દેવની બનાવેલી અજાયબ નવી દુનિયા
ભાગ ૧૦
દેવની બનાવેલી અજાયબ નવી દુનિયા
૧, ૨. આર્માગેદનના શુદ્ધિકરણના યુદ્ધ પછી શું થશે?
દેવના શુદ્ધિકરણના આર્માગેદનના યુદ્ધ પછી શું? ત્યારે એક મહિમાવાન નવો યુગ શરૂ થશે. આર્માગેદનમાંથી બચી ગયેલાઓએ દેવના શાસનને પોતાની વફાદારી સાબિત કરી હોવાથી, તેઓને નવી દુનિયામાં લાવવામાં આવશે. દેવ પાસેથી માનવ કુટુંબને અદ્ભુત લાભો મળશે તેથી ઇતિહાસનો એ કેવો રોમાંચક નવો સમયગાળો હશે!
૨ દેવના રાજ્યના માર્ગદર્શન હેઠળ, બચેલાઓ પારાદેશ વિક્સાવવાનું શરૂ કરશે. તેઓની શક્તિઓ તે સમયે જીવંત સર્વના લાભાર્થે નિઃસ્વાર્થ ધ્યેયોને અર્પવામાં આવશે. પૃથ્વીને માણસજાત માટે સુંદર, શાંતિપૂર્ણ, સંતોષપ્રદ ઘરમાં રૂપાંતર કરવાનું શરૂ થશે.
દુષ્ટતાની જગાએ ન્યાયીપણું
૩. આર્માગેદન પછી તરત જ કયો તાત્કાલિક છુટકારો અનુભવવામાં આવશે?
૩ આ બધું શેતાનની દુનિયાના વિનાશથી શક્ય બનાવાશે. ફરી કદી પણ જૂઠા ધર્મો, સામાજિક વ્યવસ્થાઓ, અથવા સરકારો નહિ હોય. ફરીથી કદી પણ લોકોને છેતરવા શેતાની વિચારોનો ફેલાવો નહિ હોય; એ પેદા કરનાર સર્વ આડતો શેતાનની વ્યવસ્થા સાથે પતનમાં જશે. જરા વિચારો: શેતાનની દુનિયાનું સમસ્ત ઝેરી વાતાવરણ દૂર કરાશે! એ કેવો છુટકારો થશે!
૪. શિક્ષણમાં થનાર ફેરફારનું વર્ણન કરો.
૪ ત્યારે માનવ શાસનની વિનાશક યુક્તિઓની જગાએ દેવ પાસેથી આવતું ઉન્નતિકારક શિક્ષણ હશે. “તારા સર્વ સંતાન યહોવાહના શિષ્ય થશે.” (યશાયાહ ૫૪:૧૩) વર્ષોવર્ષ આ આરોગ્યપ્રદ શિક્ષણને લીધે, “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશાયાહ ૧૧:૯) લોકો ફરી કદી ભૂંડું શીખશે નહિ, પરંતુ “જગતના રહેવાસીઓ ધાર્મિકપણું [ન્યાયીપણું, NW] શીખશે.” (યશાયાહ ૨૬:૯) ઉન્નતિકારક વિચારો અને કાર્યો પ્રચલિત હશે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૧; ફિલિપી ૪:૮.
૫. સર્વ દુષ્ટતા અને દુષ્ટ લોકોનું શું થશે?
૫ આમ, ખૂન, હિંસા, બળાત્કાર, લૂંટ, અથવા બીજો કોઈ ગુન્હો હશે નહિ. બીજાઓના દુષ્ટ કૃત્યોને લીધે ફરીથી કોઈને પણ સહન કરવું નહિ પડે. નીતિવચન ૧૦:૩૦ કહે છે: “સદાચારીઓ કદી ખસેડવામાં આવશે નહિ; પણ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ.”
સંપૂર્ણ તંદુરસ્તી પુનઃસ્થાપિત
૬, ૭. (અ) દેવનું રાજ્ય કઈ કઠોર વાસ્તવિકતાનો અંત લાવશે? (બ) પૃથ્વી પર હતા ત્યારે ઇસુએ એ કઈ રીતે પ્રદર્શિત કર્યું?
