કોલોસીઓ ૨:૧-૨૩

  • ઈશ્વરનું પવિત્ર રહસ્ય, ખ્રિસ્ત (૧-૫)

  • છેતરનારાથી સાવધ રહો (૬-૧૫)

  • હકીકત તો ખ્રિસ્ત છે (૧૬-૨૩)

 તમારા લાભ માટે અને જેઓ લાવદિકિયામાં છે, તેઓના લાભ માટે અને જેઓએ મને જોયો નથી,* તેઓ સર્વના લાભ માટે હું કેટલી સખત મહેનત કરું છું, એ તમે જાણો એવું હું ચાહું છું. ૨  મારી મહેનતનું કારણ એ છે કે, તેઓના હૃદયોને દિલાસો મળે અને તેઓ પ્રેમમાં એક થાય. આ રીતે તેઓ આશીર્વાદ મેળવશે, એટલે કે સ્પષ્ટ અને ચોક્કસ સમજણ મેળવશે. એ સાથે ઈશ્વરનું પવિત્ર રહસ્ય, એટલે કે ખ્રિસ્ત વિશેનું ખરું જ્ઞાન પણ મેળવશે. ૩  સર્વ ડહાપણ અને જ્ઞાનનો ખજાનો તેમનામાં સાચવીને સંતાડી રાખવામાં આવ્યો છે. ૪  હું તમને આ જણાવું છું જેથી કોઈ તમને છેતરામણી વાતોથી મૂર્ખ ન બનાવે. ૫  ભલે હું હાજર નથી, પણ મારું દિલ તમારી સાથે છે. મને એ જોઈને આનંદ થાય છે કે, તમારી ગોઠવણ સારી છે અને ખ્રિસ્તમાં તમારી શ્રદ્ધા મક્કમ છે. ૬  તેથી, જેમ તમે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુને સ્વીકાર્યા છે, તેમ તેમની સાથે એકતામાં ચાલતા રહો. ૭  જેમ તમને શીખવવામાં આવ્યું હતું, તેમ તેમનામાં મૂળ ઊંડાં ઉતારો અને પ્રગતિ કરતા જાઓ, શ્રદ્ધામાં સ્થિર થતા જાઓ અને ભરપૂર દિલથી ઈશ્વરનો આભાર માનો. ૮  સાવધ રહો, કોઈ તમને ફિલસૂફી અને છેતરામણી વાતોથી ફસાવે નહિ.* એ તો માણસોની માન્યતાઓ અને દુનિયાનાં પાયારૂપી ધોરણો પ્રમાણે છે, નહિ કે ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે; ૯  કેમ કે ઈશ્વરના ગુણો ખ્રિસ્તમાં ભરપૂરપણે વસે છે. ૧૦  એટલે, તેમના દ્વારા તમે ભરપૂર થયા છો, જે બધી સરકારો અને સત્તાઓના શિર છે. ૧૧  તેમની સાથેના સંબંધને લીધે તમારી એવી સુન્‍નત* પણ કરવામાં આવી, જે માણસોના હાથથી નહિ પણ પાપી શરીર ઉતારીને થઈ. ખ્રિસ્તના સેવકોની આ જ રીતે સુન્‍નત થવી જોઈએ. ૧૨  ખ્રિસ્તના બાપ્તિસ્મામાં તેમની સાથે તમને દફનાવવામાં આવ્યા અને તેમના દ્વારા તમને મરણમાંથી ઉઠાડવામાં પણ આવ્યા; ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડનાર ઈશ્વરનાં શક્તિશાળી કામો પર તમારી શ્રદ્ધાને લીધે એમ થયું. ૧૩  વધુમાં, તમે તમારા અપરાધોમાં મરણ પામેલા હતા અને શરીરની સુન્‍નત વગરના હતા, તેમ છતાં ખ્રિસ્ત સાથે એકતામાં લાવવા ઈશ્વરે તમને જીવતા કર્યા. ઈશ્વરે દયા બતાવીને આપણા બધા અપરાધો માફ કર્યા ૧૪  અને એ લખાણ ભૂંસી કાઢ્યું,* જેમાં આપણી વિરુદ્ધ નિયમો હતા. તેમણે એને વધસ્તંભ પર ખીલા મારીને આપણી વચ્ચેથી કાઢી નાખ્યું. ૧૫  તેમણે વધસ્તંભ* દ્વારા સરકારો અને અધિકારીઓને ઉઘાડા પાડ્યા છે અને પોતાની વિજયકૂચમાં તેઓનું હારેલાઓ તરીકે પ્રદર્શન કર્યું છે. ૧૬  તેથી, ખાવાપીવા વિશે કે તહેવાર કે ચાંદરાત* કે સાબ્બાથ* પાળવા વિશે કોઈને તમારો ન્યાય કરવા ન દો. ૧૭  કેમ કે એ બધું તો આવનાર બાબતોનો પડછાયો છે, પણ હકીકત તો ખ્રિસ્ત છે. ૧૮  જે કોઈ માણસ નમ્રતાનો ઢોંગ કરવામાં અને દૂતોની ભક્તિમાં ખુશ થાય છે અને પોતે જોયેલા દર્શનને “પકડી રાખે છે,”* એવા માણસને તમારું ઇનામ છીનવી લેવા ન દો. તે પોતાના પાપી મનને લીધે, યોગ્ય કારણ વગર ફૂલાઈ જાય છે; ૧૯  તે શિરને* વળગી રહેતો નથી કે જેના દ્વારા આખા શરીરનું પોષણ થાય છે અને સાંધા તથા સ્નાયુઓથી શરીર એક સાથે જોડાયેલું રહે છે અને ઈશ્વર પાસેથી આવતી વૃદ્ધિને લીધે એ વધતું જાય છે. ૨૦  જો તમે દુનિયાનાં પાયારૂપી ધોરણોનો ત્યાગ કરીને ખ્રિસ્ત સાથે મરણ પામ્યા હો, તો પછી તમે કેમ હજુ પણ દુનિયાના આવા નિયમો પાળીને જાણે એના ભાગ હો એમ જીવો છો: ૨૧  “આને લેશો નહિ, એને ચાખશો નહિ, પેલું અડકશો નહિ”? ૨૨  આ નિયમો તો માણસોની આજ્ઞાઓ અને શિક્ષણ પ્રમાણે છે અને આ એવી વસ્તુઓ વિશે છે જે ઉપયોગ કર્યા પછી નાશ પામે છે. ૨૩  ભલે આ નિયમો ડહાપણભર્યા લાગે, પણ એનાથી કોઈને પણ પાપી શરીરની ઇચ્છાઓ સામે લડવા મદદ મળતી નથી. માણસો આ નિયમો એટલે પાળે છે, કેમ કે તેઓ પોતાની રીતે ભક્તિ કરવા માંગે છે. બીજાઓની નજરમાં નમ્ર દેખાવા, તેઓ પોતાના શરીરને હાનિ પહોંચાડે છે.

ફૂટનોટ

મૂળ અર્થ, “મારું મોઢું જોયું નથી.”
અથવા, “પોતાના શિકાર તરીકે તમને ઉઠાવી ન જાય.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “મિટાવી દીધું.”
અથવા કદાચ, “ખ્રિસ્ત.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
જૂઠા ધર્મની રહસ્યમય (દીક્ષા) વિધિઓમાંથી ટાંકેલું.
એટલે કે, ખ્રિસ્ત.