પ્રકરણ બે
તે ‘ઈશ્વરની સાથે ચાલ્યા’
૧, ૨. નુહ અને તેમનું કુટુંબ કયું બાંધકામ કરતાં હતાં? તેઓએ કયા પડકારોનો સામનો કરવો પડ્યો?
નુહ ઊભા થઈને કમર ટટ્ટાર કરે છે અને દુઃખતા હાથ-પગ આમતેમ હલાવે છે. કલ્પના કરો, તે કાપેલા ઝાડના થડ પર બેઠા છે અને સખત મહેનત કર્યા પછી થોડીક પળો આરામ લઈ રહ્યા છે. બેઠા બેઠા તે આકાર લઈ રહેલા જબરજસ્ત વહાણ પર નજર નાખે છે. હવામાં ગરમ ગરમ ડામરની તીવ્ર વાસ ફેલાયેલી છે. વહાણ બાંધવાનાં સાધનોના અવાજનો પડઘો પડી રહ્યો છે. નુહ બેઠા હતા ત્યાંથી જુએ છે કે પોતાના દીકરાઓ લાકડાના એ મહાકાય માળખું ઊભું કરવા કેટલો પરિશ્રમ ઉઠાવે છે. વર્ષોથી તેમના દીકરાઓ, તેઓની પત્નીઓ અને નુહની વહાલી પત્ની બધા જ આ બાંધકામમાં તનતોડ મહેનત કરી રહ્યાં છે. તેઓએ ઘણું કામ કર્યું છે, પણ હજુ ઘણું કરવાનું બાકી છે!
૨ એ વિસ્તારના લોકોને લાગ્યું કે તેઓ બધા મૂર્ખ છે. વહાણ જેમ જેમ આકાર લેતું ગયું, તેમ તેમ લોકો વધારે મજાક ઉડાવવા લાગ્યા કે આખી ધરતી ડૂબી જાય એવું પૂર કદી આવતું હશે! નુહ જે આફતની ચેતવણી આપતા હતા, એ તેઓને માની ન શકાય એવી લાગતી, અરે મૂર્ખતાભરી લાગતી! તેઓને માનવામાં આવતું ન હતું કે આવા ગાંડપણમાં કોઈ માણસ પોતાનું આખું જીવન, પોતાના કુટુંબનું જીવન બરબાદ કરી દે. જોકે, નુહના ઈશ્વર યહોવા તેમને મૂર્ખ ગણતા ન હતા.
૩. નુહ કઈ રીતે ઈશ્વર સાથે ચાલ્યા?
૩ બાઇબલ કહે છે: “નુહ ઈશ્વરની સાથે ચાલતો.” (ઉત્પત્તિ ૬:૯ વાંચો.) એનો શો અર્થ થાય? એનો અર્થ એવો નથી કે ઈશ્વર ધરતી પર ચાલ્યા હતા અથવા કોઈ રીતે નુહ સ્વર્ગમાં ગયા હતા. એના બદલે, નુહ પોતાના ઈશ્વર યહોવાને એટલી હદે આધીન રહ્યા અને તેમના પર એટલો પ્રેમ રાખ્યો કે તે અને યહોવા મિત્રોની જેમ સાથે સાથે ચાલ્યા. હજારો વર્ષો પછી નુહ વિશે બાઇબલે જણાવ્યું: “શ્રદ્ધાથી તેમણે દુનિયાને દોષિત ઠરાવી.” (હિબ્રૂ. ૧૧:૭) કઈ રીતે? નુહની શ્રદ્ધામાંથી આપણે શું શીખી શકીએ?
દુષ્ટ દુનિયામાં એક નિર્દોષ માણસ
૪, ૫. નુહના સમયમાં દુનિયા કઈ રીતે વધારે ને વધારે બગડતી ગઈ?
૪ નુહ એવી દુનિયામાં મોટા થયા, જે ઝડપથી બગડતી જતી હતી. નુહના ઉત. ૫:૨૨; ૬:૧૧; યહુ. ૧૪, ૧૫) દુનિયા એટલી હદે બગડી જવાનું કારણ શું હતું?
