દેવનો હેતુ પરિપૂર્ણતા તરફ આગળ વધે છે
ભાગ ૮
દેવનો હેતુ પરિપૂર્ણતા તરફ આગળ વધે છે
૧, ૨. યાતના દૂર કરવા દેવ કઈ જોગવાઈ કરી રહ્યાં છે?
બંડખોર માણસો અને અપદૂતોનું શાસન ઘણી સદીઓથી માનવ કુટુંબને અધોગતિમાં ઘસડી જઈ રહ્યું છે. જો કે, દેવે આપણી યાતનાઓની અવગણના કરી નથી. એને બદલે, આ બધી સદીઓ દરમ્યાન, તે માનવીઓને દુષ્ટતા અને યાતનાના પંજામાંથી છોડાવવાની જોગવાઈ કરી રહ્યા છે.
૨ એદનમાં બંડને વખતે, દેવે એક સરકાર રચવાનો પોતાનો હેતુ પ્રગટ કરવાનું શરૂ કર્યું, જે લોકો માટે આ પૃથ્વી પર પારાદેશમય ઘર બનાવશે. (ઉત્પત્તિ ૩:૧૫) પછીથી, દેવના મુખ્ય વકતા તરીકે, ઇસુએ દેવની આ આવી રહેલી સરકારને તેમના શિક્ષણનો વિષય બનાવ્યો. તેમણે કહ્યું કે એ માણસજાતની એક માત્ર આશા હશે.—દાનીયેલ ૨:૪૪; માત્થી ૬:૯, ૧૦; ૧૨:૨૧.
૩. પૃથ્વી માટે આવી રહેલી સરકારને ઇસુએ શું કહી, અને શા માટે?
૩ ઇસુએ દેવની એ આવી રહેલી સરકારને “આકાશનું રાજ્ય” કહ્યું, કેમ કે એ આકાશમાંથી શાસન કરશે. (માત્થી ૪:૧૭) તેમણે એને “દેવનું રાજ્ય” પણ કહ્યું કેમ કે દેવ એના કર્તા હશે. (લુક ૧૭:૨૦) સદીઓ દરમ્યાન દેવે પોતાના લેખનકારોને એ સરકાર કોણ રચશે અને એ શું સિદ્ધ કરશે એ વિષે ભવિષ્યવાણીઓ લખવા પ્રેર્યાં.
પૃથ્વીના નવા રાજા
૪, ૫. દેવે કઈ રીતે બતાવ્યું કે ઇસુ તેમના પસંદ કરેલા રાજા હતા?
૪ લગભગ બે હજાર વર્ષો અગાઉ, ઇસુએ, દેવના રાજ્યના બનનાર રાજા વિષેની ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ કરી. માણસજાત પરની એ આકાશી સરકારના શાસક તરીકે તે દેવની પસંદગી સાબિત થયા. અને તેમના મૃત્યુ પછી, દેવે ઇસુનું શક્તિશાળી, અમર આત્મિક વ્યક્તિ તરીકે આકાશમાંના જીવન માટે પુનરુત્થાન કર્યું. તેમના પુનરુત્થાનના ઘણાં સાક્ષીઓ હતાં.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૦; ૯:૧-૯; રૂમી ૧:૧-૪; ૧ કોરીંથી ૧૫:૩-૮.
૫ પછી ઇસુ “દેવની જમણી તરફ બિરાજ્યા.” (હેબ્રી ૧૦:૧૨) ત્યાં તેમણે એ સમયની રાહ જોઈ જ્યારે દેવ તેમને દેવના આકાશી રાજ્યના રાજા તરીકે પગલાં લેવા શક્તિમાન કરશે. એણે ગીતશાસ્ત્ર ૧૧૦:૧માંની ભવિષ્યવાણી પરિપૂર્ણ કરી, જ્યાં દેવ તેમને કહે છે: “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”
૬. ઇસુએ કઈ રીતે બતાવ્યું કે તે દેવના રાજ્યના રાજા થવા લાયકાત ધરાવતા હતા?
