સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલ આપણા સુધી કઈ રીતે પહોંચ્યું?

બાઇબલ આપણા સુધી કઈ રીતે પહોંચ્યું?

બાઇબલ આપણા સુધી કઈ રીતે પહોંચ્યું?

આજ સુધી બાઇબલને સાચવી રાખવામાં આવ્યું છે અને આપણે એને વાંચી શકીએ છીએ, એ સાચે જ એક ચમત્કાર છે. બાઇબલનું લખાણ ૧,૯૦૦ કરતાં વધારે વર્ષો પહેલાં પૂરું થયું હતું. એ એવી વસ્તુઓ પર લખવામાં આવતું, જે સમય જતાં ખરાબ થઈ જતી. જેમ કે, ચામડું કે પપાઈરસ છોડમાંથી બનેલો કાગળ. એ એવી ભાષાઓમાં લખવામાં આવ્યું હતું, જે આજે ફક્ત થોડા જ લોકો બોલે છે. ધર્મગુરુઓએ અને શાસકોએ બાઇબલનો નાશ કરવા ઘણા પ્રયત્નો કર્યા.

બાઇબલ કઈ રીતે આજ સુધી સાચવી રાખવામાં આવ્યું? બીજા કોઈ પણ પુસ્તક કરતાં કેમ બાઇબલ સૌથી વધારે વાંચવામાં આવે છે? ચાલો એનાં બે કારણો જોઈએ.

મૂળ હસ્તપ્રતોની ઘણી નકલો બનાવવામાં આવી

ઇઝરાયેલીઓએ મૂળ લખાણના વીંટાઓને કાળજીપૂર્વક સાચવી રાખ્યા હતા અને એની ઘણી નકલો બનાવી હતી. દાખલા તરીકે, ઇઝરાયેલના રાજાઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ “લેવી યાજકો પાસેથી નિયમનું પુસ્તક લે અને પોતાના પુસ્તકમાં એની નકલ ઉતારે.”—પુનર્નિયમ ૧૭:૧૮.

ઘણા ઇઝરાયેલીઓને નિયમશાસ્ત્ર વાંચવાનું ખૂબ ગમતું હતું, કેમ કે તેઓ એને ઈશ્વરનું વચન ગણતા હતા. આમ કુશળ શાસ્ત્રીઓએ, એટલે કે નકલ ઉતારનાર લોકોએ ખૂબ ધ્યાનથી એની નકલો ઉતારી. એઝરા એવા જ એક શાસ્ત્રી હતા. તે ‘ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ મૂસાને આપેલા નિયમશાસ્ત્રની નકલ ઉતારનાર હતા.’ (એઝરા ૭:૬, ફૂટનોટ) મેસોરેટ તરીકે ઓળખાતા યહૂદીઓએ ઈસવીસન ૫૦૦થી લઈને ૧૦૦૦ની આસપાસ હિબ્રૂ શાસ્ત્રવચનો અથવા “જૂના કરાર”ની નકલો બનાવી હતી. ભૂલો ન રહી જાય એ માટે તેઓએ એકેએક અક્ષર પણ ગણ્યો હતો. તેઓએ ઘણી ચીવટથી અને ચોકસાઈથી એની ઘણી નકલો ઉતારી હતી. એટલે ભલે બાઇબલનો નાશ કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પણ એ આજ સુધી સચવાઈ રહ્યું છે.

દાખલા તરીકે, ઈસવીસન પૂર્વે ૧૬૮માં સિરિયાના એક રાજાએ પેલેસ્ટાઇનમાં હિબ્રૂ શાસ્ત્રવચનોનો નાશ કરવાના ઘણા પ્રયત્ન કર્યા હતા. યહૂદીઓના ઇતિહાસમાં જણાવ્યું છે: “તેઓને નિયમશાસ્ત્રના જેટલા પણ વીંટાઓ મળ્યા એ તેઓએ ફાડીને બાળી નાખ્યા.” ધ જ્યુઇશ ઍન્સાઇક્લોપીડિયામાં લખ્યું છે: ‘અધિકારીઓને આજ્ઞા મળી હતી કે તેઓ વીંટાઓ શોધીને એનો નાશ કરે. તેઓએ એ આજ્ઞા પૂરેપૂરી રીતે પાળી. જો કોઈની પાસે પવિત્ર પુસ્તક મળી આવતું, તો તેઓ તેને મારી નાખતા.’ તોપણ પેલેસ્ટાઇન અને બીજા દેશોમાં રહેતા યહૂદીઓએ નિયમશાસ્ત્રની નકલો સાચવી રાખી.

ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો અથવા “નવા કરાર”ના લેખકોએ પોતાનું લખાણ પૂરું કર્યું એ પછી બીજા અમુક લોકોએ એ ઈશ્વરપ્રેરિત લખાણોની, ભવિષ્યવાણીઓની અને ઇતિહાસના બનાવોની નકલો ઉતારી. દાખલા તરીકે, યોહાને ખુશખબરનું પુસ્તક એફેસસમાં કે એની આજુબાજુના શહેરમાં લખ્યું હતું. પણ અમુક વર્ષો પછી એ પુસ્તકના નાના ભાગની નકલ સેંકડો કિલોમીટર દૂર ઇજિપ્તમાં જોવા મળી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે યોહાને ખુશખબરનું પુસ્તક લખ્યું એના પચાસેક વર્ષ પછી આ નકલ બનાવવામાં આવી હતી. એ બતાવે છે કે દૂર દેશમાં રહેતા ખ્રિસ્તીઓને થોડા જ સમયમાં શાસ્ત્રવચનોની નકલો મળી હતી.

ઘણા લોકો પાસે શાસ્ત્રવચનોની નકલો હતી, એટલે જ ખ્રિસ્ત આવ્યા એની સદીઓ પછી પણ એ ટકી રહ્યું. દાખલા તરીકે, ઈ.સ. ૩૦૩માં ડાયાક્લીશન નામનો રોમન શાસક થઈ ગયો. તેણે વિચાર્યું કે પવિત્ર લખાણોનો નાશ કરવાથી આખા ખ્રિસ્તી ધર્મનો સફાયો થઈ જશે. એટલે ફેબ્રુઆરી ૨૩ની સવારે તેના હુકમથી સૈનિકો ચર્ચનો દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા અને શાસ્ત્રવચનોની બધી જ પ્રતોને બાળી નાખી. એના પછીના દિવસે તેણે હુકમ આપ્યો કે આખા રોમન સામ્રાજ્યમાં બાઇબલની જેટલી પણ નકલો છે, એને જાહેરમાં સળગાવી દેવામાં આવે. તોપણ અમુક નકલો બચી ગઈ અને એમાંથી બીજી નકલો બનાવવામાં આવી. ડાયાક્લીશને હુકમ બહાર પાડ્યો એ પછી બાઇબલની જે નકલો ઉતારવામાં આવી હતી, એમાંની બે નકલો આજ સુધી સચવાઈ છે. ગ્રીક ભાષાની એ નકલોમાંની એક રોમમાં છે અને બીજી લંડનની બ્રિટિશ લાઇબ્રેરીમાં છે.

ભલે હજી સુધી બાઇબલની મૂળ હસ્તપ્રતો મળી આવી નથી, તોપણ આખેઆખું બાઇબલ અથવા એના અમુક ભાગોની હાથે લખેલી હજારો નકલો આજ દિન સુધી સચવાઈ રહી છે. એમાંની અમુક તો બહુ જ જૂની છે. શું નકલ ઉતારતી વખતે બાઇબલનો મૂળ સંદેશો બદલાઈ ગયો છે? વિલિયમ એચ. ગ્રીન નામના વિદ્વાને હિબ્રૂ શાસ્ત્રવચનો વિશે કહ્યું: “આપણે પૂરી ખાતરીથી કહી શકીએ કે એના સિવાય જૂના જમાનાનું બીજું કોઈ પુસ્તક નથી, જે ફેરફાર વગર આપણા સુધી આવ્યું હોય.” બાઇબલ હસ્તપ્રતોના નિષ્ણાંત સર ફ્રેડરિક કેન્યને ગ્રીક શાસ્ત્રવચનો વિશે કહ્યું: ‘આજે બાઇબલની જે સૌથી જૂની હસ્તપ્રતો પ્રાપ્ય છે, એ મૂળ લેખકોએ બાઇબલનાં પુસ્તકો લખ્યાં એનાં થોડાં જ વર્ષો પછી બનાવવામાં આવી હતી. એટલે પૂરી ખાતરીથી કહી શકાય કે આપણી પાસે જે બાઇબલ છે એ એકદમ સાચું છે. એવું બીજા એકેય જૂના પુસ્તક માટે કહી ન શકાય.’

બાઇબલનું ભાષાંતર

આજે બીજા કોઈ પણ પુસ્તક કરતાં બાઇબલ વધારે વાંચવામાં આવે છે, એનું બીજું કારણ છે, બાઇબલનું ઘણી ભાષાઓમાં ભાષાંતર થયું છે. એ બતાવે છે કે ઈશ્વરની ઇચ્છા છે કે બધી પ્રજા અને બોલીના લોકો તેમને ઓળખે તેમજ “પવિત્ર શક્તિથી અને સચ્ચાઈથી” તેમની ભક્તિ કરે.—યોહાન ૪:૨૩, ૨૪; મીખાહ ૪:૨.

