોઈક પ્રકારના તરંગી, મોટા ભાગે અસંભવ બનાવ દ્વારા અચાનક ગોઠવી નંખાયો હોય.” એને માટે ઘડનાર અને બનાવનાર જરૂરી છે.

આપણું આશ્ચર્યજનક મગજ

૧૩, ૧૪. શા માટે મગજ જીવંત કોષ કરતાં પણ વધુ આશ્ચર્યકારક છે?

૧૩ પછી આ વૈજ્ઞાનિક કહે છે: “જટિલતાની વાત કરીએ છીએ ત્યારે, સસ્તન પ્રાણીઓના મગજ જેવી વ્યવસ્થા સાથે સરખાવતાં, એકલદોકલ કોષ કંઈ જ વિસાતમાં નથી. માનવી મગજ લગભગ દસ અબજ જ્ઞાનતંતુઓ ધરાવે છે. દરેક જ્ઞાનતંતુઓ કંઈક દસ હજાર અને એક લાખની વચ્ચે તાંતણાઓ ફેલાવે છે જેના દ્વારા એ મગજમાંના બીજા જ્ઞાનતંતુઓ સાથે સંપર્ક સાધે છે. બધા મળી માનવી મગજમાંના સંપર્કોની કુલ સંખ્યા . . . દસ લાખ અબજ પર પહોંચે છે.”

૧૪ ડેન્ટન ચાલુ રાખે છે: “જો મગજમાંના સંપર્કોમાંના એકસોમાં ભાગના સંપર્કોને પણ વિશિષ્ટ રીતે ગોઠવવામાં આવે, તોપણ એ પૃથ્વી પરના આખા સંદેશવ્યવહાર તંત્ર કરતાં પણ વધુ મોટી સંખ્યામાં વિશિષ્ટ સંપર્કો ધરાવતી વ્યવસ્થાનો નમૂનો બનશે.” પછી તે પૂછે છે: “શું કોઈ પણ પ્રકારની આડેધડ પ્રક્રિયા કદી પણ આવી વ્યવસ્થા ભેગી કરી શકે?” દેખીતી રીતે જ, જવાબ છે ના. મગજને કાળજીપૂર્વક રચનાર અને બનાવનાર હોવો જ જોઈએ.

૧૫. મગજ વિષે બીજાઓ શું ટીકા આપે છે?

૧૫ માનવી મગજ સમક્ષ સૌથી વધુ વિકસિત કોમ્પ્યુટરો પણ પ્રાચીન ઢબના દેખાય છે. વિજ્ઞાન લેખક મોર્ટન હન્ટે કહ્યું: “આપણી સક્રિય યાદશક્તિ મોટા સમકાલિન સંશોધન કોમ્પ્યુટર કરતાં કેટલાય અબજ ગણી વધુ માહિતી ધરાવે છે.” આમ, મગજના સર્જન ડો. રોબર્ટ જે. વ્હાઇટે તારવણી કરી: “મગજ-મનના આશ્ચર્યજનક સંબંધ—જે સમજવો માણસની શક્તિ બહારનું છે—એની રચના અને વિકાસ માટે જવાબદાર, ઉચ્ચતર બુદ્ધિના અસ્તિત્વને કબૂલવા સિવાય મારી પાસે બીજો કોઈ માર્ગ નથી. . . . મારે માનવું પડે છે કે એ બધાની બુદ્ધિશાળી શરૂઆત હતી, કોઈકે એ બનાવ્યું.” એની કાળજી રાખી હોય એવું પણ કોઇક હોવું જોઇએ.

અજોડ રુધિરાભિસરણ તંત્ર

૧૬-૧૮. (અ) કઈ રીતોએ રુધિરાભિસરણ તંત્ર અજોડ છે? (બ) આપણે શું તારવવું જોઈએ?