૬ પૃથ્વી પર હતા ત્યારે, ઇસુએ બતાવ્યું કે તે આવી પદવી માટે લાયકાત ધરાવતા હતા. સતાવણી છતાં, તેમણે દેવને પોતાની પ્રમાણિકતા જાળવી રાખવાનું પસંદ કર્યું. એમ કરીને, તેમણે બતાવ્યું કે જ્યારે શેતાને દાવો કર્યો કે કસોટી હેઠળ કોઈ પણ માનવી દેવને વિશ્વાસુ રહેશે નહિ ત્યારે તે જૂઠું બોલ્યો હતો. સંપૂર્ણ માણસ, ‘છેલ્લા આદમ,’ ઇસુએ, બતાવ્યું કે સંપૂર્ણ માનવીઓ ઉત્પન્ન કરવામાં દેવે ભૂલ કરી ન હતી.—૧ કોરીંથી ૧૫:૨૨, ૪૫; માત્થી ૪:૧-૧૧.
૭, ૮. ઇસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે કઈ સારી બાબતો કરી, અને શું પ્રદર્શિત કર્યું?
૭ ઇસુએ તેમના સેવાકાર્યના થોડા વર્ષોમાં જે સારું કર્યું એટલું કયા શાસકે કદી પણ સિદ્ધ કર્યું છે? દેવના પવિત્ર આત્માથી શક્તિમાન થઈને, ઇસુએ માંદાને, પાંગળાને, આંધળાંને, બહેરાંને, મૂંગાંને સાજા કર્યાં. તેમણે મૂએલાંને પણ ઊઠાડ્યાં! પોતે રાજ્યાધિકારમાં આવશે ત્યારે, ગોળાવ્યાપી સ્તરે જે કરશે, એ તેમણે નાના સ્તરે પ્રદર્શિત કર્યું.—માત્થી ૧૫:૩૦, ૩૧; લુક ૭:૧૧-૧૬.
૮ પૃથ્વી પર હતાં ત્યારે ઇસુએ એટલું બધું સારું કર્યું કે તેમના શિષ્ય યોહાને કહ્યું: “ઇસુએ કરેલાં બીજાં કામો પણ ઘણાં છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલાં બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ, એમ હું ધારું છું.”—યોહાન ૨૧:૨૫. *
૯. શા માટે પ્રમાણિક હૃદયની વ્યક્તિઓ ઇસુ પાસે ટોળે વળી?
૯ લોકો માટે ઘણો બધો પ્રેમ ધરાવવાને લીધે, ઇસુ માયાળુ અને મમતાવાળા હતા. તેમણે ગરીબ અને દલિતોને મદદ કરી, પરંતુ તેમણે ધન અથવા પદવી ધરાવનારાઓ વિરુદ્ધ પક્ષપાત ન કર્યો. પ્રમાણિક હૃદયના લોકોએ ઇસુના પ્રેમાળ આમંત્રણને પ્રત્યુત્તર આપ્યો, જ્યારે તેમણે કહ્યું: “ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમ કે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.” (માત્થી ૧૧:૨૮-૩૦) દેવનો ડર રાખનારી વ્યક્તિઓ તેમની પાસે ટોળે વળી અને તેમના શાસનની રાહ જોવા લાગી.—યોહાન ૧૨:૧૯.
સહશાસકો
૧૦, ૧૧. પૃથ્વી ઉપર શાસન કરવામાં ઇસુ સાથે કોણ સહભાગી થશે?
૧૦ માનવી સરકારોને સહાધિકારીઓ હોય છે, તેમ દેવના આકાશી રાજ્યને પણ છે. ઇસુ સિવાય બીજાઓ પણ પૃથ્વી ઉપર શાસનમાં સહભાગી થવાના છે, કેમ કે ઇસુએ પોતાના નિકટના સાથીઓને વચન આપ્યું કે તેઓ તેમની સાથે માણસજાત ઉપર રાજાઓ તરીકે શાસન કરશે.—યોહાન ૧૪:૨, ૩; પ્રકટીકરણ ૫:૧૦; ૨૦:૬.