૬ નવી દુનિયામાં, મૂળ બંડની સર્વ દુષ્ટ અસરોને અવળી કરાશે. દાખલા તરીકે, રાજ્ય શાસન માંદગી અને વૃદ્ધાવસ્થા નાબૂદ કરશે. આજે, જો કે તમે કંઈક પ્રમાણમાં સારી તંદુરસ્તીનો આનંદ માણતા હશો, છતાં કઠોર વાસ્તવિકતા એ છે કે તમારી ઉંમર વધે છે, તેમ તમારી આંખો ઝાંખી થાય છે, તમારા દાંત સડે છે, તમારું સાંભળવું મંદ બને છે, તમારી ચામડી પર કરચલીઓ પડે છે, તમારા આંતરિક અવયવો ભાંગી પડે છે, ત્યાં સુધી કે છેવટે તમે મરી જાઓ છો.
૭ જો કે, આપણે આપણા પ્રથમ માબાપ પાસેથી વારસામાં મેળવેલી એ અસરો જલ્દી જ ભૂતકાળની બાબત બનશે. ઇસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે તંદુરસ્તી વિષે જે પ્રદર્શિત કર્યું એ શું તમને યાદ છે? બાઈબલ વર્ણવે છે: “પાંગળાઓને, આંધળાંઓને, મૂંગાંઓને, ટૂંડાંઓને, તથા બીજા ઘણાંઓને પોતાની સાથે લઈને ઘણા લોકો તેની પાસે આવ્યાં, અને ઇસુના પગ પાસે તેઓએ તેમને મૂક્યાં, ને તેણે તેઆને સાજાં કર્યાં; અને જ્યારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતા થયાં છે, ટૂંડાંઓ સાજાં થયાં છે, પાંગળાંઓ ચાલતાં થયાં છે, અને આંધળાંઓ દેખતાં થયાં છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યાં.”—માત્થી ૧૫:૩૦, ૩૧.
૮, ૯. સંપૂર્ણ તંદુરસ્તી પુનઃસ્થાપિત થશે ત્યારે નવી દુનિયામાં જે સુખ આવશે એનું વર્ણન કરો.
૮ આપણા બધા દર્દો નાબૂદ કરાશે ત્યારે નવી દુનિયામાં કેવું મોટું સુખ હશે! નાદુરસ્તીમાંથી પરિણમતી યાતના આપણને ફરી કદી પીડા નહિ આપે. “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” “ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. લંગડો હરણની પેઠે કૂદશે, ને મૂંગાની જીભ ગાયન કરશે.”—યશાયાહ ૩૩:૨૪; ૩૫:૫, ૬.
૯ દર સવારે ઊઠીને જાણવું કે હવે તમે જોમવાળી તંદુરસ્તીનો આનંદ માણો છો, એ શું રોમાંચક નહિ થાય? વૃદ્ધ વ્યક્તિઓ માટે શું એ જાણવું સંતોષપ્રદ નહિ થાય, કે તેઓને યુવાનીનો પૂરેપૂરો જોમ પાછો મળ્યો છે અને તેઓ મૂળ આદમ અને હવાએ આનંદ માણેલી સંપૂર્ણતા સિદ્ધ કરશે? બાઈબલનું વચન છે: “ત્યારે બાળકના કરતાં પણ તેનું માંસ નીરોગી થશે; તે જુવાનીની સ્થિતિ પાછી પ્રાપ્ત કરે છે.” (અયૂબ ૩૩:૨૫) પેલા ચશ્મા, કર્ણસહાયકો, ઘોડીઓ, વ્હીલચેર, અને દવાઓ નાખી દેવા કેવું આનંદદાયક હશે! દવાખાનાઓ, ડોક્ટરો, અને દાંતના ડોક્ટરોની ફરીથી કદી જરૂર નહિ પડે.
૧૦. મરણનું શું થશે?
૧૦ આવી જોશીલી તંદુરસ્તીનો આનંદ માણનાર વ્યક્તિઓ મરવા નહિ માગે. અને તેઓને મરવું નહિ પડે, કેમ કે માણસજાત વારસાગત અપૂર્ણતા અને મરણના પંજા હેઠળ નહિ હોય. ખ્રિસ્ત “પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહિ દાબે, ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણે છે.” “દેવનું કૃપાદાન અનંતજીવન છે.”—૧ કોરીંથી ૧૫:૨૫, ૨૬; રૂમી ૬:૨૩; યશાયાહ ૨૫:૮ પણ જુઓ.
૧૧. નવી દુનિયાના લાભોની પ્રકટીકરણ કઈ રીતે સમીક્ષા કરે છે?
