એફેસીઓ ૨:૧-૨૨

  • ખ્રિસ્ત સાથે જીવતા કરાયા (૧-૧૦)

  • અલગ પાડતી દીવાલ તોડી પાડી (૧૧-૨૨)

 તમે તમારા અપરાધો અને પાપોને લીધે મરેલા હતા, તોપણ ઈશ્વરે તમને જીવતા કર્યા; ૨  એક સમયે તમે આ દુનિયાની રીતભાત* પ્રમાણે ચાલતા હતા, એટલે કે દુનિયાના વલણ પર સત્તા ચલાવનાર શાસકને આધીન હતા; એ વલણ દુનિયામાં હવાની જેમ ફેલાયેલું છે અને અત્યારે આજ્ઞા ન માનનારાઓમાં આ વલણની અસર દેખાઈ આવે છે. ૩  હા, એક સમયે તેઓની જેમ આપણે બધા પણ આપણા શરીરની પાપી ઇચ્છાઓ પ્રમાણે ચાલતા હતા. તેમ જ, આપણી ઇચ્છાઓ અને વિચારો પ્રમાણે કરતા હતા અને આપણે સર્વની જેમ જન્મથી જ ક્રોધનાં બાળકો હતાં. ૪  પરંતુ, ઈશ્વર દયાથી ભરપૂર છે અને તેમનો પ્રેમ મહાન છે. તે આપણને પુષ્કળ ચાહે છે. ૫  એટલે, આપણે અપરાધોમાં મરેલા હતા, તોપણ ખ્રિસ્ત સાથે એકતામાં લાવવા ઈશ્વરે આપણને જીવતા કર્યા. (અપાર કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે.) ૬  આપણે ખ્રિસ્ત ઈસુના શિષ્યો હોવાથી, ઈશ્વરે આપણને ઈસુની સાથે સજીવન કર્યા અને તેમની સાથે સ્વર્ગમાં સ્થાન આપ્યું, ૭  જેથી ઈશ્વર ઉદાર બનીને* આવનાર દુનિયામાં* આપણને અપાર કૃપા બતાવે, કેમ કે આપણે ખ્રિસ્ત સાથે એકતામાં છીએ. ૮  એ અપાર કૃપાને લીધે તમારી શ્રદ્ધાથી તમને બચાવવામાં આવ્યા છે અને એમ તમારાં કાર્યોથી થયું નથી; એને બદલે, એ તો ઈશ્વરની ભેટ છે. ૯  ના, એ કાર્યોને લીધે થયું નથી, જેથી કોઈને બડાઈ મારવાનું કારણ ન મળે. ૧૦  આપણે ઈશ્વરના હાથની કરામત* છીએ અને સારાં કામો માટે આપણને ખ્રિસ્ત સાથે એકતામાં ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. એ કામો પ્રમાણે આપણે ચાલીએ એવું ઈશ્વરે પહેલેથી નક્કી કર્યું હતું. ૧૧  તેથી, યાદ રાખો કે એક સમયે તમે જન્મથી બીજી પ્રજાઓના લોકો હતા અને માણસોથી સુન્‍નત* થયેલા લોકો, તમને સુન્‍નત ન થયેલા કહેતા હતા. ૧૨  એ સમયે તમે ખ્રિસ્ત વગરના હતા, ઇઝરાયેલ રાષ્ટ્રથી અલગ અને વચનના કરારથી અજાણ્યા હતા; આ દુનિયામાં તમને કોઈ આશા ન હતી અને તમે ઈશ્વર વગરના હતા. ૧૩  એક સમયે તમે દૂર હતા, પણ હવે ખ્રિસ્તના લોહી દ્વારા તમે ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં ઈશ્વરની પાસે આવ્યા છો. ૧૪  ખ્રિસ્ત આપણા માટે શાંતિ લાવ્યા. તેમણે બે જૂથને એક કર્યા અને જે દીવાલ* તેઓને અલગ પાડતી હતી એ તોડી પાડી. ૧૫  તે પોતાના શરીરના બલિદાનથી એ દુશ્મનીનો અંત લાવ્યા, જે નિયમશાસ્ત્રની* આજ્ઞાઓને લીધે હતી, જેથી પોતાની સાથે એકતામાં છે એવા બે જૂથને, એક નવું જૂથ* બનાવે અને શાંતિ લાવે; ૧૬  અને તે વધસ્તંભ* દ્વારા બંને જૂથના લોકોને એક શરીરમાં ઈશ્વરની સાથે પૂરેપૂરી સુલેહ કરાવે, કેમ કે તે પોતાના દ્વારા દુશ્મનીનો અંત લાવ્યા છે. ૧૭  તેમણે આવીને તમે જેઓ ઘણા દૂર હતા તથા જેઓ પાસે હતા, એ બંનેને શાંતિની ખુશખબર જાહેર કરી, ૧૮  કેમ કે તેમના દ્વારા આપણે એટલે કે બંને જૂથના લોકો એક જ પવિત્ર શક્તિથી ઈશ્વર પાસે છૂટથી જઈ શકીએ છીએ. ૧૯  તેથી, તમે હવેથી અજાણ્યા અને પરદેશી નથી, પણ પવિત્ર જનોના સાથી નાગરિકો છો અને ઈશ્વરના ઘરના સભ્યો છો. ૨૦  પ્રેરિતો અને પ્રબોધકોના* પાયા પર તમે બંધાયેલા છો અને ખ્રિસ્ત ઈસુ પોતે પાયાના ખૂણાનો પથ્થર છે. ૨૧  તેમની સાથે એકતામાં બંધાયેલી આખી ઇમારતના બધા ભાગ એકબીજા સાથે બરાબર જોડાયેલા છે અને એ ઇમારત યહોવા* માટે પવિત્ર મંદિર બની રહી છે. ૨૨  તેમની સાથે એકતામાં બંધાઈને તમે પણ એ ઇમારતમાં ચણાતા જાઓ છો, જ્યાં ઈશ્વર પોતાની પવિત્ર શક્તિ દ્વારા રહે છે.

ફૂટનોટ

અથવા, “જીવનઢબ.”
અથવા, “ભલાઈથી.”
અથવા, “આવનાર યુગોમાં.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “તેમના કામની પેદાશ.”
શબ્દસૂચિ જુઓ.
મંદિરની પાળનો ઉલ્લેખ, જે બીજી પ્રજાઓને મંદિરના આંગણામાં આવતા અટકાવતી હતી. ત્યાં ફક્ત યહુદીઓ જઈ શકતા હતા.
શબ્દસૂચિ જુઓ.
મૂળ અર્થ, “એક નવો માણસ.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.