૧૧ એથી, ઇસુ સાથે, મર્યાદિત સંખ્યામાં માનવીઓનું પણ આકાશી જીવન માટે પુનરુત્થાન કરાશે. તેઓ માણસજાત માટે અનંત આશીર્વાદો લાવનાર દેવનું રાજ્ય બનાવે છે. (૨ કોરીંથી ૪:૧૪; પ્રકટીકરણ ૧૪:૧-૩) તેથી યુગો દરમ્યાન, યહોવાહે માનવ કુટુંબને અનંત આશીર્વાદો લાવનાર શાસન માટે પાયો નાખ્યો.
સ્વતંત્ર શાસનનો અંત આવશે
૧૨, ૧૩. દેવનું રાજ્ય હવે શું કરવા તૈયાર ઊભું છે?
૧૨ આ સદીમાં દેવે પૃથ્વીના બનાવોમાં સીધેસીધો હાથ નાખ્યો છે. આ મોટી પુસ્તિકાનો ભાગ ૯ ચર્ચશે તેમ, બાઈબલ ભવિષ્યવાણીઓ બતાવે છે કે ખ્રિસ્ત હેઠળ દેવનું રાજ્ય ૧૯૧૪માં સ્થાપિત થયું અને હવે શેતાનની આખી વ્યવસ્થાને કચડવા તૈયાર ઊભું છે. એ રાજ્ય “[ખ્રિસ્તના] શત્રુઓ પર રાજ” કરવા તૈયાર છે.—ગીતશાસ્ત્ર ૧૧૦:૨.
૧૩ આ સંબંધી દાનીયેલ ૨:૪૪માંની ભવિષ્યવાણી કહે છે: “[હમણાં અસ્તિત્વ ધરાવતાં] તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ [આકાશમાં] એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની સર્વોપરિતા બીજા લોકોને સોંપાશે નહિ [માનવી શાસનને ફરી કદી પરવાનગી અપાશે નહિ]. પણ તે [દેવનું રાજ્ય] આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો અંત લાવશે, ને તે સર્વકાળ ટકશે.”—રીવાઈઝ્ડ સ્ટાંડર્ડ વર્શન.
૧૪. માનવી શાસનના અંતને પરિણામે કેટલાક કયા લાભો આવશે?
૧૪ દેવથી સ્વતંત્ર સર્વ શાસનોને માર્ગમાંથી ખસેડી લેવાયાં હોવાથી, પૃથ્વી પર દેવના રાજ્યનું શાસન પૂરેપૂરું થશે. અને રાજ્ય આકાશમાંથી શાસન કરતું હોવાથી, એ કદી પણ માનવીઓથી ભ્રષ્ટ કરી નહિ શકાય. શાસનનો અધિકાર પ્રથમ જગાએ હતો ત્યાં હશે, આકાશમાં, દેવ પાસે. અને દેવનું શાસન આખી પૃથ્વી પર કાબૂ કરશે તેથી, ફરીથી કોઈ પણ વ્યક્તિ જૂઠા ધર્મો અથવા અસંતુષ્ટ માનવી ફિલસૂફીઓ અને રાજકીય સિદ્ધાંતોથી ગેરમાર્ગે દોરવાશે નહિ. એમાંની કોઈ પણ બાબતને રહેવા દેવામાં નહિ આવે.—માત્થી ૭:૧૫-૨૩; પ્રકટીકરણ, અધ્યાયો ૧૭ થી ૧૯.
[ફુટનોટ]
^ ઇસુના જીવનના પૂરા આવરણ માટે, વોચટાવર સોસાયટી દ્વારા ૧૯૯૧માં પ્રકાશિત, ધ ગ્રટેસ્ટ મેન હુ એવર લીવ્ડ પુસ્તક જુઓ.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૮ પર ચિત્ર]
ઇસુ પૃથ્વી પર હતા ત્યારે નવી દુનિયામાં પોતે શું કરશે એ બતાવવા, તેમણે માંદાઓને સાજા કર્યાં અને મૂએલાંઓને ઊઠાડ્યાં
[પાન ૧૯ પર ચિત્ર]
દેવનું આકાશી રાજ્ય તેમનાથી સ્વતંત્ર હોય એવા સર્વ પ્રકારના શાસનને કચડીને અસ્તિત્વમાંથી દૂર કરશે