શું તમારે એવી રમતો રમવી જોઈએ જેમાં જીવનું જોખમ હોય?
પવિત્ર શાસ્ત્ર શું કહે છે?
શું તમારે એવી રમતો રમવી જોઈએ જેમાં જીવનું જોખમ હોય?
‘આજે મોટા ભાગના લોકોને ફક્ત ઘરે બેસીને ખતરનાક રમતો જોવી જ નથી, એ રમવી પણ છે. જેમ કે, વિમાનમાંથી નીચે કૂદવું, દોરડાની મદદથી પર્વતની ટોચથી નીચે ઊતરવું, નાની હોડીમાં બેસીને ધોધ પરથી પડવું (કાયાકીંગ ઓવર વોટરફોલ્સ) અથવા શાર્ક માછલી સાથે તરવું.’—વીલો ગ્લેન રેસીડેન્ટ નામનું છાપું.
એ બતાવે છે કે રમતો પ્રત્યે લોકોનું વલણ બદલાઈ રહ્યું છે. આજે દુનિયામાં ખતરનાક રમતો ખૂબ જ પ્રચલિત છે. લોકોને ઊંચાઈથી કૂદવું, બરફીલા પહાડો ચઢવા અને સાઇકલ, સ્કેટબોર્ડ કે બાઇકની મદદથી સીધા પહાડો ચઢવા જેવી દિલધડક રમતો રમવામાં ખૂબ મજા આવે છે. ટાઇમ મૅગેઝિન પ્રમાણે આવી રમતોનું ચલણ વધી રહ્યું છે, કારણ કે આવી જોખમી રમતો રમીને લોકો પોતાનો ડર દૂર કરવા માંગે છે અને જીવનમાં નવું સાહસ કરવા માંગે છે.
દિવસે ને દિવસે આવી રમતો પ્રચલિત થઈ રહી છે અને લોકોએ પણ સામાન્ય રમતોને ખતરનાક બનાવી દીધી છે, એટલે ઈજાનું પ્રમાણ પણ વધ્યું છે. રમતો રમતી વખતે ઈજા થાય અને તાત્કાલિક દવાખાને જવું પડે એવા કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દાખલા તરીકે, અમેરિકામાં ૧૯૯૭ની સાલમાં સ્કેટબોર્ડને લીધે થતી ઈજાઓમાં ૩૩ ટકા, સ્નોબોર્ડને લીધે થતી ઈજાઓમાં ૩૧ ટકા અને પર્વતારોહણ કરતી વખતે થતી ઈજાઓમાં ૨૦ ટકાનો વધારો થયો છે. અમુક વાર તો આવી રમતોમાં લોકોનું મરણ પણ થાય છે. જેઓ આવી રમતો રમે છે, તેઓ જાણે છે કે આ રમતો જોખમી છે. એકદમ જોખમી હદે સ્કીઇંગ કરતી એક મહિલા કહે છે: “હું સારી રીતે જાણું છું કે આ રમતમાં મારો જીવ જઈ શકે છે.” સ્નોબોર્ડથી રમનાર એક ખેલાડીના કહેવા પ્રમાણે જો રમતી વખતે ઈજા ન થાય, તો એનો અર્થ થાય કે ખેલાડી રમતમાં સખત મહેનત કરી રહ્યો નથી.
હવે આપણે જાણીએ છીએ કે આ રમતો ખૂબ જોખમી છે. તો શું ઈશ્વરભક્તોએ આવી રમતો રમવી જોઈએ? એ વિશે સારો નિર્ણય લેવા બાઇબલ કઈ રીતે મદદ કરે છે? એ સવાલોના જવાબ જાણવા ચાલો જોઈએ કે ઈશ્વર માટે જીવન કેટલું કીમતી છે.
ઈશ્વરની નજરે જીવન
બાઇબલમાં જણાવ્યું છે કે યહોવા “જીવનનો ઝરો” છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) તેમણે આપણને બનાવ્યા અને જીવન-જરૂરી બધી વસ્તુઓ આપી, જેથી આપણે જીવનનો આનંદ માણી શકીએ. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪; પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૬, ૧૭; ૧૭:૨૪-૨૮) એટલે આપણે જીવનની કદર કરીએ એવી ઈશ્વરની ઇચ્છા વાજબી છે. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને જે નિયમો આપ્યા હતા એનાથી જોઈ શકાય છે કે તેમના માટે જીવન કેટલું કીમતી છે.
