સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોઈની મદદ લો

કોઈની મદદ લો

“એકલા માણસને તો કોઈ પણ હરાવે, પણ બે જણ સાથે હોય તો ભેગા મળીને તેનો સામનો કરી શકે.”—સભાશિક્ષક ૪:૧૨.

જ્યારે બીજાઓનો સાથ હોય છે, ત્યારે મુશ્કેલીનો સામનો કરવો સહેલું થઈ જાય છે. એટલે ધૂમ્રપાન છોડવા સારું રહેશે કે તમે કુટુંબીજનો કે મિત્રો પાસે મદદ માંગો.

એવી વ્યક્તિ પાસે મદદ માંગો, જેણે પહેલાં ધૂમ્રપાન છોડ્યું છે, કેમ કે તે તમને સારી રીતે સમજી શકશે અને મદદ કરી શકશે. ડેન્માર્કમાં રહેતા ટોર્બેનભાઈનો વિચાર કરો. તે કહે છે: “બીજાઓનો સાથ મારા માટે ખૂબ કીમતી હતો.” ભારતમાં રહેતા અબ્રાહમભાઈ કહે છે: “મારા કુટુંબીજનો અને સાથી ઈશ્વરભક્તોએ મને જે પ્રેમ બતાવ્યો, એનાથી હું ધૂમ્રપાન છોડી શક્યો.” પણ અમુક વાર કુટુંબીજનો અને મિત્રોનો સાથ જ પૂરતો નથી.

ભગવાનદાસ નામના એક ભાઈ કહે છે: “હું ૨૭ વર્ષથી ધૂમ્રપાન કરતો હતો. પણ હું બાઇબલમાંથી શીખ્યો કે શરીરને અશુદ્ધ કરતી આદતો ઈશ્વરને પસંદ નથી. એટલે મેં ધૂમ્રપાન છોડવાનું નક્કી કર્યું. મેં ધીરે ધીરે સિગારેટ પીવાનું ઓછું કર્યું. જેઓ સાથે વધારે સમય વિતાવતો હતો, તેઓ સાથે હળવા-મળવાનું ઓછું કર્યું. ડૉક્ટરની પણ મદદ લીધી. પણ કંઈ ફાયદો ન થયો. છેવટે એક રાત્રે મેં યહોવા ઈશ્વર આગળ મારું દિલ ઠાલવ્યું અને મદદની ભીખ માંગી, જેથી હું ધૂમ્રપાન છોડી શકું. આખરે, હું એ આદત છોડી શક્યો.”

આગળ જતાં અમુક પડકારો આવી શકે છે, એટલે એના માટે પહેલેથી તૈયાર રહો. એ પડકારો કયા છે? એ વિશે જાણવા “પડકારો ઝીલવા તૈયાર રહો” નામનો લેખ વાંચો.

[પાન ૫ પર બૉક્સ]

શું તમારે દવાઓનો સહારો લેવો જોઈએ?

ધૂમ્રપાન છોડવા આજે ઘણા લોકો નિકોટિન પેચ જેવી દવાઓ વાપરે છે. એ પેચ શરીર પર લગાવવામાં આવે છે. તે નિકોટિનને હળવી માત્રામાં ચામડી દ્વારા શરીરમાં પહોંચાડે છે. આજે તો એ બહુ મોટો વેપાર બની ગયો છે. પણ એ વાપરતા પહેલાં આ સવાલોનો વિચાર કરો:

ફાયદાઓ કયા છે? ઘણા લોકો દાવો કરે છે કે જો ધૂમ્રપાન છોડતી વખતે એવી દવાઓ વાપરવામાં આવે, તો શારીરિક અને માનસિક તકલીફો ઓછી થાય છે. પણ બધા જ લોકો સહમત નથી થતા કે એવી દવાઓથી ફાયદો થાય છે.

જોખમો કયાં છે? અમુક દવાઓથી આવી આડઅસરો થાય છે: ઊબકા આવવા, નિરાશ થઈ જવું અને આત્મહત્યાના વિચારો આવવા. એ પણ યાદ રાખો કે નિકોટિન રિપ્લેસમેન્ટ થૅરપી નિકોટિન આપવાની બીજી રીત જ છે અને તબિયત પર ખરાબ અસર થાય એ તો અલગ. હકીકતમાં, એવી દવાઓ લેનાર વ્યક્તિ હજી પણ નિકોટિનની બંધાણી હોય છે.

બીજાં ઓપ્શન કયાં છે? એક સર્વે પ્રમાણે ધૂમ્રપાન છોડનારા ૮૮ ટકા લોકો કહે છે કે તેઓએ કોઈ પણ દવાના સહારા વગર એક ઝાટકે જ ધૂમ્રપાન છોડી દીધું હતું.