પરદાદા, હનોખના સમયમાં પણ દુનિયા ખરાબ હતી. હનોખ નેક માણસ હતા, જે ઈશ્વર સાથે ચાલ્યા. તેમણે અગાઉથી જણાવ્યું હતું કે દુનિયાના દુષ્ટ લોકો પર ન્યાયનો દિવસ આવશે. હવે, નુહના સમયમાં તો દુષ્ટતા એનાથી પણ ઘણી વધી ગઈ હતી. હકીકતમાં, યહોવાની નજરે પૃથ્વી દુષ્ટતાથી ભરપૂર હતી, કેમ કે એમાં ઘણો જુલમ થતો હતો. (૫ ઈશ્વરના સ્વર્ગદૂતોમાં એક મોટી તકલીફ ઊભી થઈ રહી હતી. તેઓમાંના એક દૂતે ઈશ્વરની નિંદા કરી અને તે શેતાન કહેવાયો. તેણે આદમ અને હવાને પાપ કરવા લલચાવ્યા. આમ તેણે યહોવા સામે બંડ પોકાર્યું. નુહના સમયમાં બીજા દૂતો પણ યહોવા સામેના બંડમાં જોડાયા. ઈશ્વરે સ્વર્ગમાં આપેલું સ્થાન છોડીને તેઓ પૃથ્વી પર આવ્યા. તેઓએ માણસનું રૂપ લીધું અને સુંદર સ્ત્રીઓને પોતાની પત્નીઓ બનાવી. એ ઘમંડી, સ્વાર્થી, બંડખોર દૂતોની અસર માણસોમાં ઝેરી હવાની જેમ ફેલાઈ ગઈ.—ઉત. ૬:૧, ૨; યહુ. ૬, ૭.
૬. દુનિયા પર નેફિલિમની કેવી અસર થઈ? યહોવાએ શું નક્કી કર્યું?
૬ ઉપરાંત, માણસનું રૂપ લીધેલા દૂતો અને સ્ત્રીઓ વચ્ચેના સંબંધો અકુદરતી હતા. તેઓથી થયેલા પુત્રો કદાવર અને અતિશય શક્તિશાળી હતા. અમુક ગુજરાતી બાઇબલ તેઓને ‘રાક્ષસી કદના માણસો’ કહે છે. હિબ્રૂમાં તેઓને નેફિલિમ કહેવાય છે, જેનો અર્થ થાય, ‘બીજાઓને પાડી નાખનાર.’ તેઓ દુનિયામાં હિંસા ફેલાવનારા અને પજવણી કરનારા દુષ્ટ લોકો હતા; તેઓ ક્રૂર અને ખતરનાક હતા. સર્જનહારે જોયું કે “માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે.” એટલે, યહોવાએ નક્કી કર્યું કે ૧૨૦ વર્ષમાં પોતે એ દુષ્ટ સમાજનું નામનિશાન મિટાવી દેશે.—ઉત્પત્તિ ૬:૩-૫ વાંચો.
૭. નુહ અને તેમની પત્નીને એ સમયની ખરાબ અસરથી પોતાના દીકરાઓનું રક્ષણ કરવામાં કેવી તકલીફો પડી હતી?
* નુહ અને તેમની પત્નીએ ભેગા મળીને પોતાના દીકરાઓને આજુબાજુની ખરાબ અસરથી રક્ષણ આપવાનું હતું. “બળવાનો” અને “નામાંકિત પુરુષો” જોઈને મોટા ભાગે નાના છોકરાઓ બહુ નવાઈ પામે છે. નેફિલિમ એ પુરુષો જેવા જ હતા. એ રાક્ષસોનાં પરાક્રમોની વાત નુહ અને તેમની પત્ની પોતાનાં બાળકોથી છુપાવી શકતા ન હતા. પરંતુ, તેઓ બાળકોને યહોવા ઈશ્વર વિશેનું સત્ય જરૂર શીખવી શકતા હતા, જે બધી દુષ્ટતાને ધિક્કારે છે. તેઓએ પોતાના છોકરાઓને એ જોવા મદદ કરવાની હતી કે દુનિયામાં થઈ રહેલાં બંડ અને હિંસાથી યહોવા બહુ દુઃખી થાય છે.—ઉત. ૬:૬.