મૂસાના નિયમશાસ્ત્રથી જોવા મળે છે કે ઇઝરાયેલીઓએ અમુક પગલાં ભરવાનાં હતાં, જેથી બીજાઓનું જીવન જોખમમાં ન મુકાય. જો કોઈ ઇઝરાયેલી એ ન પાળે અને કોઈનો જીવ જાય તો તેને સજા થતી. દાખલા તરીકે, જો કોઈ નવું ઘર બાંધે, તો તેણે ધાબા ફરતે પાળી બનાવવાની હતી. જો મકાનમાલિક એમ ન કરે અને કોઈ વ્યક્તિ ધાબા પરથી પડી જાય અને તેનું મરણ થાય, તો મકાનમાલિકનું કુટુંબ દોષિત ગણાતું. (પુનર્નિયમ ૨૨:૮) જો એક બળદ અજાણતાં કોઈ વ્યક્તિને શિંગડું મારે અને તે મરી જાય, તો બળદનો માલિક દોષિત ન ગણાતો. પણ જો બળદને શિંગડાં મારવાની આદત હોય અને એ વિશે એના માલિકને ખબર હોય, છતાં એને કાબૂમાં ન રાખ્યો હોય અને તે કોઈને શિંગડું મારે અને તેનું મરણ થાય, તો માલિક દોષિત ગણાતો અને તેને મારી નાખવામાં આવતો. (નિર્ગમન ૨૧:૨૮, ૨૯) ઇઝરાયેલીઓને આપેલા નિયમોથી જોવા મળે છે કે યહોવાની નજરે જીવન કીમતી છે અને તે ચાહે છે કે લોકો પણ એને કીમતી ગણે.
વફાદાર ઈશ્વરભક્તો જાણતા હતા કે ભલે કોઈ સંજોગ માટે કોઈ સીધેસીધો નિયમ ન હોય, તોપણ પોતાનો કે બીજાઓનો જીવ જોખમમાં મૂકવો ખોટું છે. દાખલા તરીકે, એકવાર દાઉદ કહ્યું: “કાશ, કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી લાવી આપે!” એ સમયે બેથલેહેમ પલિસ્તીઓના હાથમાં હતું. દાઉદની ઇચ્છા સાંભળીને તેમના ત્રણ સૈનિકો પલિસ્તીઓની છાવણીમાં ગયા અને બેથલેહેમના કૂવાનું પાણી દાઉદ માટે લઈ આવ્યા. દાઉદે શું કર્યું? એ પાણી પીવાને બદલે એને જમીન પર ઢોળી દીધું. તેમણે કહ્યું: “મારા ઈશ્વરની નજરમાં એ એકદમ ખોટું કહેવાય. એ પાણી પીવાનું તો હું વિચારી પણ ન શકું. જે માણસોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો, તેઓનું લોહી હું કઈ રીતે પી શકું? કેમ કે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને મારા માટે પાણી લાવ્યા છે.” (૧ કાળવૃત્તાંત ૧૧:૧૭-૧૯) દાઉદ ચાહતા ન હતા કે તેમની એક ઇચ્છા પૂરી કરવા માટે તેમના માણસો પોતાનો જીવ જોખમમાં મૂકે.
શેતાને ઈસુની કસોટી કરતા કહ્યું કે ઈસુ મંદિરથી કૂદકો મારે અને જુએ કે દૂતો તેમને બચાવે છે કે નહિ. પણ ઈસુએ એમ કરવાની ના પાડી દીધી અને કહ્યું: “તું તારા ઈશ્વર યહોવાની કસોટી ન કર.” (માથ્થી ૪:૫-૭) દાઉદ અને ઈસુ જાણતા હતા કે પોતાનો કે બીજાઓનો જીવ જોખમમાં મુકાય એવું કોઈ કામ કરવું, એ ઈશ્વરની નજરે ખોટું છે.
એ દાખલાઓ પર વિચાર કર્યા પછી કદાચ આપણને થાય, ‘આપણે કઈ રીતે પારખી શકીએ કે કોઈ રમત જોખમી છે કે નહિ? અમુક રમતો જોખમી નથી, પણ એને જોખમી બનાવી દેવામાં આવે છે. એમ હોય તો આપણે કઈ રીતે પોતાની હદ પારખી શકીએ?’
શું જોખમ લેવું જોઈએ?
સારો નિર્ણય લેવા જરૂરી છે કે આપણે જે રમત રમવા માંગીએ છીએ એના વિશે પહેલેથી વિચાર કરીએ. દાખલા તરીકે, આપણે પોતાને પૂછી શકીએ: ‘એ રમત રમવામાં કેટલા લોકોને ઈજા થાય છે? શું મને તાલીમ મળી છે? મને ઈજા ન થાય એ માટે શું મારી પાસે સુરક્ષાનાં સાધનો છે? જો હું પડી જઉં કે સુરક્ષાનાં સાધનો કામ ન કરે, તો શું? શું મને ફક્ત સામાન્ય ઈજા થશે, કે ગંભીર ઈજા થશે, કે પછી મારો જીવ જશે?’
જ્યારે એક ઈશ્વરભક્ત જાણીજોઈને ખતરનાક રમતો રમે છે, ત્યારે યહોવા સાથેનો તેનો સંબંધ જોખમમાં મુકાય છે અને મંડળની તેની જવાબદારીઓ પર પણ અસર થઈ શકે છે. (૧ તિમોથી ૩:૨, ૮-૧૦; ૪:૧૨; તિતસ ૨:૬-૮) એટલે, ભલે કોઈ રમતમાં મજા આવતી હોય, પણ એ રમતી વખતે યહોવાનો અને તે જીવનને કેટલું કીમતી ગણે છે, એનો વિચાર કરવો જોઈએ.