પ્રકટીકરણ ૧૩:૧-૧૮

  • સાત માથાંવાળું જંગલી જાનવર સમુદ્રમાંથી નીકળ્યું (૧-૧૦)

  • બે શિંગડાંવાળું જાનવર પૃથ્વીમાંથી નીકળ્યું (૧૧-૧૩)

  • સાત માથાંવાળા જાનવરની મૂર્તિ (૧૪, ૧૫)

  • જંગલી જાનવરની છાપ અને સંખ્યા (૧૬-૧૮)

૧૩  અને તે* સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. અને મેં એક જંગલી જાનવરને સમુદ્રમાંથી બહાર નીકળતું જોયું, એને દસ શિંગડાં અને સાત માથાં હતાં અને એનાં શિંગડાં પર દસ મુગટ* હતા, પણ એનાં માથાં પર ઈશ્વરની નિંદા કરતા નામો હતાં. ૨  હવે, જે જંગલી જાનવર મેં જોયું એ દીપડા જેવું હતું, પણ એના પગ રીંછના પગ જેવા હતા અને એનું મોં સિંહના મોં જેવું હતું. અજગરે પોતાની શક્તિ અને પોતાનું રાજ્યાસન અને મહાન અધિકાર એ જાનવરને આપ્યા. ૩  મેં જોયું કે એનું એક માથું મરણતોલ રીતે ઘવાયું હતું, પણ એનો જીવલેણ ઘા રુઝાયો અને આખી પૃથ્વીના લોકો એ જંગલી જાનવરના વખાણ કરતા એની પાછળ ચાલ્યા. ૪  અને તેઓએ અજગરની ઉપાસના કરી, કેમ કે તેણે જંગલી જાનવરને અધિકાર આપ્યો અને તેઓએ જંગલી જાનવરની આમ કહેતા સ્તુતિ કરી: “જંગલી જાનવર જેવું કોણ છે અને એની સાથે કોણ યુદ્ધ કરી શકે?” ૫  જંગલી જાનવરને એવું મોં આપવામાં આવ્યું, જે મોટી મોટી વાતો કરે અને ઈશ્વરની નિંદા કરે અને ૪૨ મહિના સુધી એને મન ફાવે એમ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ૬  અને એણે ઈશ્વરની નિંદા કરવા પોતાનું મોં ખોલ્યું, જેથી તેમના નામ અને તેમની રહેવાની જગ્યા તથા સ્વર્ગમાં રહેનારાઓની વિરુદ્ધ નિંદા કરે. ૭  પવિત્ર લોકો સાથે યુદ્ધ કરવાની અને તેઓને હરાવવાની એને પરવાનગી આપવામાં આવી અને એને દરેક કુળ અને પ્રજા અને બોલી* અને દેશ પર અધિકાર આપવામાં આવ્યો. ૮  અને પૃથ્વી પર રહેનારા બધા એની ઉપાસના કરશે. દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી, તેઓમાંના એકનું પણ નામ બલિદાન કરેલા ઘેટાના જીવનના વીંટામાં લખેલું નથી. ૯  કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો. ૧૦  જો કોઈ ગુલામ થવાનો હોય તો તે ગુલામ થશે. અને જો કોઈ તલવારથી બીજાને મારી નાખે,* તો તેને પણ તલવારથી મારી નાખવામાં આવશે. અહીં પવિત્ર લોકોએ ધીરજ અને શ્રદ્ધા બતાવવાની જરૂર પડશે. ૧૧  પછી, મેં બીજું જંગલી જાનવર પૃથ્વીમાંથી નીકળતું જોયું અને એને ઘેટાના જેવા બે શિંગડાં હતાં, પણ એ અજગરની જેમ બોલતું હતું. ૧૨  એ જાનવર, પહેલા જંગલી જાનવરની નજર આગળ બધો અધિકાર ચલાવે છે. અને પૃથ્વી તથા એના રહેવાસીઓ પાસે પહેલા જંગલી જાનવરની એ ઉપાસના કરાવે છે, જેનો જીવલેણ ઘા રુઝાયો હતો. ૧૩  અને એ મોટી મોટી નિશાનીઓ કરે છે, એટલે સુધી કે માણસોની નજર સામે આકાશમાંથી પૃથ્વી પર અગ્‍નિ વરસાવે છે. ૧૪  જંગલી જાનવરની નજર આગળ નિશાનીઓ કરવાની રજા આપી હોવાથી, બીજા જાનવરે પૃથ્વી પર રહેનારાઓને ખોટે માર્ગે દોર્યા; એ પૃથ્વીના રહેવાસીઓને કહેતું હતું કે, જે જંગલી જાનવરને તલવારથી ઘાયલ કરવામાં આવ્યું હતું છતાં બચી ગયું, એની મૂર્તિ બનાવીને ઉપાસના કરો. ૧૫  અને એને જંગલી જાનવરની મૂર્તિમાં શ્વાસ ફૂંકવાનો અધિકાર આપવામાં આવ્યો, જેથી જંગલી જાનવરની મૂર્તિ બોલે અને જે કોઈ જંગલી જાનવરની મૂર્તિની ઉપાસના કરવાનો નકાર કરે તેઓને એ મારી નાખે. ૧૬  એ જાનવર નાના અને મોટા, ગરીબ અને ધનવાન, આઝાદ અને ગુલામ, બધા જ લોકોને દબાણ કરે છે કે તેઓ પોતાના જમણા હાથ પર કે કપાળ પર છાપ લે; ૧૭  અને જંગલી જાનવરની છાપ, એટલે કે એનું નામ કે એના નામની સંખ્યા જે વ્યક્તિ પર હોય, તેના સિવાય બીજું કોઈ પણ ખરીદી કે વેચી શકે નહિ. ૧૮  અહીં ડહાપણની જરૂર છે: જે સમજદાર હોય તે જંગલી જાનવરની સંખ્યાની ગણતરી કરે, કેમ કે એ સંખ્યા માણસની સંખ્યા* છે અને એની સંખ્યા ૬૬૬ છે.

ફૂટનોટ

એટલે કે, અજગર.
અથવા, “માથે પહેરાતા રાજવી પટ્ટા.”
અથવા, “ભાષા.”
માથ ૧૩:૩૫ની ફૂટનોટ જુઓ.
અથવા કદાચ, “જો કોઈ તલવારથી માર્યો જવાનો હોય.”
અથવા, “મનુષ્યની સંખ્યા.”