ગલાતીઓ ૩:૧-૨૯

  • નિયમશાસ્ત્રનાં કામો સામે શ્રદ્ધા (૧-૧૪)

    • નેક માણસ શ્રદ્ધાથી જીવશે (૧૧)

  • ઈબ્રાહીમને અપાયેલું વચન નિયમશાસ્ત્ર પ્રમાણે ન હતું (૧૫-૧૮)

    • ઈબ્રાહીમના વંશજ, ખ્રિસ્ત (૧૬)

  • નિયમશાસ્ત્ર ક્યાંથી આવ્યું અને કેમ અપાયું? (૧૯-૨૫)

  • શ્રદ્ધાથી ઈશ્વરનાં બાળકો (૨૬-૨૯)

    • જેઓ ખ્રિસ્તના છે, તેઓ ઈબ્રાહીમના વંશજ છે (૨૯)

 ઓ અણસમજુ ગલાતીઓ! વધસ્તંભે જડેલા ઈસુ ખ્રિસ્તનું તમારી આગળ આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું હતું, છતાં કોણે તમને ભરમાવ્યા? ૨  મારે તમને એક વાત પૂછવી* છે: શું તમને પવિત્ર શક્તિ નિયમશાસ્ત્રનાં કામોને લીધે મળી કે તમે જે સાંભળ્યું એમાં શ્રદ્ધા મૂકવાને લીધે? ૩  શું તમે આટલા બધા અણસમજુ છો? તમે પવિત્ર શક્તિના માર્ગે શરૂઆત કરી હતી. હવે, શું માણસોના વિચારો પ્રમાણે ચાલીને એ માર્ગ પૂરો કરવા માંગો છો?* ૪  શું તમે આટલી બધી તકલીફો કારણ વગર સહી? હું માનતો નથી કે કોઈ કારણ વગર સહી હોય. ૫  તેથી, જે તમને પવિત્ર શક્તિ આપે છે અને તમારામાં શક્તિશાળી કામો કરે છે, તે શું નિયમશાસ્ત્રનાં તમારાં કામોને લીધે એમ કરે છે કે પછી તમે જે સાંભળ્યું એમાં શ્રદ્ધા મૂકવાને લીધે એમ કરે છે? ૬  શું એ ખરું નથી કે ઈબ્રાહીમે “યહોવામાં* શ્રદ્ધા મૂકી, એટલે તે નેક ગણાયો.” ૭  સાચે જ, તમે જાણો છો કે જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ ઈબ્રાહીમનાં બાળકો છે. ૮  હવે, ઈશ્વર બીજી પ્રજાના લોકોને શ્રદ્ધાને લીધે નેક ઠરાવશે, એ અગાઉથી જાણીને પવિત્ર શાસ્ત્રે પહેલેથી જ ઈબ્રાહીમને ખુશખબર જાહેર કરતા કહ્યું હતું: “તારા દ્વારા બધી પ્રજાના લોકો આશીર્વાદ પામશે.” ૯  તેથી, જેઓ શ્રદ્ધા રાખે છે, તેઓ શ્રદ્ધા રાખનાર ઈબ્રાહીમની સાથે આશીર્વાદ પામે છે. ૧૦  નિયમશાસ્ત્રનાં કામો પર આધાર રાખનારા બધા શાપિત છે, કેમ કે લખેલું છે: “નિયમશાસ્ત્રના વીંટામાં* લખેલી બધી જ વાતો જે પાળતો નથી, તે શાપિત છે.” ૧૧  વધુમાં, એ દેખીતું છે કે ઈશ્વર આગળ નિયમશાસ્ત્ર દ્વારા કોઈ નેક ઠરતો નથી, કેમ કે લખેલું છે: “નેક માણસ શ્રદ્ધાથી જીવશે.” ૧૨  પણ, નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલવા શ્રદ્ધાની જરૂર નથી. એને બદલે, શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે, તે એના દ્વારા જીવશે.” ૧૩  ખ્રિસ્તે આપણને ખરીદ્યા અને નિયમશાસ્ત્રના શાપમાંથી મુક્ત કરવા આપણા બદલે પોતે શાપિત થયા, કેમ કે લખેલું છે: “વધસ્તંભ પર લટકાવેલો દરેક માણસ શાપિત છે.” ૧૪  એનું કારણ એ હતું કે ઈબ્રાહીમને મળનારા આશીર્વાદો ખ્રિસ્ત ઈસુ દ્વારા બીજી પ્રજાઓને પણ મળે અને આમ આપણે પોતાની શ્રદ્ધા દ્વારા વચન પ્રમાણે પવિત્ર શક્તિ પામીએ. ૧૫  ભાઈઓ, હું