પ્રકરણ એકવીસ
ડર અને શંકા સામે તે લડ્યા
૧-૩. પીતરે બનાવોથી ભરપૂર એ દિવસે શું જોયું? પીતર માટે એ રાત કેવી હતી?
પીતર પૂરું જોર લગાવીને હલેસાં મારે છે અને રાતના અંધકારમાં નજર કરે છે. શું દૂર પૂર્વની ક્ષિતિજે તેમને આછું આછું અજવાળું દેખાય છે? આખી રાત હલેસાં મારી મારીને તેમની પીઠ અને ખભાના સ્નાયુઓમાં બળતરા થઈ રહી છે. તેમના વાળને વિખેરી નાખતા જોરદાર પવને ગાલીલ સરોવરને તોફાને ચડાવ્યું છે. એક પછી એક મોજાઓ હોડી સાથે જોરથી અથડાય છે અને પીતરને ઠંડાં પાણીથી ભીંજવી નાખે છે. તોપણ, તે હલેસાં મારતા રહે છે.
૨ પીતર અને તેમના સાથીઓ ઈસુને સરોવર કિનારે એકલા મૂકીને આવ્યા છે. તેઓએ એ દિવસે જોયું કે ઈસુએ ફક્ત અમુક રોટલીઓ અને માછલીઓથી હજારો ભૂખ્યા લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. લોકો ઈસુને રાજા બનાવવા માંગતા હતા, પણ ઈસુ રાજકારણમાં કોઈ રીતે ભાગ લેવા માંગતા નથી. ઈસુની એવી તમન્ના છે કે પોતાના શિષ્યો પણ એવું જ વલણ કેળવે. એટલે, શિષ્યોને ટોળાથી દૂર રાખવા, તેમણે તેઓને હોડીમાં બેસીને સામે કિનારે જવા જણાવ્યું. જ્યારે કે ઈસુ પ્રાર્થના કરવા પર્વત પર એકલા ચાલી નીકળ્યા.—માર્ક ૬:૩૫-૪૫; યોહાન ૬:૧૪-૧૭ વાંચો.
૩ શિષ્યો હોડીમાં નીકળ્યા ત્યારે, લગભગ પૂરો ખીલેલો ચાંદ આકાશમાં બરાબર તેઓના માથા ઉપર હતો; હવે, ધીમે ધીમે એ પશ્ચિમ તરફ ડૂબતો જાય છે. તોપણ, તેઓ હજુ થોડાક જ કિલોમીટરનું અંતર કાપી શક્યા છે. તેઓ થાકીને લોથપોથ થઈ ગયા છે; પવન અને મોજાંની સતત ગર્જનાને લીધે તેઓ વાતચીત પણ કરી શકતા નથી. એવું લાગે છે કે પીતર પોતાના વિચારોની દુનિયામાં ખોવાયેલા છે.
ઈસુ પાસેથી પીતર બે વર્ષમાં ઘણું શીખ્યા હતા, પણ તેમણે હજુ ઘણું શીખવાનું હતું
૪. આપણે કેમ પીતરના દાખલા પ્રમાણે ચાલવું જોઈએ?
૪ કેટલી બધી વાતોનો વિચાર કરવાનો છે! પીતર નાઝરેથના ઈસુને મળ્યા, એ બે વર્ષોમાં કંઈ કેટલાયે બનાવો બની ગયા છે. પીતર ઘણું શીખ્યા છે, પણ તેમણે હજુ ઘણું શીખવાનું બાકી છે. જોકે, તે ડર અને શંકા જેવાં નડતરો સામે લડવા તૈયાર છે. તેમનો દાખલો જોરદાર છે અને આપણે એ પ્રમાણે ચાલવું જોઈએ. શા માટે? ચાલો જોઈએ.
“અમને મસીહ મળ્યા છે!”
૫, ૬. પીતર કેવું જીવન જીવતા હતા?