૭ જરા વિચાર કરો, એવી દુનિયામાં બાળકોને મોટાં કરવાં કેટલું અઘરું હશે! તોપણ, નુહે એમ કર્યું. તેમને સારી પત્ની મળી હતી. નુહ ૫૦૦ વર્ષના થયા પછી, તેઓને ત્રણ દીકરા થયા: શેમ, હામ અને યાફેથ.૮. આજનાં સમજુ માતા-પિતા નુહ અને તેમની પત્નીના પગલે કઈ રીતે ચાલી શકે?
૮ નુહ અને તેમની પત્નીને આજનાં માતા-પિતા સારી રીતે સમજી શકે છે. આજે પણ દુનિયા હિંસા અને બંડના ઝેરથી ભરપૂર છે. શહેરોમાં મોટા ભાગે માથાભારે યુવાનોની ગુંડાગીરી ચાલે છે. અરે, નાનાં બાળકો માટેના મનોરંજનમાં પણ હિંસાનો મારો ચાલે છે. સમજુ માતા-પિતા આવી અસરોથી પોતાનાં બાળકોનું રક્ષણ કરવા બનતા બધા જ પ્રયત્નો કરે છે. તેઓ પોતાનાં બાળકોને શાંતિના ઈશ્વર યહોવા વિશે શીખવે છે, જે એક દિવસ બધી હિંસાનો અંત લાવશે. (ગીત. ૧૧:૫; ૩૭:૧૦, ૧૧) એમ કરવું શક્ય છે. નુહ અને તેમની પત્ની સારી રીતે એમ કરી શક્યા. તેઓના દીકરાઓ મોટા થઈને સારા માણસો બન્યા. તેઓએ એવી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં, જેઓએ પણ સાચા ઈશ્વર યહોવાને જીવનમાં પ્રથમ સ્થાને રાખ્યા હતા.
‘તું પોતાને માટે વહાણ બનાવ’
૯, ૧૦. (ક) યહોવાએ આપેલી કઈ આજ્ઞાથી નુહનું જીવન બદલાઈ ગયું? (ખ) યહોવાએ નુહને વહાણની રચના અને એના મકસદ વિશે શું કહ્યું?
૯ એક દિવસ નુહનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું. યહોવાએ પોતાના આ વહાલા સેવકને જણાવ્યું કે એ સમયની દુનિયાનો તે અંત લાવવાના છે. ઈશ્વરે નુહને આજ્ઞા આપી: “તું પોતાને માટે દેવદારના લાકડાનું વહાણ બનાવ.”—ઉત. ૬:૧૪.
૧૦ ઘણા માને છે કે એ વહાણ બીજા વહાણ જેવું જ હતું, જેને મોરો, ધરા, મોભ, સુકાન કે સઢ હોય છે. પણ, એવું ન હતું. એનો આકાર તો એક મોટી પેટી કે બૉક્સ જેવો હતો. યહોવાએ નુહને વહાણનું સચોટ માપ આપ્યું; એના આકાર વિશે વિગતો આપી; અંદર-બહાર ડામર લગાડવાની સૂચનાઓ આપી. તેમણે નુહને એનું કારણ જણાવતા કહ્યું: “હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ; અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે.” પરંતુ, યહોવાએ નુહ સાથે આ કરાર કર્યો: ‘તું વહાણમાં આવ, તું અને તારી ઉત. ૬:૧૭-૨૦.
સાથે તારા દીકરા, તારી પત્ની અને તારા દીકરાઓની પત્નીઓ.’ નુહે બધાં પ્રકારનાં પ્રાણીઓને બચાવવાં માટે તેઓમાંથી નરનારી લેવાનાં હતાં. જેઓ વહાણમાં હોય, તેઓ જ આવનાર જળપ્રલયમાંથી બચી જવાના હતા!—૧૧, ૧૨. નુહ સામે કયું મોટું કામ રહેલું હતું અને તેમણે એ પડકાર કઈ રીતે ઝીલી લીધો?
