સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક ખરાબ મિત્ર

એક ખરાબ મિત્ર

ધારો કે તમે યુવાન હતા ત્યારથી તમારો એક “મિત્ર” છે. તેણે તમારો આત્મવિશ્વાસ વધાર્યો. તે તમારા મિત્રોનો પણ મિત્ર છે. એટલે તમે બધા સાથે હો ત્યારે, તમને એકલું એકલું નથી લાગતું. જ્યારે પણ તમે ટેન્શનમાં હો, ત્યારે તેની પાસે દોડી જાઓ છો અને તે તમને થોડી “રાહત” આપે છે. તે તમારો એટલો ખાસ મિત્ર બની ગયો છે કે તમને લાગે છે કે તેના વગર તમે જીવી નહિ શકો.

પણ ધીરે ધીરે તેનો ખરો સ્વભાવ તમારી સામે આવ્યો. તેણે હંમેશાં તમારી સાથે રહેવું છે, પણ એ તમારી સાથે હોય ત્યારે ઘણી જગ્યાએથી તમને આવકાર મળતો નથી. ભલે તેણે તમારો આત્મવિશ્વાસ વધાર્યો, પણ એવું તેણે તમારી તબિયતના ભોગે કર્યું છે. એટલું જ નહિ, તેણે તમારા પગારની અમુક રકમ પણ ચોરી લીધી છે.

હવે તમારે આ દોસ્તીના બંધનમાંથી છૂટવું છે, પણ તે તમારો પીછો નથી છોડતો. એક રીતે તે તમારો માલિક બની બેઠો છે. હવે તમને પસ્તાવો થાય છે કે તેની સાથે દોસ્તી કેમ કરી.

ધૂમ્રપાન કરનારા ઘણા લોકોને સિગારેટ વિશે એવું જ લાગે છે. અર્લીન નામની બહેન ૫૦ વર્ષથી ધૂમ્રપાન કરતી હતી. તે કહે છે: “સિગારેટ મારી પાસે હોય તો મને બીજા કોઈની જરૂર ન પડતી. વર્ષોથી તે મારી સાથી હતી, અમુક વાર તો એકમાત્ર સાથી!” પણ પછી અર્લીનને સમજાયું કે સિગારેટ ફક્ત ખરાબ સાથી નહિ, ખતરનાક સાથી હતી. લેખની શરૂઆતના શબ્દો અર્લીનની લાગણીઓ સાથે બરાબર બંધબેસે છે. પણ સમય જતાં, તે શીખી કે ધૂમ્રપાન કરવું ઈશ્વરની નજરે ખોટું છે, કેમ કે એ શરીરને અશુદ્ધ કરે છે. (૨ કોરીંથીઓ ૭:૧) એટલે તેણે એ આદત છોડી.

હવે ફ્રૅંકભાઈનો દાખલો લો. ઈશ્વરની કૃપા મેળવવા તેમણે ધૂમ્રપાન છોડવાનું નક્કી કર્યું. પણ એના એક-બે દિવસ પછી જ તેમને સિગારેટ પીવાની એટલી તલપ લાગી કે તે આમતેમ બધે સિગારેટનાં ઠૂંઠાં શોધવા લાગ્યા. તે કહે છે: “મને પોતાના પર એટલી શરમ આવી કે હું એટલો નીચે પડી ગયો છું કે સિગારેટનાં ઠૂંઠાં શોધી રહ્યો છું. એ ઘડી અને એ દિવસ, પછી મેં સિગારેટને હાથ પણ ન લગાડ્યો.”

શા માટે ધૂમ્રપાન છોડવું અઘરું છે? સંશોધકોને એનાં અમુક કારણો મળી આવ્યાં છે: (૧) ડ્રગ્સની જેમ તમાકુવાળી વસ્તુઓનું પણ જલદી વ્યસન થઈ જાય છે. (૨) નિકોટિન શ્વાસમાં લઈએ છીએ ત્યારે એ સાત જ સેકન્ડમાં મગજ સુધી પહોંચી જાય છે. (૩) ઘણી વાર ધૂમ્રપાન વ્યક્તિના જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે, કેમ કે તે ખાતાં-પીતાં અને બીજાઓ સાથે વાત કરતા ધૂમ્રપાન કરે છે તેમજ ચિંતા દૂર કરવા પણ એનો સહારો લે છે.

અર્લીન અને ફ્રૅંકના દાખલાથી જોવા મળે છે કે ધૂમ્રપાનની ખરાબ લત છોડી શકાય છે. જો તમે ધૂમ્રપાન છોડવા માંગતા હો, તો “ધૂમ્રપાન છોડવાના લાભ” શૃંખલામાં આપેલા લેખ વાંચો. એમાં આપેલાં સૂચનો તમને જીવનની નવી શરૂઆત કરવા રસ્તો બતાવશે.