પ્રકટીકરણ ૧૫:૧-૮
૧૫ પછી, મેં નવાઈ પમાડતું બીજું એક અદ્ભુત દૃશ્ય સ્વર્ગમાં જોયું: સાત દૂતો સાત આફતો સાથે હતા. આ આફતો છેલ્લી છે, કેમ કે એના દ્વારા ઈશ્વરના ક્રોધનો અંત આવશે.
૨ અને મેં કાચના સમુદ્ર જેવું કંઈક જોયું, જેમાં અગ્નિ ભળેલો હતો અને જે લોકો જંગલી જાનવર અને એની મૂર્તિ અને એના નામની સંખ્યા પર વિજયી થયા હતા, તેઓ કાચના સમુદ્ર પાસે ઊભા હતા અને તેઓ પાસે ઈશ્વરની વીણા હતી.
૩ તેઓ ઈશ્વરના દાસ મુસાનું ગીત અને ઘેટાનું ગીત ગાતા આમ કહેતા હતા:
“હે સર્વશક્તિમાન યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે. સનાતન યુગોના રાજા, તમારા માર્ગો ખરા અને સત્ય છે.
૪ હે યહોવા,* તમે એકલા જ વફાદાર છો, એટલે કોણ એવું છે જે તમારાથી ડરશે નહિ અને તમારા નામને મહિમા આપશે નહિ? બધી પ્રજાઓ આવશે અને તમારી આગળ ભક્તિ કરશે, કેમ કે તમારો ન્યાય ખરો છે એ જાહેર થયું છે.”
૫ પછી, મેં જોયું તો સ્વર્ગમાં આવેલા મંદિરનો* સાક્ષી આપતો મંડપ ખોલવામાં આવ્યો
૬ અને સાત દૂતો સાત આફતો સાથે મંદિરમાંથી બહાર આવ્યા; તેઓએ ચોખ્ખાં અને ઊજળાં કીમતી કપડાં* પહેર્યાં હતાં અને તેઓની છાતી પર સોનાના પટ્ટા બાંધેલા હતા.
૭ ચાર કરૂબોમાંના એકે સાત દૂતોને સોનાના સાત કટોરા આપ્યા, જે સદા જીવનાર ઈશ્વરના ક્રોધથી ભરપૂર હતા.
૮ ઈશ્વરના ગૌરવ અને તેમની શક્તિને લીધે મંદિર ધુમાડાથી ભરાઈ ગયું અને સાત દૂતોની સાત આફતો પૂરી ન થાય ત્યાં સુધી, મંદિરમાં કોઈ જઈ શક્યું નહિ.
ફૂટનોટ
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.
^ મૂળ અર્થ, “શણનાં કપડાં.”