હિબ્રૂ શાસ્ત્રવચનોનું સૌથી પહેલા ગ્રીક ભાષામાં ભાષાંતર થયું. એને સેપ્ટુઆજીંટ કહેવામાં આવે છે. આ ભાષાંતર એવા યહૂદી લોકો માટે હતું, જેઓ પેલેસ્ટાઈનની બહાર રહેતા હતા અને ગ્રીક બોલતા હતા. ઈસુએ પૃથ્વી પર પોતાનું પ્રચારકાર્ય શરૂ કર્યું એનાં આશરે ૨૦૦ વર્ષ પહેલાં એ ભાષાંતર પૂરું થયું હતું. આખું બાઇબલ લખાયું એની અમુક જ સદીઓ પછી એનું ઘણી ભાષાઓમાં ભાષાંતર થયું. રાજાઓ અને ધાર્મિક આગેવાનોએ તો લોકોને બાઇબલ વાંચવાનું ઉત્તેજન આપવાનું હતું. પણ એના બદલે તેઓએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને લોકોને બાઇબલ વાંચવાથી રોક્યા. તેઓ ચાહતા ન હતા કે લોકો ઈશ્વરને ઓળખે, એટલે તેઓએ એવી ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર ન થવા દીધું જે લોકો એ સમયે બોલતા હતા.

અમુક હિંમતવાન લોકોએ ચર્ચ અને સરકારના નિયમો તોડીને પણ એ સમયના લોકોની ભાષામાં બાઇબલનું ભાષાંતર કર્યું. એમ કરવા તેઓ પોતાનો જીવ પણ જોખમમાં મૂકવા તૈયાર હતા. ચાલો ઇંગ્લૅન્ડના વિલિયમ ટિંડેલનો દાખલો જોઈએ. ભલે મોટા મોટા અધિકારીઓ અને શાસકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, તોપણ તેમણે હિબ્રૂ શાસ્ત્રવચનોના પહેલા પાંચ પુસ્તકોનું હિબ્રૂમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. તે એવા પહેલા ભાષાંતરકાર હતા, જેમણે અંગ્રેજી બાઇબલમાં ઈશ્વરનું નામ યહોવા મૂક્યું. બીજો દાખલો સ્પેનના એક બાઇબલ વિદ્ધાન કેસીઓડોરો દે રૈનાનો છે. તેમણે બાઇબલનું સ્પેનિશ ભાષામાં ભાષાંતર કર્યું, એટલે કૅથલિક ચર્ચના આગેવાનો તેમને મારી નાખવા માંગતા હતા. તે ભાષાંતર કરી જ રહ્યા હતા ત્યારે તેમણે ઇંગ્લૅન્ડ, જર્મની, ફ્રાંસ, હૉલૅન્ડ અને સ્વિટ્‌ઝરલૅન્ડ ભાગી જવું પડ્યું. *

બાઇબલને આજ સુધી સાચવી રાખવામાં આવ્યું છે. બીજા કોઈ પણ પુસ્તક કરતાં બાઇબલ સૌથી વધારે વાંચવામાં આવે છે. એ બતાવે છે કે યહોવાએ પોતાનું વચન પાળ્યું છે. એ વિશે પ્રેરિત પિતરે કહ્યું હતું: “ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે, પણ યહોવાના શબ્દો હંમેશાં ટકી રહે છે.”—૧ પિતર ૧:૨૪, ૨૫.

[ફૂટનોટ]

^ ફકરો. 14 સાલ ૧૫૬૯માં રૈનાનું બાઇબલ ભાષાંતર બહાર પડ્યું અને સાલ ૧૬૦૨માં સિપ્રિઆનો દે વાલેરાએ એમાં સુધારા-વધારા કર્યા.

[પાન/બૉક્સ ૧૪ પર ચિત્રો]

મારે કયું બાઇબલ ભાષાંતર વાંચવું જોઈએ?

ઘણી ભાષાઓમાં અલગ અલગ બાઇબલ ભાષાંતર પ્રાપ્ય છે. અમુક બાઇબલ ભાષાંતરમાં ખૂબ જૂની અને અઘરી ભાષા વાપરવામાં આવી છે. અમુકમાં વધારે છૂટછાટ લેવામાં આવી છે, એટલે એ કદાચ વાંચવામાં સહેલું લાગે. પણ એમાંથી વાચકને બાઇબલનો સાચો સંદેશો મળતો નથી. અમુક ભાષાંતરમાં એકેએક શબ્દનું બેઠું ભાષાંતર કરવામાં આવ્યું છે.