૧૬ અજોડ રુધિરાભિસરણ તંત્ર જે પોષક તત્વો તથા ઓક્સિજનનું વહન કરે છે અને ચેપ સામે રક્ષણ આપે છે એનો પણ વિચાર કરો. આ તંત્રના મુખ્ય ઘટક, રક્તકણો વિષે, એબીસીઝ ઓફ ધ હ્યુમન બોડી પુસ્તક જણાવે છે: “લોહીનું એક ટીપું લોહીના અલગ-અલગ ૨૫ કરોડથી વધુ રક્તકણો ધરાવે છે . . . શરીરમાં એ લગભગ ૨૫,૦૦૦ અબજ હોય છે, એટલા બધા કે જો ફેલાવવામાં આવે તો, ટેનિસના ચાર મેદાનો ઢાંકી દે. . . . દર સેકન્ડે ૩૦ લાખ નવા કણોના દરે ફેરબદલી થાય છે.”

૧૭ અજોડ રુધિરાભિસરણના બીજા ભાગ, શ્વેતકણો વિષે, એ જ ઉદ્‍ભવ આપણને કહે છે: “જ્યારે કે રક્તકણો એક જ પ્રકારના હોય છે, ત્યારે શ્વેતકણો ઘણી વિવિધતામાં હોય છે, અને દરેક પ્રકાર શરીરના યુદ્ધો જુદી જુદી રીતે લડવા શક્તિમાન છે. દાખલા તરીકે, એક પ્રકાર મૃત કોષોનો નાશ કરે છે. બીજા પ્રકારો વિષાણુઓ (વાયરસ) વિરુદ્ધ પ્રતિદ્રવ્યો (antibodies) પેદા કરે છે, બાહ્ય પદાર્થોને વિષમુક્ત કરે છે, અથવા કીટાણુઓ (બેક્ટેરિયા)ને શાબ્દિક રીતે ખાય જાય છે અને પચાવે છે.”

૧૮ કેટલી અદ્‍ભુત અને ઉચ્ચપણે સંગઠિત વ્યવસ્થા! સાચે જ જે આટલી સારી રીતે ભેગું કરવામાં આવ્યું છે અને આટલી પૂર્ણ રીતે રક્ષણાત્મક છે એને અતિ બુદ્ધિશાળી અને કાળજી રાખનાર સંગઠનકર્તા—દેવ—હોવા જ જોઈએ.

બીજી અદ્‍ભુતતાઓ

૧૯. માનવરચિત સાધનો સાથે આંખની કેવી સરખામણી થાય છે?

૧૯ માનવી શરીરમાં બીજી પણ અદ્‍ભુતતાઓ છે. એક છે આંખ, જે એટલી ઉત્કૃષ્ટપણે રચવામાં આવી છે કે કોઈ પણ કેમેરા એની નકલ ન કરી શકે. ખગોળવેત્તા રોબર્ટ જેસ્ટ્રો કહે છે: “આંખ રચવામાં આવી હોય એમ જણાય છે; ટેલિસ્કોપના કોઈ પણ ઘડનારે એનાથી વધુ સારું કાર્ય ન કર્યું હોત.” અને પોપ્યુલર ફોટોગ્રાફી પ્રકાશન વર્ણવે છે: “માનવી આંખોનો વિગતો જોવાનો વ્યાપ, ફિલ્મ કરતાં ઘણો મોટો છે. તેઓ ત્રણ પરિમાણ (થ્રી ડાયમેન્સન)માં, અત્યંત પહોળા ખૂણે, વિકૃતિ વિના, સતત ગતિમાં, જુએ છે . . . કેમેરાને માનવી આંખ સાથે સરખાવવો એ યોગ્ય સરખામણી નથી. માનવી આંખ કંઈક આશ્ચર્યજનકપણે વિકસિત સુપરકોમ્પ્યુટર જેવી છે જેમાં માનવરચિત બુદ્ધિ, માહિતી-પ્રક્રિયાની શક્તિ, ઝડપ, અને કોઈ પણ માનવરચિત સાધન અર્થાત્‌ કોમ્પ્યુટર કે કેમેરાથી અનેકગણી વધુ સંચાલન પદ્ધતિઓ હોય.”

૨૦. માનવ શરીરના બીજા કેટલાંક અદ્‍ભુત પાસાઓ કયા છે?

