પ્રકટીકરણ ૧૨:૧-૧૭

  • સ્ત્રી અને નર બાળક અને અજગર (૧-૬)

  • મિખાયેલ અજગર સાથે યુદ્ધ કરે છે (૭-૧૨)

    • અજગરને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો ()

    • શેતાન જાણે છે કે તેની પાસે થોડો જ સમય છે (૧૨)

  • અજગર સ્ત્રીની સતાવણી કરે છે (૧૩-૧૭)

૧૨  પછી, સ્વર્ગમાં એક અદ્‍ભુત દૃશ્ય દેખાયું: એક સ્ત્રીએ સૂર્ય ઓઢેલો* હતો અને ચંદ્ર તેના પગ નીચે હતો અને તેના માથા ઉપર ૧૨ તારાઓનો મુગટ હતો ૨  અને તે ગર્ભવતી હતી. તે પોતાની વેદનાને લીધે ચીસો પાડતી હતી અને બાળકને જન્મ આપવાની ઘડી આવી હોવાથી પીડા ભોગવતી હતી. ૩  સ્વર્ગમાં બીજું એક દૃશ્ય દેખાયું. જુઓ! લાલચોળ રંગનો મોટો અજગર! તેને સાત માથાં અને દશ શિંગડાં હતાં તથા તેનાં માથાં પર સાત મુગટ* હતા; ૪  અને તેની પૂંછડીએ સ્વર્ગના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને પૃથ્વી પર નાખી દીધો. અને જે સ્ત્રી બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી તેની સામે અજગર ઊભો રહ્યો, જેથી તે જન્મ આપે ત્યારે તરત જ તેના બાળકને ગળી જાય. ૫  અને તેણે છોકરાને, નર બાળકને જન્મ આપ્યો, જે બધી પ્રજાઓ પર લોઢાના દંડથી રાજ કરશે. અને તે સ્ત્રીના બાળકને તરત જ ઈશ્વર અને તેમના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યું. ૬  અને તે સ્ત્રી વેરાન પ્રદેશમાં નાસી ગઈ, જ્યાં ઈશ્વરે તેના માટે જગ્યા તૈયાર કરી હતી; ત્યાં ૧,૨૬૦ દિવસ સુધી તેનું પાલનપોષણ થવાનું હતું. ૭  અને સ્વર્ગમાં યુદ્ધ ફાટી નીકળ્યું: મિખાયેલ* અને તેમના દૂતોએ અજગર સાથે યુદ્ધ કર્યું અને અજગર અને તેના દૂતોએ યુદ્ધ કર્યું ૮  પણ તેઓ જીત મેળવી શક્યા નહિ,* તેમજ સ્વર્ગમાં તેઓ માટે હવે કોઈ જગ્યા રહી નહિ. ૯  તેથી, તે મોટા અજગરને નીચે નાખી દેવામાં આવ્યો, જૂનો સર્પ, જેને નિંદા કરનાર શેતાન કહેવામાં આવે છે, જે આખી દુનિયાને* ખોટે માર્ગે દોરે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. ૧૦  સ્વર્ગમાં મેં એક મોટો અવાજ આમ કહેતો સાંભળ્યો: “જુઓ! આપણા ઈશ્વર લોકો માટે તારણ લાવ્યા છે, તેમની શક્તિ જાહેર થઈ છે, તેમનું રાજ્ય સ્થપાયું છે અને તેમના ખ્રિસ્તે સત્તા ચલાવવાનું શરૂ કર્યું છે, કેમ કે આપણા ભાઈઓ ઉપર આરોપ મૂકનારને નીચે નાખી દેવામાં આવ્યો છે, જે આપણા ઈશ્વર આગળ રાત-દિવસ તેઓ પર આરોપ મૂકે છે! ૧૧  ઘેટાના લોહીને કારણે અને તેઓએ આપેલી સાક્ષીના સંદેશાને કારણે તેઓએ તેને હરાવ્યો અને મોતનો સામનો કરતી વખતે પણ પોતાનું જીવન* વહાલું ગણ્યું નહિ. ૧૨  એટલા માટે, ઓ સ્વર્ગ અને એમાં રહેનારાઓ, તમે આનંદ કરો! પૃથ્વી તથા સમુદ્રને અફસોસ, કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે અને તે ઘણો ગુસ્સે ભરાયો છે, કારણ કે તે જાણે છે કે તેની પાસે થોડો જ સમય છે.” ૧૩  જ્યારે અજગરને ખબર પડી કે તેને નીચે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે, ત્યારે નર બાળકને જન્મ આપનાર સ્ત્રીની તેણે સતાવણી કરી. ૧૪  પરંતુ, મહાન ગરુડની બે પાંખો તે સ્ત્રીને આપવામાં આવી, જેથી તે વેરાન પ્રદેશમાં તેને માટે તૈયાર કરેલી જગ્યાએ ઊડી જઈ શકે, જ્યાં સમય, બે સમયો અને અડધા સમય* સુધી સર્પની નજરથી* દૂર તેનું પાલનપોષણ કરવામાં આવે. ૧૫  સર્પે પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ તે સ્ત્રી પર છોડ્યો, જેથી એ નદીમાં તે ડૂબી જાય. ૧૬  પરંતુ, પૃથ્વી તેની મદદે આવી અને પૃથ્વીએ પોતાનું મોં ખોલ્યું અને અજગરે પોતાના મોંમાંથી નદી વહેતી કરી હતી, એ પી ગઈ. ૧૭  તેથી, અજગર તે સ્ત્રી પર ગુસ્સે ભરાયો અને તેના બાકીના વંશજ* સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો, જેઓ ઈશ્વરની આજ્ઞા માને છે અને ઈસુ વિશે સાક્ષી આપવાનું કામ કરે છે.

ફૂટનોટ

અથવા, “પહેરેલો.”
અથવા, “માથે પહેરાતા રાજવી પટ્ટા.”
અર્થ થાય, “ઈશ્વર જેવું કોણ છે?”
અથવા કદાચ, “પણ એને [એટલે કે, અજગરને] હરાવવામાં આવ્યો.”
અથવા, “વસ્તીવાળી આખી પૃથ્વીને.”
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
એટલે કે, સાડા ત્રણ સમયો.
મૂળ અર્થ, “મોઢાથી.”
મૂળ અર્થ, “સંતાન.”