૫ પીતર એ દિવસ કદીયે નહિ ભૂલે, જ્યારે તે પહેલી વાર ઈસુને મળ્યા હતા. એ દિવસે તેમના ભાઈ આંદ્રિયા નવાઈ પમાડતી એક ખબર લાવ્યા: “અમને મસીહ મળ્યા છે!” એ શબ્દોથી પીતરનું જીવન બદલાવા લાગ્યું. હવે તેમનું જીવન પહેલાં જેવું રહેવાનું ન હતું.—યોહા. ૧:૪૧.
૬ પીતર કાપરનાહુમ શહેરમાં રહેતા હતા, જે મીઠાં પાણીના સરોવરને ઉત્તર કિનારે આવેલું હતું. એ સરોવર, ગાલીલ સમુદ્ર પણ કહેવાતું. પીતર અને આંદ્રિયા માછીમાર હતા; તેઓ ઝબદીના દીકરાઓ, યાકૂબ અને યોહાન સાથે ભાગીદારીમાં કામ કરતા હતા. પીતર સાથે તેમની પત્ની જ નહિ, તેમનાં સાસુમા અને પીતરનો ભાઈ આંદ્રિયા પણ હતાં. કુટુંબના ભરણપોષણ માટે પીતરને સખત મહેનત, તાકાત અને આવડતની જરૂર પડી હશે. આપણે કલ્પના કરી શકીએ કે તેમણે રોજીરોટી મેળવવા કંઈ કેટલીયે લાંબી રાતો કાઢી હશે. જેમ કે, સરોવરમાં બંને હોડીઓ વચ્ચે જાળ નાખવી અને પકડેલી માછલીઓ હોડીમાં ખેંચી લાવવી. માછલીઓ છૂટી પાડતા, વેચતા અને જાળ ધોઈને સાંધતા દિવસના કંઈ કેટલાયે કલાકો વીતી જતા હશે.
૭. પીતરે ઈસુ વિશે શું સાંભળ્યું? એ ખબર શા માટે રોમાંચ જગાડનારી હતી?
૭ બાઇબલ જણાવે છે કે આંદ્રિયા તો યોહાન બાપ્તિસ્મા આપનારના શિષ્ય હતા. યોહાનના સંદેશા વિશેની વાતો આંદ્રિયા પીતરને જણાવતા, જે તેમણે પૂરા ધ્યાનથી સાંભળી હશે. એક દિવસ આંદ્રિયાએ જોયું કે નાઝરેથના ઈસુ તરફ આંગળી ચીંધીને યોહાન કહેતા હતા: “જુઓ, ઈશ્વરનું ઘેટું!” આંદ્રિયા તરત જ ઈસુના શિષ્ય બન્યા અને દોડી જઈને પીતરને આ ખુશખબર જણાવી: મસીહ આવી પહોંચ્યા છે! (યોહા. ૧:૩૫-૪૦) એદન બાગમાં લગભગ ૪,૦૦૦ વર્ષો અગાઉ બળવો થયો હતો. એ પછી, યહોવા ઈશ્વરે તરત જ એક ખાસ માણસ વિશે જણાવ્યું, જે મનુષ્યોને ખરી આશા આપવા આવવાના હતા. (ઉત. ૩:૧૫) મનુષ્યોનો ઉદ્ધાર કરનાર એ મસીહને આંદ્રિયા રૂબરૂ મળ્યા! પીતર પણ ઉતાવળે ઈસુને મળવા નીકળી પડ્યા.
૮. ઈસુએ પીતરને આપેલા નામનો અર્થ શું થાય? આજે પણ કેમ અમુક લોકો એ નામની પસંદગી પર સવાલ ઉઠાવે છે?
