કોલોસીઓ ૩:૧-૨૫
૩ જો તમને ખ્રિસ્ત સાથે મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હોય, તો સ્વર્ગની વાતોને શોધતા રહો, જ્યાં ખ્રિસ્ત ઈશ્વરના જમણા હાથે બેઠેલા છે.
૨ સ્વર્ગની વાતો પર મન લગાડેલું રાખો, પૃથ્વી પરની વાતો પર નહિ.
૩ કેમ કે તમે મરણ પામ્યા અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખ્રિસ્ત સાથે તમારું જીવન સંતાડી રાખવામાં આવ્યું છે.
૪ જ્યારે ખ્રિસ્ત જે આપણું જીવન છે, તેમને પ્રગટ કરવામાં આવશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ કરાશો.
૫ તેથી, તમારા શરીરના અવયવોને* મારી નાખો, જેમાં આવી ખોટી ઇચ્છાઓ પેદા થાય છે: વ્યભિચાર,* અશુદ્ધતા, બેકાબૂ જાતીય વાસના, લાલસા અને લોભ, જે મૂર્તિપૂજા છે.
૬ એ બધાને કારણે ઈશ્વરનો ક્રોધ આવી રહ્યો છે.
૭ અગાઉ તમે પોતે પણ જીવનમાં* એવાં જ કામો કરતાં હતાં.*
૮ પરંતુ, હવે તમે આ બધું તમારામાંથી દૂર કરો: ક્રોધ, ગુસ્સો, દુષ્ટતા, અપમાનજનક બોલી અને મોંમાંથી નીકળતી અશ્લીલ વાતો.
૯ એકબીજા સાથે જૂઠું ન બોલો. જૂના સ્વભાવને* એની આદતો સાથે ઉતારી નાખો
૧૦ અને નવો સ્વભાવ પહેરી લો, જે એને રચનારના સ્વભાવ પ્રમાણે ખરા જ્ઞાનથી નવો કરાતો જાય છે.
૧૧ એ સ્વભાવ પ્રમાણે કોઈ ગ્રીક કે કોઈ યહુદી નથી, સુન્નત કરાયેલો કે સુન્નત વગરનો નથી, પરદેશી નથી, સિથિયન* નથી, ગુલામ કે આઝાદ નથી; પરંતુ, ખ્રિસ્ત સર્વ છે અને સર્વમાં છે.
૧૨ એ જ પ્રમાણે, ઈશ્વરના પસંદ કરાયેલા, પવિત્ર અને વહાલા લોકો તરીકે કરુણા, દયા, નમ્રતા,* કોમળતા અને ધીરજ પહેરી લો.
૧૩ એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરો. જેમ યહોવાએ* તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.
૧૪ એ સર્વ ઉપરાંત, તમે પ્રેમ પહેરી લો, કેમ કે એ એકતાનું સંપૂર્ણ બંધન છે.
૧૫ તેમ જ, ખ્રિસ્તની શાંતિ તમારા હૃદયો પર રાજ કરે,* કેમ કે તમને એક શરીરમાં એ શાંતિ પામવા બોલાવવામાં આવ્યા છે. અને તમે આભારી છો, એમ બતાવી આપો.
૧૬ ખ્રિસ્તનું વચન તમારામાં ભરપૂરપણે વસીને તમને સર્વ પ્રકારનું ડહાપણ આપે. ગીતો, ઈશ્વરની સ્તુતિ અને આભાર* સાથે ભક્તિ-ગીતો ગાઈને એકબીજાને શીખવતા રહો અને ઉત્તેજન* આપતા રહો. તમારા દિલોમાં યહોવા* માટે ગાતા રહો.
૧૭ તમે જે કંઈ કહો કે કરો, એ સર્વ પ્રભુ ઈસુના નામમાં કરો અને તેમના દ્વારા ઈશ્વર આપણા પિતાનો આભાર માનો.
૧૮ પત્નીઓ, તમારા પતિઓને આધીન રહો, કેમ કે પ્રભુના શિષ્યો માટે એ યોગ્ય છે.
૧૯ પતિઓ, તમારી પત્નીઓને પ્રેમ કરતા રહો અને તેઓ પર ગુસ્સાથી તપી ન જાઓ.*
૨૦ બાળકો, દરેક વાતમાં તમારાં માતાપિતાને આધીન રહો, કેમ કે એનાથી પ્રભુ ખુશ થાય છે.
૨૧ પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો* નહિ, જેથી તેઓ નિરાશ ન થઈ જાય.*
૨૨ દાસો, બધી રીતે તમારા માલિકોને આધીન રહો; માણસોને ખુશ કરનારાઓની જેમ માલિક જોતા હોય ત્યારે જ નહિ,* પણ ખરા દિલથી અને યહોવાના* ડરને લીધે એમ કરો.
૨૩ માણસો માટે નહિ, પણ યહોવા* માટે કરતા હો એમ તમે જે કંઈ કરો એ પૂરા તન-મનથી* કરો,
૨૪ કેમ કે તમે જાણો છો કે યહોવા* પાસેથી જ તમને ઇનામ તરીકે વારસો મળશે. તમારા માલિક ખ્રિસ્તની સેવા કરો.
૨૫ જે કોઈ ખોટાં કામો કરે છે, તે ચોક્કસ એનું પરિણામ ભોગવશે અને ઈશ્વર કોઈ પક્ષપાત કરતા નથી.
ફૂટનોટ
^ મૂળ અર્થ, “પૃથ્વી પરના તમારા શરીરના અવયવો.”
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “તમે એ પ્રમાણે જીવતા હતા ત્યારે.”
^ અથવા, “એવી જ રીતે ચાલતા હતા.”
^ મૂળ અર્થ, “માણસ.”
^ આ અસભ્ય વ્યક્તિને પણ બતાવતું હોય શકે.
^ અથવા, “દીનતા.”
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “તમારા હૃદયો પર કાબૂ રાખે.”
^ અથવા, “કૃપા.”
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “શિખામણ.”
^ અથવા, “કઠોર ન થાઓ.”
^ અથવા, “ઉશ્કેરશો; ચીડવશો.”
^ અથવા, “હિંમત હારી ન જાય.”
^ મૂળ અર્થ, “માણસોને ખુશ કરનારની જેમ દેખાડો ન કરો.”
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.