૧૧ નુહ સામે એક મોટું કામ રહેલું હતું. આ વહાણ એકદમ વિશાળ બનવાનું હતું, આશરે ૪૩૭ ફૂટ લાંબું, ૭૩ ફૂટ પહોળું અને ૪૪ ફૂટ ઊંચું. અરે, આજે બનેલા લાકડાના સૌથી મોટાં જહાજો કરતાં એ ઘણું મોટું હતું. એ કામના પડકારો વિશે ફરિયાદો કરીને, શું નુહે જવાબદારીમાંથી છટકી જવાની કોશિશ કરી? કે પછી તેમણે વહાણની વિગતોમાં ફેરફાર કરીને પોતાના માટે કામ સહેલું બનાવવાની કોશિશ કરી? ના. બાઇબલ કહે છે: “નુહે એમ જ કર્યું; ઈશ્વરે તેને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તેણે કર્યું.”—ઉત. ૬:૨૨.
૧૨ એ કામ પૂરું કરતા ઘણાં વર્ષો, કદાચ ૪૦-૫૦ વર્ષો લાગ્યાં હશે. વૃક્ષો કાપવાં, લાકડાં ખેંચી લાવવાં, મોભ બનાવવા, એને ઘાટ આપીને જોડવા જેવાં ઘણાં કામો હતાં. વહાણના ત્રણ માળ અથવા તૂતક રાખવાના હતા; અમુક ઓરડીઓ પણ બનાવવાની હતી; વહાણની એક બાજુએ દરવાજો રાખવાનો હતો. વહાણના ઉપરના ભાગમાં બારીઓ રાખવાની હતી. છતને વચ્ચેથી સહેજ ઢોળાવ આપવાનો હતો, જેથી વરસાદનું પાણી સહેલાઈથી સરી જાય.—ઉત. ૬:૧૪-૧૬.
૧૩. નુહ પાસે વહાણ બાંધવા સિવાય પણ બીજું કયું વધારે મુશ્કેલ કામ હતું? લોકોએ શું કર્યું?
૧૩ વર્ષો વીત્યાં તેમ વહાણ આકાર લઈ રહ્યું હતું. નુહને પોતાના કુટુંબનો પૂરો સાથ હોવાથી તે કેટલા ખુશ હશે! નુહ પાસે વહાણ બાંધવા સિવાય પણ બીજું એક કામ હતું, જે કદાચ વધારે મુશ્કેલ હતું. બાઇબલ જણાવે છે કે નુહ “સત્યનો માર્ગ જાહેર કરનાર” હતા. (૨ પીતર ૨:૫ વાંચો.) એ સમયની દુષ્ટ દુનિયાના લોકો પર વિનાશ આવી પડવાનો હતો. એ વિશે લોકોને ચેતવવા નુહે હિંમતથી આગેવાની લીધી. લોકોએ શું કર્યું? ઈસુએ પછીથી એ સમયના લોકો વિશે જણાવ્યું કે “તેઓએ ધ્યાન આપ્યું નહિ.” તેમણે કહ્યું કે તેઓ ખાવા-પીવા અને પરણવામાં, રોજબરોજના જીવનમાં એટલા ગૂંથાયેલા હતા કે નુહની વાત પર જરાય ધ્યાન ન આપ્યું. (માથ. ૨૪:૩૭-૩૯) એમાં કોઈ શંકા નથી કે ઘણાએ નુહ અને તેમના કુટુંબની મશ્કરી કરી; અમુકે તેમને ધમકી પણ આપી હશે અને દાદાગીરી કરીને તેમનો વિરોધ પણ કર્યો હશે. અરે, તેઓએ બાંધકામમાં રુકાવટ લાવવા તોડફોડ પણ કરી હશે.
૧૪. નુહ અને તેમના કુટુંબ પાસેથી આજે યહોવાને ભજતાં કુટુંબો શું શીખી શકે?
