એફેસીઓ ૪:૧-૩૨

  • ખ્રિસ્તના શરીરમાં એક થયેલા (૧-૧૬)

    • ભેટ તરીકે માણસો ()

  • નવો અને જૂનો સ્વભાવ (૧૭-૩૨)

 તેથી, પ્રભુને માટે કેદ થયેલો હું તમને વિનંતી કરું છું કે જેને માટે તમને બોલાવવામાં આવ્યા છે એને શોભે એ રીતે જીવો. ૨  સર્વ પ્રકારની નમ્રતા* અને કોમળતા અને ધીરજ રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો; ૩  શાંતિના બંધનમાં એકતા જાળવી રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો, જે પવિત્ર શક્તિ દ્વારા મળે છે. ૪  એક શરીર છે અને એક પવિત્ર શક્તિ છે અને એક આશા છે, જેમાં તમને બોલાવવામાં આવ્યા છે; ૫  એક પ્રભુ, એક શ્રદ્ધા, એક બાપ્તિસ્મા; ૬  સર્વના એક ઈશ્વર અને પિતા છે, જે સર્વ ઉપર અધિકાર ચલાવે છે અને સર્વ દ્વારા કામ કરે છે અને તેમની શક્તિ સર્વમાં કાર્ય કરે છે. ૭  હવે, ખ્રિસ્તે જે માપથી ભેટ આપી છે, એ પ્રમાણે આપણને દરેકને અપાર કૃપા આપવામાં આવી છે. ૮  કેમ કે શાસ્ત્ર કહે છે: “તે ઉપર ચઢી ગયા ત્યારે, તે પોતાની સાથે કેદીઓને લઈ ગયા; તેમણે માણસો ભેટ તરીકે આપ્યા.” ૯  “તે ઉપર ચઢી ગયા” વાક્યનો અર્થ શું થાય? એનો અર્થ થાય, તે નીચે પણ ઊતર્યા, એટલે કે પૃથ્વી પર આવ્યા. ૧૦  જે નીચે ઊતર્યા તે એ જ છે. તે બધા સ્વર્ગ કરતાં વધારે ઊંચે ચઢ્યા છે, જેથી તે સર્વ બાબતોને પૂર્ણ કરે. ૧૧  તેમણે અમુકને પ્રેરિતો તરીકે, અમુકને પ્રબોધકો તરીકે, અમુકને પ્રચારકો* તરીકે, અમુકને ઘેટાંપાળકો અને શિક્ષકો તરીકે આપ્યા, ૧૨  જેથી પવિત્ર જનોમાં સુધારો* થાય અને સેવાના કામ થાય અને ખ્રિસ્તનું શરીર દૃઢ થાય; ૧૩  તેઓ ત્યાં સુધી આમ કરતા રહેશે, જ્યાં સુધી આપણે બધા શ્રદ્ધામાં અને ઈશ્વરના દીકરા વિશેના ખરા જ્ઞાનમાં એક થઈને* પૂરેપૂરી વૃદ્ધિ ન પામીએ,* જેથી ખ્રિસ્તની જેમ આપણે પરિપક્વ થઈએ. ૧૪  એટલે, હવેથી આપણે બાળકો ન રહીએ, જેઓ દરેક પ્રકારના શિક્ષણનાં મોજાંથી આમતેમ ઊછળે છે અને પવનથી અહીંતહીં ડોલાં ખાય છે. તેઓ એવા માણસોની વાતોમાં આવી જાય છે, જેઓ ચાલાકીઓથી અને છેતરામણી યુક્તિઓથી ભમાવે છે. ૧૫  પરંતુ, આપણે સત્ય બોલીને ખ્રિસ્ત જે શિર છે, તેમનામાં પ્રેમથી સર્વ રીતે વધતા જઈએ. ૧૬  ખ્રિસ્ત દ્વારા શરીરના બધા અવયવો એકબીજા સાથે જોડાયેલા છે અને દરેક સાંધાની મદદથી અવયવો એકબીજા સાથે મળીને સોંપેલું કામ કરે છે. જ્યારે દરેક અવયવ બરાબર કામ કરે છે, ત્યારે પ્રેમમાં બંધાઈને શરીરનો વિકાસ થાય છે. ૧૭  તેથી, પ્રભુના નામમાં હું તમને આ કહું છું અને વિનંતી કરું છું કે જેમ દુનિયાના લોકો પોતાના મનના નકામા વિચારો* પ્રમાણે ચાલે છે, તેમ હવેથી તમે ચાલશો નહિ. ૧૮  તેઓના મન અંધકારમાં