૧૧ કાળજી રાખનાર દેવ તરફથી પારાદેશમાં માનવ કુટુંબ તરફ વહેતા લાભોની સમીક્ષા કરતા, બાઈબલનું છેલ્લું પુસ્તક કહે છે: “અને [દેવ] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
મૂએલાંઓ પાછા આવે છે
૧૨. પુનરુત્થાન કરવાની દેવે તેમને આપેલી શક્તિ ઇસુએ કઈ રીતે પ્રદર્શિત કરી?
૧૨ ઇસુએ માંદાઓને સાજા અને લંગડાઓને ચાલતા કરવા કરતાં વધુ કર્યું. તે વ્યક્તિઓને કબરમાંથી પણ બહાર લાવ્યા. આમ તેમણે દેવે તેમને આપેલી પુનરુત્થાનની અદ્ભુત શક્તિ પ્રદર્શિત કરી. શું તમને એ પ્રસંગ યાદ છે જ્યારે ઇસુ એક માણસને ઘરે આવે છે જેની દીકરી મરી ગઈ હતી? ઇસુએ મૃત છોકરીને કહ્યું: “છોડી, હું તને કહું છું, ઊઠ.” શું પરિણામ આવ્યું? “તરત છોડી ઊઠીને ચાલવા લાગી.” એ જોઈને, લોકો “ઘણા વિસ્મિત થયાં.” તેઓ ભાગ્યે જ પોતાનો આનંદ સમાવી શક્યા!—માર્ક ૫:૪૧, ૪૨; ઉપરાંત લુક ૭:૧૧-૧૬; યોહાન ૧૧:૧-૪૫ પણ જુઓ.
૧૩. કયા પ્રકારના લોકોનું પુનરુત્થાન કરાશે?
૧૩ નવી દુનિયામાં, “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) એ સમયે ઇસુ મૂએલાંઓને ઊઠાડવાની દેવે તેમને આપેલી શક્તિનો ઉપયોગ કરશે, જેમ તેમણે કહ્યું, “પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે.” (યોહાન ૧૧:૨૫) તેમણે એમ પણ કહ્યું: “જેઓ કબરમાં [દેવની યાદદાસ્તમાં] છે તેઓ સર્વ તેની [ઇસુની] વાણી સાંભળશે; અને . . . નીકળી આવશે.”—યોહાન ૫:૨૮, ૨૯.
૧૪. મરણ ફરીથી થશે નહિ, તેથી કઈ બાબતો જતી રહી હશે?
૧૪ પોતાના પ્રિયજનો સાથે જોડાવા મૃત વ્યક્તિઓના એક પછી બીજાં વૃંદો જીવનમાં પાછા આવશે ત્યારે પૃથ્વીવ્યાપી મોટો આનંદ થશે! બચેલાઓએ વર્તમાનપત્રોમાં મૃતકોની દુઃખદાયક કટારો વાંચવાની નહિ હોય. એને બદલે, એનાથી વિરુદ્ધ જ હશે: તેઓને ચાહનારાઓને આનંદ પમાડવા નવા પુનરુત્થાન પામેલાઓની જાહેરાતો. તેથી અંતિમક્રિયાઓ, ચિતાઓ, સ્મશાનગૃહો, અથવા કબ્રસ્તાનો નહિ હોય!
સાચી શાંતિકારક દુનિયા
૧૫. કઈ રીતે મીખાહની ભવિષ્યવાણી પૂરેપૂરા અર્થમાં પરિપૂર્ણ થશે?
૧૫ જીવનના દરેક વિસ્તારોમાં સાચી શાંતિ હાંસલ થશે. યુદ્ધો, યુદ્ધને પ્રોત્સાહન આપનારાઓ, અને શસ્ત્રોનું ઉત્પાદન કરનારાઓ ભૂતકાળની બાબત હશે. શા માટે? કેમ કે ભાગલાવાદી રાષ્ટ્રીય, કુળમય, અને જાતિવાદી હિતો અદ્રશ્ય થશે. ત્યારે, પૂરા અર્થમાં, “પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ.”—મીખાહ ૪:૩.
૧૬. દેવ એવું શું કરશે જેથી યુદ્ધો અશક્ય બને?
૧૬ સતત યુદ્ધના માણસના લોહીતરસ્યા ઇતિહાસની દ્રષ્ટિએ આ આશ્ચર્યજનક લાગી શકે. પરંતુ એ બધુ માણસજાત માનવ અને અપદૂતોના શાસન હેઠળ હતી તે કારણે થયું છે. નવી દુનિયામાં, રાજ્ય શાસન હેઠળ, આમ થશે: “આવો, યહોવાહનાં કૃત્યો જુઓ, . . . તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને [યુદ્ધના] રથોને અગ્નિથી બાળી નાખે છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯.