૧૪ તોપણ, નુહ અને તેમના કુટુંબે કદીયે હાર ન માની. દુનિયાના લોકોને લાગતું કે વહાણનું બાંધકામ મામૂલી, નકામું અથવા મૂર્ખતા છે. તેમ છતાં, નુહ અને તેમના કુટુંબે એ કામ પડતું ન મૂક્યું. આજે યહોવાને ભજતાં કુટુંબો તેઓની શ્રદ્ધામાંથી ઘણું શીખી શકે છે. બાઇબલ પ્રમાણે આપણે પણ આ દુનિયાના “છેલ્લા દિવસોમાં” જીવીએ છીએ. (૨ તિમો. ૩:૧) ઈસુએ કહ્યું હતું કે આપણો સમય, નુહે વહાણ બાંધ્યું એ સમય જેવો જ હશે. જો દુનિયાના લોકો ઈશ્વરના રાજ્યના સંદેશા તરફ આંખ આડા કાન કરે, આપણી મશ્કરી કરે, અરે સતાવણી લાવે, તો યહોવાના લોકો તરત નુહને યાદ કરશે. કેમ નહિ, નુહે પણ એવા જ પડકારોનો સામનો કર્યો હતો.
“વહાણમાં આવો”
૧૫. નુહ આશરે ૫૯૫ વર્ષના થયા ત્યારે, કોના મરણનું દુઃખ સહેવું પડ્યું?
૧૫ દાયકાઓ વીત્યા તેમ, વહાણનું બાંધકામ ધીમે ધીમે પૂરું થવા આવ્યું. નુહ આશરે ૫૯૫ વર્ષના થયા ત્યારે, તેમના પિતા લામેખ ગુજરી ગયા. * એના પાંચ વર્ષ પછી, લામેખના પિતા, નુહના દાદા મથૂશેલાહ ૯૬૯ વર્ષની ઉંમરે મરણ પામ્યા. બાઇબલ અહેવાલ પ્રમાણે તેમનું જીવન સૌથી લાંબું હતું. (ઉત. ૫:૨૭) મથૂશેલાહ અને લામેખ, બંને પ્રથમ માણસ આદમના સમયથી જીવતા હતા.
૧૬, ૧૭. (ક) નુહના ૬૦૦મા વર્ષે તેમને કયો નવો સંદેશો મળ્યો? (ખ) નુહ અને તેમના કુટુંબે જોયેલા યાદગાર દૃશ્યનું વર્ણન કરો.
૧૬ આપણા પૂર્વજ નુહના ૬૦૦મા વર્ષે તેમને યહોવા ઈશ્વર પાસેથી નવો સંદેશો મળ્યો: “તું ને તારા ઘરનાં બધાં માણસો વહાણમાં આવો.” એ જ સમયે ઈશ્વરે બધાં પ્રકારનાં પશુ-પંખીઓને વહાણમાં લઈ જવાનું નુહને જણાવ્યું. શુદ્ધ પ્રાણીઓની સાત સાત જોડ અર્પણો ચડાવવાં માટે અને અશુદ્ધ પ્રાણીઓની એક એક જોડ.—ઉત. ૭:૧-૩.
૧૭ એ ભૂલાય નહિ એવું દૃશ્ય હશે! નજર પણ ન પહોંચે એટલે દૂરથી હજારોની સંખ્યામાં તેઓ ચાલતાં ચાલતાં, ઊડતાં ઊડતાં, ડોલતાં ડોલતાં અને કૂદકા મારતાં ઉત. ૭:૯.
આવતાં ગયાં. બધાં પશુ-પંખીઓ કદમાં અને આકારમાં સાવ અલગ હતા; કોઈ શાંત હતું તો કોઈ ખૂંખાર. આપણે એવું વિચારવાની જરૂર નથી કે બિચારા નુહ બધાં જંગલી પ્રાણીઓને પટાવી-ફોસલાવીને, હાંક મારીને વહાણની બંધિયાર જગ્યામાં ભેગાં કરે છે. અહેવાલ કહે છે કે તેઓ “નુહની પાસે વહાણમાં ગયાં.”—૧૮, ૧૯. (ક) શંકાશીલ લોકો નુહના અહેવાલ વિશે સવાલો ઉઠાવે તો કઈ રીતે સમજાવી શકાય? (ખ) યહોવાએ પ્રાણી-જગતને બચાવવા જે રીત પસંદ કરી, એમાં કઈ રીતે તેમનું ડહાપણ જોવા મળે છે?