છે અને ઈશ્વર પાસેથી આવતા જીવનથી તેઓ દૂર છે, કેમ કે તેઓ જાણીજોઈને અજાણ બને છે અને તેઓના હૃદયો કઠણ* થઈ ગયા છે. ૧૯  તેઓએ શરમ બાજુ પર મૂકી દીધી છે અને બેકાબૂ બનીને દરેક પ્રકારનાં અશુદ્ધ કામો કરવા પોતાને બેશરમ કામોને* સોંપી દીધા છે. ૨૦  પરંતુ, તમે શીખ્યા છો કે ખ્રિસ્ત એવા નથી. ૨૧  જો તમે તેમનું સાંભળ્યું હોય અને તેમની પાસેથી શીખ્યા હોય, તો તમે ચોક્કસ જાણતા હશો કે ખ્રિસ્ત એવા નથી, કેમ કે ઈસુમાં સત્ય છે. ૨૨  તમારા પહેલાંના વર્તન પ્રમાણેનો જૂનો સ્વભાવ કાઢી નાખવાનું તમને શીખવવામાં આવ્યું હતું, જે સ્વભાવ એની છેતરામણી ઇચ્છાઓને લીધે ભ્રષ્ટ થતો જાય છે. ૨૩  તમે પોતાના મનના વિચારોને* નવા કરતા રહો ૨૪  અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખરાં ધોરણો અને ખરી વફાદારી દ્વારા જે નવો સ્વભાવ રચવામાં આવ્યો છે, એ તમે પહેરી લો. ૨૫  તમે હવે કપટ કરવાનું છોડી દીધું હોવાથી, તમારામાંના દરેકે પોતાના પડોશી* સાથે સત્ય બોલવું, કેમ કે આપણે બધા એક શરીરના અવયવો છીએ. ૨૬  ગુસ્સો આવે તોપણ પાપ ન કરો; સૂર્ય આથમે ત્યાં સુધી ગુસ્સે ન રહો; ૨૭  શેતાનને* તક ન આપો.* ૨૮  જે ચોરી કરે છે, તે હવેથી ચોરી ન કરે; એને બદલે, તે સખત મહેનત કરીને પોતાના હાથે સારું કામ કરે, જેથી જરૂર હોય એવી વ્યક્તિને આપવા તેની પાસે કંઈક હોય. ૨૯  તમારા મોંમાંથી કોઈ પણ ખરાબ શબ્દ ન નીકળે, પણ જરૂર હોય એમ ઉત્તેજન આપતી સારી વાત જ નીકળે, જેથી સાંભળનારાઓને લાભ થાય. ૩૦  તેમ જ, પવિત્ર શક્તિને દુઃખી* ન કરો, કેમ કે એનાથી તમારા પર એ દિવસ માટે મહોર મારવામાં આવી છે, જ્યારે તમને કિંમત* ચૂકવીને છોડાવવામાં આવશે. ૩૧  દરેક પ્રકારની કડવાશ, ગુસ્સો, ક્રોધ, બૂમ-બરાડા અને અપમાનજનક વાતો, તેમજ નુકસાન કરતી બધી જ બાબતો તમારામાંથી કાઢી નાખો. ૩૨  પરંતુ, એકબીજા સાથે માયાળુ અને કૃપાળુ થાઓ, એકબીજાને દિલથી માફ કરો, જેમ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે પણ તમને દિલથી માફ કર્યા છે.

ફૂટનોટ

અથવા, “દીનતા.”
અથવા, “ખુશખબર જણાવનારા.”
અથવા, “તાલીમ.”
અથવા, “સંપીને.”
અથવા, “પૂર્ણ વિકસિત માણસ થઈએ.”
અથવા, “ખાલીપણું; વ્યર્થતા.”
મૂળ અર્થ, “બહેર મારી જવું.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “મનને પ્રેરતા બળને.” મૂળ અર્થ, “તમારું મનોવલણ.”
‘પડોશી’ માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ ફક્ત બાજુમાં રહેનાર નહિ, કોઈ પણ વ્યક્તિ થઈ શકે.
શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
અથવા, “શેતાનને સ્થાન ન આપો.”
અથવા, “ઉદાસ.”
શબ્દસૂચિમાં “છુટકારાની કિંમત” જુઓ.