ગલાતીઓ ૧:૧-૨૪

  • સલામ (૧-૫)

  • બીજી કોઈ ખુશખબર નથી (૬-૯)

  • પાઊલે જણાવેલી ખુશખબર ઈશ્વર પાસેથી છે (૧૦-૧૨)

  • પાઊલ ધર્મ બદલે છે અને શરૂઆતનું કાર્ય (૧૩-૨૪)

 હું પાઊલ, માણસો તરફથી નહિ અને કોઈ માણસ દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત* અને તેમને મરણમાંથી સજીવન કરનાર, ઈશ્વર આપણા પિતા તરફથી પ્રેરિત* તરીકે પસંદ થયેલો છું; ૨  હું અને મારી સાથેના સર્વ ભાઈઓ ગલાતીનાં મંડળોને લખીએ છીએ: ૩  ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને અપાર કૃપા તથા શાંતિ આપે. ૪  આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે ઈસુ આપણાં પાપો માટે મરણ પામ્યા, જેથી તે આપણને હાલની દુષ્ટ દુનિયાથી* છોડાવે; ૫  ઈશ્વરનો હંમેશાં ને હંમેશાં મહિમા થાઓ. આમેન. ૬  મને નવાઈ લાગે છે કે જે ઈશ્વરે તમને ખ્રિસ્તની અપાર કૃપાથી બોલાવ્યા, તેમનાથી તમે આટલા જલદી દૂર થઈને* બીજા પ્રકારની ખુશખબર તરફ જઈ રહ્યા છો. ૭  એવું નથી કે બીજી કોઈ ખુશખબર છે; પરંતુ, અમુક લોકો તમને હેરાન કરે છે અને ખ્રિસ્ત વિશેની ખુશખબરને મારી-મચકોડીને બદલી નાખવા ચાહે છે. ૮  જોકે, અમે તમને જણાવેલી ખુશખબર સિવાય, જો અમે અથવા સ્વર્ગમાંથી કોઈ દૂત પણ તમને બીજું કંઈક જણાવે, તો તે શાપિત થાય. ૯  જેમ અમે આગળ જણાવ્યું, તેમ હું ફરીથી જણાવું છું કે તમે જે ખુશખબર સ્વીકારી એ સિવાય કોઈ તમને બીજું કંઈક જણાવે તો તે શાપિત થાય. ૧૦  તો શું હમણાં હું માણસોને પસંદ પડે એવું કરવા માંગું છું કે ઈશ્વરને? અથવા, શું માણસોને ખુશ કરવા ચાહું છું? જો હજુ હું માણસોને ખુશ કરતો હોઉં, તો હું ખ્રિસ્તનો દાસ નથી. ૧૧  ભાઈઓ, તમે આ જાણો એવું હું ચાહું છું, જે ખુશખબર હું જાહેર કરું છું એ માણસો તરફથી નથી; ૧૨  કેમ કે એ ખુશખબર મને માણસો પાસેથી મળી નથી કે તેઓ પાસેથી એ શીખ્યો નથી. પણ, એ તો ઈસુ ખ્રિસ્ત પાસેથી પ્રગટ થઈ છે. ૧૩  હું યહુદી ધર્મ પાળતો હતો ત્યારના મારા વર્તન વિશે તમે ચોક્કસ સાંભળ્યું હશે; હું ઈશ્વરના મંડળ પર ઘણો* જુલમ કરતો હતો અને એનું નામનિશાન મિટાવી દેવાની કોશિશ કરતો હતો; ૧૪  મારા પૂર્વજોના રીતરિવાજો પાળવામાં હું ઘણો ઉત્સાહી હોવાથી, મારા લોકોમાંથી મારી ઉંમરના ઘણા કરતાં યહુદી ધર્મમાં મેં વધારે પ્રગતિ કરી હતી. ૧૫  પરંતુ, જે ઈશ્વરે મને આ દુનિયામાં જન્મ આપ્યો અને તેમની અપાર કૃપાથી બોલાવ્યો, તેમને જ્યારે પસંદ પડ્યું કે ૧૬  પોતાના દીકરાને મારા દ્વારા પ્રગટ કરે, જેથી હું બીજી પ્રજાઓને તેમના વિશે ખુશખબર જાહેર કરું, ત્યારે મેં તરત કોઈ માણસની* સલાહ લીધી નહિ. ૧૭  તેમ જ, મારી અગાઉ થયેલા પ્રેરિતો પાસે હું યરૂશાલેમ પણ ગયો નહિ; પરંતુ, હું અરબસ્તાન ગયો અને પછી દમસ્ક પાછો ફર્યો. ૧૮  ત્યાર બાદ, હું ત્રણ વર્ષ પછી કેફાસને* મળવા યરૂશાલેમ ગયો અને તેની સાથે ૧૫ દિવસ રહ્યો. ૧૯  પરંતુ, પ્રભુના ભાઈ યાકૂબ સિવાય બીજા કોઈ પ્રેરિતોને હું મળ્યો નહિ. ૨૦  હવે, હું તમને જે વાતો લખું છું એ વિશે ઈશ્વર સામે તમને ખાતરી આપું છું કે હું જૂઠું બોલતો નથી. ૨૧  એ પછી હું સિરિયા અને કિલીકિયાના વિસ્તારોમાં ગયો. ૨૨  પણ, યહુદિયાનાં ખ્રિસ્તી મંડળો મને ઓળખતાં ન હતાં. ૨૩  તેઓએ ફક્ત આવું સાંભળ્યું હતું: “આ માણસ પહેલાં આપણી સતાવણી કરતો હતો. જે શ્રદ્ધાનો તે અગાઉ નાશ કરવાની કોશિશ કરતો હતો, એ શ્રદ્ધા વિશે હવે તે ખુશખબર જાહેર કરે છે.” ૨૪  એટલે, મારા લીધે તેઓ ઈશ્વરને મહિમા આપવા લાગ્યા.

ફૂટનોટ

શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “દુષ્ટ દુનિયાની વ્યવસ્થાથી; ખરાબ યુગથી.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “આટલા જલદી છોડીને.”
મૂળ અર્થ, “મારાથી થઈ શકે એટલો.”
મૂળ અર્થ, “લોહી અને માંસ.”
માથ ૧૦:૨ની ફૂટનોટ જુઓ.