૮ પીતર એ દિવસ સુધી સિમોન કે સિમઓન નામથી ઓળખાતા. પરંતુ, ઈસુએ તેમની તરફ જોઈને કહ્યું: “તું યોહાનનો દીકરો સિમોન છે; તું કેફાસ કહેવાશે યોહા. ૧:૪૨) “કેફાસ” નામનો અર્થ થાય, “પથ્થર” અથવા “ખડક.” દેખીતું છે કે ઈસુના આ શબ્દો ભવિષ્યવાણી હતા. ઈસુ જોઈ શકતા હતા કે પીતર ખડક જેવા અડગ, મજબૂત અને ભરોસાપાત્ર બનશે; ખ્રિસ્તના શિષ્યો પર તેમની ઊંડી અસર પડશે. શું પીતરને એવું લાગતું હતું? ના. અરે, આજે ખુશખબરનાં ચાર પુસ્તકો વાંચનારાઓને પણ એવું લાગતું નથી કે પીતર ખડક જેવા હતા. અમુક કહે છે કે બાઇબલમાં જણાવ્યા પ્રમાણે, પીતર તો ડગુમગુ, અસ્થિર અને ઝટ બદલાઈ જનાર હતા.
(ગ્રીકમાં, “પીતર”).” (૯. યહોવા અને ઈસુ આપણામાં શું જુએ છે અને શા માટે? આપણે તેઓ પર કેમ પૂરો ભરોસો રાખવો જોઈએ?
૯ ખરું કે પીતરમાં ખામીઓ હતી. ઈસુ એને આંખ આડા કાન કરતા ન હતા. પરંતુ, ઈસુ પોતાના પિતા યહોવાની જેમ લોકોમાં હંમેશાં સારું જુએ છે. ઈસુએ પીતરમાં ઘણું સારું જોયું અને એ સારા ગુણોને ધ્યાનમાં રાખીને તેમને મદદ કરવા ચાહતા હતા. યહોવા અને ઈસુ આજે આપણામાં પણ સારું જુએ છે. આપણને થશે કે તેઓને આપણામાં વળી શું સારું મળવાનું હતું! જોકે, આપણે તેઓ પર પૂરો ભરોસો રાખવાનો છે; પીતરની જેમ આપણે પણ તેઓના હાથે ઘડાવા અને તાલીમ લેવા સદા તૈયાર રહેવું જોઈએ.—૧ યોહાન ૩:૧૯, ૨૦ વાંચો.
“ગભરાઈશ નહિ”
૧૦. પીતરે પોતાની નજરે શું જોયું, તેમ છતાં તેમણે શું કર્યું?
૧૦ ઈસુના પ્રચાર કામમાં પીતર અમુક સમય સુધી જોડાયા હશે. ઈસુએ કરેલો પહેલો ચમત્કાર તેમણે જોયો હશે. એ ચમત્કાર કયો હતો? કાનામાં લગ્નની મિજબાની વખતે ઈસુએ પાણીનો દ્રાક્ષદારૂ બનાવી દીધો હતો. સૌથી મહત્ત્વનું તો, તેમણે ઈશ્વરના રાજ્યનો નવાઈ પમાડતો અને આશાથી ભરેલો સંદેશો સાંભળ્યો. તેમ છતાં, તેમણે ભારે હૈયે છૂટા પડીને માછલી પકડવાના ધંધામાં લાગી જવું પડ્યું. પણ, અમુક મહિનાઓ પછી ઈસુ ફરીથી પીતરને મળ્યા. આ વખતે ઈસુએ પીતરને જીવનભર પોતાની સાથે પ્રચાર કામમાં જોડાવાનું આમંત્રણ આપ્યું.
૧૧, ૧૨. (ક) પીતરે આખી રાત કેવી મહેનત કરવી પડી? (ખ) ઈસુને સાંભળતી વખતે પીતરના મનમાં કેવા સવાલો ઊભા થયા હશે?
