પ્રકટીકરણ ૧૦:૧-૧૧

  • નાના વીંટા સાથે શક્તિશાળી દૂત (૧-૭)

    • “જરા પણ મોડું થશે નહિ” ()

    • પવિત્ર રહસ્ય જલદી જ પૂરું થશે ()

  • યોહાન નાનો વીંટો ખાય છે (૮-૧૧)

૧૦  પછી, મેં બીજા એક શક્તિશાળી દૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો, જે વાદળોથી ઘેરાયેલો* હતો અને તેના માથા પર મેઘધનુષ્ય હતું અને તેનો ચહેરો સૂર્ય જેવો હતો અને તેના પગ અગ્‍નિના સ્તંભ જેવા હતા; ૨  તેના હાથમાં નાનો વીંટો હતો, જે ખુલ્લો કરેલો હતો. અને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર મૂક્યો પણ ડાબો પગ પૃથ્વી પર મૂક્યો; ૩  અને સિંહ ગર્જના કરે તેમ તે મોટા અવાજે પોકારી ઊઠ્યો. અને તેણે પોકાર કર્યો ત્યારે, સાત ગર્જનાઓના અવાજ બોલી ઊઠ્યા. ૪  હવે, સાત ગર્જનાઓ બોલી ત્યારે હું લખવાનો જ હતો, પણ સ્વર્ગમાંથી મેં એક અવાજ આમ કહેતો સાંભળ્યો: “સાત ગર્જનાઓ જે બોલી એ વાતો પર મહોર કર અને એ લખીશ નહિ.” ૫  જે દૂતને મેં સમુદ્ર અને પૃથ્વી પર ઊભેલો જોયો, તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો ૬  અને જે હંમેશને માટે જીવે છે અને જેમણે આકાશ અને એમાંની વસ્તુઓ, પૃથ્વી અને એમાંની વસ્તુઓ તથા સમુદ્ર અને એમાંની વસ્તુઓ ઉત્પન્‍ન કરી છે, તેમના સમ ખાધા; પછી દૂતે કહ્યું: “હવે જરા પણ મોડું થશે નહિ. ૭  પરંતુ, સાતમો દૂત પોતાનું રણશિંગડું વગાડવાની તૈયારીમાં હશે એ દિવસોમાં, ઈશ્વરનું પવિત્ર રહસ્ય જલદી જ પૂરું થશે, જે તેમણે પોતાના સેવકોને એટલે કે પ્રબોધકોને* ખુશખબર તરીકે જણાવ્યું હતું.” ૮  અને મેં સ્વર્ગમાંથી એક અવાજ સાંભળ્યો, જે ફરી મારી સાથે વાત કરતા કહેતો હતો: “જા, સમુદ્ર અને પૃથ્વી પર ઊભેલા દૂતના હાથમાંથી ખુલ્લો વીંટો લે.” ૯  હું એ દૂત પાસે ગયો અને મને નાનો વીંટો આપવા જણાવ્યું. તેણે મને કહ્યું: “આ લે અને એને ખાઈ જા. એ તારા પેટને કડવું લાગશે, પણ તારા મોંને એ મધ જેવું મીઠું લાગશે.” ૧૦  દૂતના હાથમાંથી મેં નાનો વીંટો લીધો અને એ ખાધો; મારા મોંને એ મધ જેવો મીઠો લાગ્યો, પણ હું ખાઈ ગયો પછી એ મારા પેટને કડવો લાગ્યો. ૧૧  અને મને એમ કહેવામાં આવ્યું કે, “લોકો અને દેશો અને બોલીઓ* અને ઘણા રાજાઓ વિશે તું ફરી ભવિષ્યવાણી કર.”

ફૂટનોટ

અથવા, “વીંટળાયેલો.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ભાષાઓ.”