૨૦ આપણા સજાગ પ્રયત્ન વિના શરીરના સર્વ જટિલ અંગો જે રીતે સહકાર આપે છે એનો પણ વિચાર કરો. દાખલા તરીકે, આપણે આપણા પેટમાં ઘણા વિવિધ પ્રકારના ખોરાક તથા પીણાં નાખીએ છીએ, છતાં શરીર એ બધાની પ્રક્રિયા કરે છે અને શક્તિ પેદા કરે છે. વાહનની પેટ્રોલની ટાંકીમાં આવી વિવિધ વસ્તુઓ નાખો અને જુઓ કે એ કેટલે દૂર સુધી જાય છે! પછી જન્મનો ચમત્કાર પણ છે જેમાં માત્ર નવ મહિનામાં એક મોહક બાળક—એના માબાપની પ્રતિકૃતિ—પેદા થાય છે. અને થોડા જ વર્ષોની વયના બાળકની જટિલ ભાષામાં વાતચીત કરતા શીખવાની શક્તિ વિષે શું?

૨૧. શરીરની અદ્‍ભુતતાઓનો વિચાર કરીને, કેટલીક વાજબી વ્યક્તિઓ શું કહે છે?

૨૧ હા, માનવ શરીરમાંની ઘણી આશ્ચર્યજનક, જટિલ ઉત્પત્તિ આપણને ભયથી આશ્ચર્યવિભોર કરી દે છે. કોઈ ઇજનેર એ વસ્તુઓની નકલ ન કરી શકે. શું એ ફક્ત આંધળી ઘટનાનું કાર્ય છે? ચોક્કસ નહિ જ. એને બદલે, માનવી શરીરના આ બધા નવાઈભર્યા પાસાઓનો વિચાર કરતા, વાજબી વ્યક્તિઓ કહે છે, જેમ ગીતકર્તાએ કહ્યું: “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી [દેવની] ઉપકારસ્તુતિ કરીશ; તારાં કામ આશ્ચર્યકારક છે.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪.

સર્વોચ્ચ બાંધનાર

૨૨, ૨૩. (અ) આપણે શા માટે ઉત્પન્‍નકર્તાના અસ્તિત્વને કબૂલવું જોઈએ? (બ) બાઈબલ દેવ વિષે યોગ્યપણે જ શું કહે છે?

૨૨ બાઈબલ જણાવે છે: “અલબત્ત, દરેક ઘર કોઈએ બાંધ્યું છે; પરંતુ અસ્તિત્વ ધરાવતા દરેકને દેવે બાંધ્યા છે.” (હેબ્રી ૩:૪, ધ જરુસાલેમ બાઈબલ) ગમે તેટલું સાદું હોય છતાં, દરેક ઘરને બાંધનાર હોવો જ જોઈએ, ત્યારે પૃથ્વી પર જીવનની વિશાળ વિવિધતા સહિત, ઘણાં જ વધુ જટિલ વિશ્વને પણ બાંધનાર હોવો જ જોઈએ. અને આપણે એ માનવીઓના અસ્તિત્વને કબૂલીએ છીએ જેમણે વિમાનો, ટેલિવિઝન, અને કોમ્પ્યુટરો જેવા સાધનો બનાવ્યા, તો શું આપણે એમના અસ્તિત્વને કબૂલવું ન જોઈએ જેમણે માનવીઓને આવી વસ્તુઓ બનાવવાનું મગજ આપ્યું?

૨૩ બાઇબલ કબૂલે છે જે માટે એ તેમને “આકાશોને ઉત્પન્‍ન કરનાર, તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર, તે પરના લોકને પ્રાણ આપનાર તથા તે પરના ચાલનારાને જીવન આપનાર યહોવાહ દેવ” છે. (યશાયાહ ૪૨:૫) બાઈબલ યોગ્યપણે જ જાહેર કરે છે: “ઓ અમારા પ્રભુ (યહોવાહ, NW) તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમ કે તેં સર્વેને ઉત્પન્‍ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.”—પ્રકટીકરણ ૪:૧૧.