૧૧ પીતરે આખી રાત તનતોડ મહેનત કરી હતી, પણ કશું જ હાથ લાગ્યું નહિ. માછીમારોએ વારંવાર પોતાની જાળ પાણીમાં નાખી, પણ બહાર ખેંચી તો ખાલીખમ! માછલીઓ પકડવા પીતરે પોતાના અનુભવથી જાતજાતની રીતો અજમાવી જોઈ હશે; માછલીઓ ખોરાક શોધવા આવે એવી અલગ અલગ જગ્યાઓએ તેમણે જાળ નાખી હશે. બીજા ઘણા માછીમારોની જેમ, પીતરને પણ કોઈ વાર થયું હશે, ‘કાશ, હું આ ડહોળાયેલાં પાણીની અંદર જોઈ શકું કે માછલીઓ ક્યાં ભેગી થઈ છે! અથવા, હું કઈ રીતે તેઓને મારી જાળમાં આવવા મનાવી લઉં!’ જોકે, એમ ન કરી શકતા હોવાથી, તે વધારે ચિડાતા હશે. પીતર કંઈ શોખ ખાતર માછલી પકડતા ન હતા, એનાથી તો તેમના કુટુંબનું ભરણપોષણ થતું હતું. આખરે, પીતર ખાલી હાથે કિનારે આવ્યા. હવે, જાળ ધોવાની હતી. ઈસુ તેમની પાસે આવ્યા ત્યારે, તે જાળ ધોવામાં મશગૂલ હતા.
ઈસુના પ્રચાર કામનો મુખ્ય વિષય ઈશ્વરનું રાજ્ય હતો; એના વિશે સાંભળતા પીતર કદી થાકતા નહિ
૧૩, ૧૪. પીતર માટે ઈસુએ કયો ચમત્કાર કર્યો અને પીતરે શું કર્યું?
૧૩ ઈસુએ શીખવવાનું પૂરું કર્યા પછી, પીતરને કહ્યું: “ઊંડા પાણીમાં લઈ જાઓ અને ત્યાં માછલીઓ પકડવા તમારી જાળ નાખો.” પીતરના મનમાં શંકા જાગી. તેમણે કહ્યું: “ઉપદેશક, આખી રાત અમે સખત મહેનત કરી અને કંઈ જ પકડાયું નહિ; પણ તમે કહો છો, એટલે હું જાળ નાખીશ.” પીતર હમણાં જ જાળ ધોઈને પરવાર્યા હતા. તેમને થતું હશે, ‘ફરીથી એ જાળ પાણીમાં નાખવાની? શું કામ? હવે તો માછલીઓ પણ ખોરાકની શોધમાં આમતેમ ફરતી નહિ હોય!’ તોપણ, તેમણે ઈસુનું માન્યું; કદાચ તેમણે પોતાના ભાગીદારોને પણ બીજી હોડી લઈને આવવા ઇશારો કર્યો હશે.—લુક ૫:૪, ૫.
૧૪ પીતર પાણીમાં નાખેલી જાળ ખેંચવા લાગ્યા તેમ, એ એકદમ ભારે થવા લાગી. તેમના માનવામાં આવતું ન હતું; તે વધારે જોર લગાવીને ખેંચવા લાગ્યા; થોડી જ વારમાં જાળમાં તરફડતી ઢગલો માછલીઓ દેખાવા લાગી! પીતર બાવરા બની ગયા. તે બીજી હોડીના માછીમારોને ઇશારો કરીને મદદ માટે બોલાવવા લાગ્યા અને તેઓ આવ્યા. તરત જ દેખાઈ આવ્યું કે એક હોડીમાં બધી માછલીઓ સમાય એમ નથી. તેઓએ બંને હોડીઓ ભરી. તોપણ, એટલી બધી માછલીઓ પકડાઈ હતી કે વજનથી હોડીઓ ડૂબવા લાગી. આ ચમત્કારથી પીતર દંગ રહી ગયા! તેમણે પહેલાં પણ ખ્રિસ્તની શક્તિ જોઈ હતી. પરંતુ, આ ચમત્કાર ખુદ તેમના માટે હતો. અરે, આ માણસ તો માછલીઓને જાળમાં આવવા પણ મનાવી શકે છે! પીતરના દિલમાં ડર પેસી ગયો. તે ઘૂંટણિયે પડીને ઈસુને કહેવા લાગ્યા: “પ્રભુ, મારી પાસેથી જાઓ, કેમ કે હું પાપી માણસ છું.” ઈશ્વરની આવી શક્તિ ધરાવનાર સાથે સંગત રાખવા પોતાની શી લાયકાત?—લુક ૫:૬-૯ વાંચો.