૧૭, ૧૮. નવી દુનિયામાં, માણસ અને પશુઓ વચ્ચે કેવો સંબંધ અસ્તિત્વ ધરાવશે?
૧૭ માણસ અને પશુઓ પણ શાંતિમાં હશે, જેમ તેઓ એદનમાં હતાં. (ઉત્પત્તિ ૧:૨૮; ૨:૧૯) દેવ કહે છે: “તે દિવસે હું તેઓને વાસ્તે વનચર જાનવરોની સાથે, ખેચર પક્ષીઓની સાથે તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓની સાથે ઠરાવ કરીશ; અને . . . તેઓને નિર્ભયપણે સુવાડીશ.”—હોશીઆ ૨:૧૮.
૧૮ એ શાંતિ કેટલી વિસ્તૃત હશે? “તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે, ચિત્તો લવારા પાસે સૂશે; વાછરડું, સિંહ તથા માતેલાં ઢોર એકઠાં રહેશે; અને નાનું છોકરું તેઓને દોરશે.” ફરીથી કદી પણ પ્રાણીઓ માણસને કે એકબીજાને ધમકીરૂપ નહિ થાય. અરે “સિંહ ઢોરની પેઠે કડબ ખાશે”!—યશાયાહ ૧૧:૬-૯; ૬૫:૨૫.
પારાદેશમાં પરિવર્તિત પૃથ્વી
૧૯. પૃથ્વીનું શામાં પરિવર્તન કરાશે?
૧૯ માણસજાત માટે આખી પૃથ્વીનું પારાદેશ ઘરમાં પરિવર્તન કરવામાં આવશે. તેથી ઇસુ તેમનામાં માનનાર એક માણસને વચન આપી શક્યા: “તું મારી સાથે પારાદેશમાં હોઈશ.” બાઈબલ કહે છે: “અરણ્ય તથા સૂકી ભૂમી હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે. . . . કારણ કે અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે.”—લુક ૨૩:૪૩; યશાયાહ ૩૫:૧, ૬.
૨૦. શા માટે ભૂખ ફરી કદી માણસજાતને પીડા નહિ આપે?
૨૦ દેવના રાજ્ય હેઠળ, ફરીથી કદી પણ ભૂખ લાખો લોકોને પીડા નહિ આપે. “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.” “વળી ખેતરમાંનાં ઝાડોને ફળ આવશે, પૃથ્વી પોતાની ઊપજ આપશે, ને તેઓ પોતાના દેશમાં નિર્ભય રહેશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬; હઝકીએલ ૩૪:૨૭.
૨૧. બેઘરપણું, ગંદી વસ્તીઓ, અને ખરાબ પડોશનું શું થશે?
૨૧ ફરીથી કદી પણ ગરીબી, બેઘર લોકો, ગંદી વસ્તીઓ અથવા ગુન્હાથી ઉભરાતા પડોશ નહિ હોય. “તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ.” “તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.”—યશાયાહ ૬૫:૨૧, ૨૨; મીખાહ ૪:૪.
૨૨. દેવના શાસનના આશીર્વાદોને બાઈબલ કઈ રીતે વર્ણવે છે?
૨૨ પારાદેશમાં માનવીઓ આ સર્વ વસ્તુઓ, અને એનાથી વધુનો, આશીર્વાદ પામશે. ગીતશાસ્ત્ર ૧૪૫;૧૬ કહે છે: “તું [દેવ] તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત કરે છે.” એમાં કંઈ નવાઈ નથી કે બાઈબલ ભવિષ્યવાણી જાહેર કરે છે: “નમ્ર લોકો દેશનું [પૃથ્વીનું, NW] વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. . . . ન્યાયીઓ દેશનો [પૃથ્વીનો, NW] વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯.
ભૂતકાળની અસર દૂર કરવી
૨૩. કઈ રીતે દેવનું રાજ્ય આપણે અનુભવેલી સર્વ યાતના દૂર કરશે?
૨૩ છેલ્લા છ હજાર વર્ષોમાં માનવ કુટુંબને થયેલા સર્વ નુકસાનને દેવનું રાજ્ય શાસન દૂર કરશે. એ સમયના આનંદો, લોકોએ ભોગવી હોય એવી સર્વ યાતનાઓ કરતાં, અનેકગણા વધુ હશે. અગાઉની યાતનાઓની ખરાબ યાદો જીવનમાં ખલેલ નહિ કરે. લોકોના રોજિંદા જીવનના ઉન્નતિકારક વિચારો અને પ્રવૃત્તિઓ દુઃખદ યાદોને ધીમેધીમે ભૂંસી નાખશે.
