એફેસીઓ ૬:૧-૨૪

  • બાળકો અને માતાપિતાને સલાહ (૧-૪)

  • દાસો અને માલિકોને સલાહ (૫-૯)

  • ઈશ્વરે આપેલાં બધાં હથિયાર (૧૦-૨૦)

  • છેલ્લી સલામ (૨૧-૨૪)

 બાળકો, પ્રભુને પસંદ પડે એ રીતે તમારાં માતાપિતાને આધીન રહો, કેમ કે એ ઈશ્વરની નજરમાં યોગ્ય છે. ૨  “તારાં માતાપિતાને માન આપ,” એ પહેલી આજ્ઞા છે, જેની સાથે આ વચન આપવામાં આવ્યું છે: ૩  “જેથી તારું ભલું થાય* અને પૃથ્વી પર તારું જીવન લાંબું થાય.” ૪  પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો નહિ.* પરંતુ, યહોવા* ચાહે છે તેમ તેઓને શિસ્ત* અને શિખામણ* આપીને ઉછેરતાં જાઓ. ૫  દાસો, જેમ ખ્રિસ્તને તેમ પૃથ્વી પરના તમારા માલિકોને ડર અને આદર સાથે પૂરા દિલથી આધીન રહો. ૬  કોઈ જોતું હોય ત્યારે, માણસોને ખુશ કરવા દેખાડો ન કરો, પણ ખ્રિસ્તના દાસો તરીકે ઈશ્વરની ઇચ્છા પૂરા દિલથી* કરો. ૭  માણસોની નહિ પણ યહોવાની* સેવા કરતા હો તેમ, રાજીખુશીથી સેવા કરો. ૮  કેમ કે તમે જાણો છો કે જે કોઈ સારું કામ કરે છે, તેને યહોવા* એનો બદલો આપશે, પછી ભલે તે દાસ હોય કે આઝાદ. ૯  તેમ જ માલિકો, તમે દાસોની સાથે એ જ રીતે વર્તો અને તેઓને ધમકાવો નહિ, કેમ કે તમે જાણો છો કે તેઓના અને તમારા માલિક સ્વર્ગમાં છે અને તે કોઈ ભેદભાવ રાખતા નથી. ૧૦  છેવટે, પ્રભુમાં અને તેમના મહાન પરાક્રમમાં બળવાન થતા જાઓ. ૧૧  ઈશ્વરે આપેલાં બધાં હથિયાર પહેરી લો, જેથી તમે શેતાનનાં* કાવતરાં* સામે દૃઢ ઊભા રહી શકો; ૧૨  કેમ કે આપણી લડાઈ* માણસો* સામે નથી, પણ સરકારો સામે, અધિકારીઓ સામે, આ અંધારી દુનિયાના શાસકો સામે અને સ્વર્ગના દુષ્ટ દૂતોનાં લશ્કરો સામે છે. ૧૩  એ કારણે, ઈશ્વરે આપેલાં સર્વ હથિયાર પહેરી લો, જેથી કપરો સમય આવે ત્યારે તમે એનો સામનો કરી શકો અને બધી તૈયારી કરી લીધા પછી દૃઢ ઊભા રહી શકો. ૧૪  એટલે, દૃઢ ઊભા રહેવા તમારી કમરે સત્યનો પટ્ટો બાંધી લો અને નેકીનું બખતર પહેરી લો ૧૫  અને શાંતિની ખુશખબર જણાવવા તૈયાર હોય, એવા જોડા પહેરી લો. ૧૬  એ ઉપરાંત, શ્રદ્ધાની મોટી ઢાલ સાથે રાખો, જેથી દુષ્ટનાં* સળગતાં બધાં તીર* તમે હોલવી શકો. ૧૭  તેમ જ, ઉદ્ધારનો ટોપ પહેરી લો અને પવિત્ર શક્તિની તલવાર, એટલે કે ઈશ્વરનું વચન લઈ લો, ૧૮  દરેક પ્રકારની પ્રાર્થના અને વિનંતીથી પવિત્ર શક્તિ દ્વારા બધા સંજોગોમાં પ્રાર્થના કરતા રહો. એમ કરવા માટે હંમેશાં જાગતા રહીને બધા પવિત્ર જનો માટે વિનંતી કરતા રહો. ૧૯  મારા માટે પણ પ્રાર્થના કરો કે હું બોલું ત્યારે મને શબ્દો આપવામાં આવે, જેથી હું હિંમતથી ખુશખબરનું પવિત્ર રહસ્ય જાહેર કરી શકું, ૨૦  જેના માટે હું સાંકળોમાં બંધાયેલો રાજદૂત છું. પ્રાર્થનામાં એમ પણ માંગો કે ખુશખબર માટે મારે જેવું બોલવું જોઈએ, એવું હું હિંમતથી બોલી શકું. ૨૧  વળી, મારા ખબરઅંતર વિશે અને હું શું કરું છું એ વિશે તમે જાણો, એ માટે તુખિકસ, વહાલો ભાઈ અને પ્રભુમાં વિશ્વાસુ સેવક તમને બધું જણાવશે. ૨૨  હું તેને તમારી પાસે એ જ કારણે મોકલું છું, જેથી તમે અમારા વિશે જાણો અને તે તમારા હૃદયોને દિલાસો આપે. ૨૩  ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી ભાઈઓને શાંતિ અને શ્રદ્ધાની સાથે પ્રેમ પણ મળે. ૨૪  જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને કદી કરમાય નહિ એવો પ્રેમ કરે છે, તેઓ સર્વ પર અપાર કૃપા રહો.

ફૂટનોટ

અથવા, “તારું કલ્યાણ થાય.”
મૂળ અર્થ, “તમે ગુસ્સો કરવા ઉશ્કેરશો નહિ.”
શબ્દસૂચિ જુઓ.
૧કો ૧૧:૩૨ની ફૂટનોટ જુઓ.
અથવા, “સૂચના; માર્ગદર્શન.” મૂળ અર્થ, “અંદર મન મૂકવું.”
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
અથવા, “કુયુક્તિઓ.”
મૂળ અર્થ, “કુસ્તી.”
મૂળ અર્થ, “લોહી અને માંસ.”
એટલે કે, શેતાન.
અથવા, “બાણ.”