૧૫. પીતરે કોઈ શંકા કરવાની કે ડર રાખવાની જરૂર નથી, એવું ઈસુએ કઈ રીતે શીખવ્યું?
૧૫ ઈસુએ પ્રેમથી કહ્યું: “ગભરાઈશ નહિ. હવેથી તું માણસોને ભેગા કરીશ.” (લુક ૫:૧૦) આ કંઈ શંકા કરવાનો કે ડરવાનો સમય ન હતો. માછલી પકડવા જેવી ચિંતાઓને લીધે, પીતરે શંકા રાખવાની કોઈ જરૂર ન હતી. તેમણે ભૂલો કે ખામીઓ વિશે ડરવાની પણ જરૂર ન હતી. ઈસુ પાસે મોટું કામ હતું, એવી સેવા જેનાથી મનુષ્યનો ઇતિહાસ બદલાઈ જવાનો હતો. ઈસુ એવા ઈશ્વરને ભજતા હતા, જે “સંપૂર્ણ ક્ષમા કરશે.” (યશા. ૫૫:૭) યહોવા જરૂર પીતરને જીવન-જરૂરી ચીજો પૂરી પાડશે અને પ્રચાર કરવા પણ મદદ કરશે.—માથ. ૬:૩૩.
૧૬. પીતર, યાકૂબ અને યોહાને શું કર્યું અને એ કેમ સૌથી સારો નિર્ણય હતો?
૧૬ પીતરે તરત જ ઈસુની વાત માની; યાકૂબ અને યોહાને પણ એમ જ કર્યું. “તેઓ હોડીઓ કિનારે પાછી લાવ્યા અને બધું છોડીને તેમની પાછળ ગયા.” (લુક ૫:૧૧) પીતરે ઈસુમાં અને તેમને મોકલનારમાં શ્રદ્ધા બતાવી. તેમનો એ નિર્ણય સૌથી સારો હતો. ઈશ્વરને ભજવા માટે આજે જેઓ શંકા અને ડર પર જીત મેળવે છે, તેઓ પણ એવી જ શ્રદ્ધા બતાવે છે. યહોવામાં એવો ભરોસો રાખનારને ક્યારેય પસ્તાવું નહિ પડે.—ગીત. ૨૨:૪, ૫.
“તેં શંકા કેમ કરી?”
૧૭. પીતર પહેલી વાર ઈસુને મળ્યા એ પછીનાં બે વર્ષની કઈ યાદો તેમના મનમાં તાજી હતી?
૧૭ પીતર પહેલી વાર ઈસુને મળ્યા એને આશરે બે વર્ષ વીતી ગયાં હતાં. આ પ્રકરણની શરૂઆતમાં જણાવ્યું તેમ, ગાલીલ સરોવરની તોફાની રાતે પીતર હોડીમાં હલેસાં મારી રહ્યા છે. આપણે ચોક્કસ જાણતા નથી કે પીતરના મનમાં કેવા કેવા વિચારો ચાલતા હશે, કેમ કે તેમની પાસે એવી યાદોનો ભંડાર હતો! ઈસુએ પીતરનાં સાસુમાને સાજાં કર્યાં હતાં, પહાડ પર ઉપદેશ આપ્યો હતો. તેમણે પોતાનાં શિક્ષણથી અને ચમત્કારોથી વારંવાર સાબિત કર્યું હતું કે પોતે યહોવાના પસંદ કરાયેલા મસીહ છે. મહિનાઓ પસાર થયા તેમ, પીતર પોતાની શંકા અને ડર પર કાબૂ રાખતા શીખ્યા, એમાં નવાઈ નથી. ઈસુએ ૧૨ પ્રેરિતોની પસંદગી કરી, એમાંના એક પીતર પણ હતા! તોપણ, પીતરને જલદી જ ખબર પડવાની હતી કે તેમના દિલમાંથી ડર અને શંકા પૂરેપૂરાં જતાં રહ્યાં ન હતાં.