૧૮ અમુક શંકાશીલ લોકો કહેશે કે, ‘એવું કઈ રીતે બની શકે? કઈ રીતે એ બધાં પશુ-પંખીઓ બંધિયાર જગ્યામાં શાંતિથી ભેગાં રહી શકે?’ આનો વિચાર કરો: શું વિશ્વના સર્જનહાર માટે એ શક્તિ બહારની વાત છે કે પોતાના પ્રાણી-જગતને કાબૂમાં ન રાખી શકે? જરૂર પડે તો શું તેઓને તાલીમ આપીને શાંત ન બનાવી શકે? ભૂલશો નહિ કે યહોવાએ જ બધાં પશુ-પંખીઓનું સર્જન કર્યું છે. ઘણા સમય પછી, તેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા હતા અને સૂર્ય થંભી જાય એવું શક્ય બનાવ્યું હતું. તો પછી, નુહના અહેવાલમાં વર્ણન થયું છે, એ બધું શું યહોવા ન કરી શકે? એમાં કોઈ સવાલ નથી કે તે કરી શકે છે અને તેમણે એમ જ કર્યું!
૧૯ ઈશ્વર બીજી કોઈ રીતે પણ પ્રાણી-જગતને બચાવી શક્યા હોત. પણ, તેમણે એવી રીત પસંદ કરી, જેમાં તેમનું ડહાપણ જોવા મળે છે. એ રીત યાદ અપાવે છે કે શરૂઆતમાં પૃથ્વી પરનાં બધાં પશુ-પંખીઓની સંભાળ રાખવાનું કામ તેમણે મનુષ્યના હાથમાં સોંપ્યું હતું. (ઉત. ૧:૨૮) આજે ઘણાં માતા-પિતા પોતાનાં બાળકોને નુહની વાર્તામાંથી શીખવે છે કે સર્જનહાર યહોવાની નજરે પ્રાણીઓ અને મનુષ્યો ઘણાં અનમોલ છે.
૨૦. જળપ્રલય અગાઉના છેલ્લા અઠવાડિયામાં નુહ અને તેમના કુટુંબમાં કેવી હલચલ મચી ગઈ હશે?
૨૦ યહોવાએ નુહને જણાવ્યું કે એક અઠવાડિયામાં જ જળપ્રલય આવશે. કુટુંબમાં કેવી હલચલ મચી ગઈ હશે! કલ્પના કરો, કેટલું બધું કામ પૂરું કરવાનું હતું!
બધાં પશુ-પંખીઓને વહાણમાં ભેગાં કરવાનાં હતાં; તેઓ માટે અને કુટુંબ માટે પૂરતો ખોરાક લાવીને વ્યવસ્થિત ગોઠવવાનો હતો; એમાંય કુટુંબનો બધો સામાન વહાણમાં ચઢાવવો કંઈ સહેલું નહિ હોય. વહાણને ઘર જેવું બનાવવા ખાસ કરીને નુહની પત્ની અને શેમ, હામ તથા યાફેથની પત્નીઓએ કેટલી દોડાદોડ કરી હશે!૨૧, ૨૨. (ક) નુહના દિવસોમાં લોકોના બેફિકર વલણથી આપણને કેમ નવાઈ લાગવી ન જોઈએ? (ખ) નુહ અને તેમના કુટુંબની જે ઠઠ્ઠા-મશ્કરી થતી હતી એ ક્યારે બંધ થઈ?
૨૧ તેઓની આસપાસના લોકો વિશે શું? નુહ અને તેમની મહેનત પર યહોવાના આશીર્વાદ હતા, એના પુરાવા જોવા છતાં તેઓએ “ધ્યાન આપ્યું નહિ.” તેઓની નજર સામે વહાણમાં જવાં બધાં પશુ-પંખીઓની લાંબી લાઇન લાગી હતી, તોપણ તેઓ બેફિકર હતા. તેઓના એવા વલણથી આપણને નવાઈ લાગવી ન જોઈએ. આજે આપણે આ દુનિયાના છેલ્લા દિવસોમાં જીવીએ છીએ. એના ઘણા પુરાવા જોવા છતાં લોકો એના પર જરાય ધ્યાન આપતા નથી. પ્રેરિત પીતરે અગાઉથી જણાવ્યું હતું તેમ, મશ્કરી કરનારા મજાક ઉડાવે છે અને ઈશ્વરની ચેતવણીને ધ્યાન આપનારાઓની હાંસી ઉડાવે છે. (૨ પીતર ૩:૩-૬ વાંચો.) એ જ પ્રમાણે, લોકોએ નુહ અને તેમના કુટુંબની જરૂર ઠઠ્ઠા-મશ્કરી કરી હશે.