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. એનું ભાષાંતર મૂળ ભાષાઓમાંથી થયું છે. પણ એના ભાષાંતરકારો પોતાનું નામ જાહેર કરવા માંગતા ન હતા. આ જ ભાષાંતરને આધારે બીજી ઘણી ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર કરવામાં આવ્યું છે. એ ભાષાના ભાષાંતરકારોએ પણ મૂળ ભાષા સાથે એની સરખામણી કરી હતી. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં જ્યાં સુધી અર્થ ન બદલાતો હોય, ત્યાં સુધી મૂળ ભાષા પ્રમાણે સીધેસીધું ભાષાંતર કરવામાં આવ્યું છે. બાઇબલ સમયના લોકો માટે મૂળ લખાણોની ભાષા સમજવી બહુ સહેલી હતી. એવી જ રીતે, આજના બાઇબલ ભાષાંતરકારો ચાહે છે કે આજના લોકો માટે પણ બાઇબલની ભાષા સહેલી હોય.

અમુક નિષ્ણાતોએ આજના સમયનાં બાઇબલ ભાષાંતરોનો અભ્યાસ કર્યો, જેથી ખબર પડે કે એ ભાષાંતરો સાચાં છે કે નહિ. અમેરિકાના એક નિષ્ણાતે ૨૦૦૩માં એક પુસ્તક બહાર પાડ્યું, જેમાં ૯ અંગ્રેજી બાઇબલ ભાષાંતરોની સરખામણી કરવામાં આવી હતી. તેમણે એવી ઘણી કલમોની સરખામણી કરી, જેનું ભાષાંતર અલગ અલગ રીતે કરવામાં આવ્યું હતું. તેમણે એ કલમોને ગ્રીક લખાણો સાથે સરખાવી, જેથી જોઈ શકાય કે ભાષાંતરકારોએ એમાં પોતાના વિચારો તો નથી ઉમેર્યા ને!

એ નિષ્ણાતના કહ્યા પ્રમાણે ઘણા લોકોનું માનવું છે કે બીજાં ભાષાંતરો કરતાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન એકદમ અલગ છે, કેમ કે એના ભાષાંતરકારોએ પોતાની ધાર્મિક માન્યતાઓ પ્રમાણે એનું ભાષાંતર કર્યું છે. પણ તે કહે છે કે ઘણા કિસ્સાઓમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન અલગ છે, કેમ કે એ ભાષાંતર એકદમ ખરું અને મૂળ લખાણો પ્રમાણે છે. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની અમુક કલમોનું જે રીતે ભાષાંતર થયું છે એની સાથે એ નિષ્ણાત સહમત નથી, તોપણ તે કહે છે કે આ ભાષાંતર “ઘણું સારું” છે.

ઇઝરાયેલના ડૉ. બેન્જામીન કેદાર હિબ્રૂ ભાષાના નિષ્ણાત છે. તેમણે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન વિશે ૧૯૮૯માં કહ્યું: ‘આ ભાષાંતરથી જોવા મળે છે કે મૂળ લખાણને સમજવા બહુ જ મહેનત કરવામાં આવી છે. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં કલમોનો અર્થ બદલાઈ ગયો હોય એવું મને ક્યાંય જોવા ન મળ્યું.’

પોતાને પૂછો: ‘હું કયા કારણથી બાઇબલ વાંચું છું? શું મારે એવું બાઇબલ વાંચવું છે, જે સહેલું હોય પણ એમાં સંદેશો બદલાઈ ગયો હોય? કે પછી મારે એવું બાઇબલ વાંચવું છે, જે ખરું હોય અને મૂળ લખાણો પ્રમાણે હોય?’ (૨ પિતર ૧:૨૦, ૨૧) એ સવાલોના જવાબથી તમને યોગ્ય બાઇબલ ભાષાંતર પસંદ કરવા મદદ મળશે.

[ચિત્ર]

“ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ” ઘણી ભાષાઓમાં પ્રાપ્ય છે

[પાન ૧૨, ૧૩ પર ચિત્રો]

મેસોરેટિક મૅન્યુસ્ક્રિપ્ટ

[પાન ૧૩ પર ચિત્રો]

એક નાનો ટુકડો જેમાં લૂક ૧૨:૭ લખેલી છે: “. . . બીશો નહિ, તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો”

[પાન ૧૩ પર ચિત્રો ક્રેડીટ લાઈન]

પહેલું પાન: National Library of Russia, St. Petersburg; બીજું અને ત્રીજું પાન: Bibelmuseum, Münster; છેલ્લું પાન: © The Trustees of the Chester Beatty Library, Dublin