૧૮, ૧૯. (ક) ગાલીલ સરોવર પર પીતરે જે જોયું એનું વર્ણન કરો. (ખ) પીતરની વિનંતી સાંભળીને ઈસુએ શું કર્યું?
૧૮ એ રાતનો ચોથો પહોર, એટલે કે સવારના ત્રણેક વાગ્યાથી લઈને સૂરજ ઊગે એની વચ્ચેનો સમય હતો. પીતર અચાનક હલેસાં મારવાનું બંધ કરીને સાવધ થઈ ગયા. ત્યાં દૂર મોજાઓ પર કંઈક હલે છે! શું મોજાઓની વાછટ પર ચંદ્રનું અજવાળું પડવાથી એવું લાગે છે? ના, એ તો કોઈ માણસ છે, જે એકધારી ચાલે નજીક આવી રહ્યા છે! હા, એ માણસ સરોવરની સપાટી પર ચાલે છે! એવું લાગ્યું કે તે ચાલતાં ચાલતાં હોડી પાસેથી પસાર થઈ જશે. શિષ્યો ગભરાઈ ગયા અને તેઓને લાગ્યું, ‘આ તો સપનું છે!’ ત્યાં જ એ માણસ બોલ્યા, “હિંમત રાખો! એ તો હું છું; ડરો નહિ.” અરે, એ તો ઈસુ હતા!—માથ. ૧૪:૨૫-૨૭.
૧૯ પીતર બોલી ઊઠ્યા, “પ્રભુ, જો એ તમે હો, તો મને આજ્ઞા કરો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” (માથ. ૧૪:૨૮) શરૂઆતમાં તો તેમણે ગજબની હિંમત બતાવી. આ અજોડ ચમત્કાર જોઈને પીતર જોશમાં આવી ગયા અને તે હજુ વધારે ખાતરી કરવા માંગતા હતા. તે પોતે એ ચમત્કારનો ભાગ બનવા માંગતા હતા. ઈસુએ તેમને પોતાની પાસે આવવા જણાવ્યું. પીતરે હોડીની એક બાજુએથી સરોવરનાં લહેરાતાં મોજાં પર પગ માંડ્યો. કલ્પના કરો કે તેમને પોતાના પગ નીચેનું પાણી સખત લાગવાથી અને એના પર ઊભા રહેવાથી કેવું લાગ્યું હશે! ઈસુ તરફ તે આગળ વધ્યા તેમ, તેમની નવાઈનો કોઈ પાર રહ્યો નહિ હોય. જોકે, જલદી જ તેમનામાં બીજી એક લાગણીએ ઉછાળો માર્યો.—માથ્થી ૧૪:૨૯ વાંચો.
૨૦. (ક) પીતરનું ધ્યાન કઈ રીતે ફંટાઈ ગયું અને એનું શું પરિણામ આવ્યું? (ખ) ઈસુએ પીતરને કઈ મહત્ત્વની સલાહ આપી?
૨૦ પીતરે પોતાનું પૂરું ધ્યાન ઈસુ પર લગાડવાની જરૂર હતી. એ તો ઈસુ હતા જે યહોવાની શક્તિથી પીતરને તોફાની મોજાઓ પર ચલાવી રહ્યા હતા. પીતરની શ્રદ્ધાને લીધે ઈસુ એમ કરતા હતા. પરંતુ, પીતરનું ધ્યાન ફંટાઈ ગયું. આપણે વાંચીએ માથ. ૧૪:૩૦, ૩૧.