૨૨ એ ઠઠ્ઠા-મશ્કરી ક્યારે બંધ થઈ? અહેવાલ જણાવે છે કે નુહ પોતાના કુટુંબ અને પશુ-પંખીઓને વહાણમાં લઈ આવ્યા પછી, ‘યહોવાએ દરવાજો બંધ કર્યો.’ એ જોઈને નજીકમાં જે કોઈ મશ્કરી કરનારા હતા, તેઓના મોં પર જરૂર તાળાં લાગી ગયાં હશે. જો એનાથી નહિ, તો વરસાદથી ચોક્કસ તેઓની બોલતી બંધ થઈ ગઈ હશે, કેમ કે પછી તો ધોધમાર વરસાદ વરસ્યો! રાત-દિવસ એવો વરસ્યો કે આખી દુનિયા જળબંબાકાર થઈ ગઈ! યહોવાએ જેવું કહ્યું હતું એવું જ થયું.—ઉત. ૭:૧૬-૨૧.
૨૩. (ક) આપણે શાના પરથી કહી શકીએ કે નુહના દિવસોમાં દુષ્ટ લોકોના મરણથી યહોવાને જરાય ખુશી થઈ ન હતી? (ખ) નુહની શ્રદ્ધાને પગલે ચાલવું કેમ સમજદારીની વાત છે?
૨૩ એ દુષ્ટ લોકોના મરણથી શું યહોવા ખુશ થયા? ના! (હઝકી. ૩૩:૧૧) એનાથી વિરુદ્ધ, તેમણે તો કેટલી બધી તક આપી હતી કે તેઓ પોતાના જીવનમાં બદલાણ લાવે અને જે ખરું છે એ કરે. શું તેઓ એમ કરી શક્યા હોત? નુહનું જીવન એ સવાલનો જવાબ આપે છે. યહોવા સાથે ચાલીને, પોતાના ઈશ્વરની બધી આજ્ઞાઓ પાળીને નુહે બતાવ્યું કે જીવન બચાવવું શક્ય છે. એ રીતે જોઈએ તો, તેમણે પોતાની શ્રદ્ધાથી એ સમયની દુનિયાને દોષિત ઠરાવી; તેમણે પોતાની પેઢીની દુષ્ટતા ખુલ્લી પાડી. નુહની શ્રદ્ધાને લીધે તે પોતે અને તેમનું કુટુંબ સલામત હતાં. જો તમે નુહની શ્રદ્ધાને પગલે ચાલશો, તો તમે પણ પોતાનું અને તમારાં સગાં-સંબંધીઓ તેમજ મિત્રોનું ભલું કરી શકશો. નુહની જેમ, તમે પણ યહોવા સાથે ચાલી શકો છો, તેમને મિત્ર બનાવી શકો છો. એ મિત્રતા યુગોના યુગો સુધી ટકશે!
^ ફકરો. 7 આપણા કરતાં એ સમયના લોકો ઘણું લાંબું જીવતા હતા. એનું કારણ તેઓનું જીવનબળ હતું અને તેઓ સંપૂર્ણતાની નજીક હતા. એ બંને બાબતો એક સમયે આદમ-હવા પાસે હતી, જે તેઓ પછીથી ગુમાવી બેઠા.
^ ફકરો. 15 લામેખે પોતાના પુત્રનું નામ નુહ પાડ્યું હતું, જેનો અર્થ “વિસામો” અથવા “દિલાસો” થઈ શકે. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે નુહ પોતાના નામ પ્રમાણે કામ કરશે અને શાપિત ભૂમિ પર સખત મહેનત કરનારા માણસોને વિસામો આપશે. (ઉત. ૫:૨૮, ૨૯) એ ભવિષ્યવાણી પૂરી થઈ, એના પહેલાં લામેખ મરણ પામ્યા. નુહની મા, ભાઈઓ અને બહેનોનો કદાચ જળપ્રલયમાં નાશ થયો હશે.