કોલોસીઓ ૪:૧-૧૮

  • માલિકોને સલાહ ()

  • “ખંતથી પ્રાર્થના કરતા રહો” (૨-૪)

  • મંડળના નથી તેઓની સાથે સમજદારીથી વર્તો (૫, ૬)

  • છેલ્લી સલામ (૭-૧૮)

 માલિકો, તમારા દાસો સાથે ન્યાયથી અને સારી રીતે વર્તો, કેમ કે તમે જાણો છો કે સ્વર્ગમાં તમારા પણ એક માલિક છે. ૨  ખંતથી પ્રાર્થના કરતા રહો, એમ કરવાનું ભૂલશો નહિ* અને આભારસ્તુતિ કરો. ૩  એની સાથે સાથે અમારા માટે પણ પ્રાર્થના કરો કે સંદેશો જણાવવા માટે ઈશ્વર માર્ગ ખોલે, જેથી અમે ખ્રિસ્ત વિશેનું પવિત્ર રહસ્ય જાહેર કરી શકીએ. એ પવિત્ર રહસ્ય માટે હું કેદના બંધનોમાં છું. ૪  પ્રાર્થના કરો કે મારે કરવું જોઈએ એ રીતે હું આ રહસ્ય સ્પષ્ટ જાહેર કરું. ૫  જેઓ મંડળના નથી તેઓની સાથે સમજદારીથી વર્તો અને તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.* ૬  જેમ મીઠું ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો, જેથી દરેકને કઈ રીતે જવાબ આપવો એ તમે જાણી શકો. ૭  મારો વહાલો ભાઈ અને વિશ્વાસુ સેવક અને પ્રભુમાં સાથી દાસ તુખિકસ, મારા વિશે તમને બધા સમાચાર જણાવશે. ૮  હું તેને તમારી પાસે મોકલું છું, જેથી તમે અમારા ખબરઅંતર જાણો અને તે તમારા હૃદયોને દિલાસો આપે. ૯  તે મારા વિશ્વાસુ અને વહાલા ભાઈ ઓનેસિમસ સાથે આવી રહ્યો છે, જે તમારામાંનો એક છે; અહીંયા જે બધું થઈ રહ્યું છે, એ વિશે તેઓ તમને જણાવશે. ૧૦  મારો સાથી બંદીવાન અરિસ્તાર્ખસ તમને સલામ મોકલે છે અને બાર્નાબાસનો સંબંધી* માર્ક પણ સલામ મોકલે છે (જેના વિશે તમને કહેવામાં આવ્યું છે કે તે તમારી પાસે આવે તો, તેનો આવકાર કરજો), ૧૧  અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે તે સલામ મોકલે છે, એ બધાની સુન્‍નત થયેલી છે. ઈશ્વરના રાજ્ય માટે ફક્ત તેઓ જ મારી સાથે કામ કરનારાઓ છે અને તેઓએ મને ઘણો દિલાસો આપ્યો છે.* ૧૨  ખ્રિસ્ત ઈસુનો દાસ એપાફ્રાસ, જે તમારામાંથી છે, તે તમને સલામ મોકલે છે. તે હંમેશાં તમારા માટે ખંતથી પ્રાર્થના કરે છે, જેથી ઈશ્વરની સર્વ ઇચ્છામાં તમે પરિપક્વ માણસની જેમ આખરે દૃઢ ઊભા રહો અને એમાં પૂરો ભરોસો રાખો. ૧૩  હું તેના વિશે સાક્ષી પૂરું છું કે તે તમારા માટે અને જેઓ લાવદિકિયામાં અને હિયરાપુલિસમાં છે, તેઓ માટે સખત મહેનત કરે છે. ૧૪  વહાલો વૈદ લુક અને દેમાસ તમને સલામ મોકલે છે. ૧૫  લાવદિકિયાના ભાઈઓને અને બહેન નુમ્ફાને તથા તેના ઘરે મળતા મંડળને મારી સલામ કહેજો. ૧૬  આ પત્ર તમારે ત્યાં વાંચી લીધા પછી, ગોઠવણ કરજો કે એ લાવદિકિયાના મંડળમાં પણ વાંચવામાં આવે અને લાવદિકિયાને મોકલેલો મારો પત્ર તમારે ત્યાં પણ વાંચવામાં આવે. ૧૭  આર્ખિપસને પણ કહેજો: “પ્રભુમાં તેં જે સેવાકાર્ય સ્વીકાર્યું છે એના પર ધ્યાન આપ, જેથી તું એને પૂરું કરી શકે.” ૧૮  હું પાઊલ, મારા હાથે લખીને તમને સલામ મોકલું છું. મારા કેદના બંધનોને યાદ રાખજો. તમારા પર ઈશ્વરની અપાર કૃપા રહે.

ફૂટનોટ

મૂળ અર્થ, “જાગતા રહો.”
મૂળ અર્થ, “સમય ખરીદી લો.”
બાર્નાબાસનો દૂરનો ભાઈ.
અથવા, “હિંમત આપી છે.”