છીએ: “વાવાઝોડું જોઈને પીતર બી ગયો.” હોડી સાથે અથડાતાં મોજાં તરફ, એનાથી ઊડતાં પાણી અને ફીણ તરફ પીતરે નજર કરી અને તેમની હિંમત હવામાં ઓગળી ગઈ. કદાચ તેમને થયું હશે, બસ, હવે તો આવી બન્યું, સરોવરમાં ડૂબી મરવાના! તેમના દિલમાં ભયનું મોટું મોજું ઊછળ્યું અને શ્રદ્ધા ડૂબી ગઈ. પીતરને ખડક કહેવામાં આવ્યા હતા, કેમ કે તેમનામાં એવા ગુણો હતા, જેનાથી તે ભાવિમાં અડગ બનશે. પણ, એ જ પીતર પોતાની ડગમગતી શ્રદ્ધાને લીધે ડૂબવા લાગ્યા. પીતર સારા તરવૈયા હતા. તોપણ, તેમણે પોતાની આવડત પર આધાર રાખ્યો નહિ. તે પોકારી ઊઠ્યા: “પ્રભુ, મને બચાવો!” ઈસુએ તેમનો હાથ પકડીને ઉપર ખેંચી લીધા. પછી, હજુ પાણીની સપાટી પર હતા ત્યારે, ઈસુએ પીતરને આ મહત્ત્વની સલાહ આપી: “ઓ ઓછી શ્રદ્ધાવાળા, તેં શંકા કેમ કરી?”—૨૧. શંકા કેમ મોટું જોખમ છે અને આપણે એના પર જીત મેળવવા શું કરવું જોઈએ?
૨૧ “શંકા કેમ કરી?” કેટલો યોગ્ય સવાલ! શંકામાં ઘણી તાકાત છે, જે વિનાશ નોતરી શકે છે. જો શંકાના વમળમાં ફસાઈ જઈશું, તો કદાચ એ આપણી શ્રદ્ધાને ડગમગાવી દેશે ને આપણી શ્રદ્ધાનું વહાણ ડૂબી જશે. આપણે પૂરા દિલોદિમાગથી એની સામે લડવું જોઈએ! કઈ રીતે? યોગ્ય જગ્યાએ ધ્યાન લગાવીને. અમુક વાતો આપણને ગભરાવે છે, નિરાશ કરે છે, અરે, યહોવા અને તેમના દીકરા પરથી ધ્યાન ફંટાવે છે. એવી વાતોનો વિચાર કરતા રહીશું તો, આપણી શંકા વધતી જશે. શ્રદ્ધાને કોરી ખાતી શંકા પર જીત મેળવવા શું કરવું જોઈએ? યહોવા અને તેમના દીકરા પર આપણું પૂરું ધ્યાન લગાવીએ; તેઓએ ઈશ્વરભક્તો માટે જે કર્યું છે, જે કરે છે અને જે કરશે, એના પર મન લગાવીએ.
૨૨. પીતરની શ્રદ્ધાને પગલે ચાલવું કેમ જરૂરી છે?
૨૨ ઈસુ સાથે હોડીમાં પાછા ગયા તેમ, પીતરે જોયું કે તોફાન શમી ગયું છે. ગાલીલ સરોવર શાંત પડી ગયું છે. બીજા શિષ્યોની સાથે પીતર પણ કહેવા લાગ્યા: “તમે સાચે જ ઈશ્વરના દીકરા છો.” (માથ. ૧૪:૩૩) જેમ સવાર થતી ગઈ, તેમ પીતરનું દિલ કદરથી ઊભરાઈ ગયું હશે. તે શંકા અને ડર પર કાબૂ રાખવાનું શીખ્યા. ઈસુએ આશા રાખી હતી કે તે ખડક જેવા ઈશ્વરભક્ત બને. એવા બનવા હજુ તેમણે ઘણા ફેરફાર કરવાના હતા. પીતર એની પાછળ મંડ્યા રહીને પ્રગતિ કરવા મક્કમ હતા. શું તમારામાં પણ એવું જ મક્કમ મનોબળ છે? પીતરની શ્રદ્ધાને પગલે ચાલવાથી તમને જરૂર મદદ મળશે.