તમને એક ઉદાહરણ જણાવું છું: એક વાર કરાર પાકો થાય પછી, ભલે માણસે એ કરેલો હોય, તોપણ કોઈ એને રદ કરી શકતું નથી કે એમાં ઉમેરો કરી શકતું નથી. ૧૬  હવે, ઈબ્રાહીમ અને તેમના વંશજને* વચનો આપવામાં આવ્યાં હતાં. શાસ્ત્ર એવું નથી કહેતું, “અને તારા વંશજોને,”* જાણે ઘણા વંશજો હોય. એને બદલે, શાસ્ત્ર કહે છે: “અને તારા વંશજને,”* એટલે કે એકને, જે ખ્રિસ્ત છે. ૧૭  વધુમાં, મારું કહેવું આ છે: ૪૩૦ વર્ષ પછી આવેલું નિયમશાસ્ત્ર, ઈશ્વરે કરેલા અગાઉના કરારને રદ કરતું નથી અને વચન બદલતું નથી. ૧૮  કેમ કે જો વારસો નિયમશાસ્ત્રને આધારે હોય, તો એ વચનને આધારે નથી; પણ ઈશ્વરે કૃપા બતાવીને એ વારસો ઈબ્રાહીમને વચન દ્વારા આપ્યો છે. ૧૯  તો પછી, નિયમશાસ્ત્ર કેમ આપવામાં આવ્યું? જે વંશજને* વચન આપવામાં આવ્યું હતું એ આવે ત્યાં સુધી પાપ જાહેર કરવા માટે આપવામાં આવ્યું હતું; એ દૂતો દ્વારા મધ્યસ્થને હાથે જાહેર કરાયું. ૨૦  હવે, મધ્યસ્થ તો ત્યારે જોઈએ જ્યારે એકથી વધારે વ્યક્તિ હોય, પણ ઈશ્વર તો એક જ છે. ૨૧  તો પછી, શું નિયમશાસ્ત્ર ઈશ્વરનાં વચનોની વિરુદ્ધ છે? ના, જરાય નહિ! કેમ કે જો લોકોને એવું નિયમશાસ્ત્ર મળ્યું હોત જે જીવન આપી શકે, તો તેઓ નિયમશાસ્ત્રથી નેક ગણાયા હોત. ૨૨  પણ, શાસ્ત્રવચનો બધાને પાપના બંધનમાં સોંપી દે છે, જેથી ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકવાથી જે વચન મળે છે, એ શ્રદ્ધા રાખનારાઓને આપવામાં આવે. ૨૩  પણ, શ્રદ્ધા આવી એ પહેલાં, આપણે નિયમશાસ્ત્ર દ્વારા રક્ષણ પામેલા હતા અને એના બંધનમાં સોંપી દેવામાં આવ્યા હતા અને જલદી પ્રગટ થનાર શ્રદ્ધાની આપણે રાહ જોતા હતા. ૨૪  તેથી, નિયમશાસ્ત્ર આપણું રખેવાળ* બનીને ખ્રિસ્ત પાસે દોરી લાવ્યું, જેથી આપણે શ્રદ્ધાથી નેક ગણાઈએ. ૨૫  પણ, હવે શ્રદ્ધા આવી હોવાથી આપણે રખેવાળના* હાથ નીચે નથી. ૨૬  હકીકતમાં, તમે બધા ખ્રિસ્ત ઈસુમાં મૂકેલી તમારી શ્રદ્ધાને લીધે ઈશ્વરનાં બાળકો છો. ૨૭  કેમ કે તમે બધા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા હોવાથી, ખ્રિસ્ત જેવા ગુણો કેળવ્યા છે.* ૨૮  યહુદી કે ગ્રીક કોઈ નથી, ગુલામ કે આઝાદ કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી, કેમ કે તમે બધા ખ્રિસ્ત ઈસુના શિષ્યો તરીકે એકતામાં છો. ૨૯  ઉપરાંત, જો તમે ખ્રિસ્તના હો, તો વચન પ્રમાણે સાચે જ તમે ઈબ્રાહીમના વંશજ* અને વારસદાર છો.

ફૂટનોટ

મૂળ અર્થ, “જાણવું.”
મૂળ અર્થ, “અપૂર્ણતામાં પૂરું કરવા માંગો છો?”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ અર્થ, “સંતાન.”
મૂળ અર્થ, “સંતાનો.”
મૂળ અર્થ, “સંતાન.”
મૂળ અર્થ, “સંતાન.”
અથવા, “શીખવનાર.”
અથવા, “શીખવનારના.”
અથવા, “ખ્રિસ્તને પહેર્યા છે.”
મૂળ અર્થ, “સંતાન.”