પ્રકટીકરણ ૧૬:૧-૨૧

  • ઈશ્વરના ક્રોધના સાત કટોરા (૧-૨૧)

    • પૃથ્વી પર (), સમુદ્ર પર (), નદીઓ અને ઝરણાઓ પર (૪-૭), સૂર્ય પર (૮, ૯), જંગલી જાનવરના રાજ્યાસન પર (૧૦, ૧૧), યુફ્રેટિસ પર (૧૨-૧૬) અને હવા પર (૧૭-૨૧) રેડ્યા

    • આર્માગેદનમાં ઈશ્વરની લડાઈ (૧૪, ૧૬)

૧૬  મેં મંદિરમાંથી* એક અવાજ સાત દૂતોને આમ કહેતો સાંભળ્યો: “જાઓ અને ઈશ્વરના ક્રોધના સાત કટોરા પૃથ્વી પર રેડો.” ૨  પહેલો દૂત ગયો અને પોતાનો કટોરો પૃથ્વી પર રેડ્યો. અને જે લોકો પર જંગલી જાનવરની છાપ હતી અને જેઓ તેની મૂર્તિની ઉપાસના કરતા હતા, તેઓને ભયંકર અને ત્રાસદાયક ગૂમડાં થયાં. ૩  બીજા દૂતે પોતાનો કટોરો સમુદ્ર પર રેડ્યો. સમુદ્ર મરણ પામેલા માણસના લોહી જેવો થઈ ગયો અને એમાં રહેનાર દરેક જીવંત પ્રાણી* મરણ પામ્યું. ૪  ત્રીજા દૂતે પોતાનો કટોરો નદીઓ અને પાણીનાં ઝરણાઓ* પર રેડ્યો અને એ લોહી બની ગયાં. ૫  પાણી ઉપર જે દૂત હતો તેને મેં આમ કહેતા સાંભળ્યો: “હે ઈશ્વર, તમે છો અને તમે હતા. તમે વફાદાર અને ન્યાયી છો, કેમ કે તમે આ ન્યાયચુકાદો આપ્યો છે, ૬  કારણ કે તેઓએ પવિત્ર લોકોનું અને પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું છે અને તમે તેઓને લોહી પીવા આપ્યું છે; તેઓ એને જ લાયક છે.” ૭  અને મેં વેદીને આમ કહેતા સાંભળી: “હા, યહોવા,* સર્વશક્તિમાન ઈશ્વર, તમારા ન્યાયચુકાદા ભરોસાપાત્ર અને ન્યાયી છે.” ૮  ચોથા દૂતે પોતાનો કટોરો સૂર્ય પર રેડ્યો અને સૂર્યને છૂટ આપવામાં આવી કે એ લોકોને અગ્‍નિથી દઝાડે. ૯  અને લોકો ભયંકર ગરમીથી દાઝી ગયા, પણ તેઓએ આ આફતો પર જેમને અધિકાર છે, એ ઈશ્વરના નામની નિંદા કરી; અને એ લોકોએ પસ્તાવો કર્યો નહિ, તેમજ ઈશ્વરને મહિમા આપ્યો નહિ. ૧૦  પાંચમા દૂતે પોતાનો કટોરો જંગલી જાનવરના રાજ્યાસન પર રેડ્યો. અને એના રાજ્યમાં અંધારું છવાઈ ગયું અને લોકો દર્દને લીધે પોતાની જીભ કચડવા લાગ્યા, ૧૧  પણ તેઓએ પોતાના દર્દ અને ગૂમડાંને લીધે સ્વર્ગના ઈશ્વરની નિંદા કરી અને તેઓએ પોતાનાં કાર્યો માટે પસ્તાવો કર્યો નહિ. ૧૨  છઠ્ઠા દૂતે પોતાનો કટોરો મહાન નદી યુફ્રેટિસ* પર રેડ્યો અને એના પાણી સુકાઈ ગયા, જેથી પૂર્વથી* આવતા રાજાઓ માટે માર્ગ તૈયાર થાય. ૧૩  અને મેં જોયું કે અજગર, જંગલી જાનવર અને જૂઠા પ્રબોધકને ત્રણ અશુદ્ધ વચનો* કહેવા પ્રેરવામાં આવ્યા. એ વચનો દેડકા જેવા દેખાતાં હતાં. ૧૪  હકીકતમાં, એ વચનો દુષ્ટ દૂતોની પ્રેરણાથી છે અને ચમત્કાર કરે છે; અને તેઓ આખી પૃથ્વીના રાજાઓ પાસે જાય છે અને સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ માટે તેઓને એકઠા કરે છે. ૧૫  પછી, આમ કહેતો અવાજ સંભળાયો: “જુઓ, હું ચોરની જેમ આવું છું. ધન્ય છે તેને જે જાગતો રહે છે અને પોતાનાં કપડાં સાચવી રાખે છે, જેથી તેણે નગ્‍ન ચાલવું ન પડે અને લોકો તેની નગ્‍નતા ન જુએ.” ૧૬  અને હિબ્રૂ ભાષામાં જેને આર્માગેદન* કહેવાય છે, ત્યાં તેઓએ રાજાઓને એકઠા કર્યા. ૧૭  સાતમા દૂતે પોતાનો કટોરો હવા પર રેડ્યો. ત્યારે મંદિરના* રાજ્યાસન પરથી મોટો અવાજ આમ કહેતો સંભળાયો: “એ પૂરું થયું!” ૧૮  અને વીજળીના ચમકારા તથા અવાજો તથા ગર્જનાઓ થઈ અને મોટો ધરતીકંપ થયો; એના જેવો ભયંકર અને મોટો ધરતીકંપ માણસને ઉત્પન્‍ન કરવામાં આવ્યો ત્યારથી થયો ન હતો. ૧૯  મોટા શહેરના ત્રણ ભાગ થઈ ગયા અને દુનિયાનાં શહેરો પડ્યાં; અને ઈશ્વરની આગળ મહાન બાબેલોનને યાદ કરવામાં આવ્યું, જેથી તેને ઈશ્વરના ક્રોધ અને કોપના દ્રાક્ષદારૂનો પ્યાલો આપવામાં આવે. ૨૦  વધુમાં, બધા ટાપુઓ ભાગી ગયા અને પહાડો અદૃશ્ય થઈ ગયા. ૨૧  પછી, સ્વર્ગમાંથી લોકો પર મોટા કરા પડ્યા, દરેક કરાનું વજન આશરે એક તાલંત* હતું; કરાની આફતને લીધે લોકોએ ઈશ્વરની નિંદા કરી, કેમ કે એ આફત અતિશય ભયંકર હતી.

ફૂટનોટ

એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
અથવા, “ઝરાઓ.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ફ્રાત.”
અથવા, “ઉગમણી દિશાથી.”
મૂળ અર્થ, “અશુદ્ધ દૂતો.”
ગ્રીકમાં, હાર-માગેદોન. એ હિબ્રૂ શબ્દ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય, “મગિદ્દોનો પહાડ.”
એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.
એટલે કે, ગ્રીક તાલંત. શબ્દસૂચિ જુઓ.