૨૪. આપણે કઈ રીતે જાણી શકીએ કે દેવ છે?

૨૪ હા, દેવે બનાવેલી વસ્તુઓ પરથી આપણે જાણી શકીએ કે તેમનું અસ્તિત્વ છે. “કેમ કે [દેવના] અદ્રશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ, જગત ઉત્પન્‍ન થયું ત્યારથી [દેવે] સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.”—રૂમી ૧:૨૦.

૨૫, ૨૬. શા માટે કશાકનો દુરુપયોગ એનો બનાવનાર ન હોવાની દલીલ નથી?

૨૫ એ હકીકત કે બનાવેલી કોઈક વસ્તુનો દુરુપયોગ કરાય છે એનો અર્થ એ નથી થતો કે એનો કોઈ બનાવનાર નથી. વિમાનનો ઉપયોગ શાંતિમય હેતુ માટે કરી શકાય, ઊતારુવિમાન તરીકે. પરંતુ એક બોમ્બર તરીકે એને વિનાશ માટે પણ વાપરી શકાય. એનો ઘાતક રીતે ઉપયોગ થઇ રહ્યો છે એનો અર્થ એ નથી કે એનો કોઈ બનાવનાર ન હતો.

૨૬ એવી જ રીતે, માનવીઓ આટલી બધી વાર ખરાબ નીવડ્યા છે એ હકીકતનો અર્થ એ નથી કે તેમનો કોઈ બનાવનાર ન હતો, કે દેવ નથી. તેથી, બાઈબલ ખરી રીતે જ અવલોકે છે: “અરે તમારી કેવી આડાઈ! શું કુંભાર માટીની બરાબર ગણાય? એવી રીતે, કે કૃત્ય પોતાના કર્તા વિષે કહે, કે તેણે મને કર્યું નથી; અથવા બનાવેલું પોતાના બનાવનાર વિષે કહે, કે તેને કંઈ સમજ નથી?”—યશાયાહ ૨૯:૧૬.

૨૭. શા માટે આપણે દેવ પાસે યાતના વિષેના આપણા પ્રશ્નોના જવાબની અપેક્ષા રાખી શકીએ?

૨૭ ઉત્પન્‍નકર્તાએ જે બનાવ્યું છે એની આશ્ચર્યકારક જટિલતા દ્વારા તેમણે પોતાનું ડહાપણ બતાવ્યું છે. પૃથ્વીને જીવવા માટે યોગ્ય બનાવીને, આપણા શરીરો અને મનોને આટલી અદ્‍ભુત રીતે બનાવીને, અને આપણા આનંદ માટે આટલી બધી સારી વસ્તુઓ બનાવીને, તેમણે બતાવ્યું છે કે તે ખરેખર આપણી કાળજી રાખે છે. સાચે જ આવા પ્રશ્નોના જવાબ જણાવીને તે એવા જ ડહાપણ અને કાળજી બતાવશે: દેવે શા માટે યાતનાને પરવાનગી આપી છે? તે એ વિષે શું કરશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૫ પર ચિત્ર]

પૃથ્વી, એના રક્ષણાત્મક વાતાવરણ સાથે, પ્રેમાળ દેવે આપણા માટે ઘડેલું અજોડ ઘર છે

[પાન ૬ પર ચિત્ર]

પૃથ્વી પ્રેમાળ કાળજીથી બનાવવામાં આવી હતી જેથી આપણે જીવનનો પૂરો આનંદ માણી શકીએ

[પાન ૭ પર ચિત્ર]

‘એક મગજ પૃથ્વી પરના સમસ્ત સંદેશવ્યવહાર તંત્ર કરતાં વધુ સંપર્કો ધરાવે છે.’—પરમાણું જીવવિજ્ઞાની

[પાન ૮ પર ચિત્ર]

“આંખ રચવામાં આવી હોય એમ જણાય છે; ટેલિસ્કોપના કોઈ પણ ઘડનારે એનાથી વધુ સારું કાર્ય ન કર્યું હોત.”—ખગોળવેત્તા