૨૪, ૨૫. (અ) યશાયાહે શું થશે એમ ભાખ્યું? (બ) આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે ભૂતકાળની યાતનાઓની યાદ જતી રહેશે?
૨૪ કાળજી રાખતા દેવ જાહેર કરે છે: “હું નવાં આકાશ [માણસજાત ઉપર નવી આકાશી સરકાર] તથા નવી પૃથ્વી [ન્યાયી માનવ સમાજ] ઉત્પન્ન કરનાર છું; અને આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ. પણ હું જે ઉત્પન્ન કરું છું, તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ.” “આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થએલી છે; તેઓ હર્ષનાદ કરવા માંડે છે.”—યશાયાહ ૧૪:૭; ૬૫:૧૭, ૧૮.
૨૫ આમ પોતાના રાજ્ય મારફતે, દેવ આટલો લાંબો વખત ચાલેલી ખરાબ પરિસ્થિતિને સદંતર અવળી કરી નાખશે. સમગ્ર અનંતતા દરમ્યાન તે આશીર્વાદો વરસાવીને આપણા પ્રત્યેની તેમની મોટી કાળજી બતાવશે કે જે આપણને આપણા ભૂતકાળમાં થયેલા કોઈ પણ દુઃખ કરતાં વધુ સુખ ભરપાઈ કરી આપશે. ત્યારે આપણે અનુભવેલી અગાઉની મુશ્કેલીઓની યાદ એવી ઝાંખી પડી જશે કે આપણે યાદ કરીશું તોપણ માંડ યાદ આવશે.
૨૬. શા માટે દેવ ભૂતકાળની કોઈ પણ યાતના માટે આપણને ભરપાઈ કરી આપશે?
૨૬ એ રીતે દેવ આ જગતમાં આપણે સહી હોય એવી યાતનાઓનું વળતર આપશે. તે જાણે છે કે આપણા પ્રથમ માબાપમાંથી વારસામાં અપૂર્ણતા મેળવવાને લીધે, આપણે અપૂર્ણ જન્મ્યાં એ આપણો વાંક ન હતો. આપણે શેતાનના જગતમાં જન્મ્યાં એ આપણો વાંક ન હતો, કેમ કે આદમ અને હવા વિશ્વાસુ રહ્યાં હોત, તો આપણે પારાદેશમાં જન્મ્યાં હોત. તેથી મોટી કરુણાથી દેવ આપણા પર લદાયેલા ખરાબ ભૂતકાળ માટે ભરપાઈ કરવાથી પણ વધુ કરશે.
૨૭. નવી દુનિયામાં કઈ ભવિષ્યવાણીઓની અદ્ભુત પરિપૂર્ણતા થશે?
૨૭ નવી દુનિયામાં, માણસજાત રૂમી ૮:૨૧, ૨૨માં ભાખવામાં આવેલી સ્વતંત્રતા અનુભવશે: “સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.” ત્યારે લોકો આ પ્રાર્થનાની પૂરેપૂરી પરિપૂર્ણતા જોશે: “તારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦) પારાદેશ પૃથ્વી પરની અદ્ભુત સ્થિતિઓ આકાશમાંની સ્થિતિઓનું પ્રતિબિંબ પાડશે.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૩ પર ચિત્રો]
નવી દુનિયામાં, વૃદ્ધો યુવાનીના જોમમાં પાછા આવશે
[પાન ૨૪ પર ચિત્ર]
નવી દુનિયામાં સર્વ માંદગીઓ અને નબળાઈઓ દૂર કરાશે
[પાન ૨૫ પર ચિત્ર]
નવી દુનિયામાં, મૂએલાંઓનું જીવનમાં પુનરુત્થાન કરાશે
[પાન ૨૬ પર ચિત્ર]
‘તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ’
[પાન ૨૭ પર ચિત્રો]
પારાદેશમાં માનવીઓ અને પ્રાણીઓ પૂરેપૂરી શાંતિમાં હશે
[પાન ૨૭ પર ચિત્ર]
‘દેવ પોતાનો હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત કરશે’
[પાન ૨૮ પર ચિત્ર]
દેવનું રાજ્ય આપણે સહેલી સર્વ યાતનાઓ માટે ભરપાઈ કરવાથી વધુ કરશે