એફેસીઓ ૫:૧-૩૩

  • શુદ્ધ વાણી-વર્તન (૧-૫)

  • પ્રકાશનાં બાળકો તરીકે ચાલો (૬-૧૪)

  • પવિત્ર શક્તિથી ભરપૂર થાઓ (૧૫-૨૦)

    • તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો (૧૬)

  • પતિઓ અને પત્નીઓને સલાહ (૨૧-૩૩)

 તેથી, વહાલાં બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરો ૨  અને પ્રેમના માર્ગ પર ચાલતા રહો, જેમ ખ્રિસ્તે પણ આપણને* પ્રેમ કર્યો. તેમણે આપણા* માટે ઈશ્વરની આગળ મીઠી સુગંધની જેમ પોતાને અર્પણ કર્યા અને બલિદાન તરીકે આપી દીધા. ૩  વ્યભિચાર* અને દરેક પ્રકારની અશુદ્ધતા કે લોભ વિશે તમારી વચ્ચે વાત પણ ન થાય, કેમ કે પવિત્ર લોકોને એ શોભતું નથી. ૪  શરમજનક વર્તન કે મૂર્ખ વાતો કે ગંદી મજાક-મશ્કરી કરશો નહિ, કેમ કે એ બધું યોગ્ય નથી; એના બદલે, ઈશ્વરનો આભાર માનો. ૫  તમે જાણો છો અને તમે પૂરી રીતે સમજો છો કે કોઈ વ્યભિચારી* કે અશુદ્ધ કે લોભી માણસ જે મૂર્તિપૂજક જેવો છે, તેનો ખ્રિસ્તના અને ઈશ્વરના રાજ્યમાં કોઈ વારસો નથી. ૬  કોઈ તમને નકામી વાતોથી છેતરી ન જાય, કેમ કે એવી વાતોને લીધે ઈશ્વરનો ક્રોધ આજ્ઞા ન માનનારા લોકો પર આવી રહ્યો છે. ૭  તેથી, તેઓની સાથે ભાગીદાર ન થાઓ. ૮  એક સમયે તમે અંધકારમાં હતા, પણ હવે તમે પ્રભુ સાથે એકતામાં હોવાથી પ્રકાશમાં છો. પ્રકાશનાં બાળકો તરીકે ચાલતા રહો, ૯  કેમ કે પ્રકાશનું પરિણામ* દરેક પ્રકારની ભલાઈ, નેકી અને સત્ય છે. ૧૦  પ્રભુને શું પસંદ પડે છે, એ પારખતા રહો; ૧૧  અને અંધકારનાં નકામાં કામોમાં ભાગ ન લો; પણ, એને ખુલ્લાં પાડો. ૧૨  તેઓ જે કામો ખાનગીમાં કરે છે, એ જણાવતા પણ શરમ આવે છે. ૧૩  હવે, જે સર્વ ખુલ્લું પાડવામાં આવે છે, એ પ્રકાશથી દેખાઈ આવે છે, કેમ કે જે ખુલ્લું પાડવામાં આવે છે એ પ્રકાશ છે. ૧૪  એટલે, એમ કહેવામાં આવ્યું છે: “ઓ ઊંઘનાર, જાગ અને મરણમાંથી ઊઠ અને ખ્રિસ્ત તને પ્રકાશ આપશે.” ૧૫  તમે પોતાના પર કડક નજર રાખો, જેથી તમે મૂર્ખની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ ચાલો. ૧૬  તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો,* કેમ કે દિવસો બહુ ખરાબ છે. ૧૭  એટલા માટે અડિયલ ન બનો, પણ યહોવાની* ઇચ્છા શી છે એ પારખતા રહો. ૧૮  વધુમાં, દારૂડિયા ન બનો, એ દુરાચાર* તરફ લઈ જાય છે, પણ પવિત્ર શક્તિથી ભરપૂર થતા જાઓ. ૧૯  સાથે મળીને* ઈશ્વરની સ્તુતિ કરો, ગીતો અને ભજનો ગાઓ. પોતાના દિલમાં યહોવા* માટે ગીતો ગાઈને સ્તુતિ કરો. ૨૦  આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દરેક વાત માટે આપણા ઈશ્વર અને પિતાનો હંમેશાં આભાર માનો. ૨૧  ખ્રિસ્તનો ડર રાખીને એકબીજાને આધીન રહો. ૨૨  પત્નીઓ, જેમ તમે પ્રભુને આધીન રહો છો, તેમ પોતાના પતિઓને આધીન રહો, ૨૩  કેમ કે પતિ પોતાની પત્નીનું શિર છે, જેમ ખ્રિસ્ત પોતાના શરીર એટલે કે મંડળના શિર અને ઉદ્ધાર કરનાર છે. ૨૪  જેમ મંડળ ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ દરેક રીતે પોતાના પતિઓને આધીન રહેવું. ૨૫  પતિઓ, તમારી પત્નીઓને પ્રેમ કરતા રહો, જેમ ખ્રિસ્તે પણ મંડળને પ્રેમ કર્યો અને એના માટે પોતાનો જીવ આપી દીધો, ૨૬  જેથી ઈશ્વરના વચનના પાણીથી ધોઈને તે મંડળને શુદ્ધ અને પવિત્ર કરે. ૨૭  આમ, તે મંડળને પોતાની આગળ એના ગૌરવ સાથે રજૂ કરે, જેને કોઈ ડાઘ કે કરચલી કે એવું કંઈ ન હોય, પણ એ પવિત્ર અને કલંક વગરનું હોય. ૨૮  એવી જ રીતે, પતિઓએ પોતાના શરીરની જેમ પોતાની પત્નીઓને પ્રેમ કરવો જોઈએ. જે માણસ પોતાની પત્નીને પ્રેમ કરે છે, તે પોતાને પ્રેમ કરે છે. ૨૯  કેમ કે કોઈ માણસ કદી પોતાના શરીરનો* ધિક્કાર કરતો નથી, પણ એનું પાલનપોષણ કરીને પ્રેમથી સંભાળ રાખે છે, જેમ ખ્રિસ્ત મંડળ માટે કરે છે, ૩૦  કેમ કે આપણે તેમના શરીરના અવયવો છીએ. ૩૧  શાસ્ત્રમાં લખેલું છે કે, “આ કારણે માણસ પોતાનાં માતાપિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે* અને તેઓ બંને એક શરીર થશે.” ૩૨  આ પવિત્ર રહસ્ય મહત્ત્વનું છે. હું ખ્રિસ્ત અને મંડળ વિશે વાત કરું છું. ૩૩  તોપણ, તમારામાંનો દરેક પોતાના પર જેવો પ્રેમ રાખે છે, એવો પ્રેમ પોતાની પત્ની પર રાખે; અને પત્ની પોતાના પતિને પૂરા દિલથી માન આપે.

ફૂટનોટ

અથવા કદાચ, “તમને.”
અથવા કદાચ, “તમારા.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.
મૂળ અર્થ, “ફળ.”
મૂળ અર્થ, “સમય ખરીદી લો.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “અસંયમી બનવા.”
અથવા કદાચ, “પોતે.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ અર્થ, “દેહ.”
અહીં ગ્રીક શબ્દનો અર્થ થાય, ગુંદરની જેમ વળગી રહેવું.