પ્રકટીકરણ ૧૭:૧-૧૮

  • “મહાન બાબેલોન” પર ન્યાયચુકાદો (૧-૧૮)

    • મહાન વેશ્યા ઘેરા લાલ રંગના જંગલી જાનવર પર બેઠેલી છે (૧-૩)

    • જંગલી જાનવર ‘હતું, હવે નથી, પણ અનંત ઊંડાણમાંથી બહાર આવવાની તૈયારીમાં છે’ ()

    • દસ શિંગડાં ઘેટા સાથે યુદ્ધ કરશે (૧૨-૧૪)

    • દસ શિંગડાં વેશ્યાનો ધિક્કાર કરશે (૧૬, ૧૭)

૧૭  સાત દૂતો જેઓની પાસે સાત કટોરા હતા, તેઓમાંથી એક દૂત આવ્યો અને મને કહ્યું: “આવ, ઘણા પાણી પર બેઠેલી મહાન વેશ્યાને જે સજા થવાની છે, એ હું તને બતાવીશ; ૨  એ વેશ્યા સાથે પૃથ્વીના રાજાઓએ વ્યભિચાર* કર્યો છે અને પૃથ્વીના રહેવાસીઓ તેના વ્યભિચારનો* દ્રાક્ષદારૂ પીને ચકચૂર થયા છે.” ૩  અને દૂત મને પવિત્ર શક્તિની મદદથી વેરાન જગ્યાએ લઈ ગયો. અને મેં એક સ્ત્રીને ઘેરા લાલ રંગના જંગલી જાનવર પર બેઠેલી જોઈ, જે ઈશ્વરનિંદક નામોથી ભરેલું હતું અને જેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. ૪  એ સ્ત્રીએ જાંબુડિયા અને ઘેરા લાલ રંગનાં વસ્ત્ર પહેર્યાં હતાં અને તેણે સોનું, કીમતી રત્નો અને મોતીનો શણગાર કર્યો હતો; અને તેના હાથમાં સોનાનો પ્યાલો હતો, જે ધિક્કારપાત્ર વસ્તુઓથી અને તેના વ્યભિચારની* અશુદ્ધ વસ્તુઓથી ભરપૂર હતો. ૫  તેના કપાળ પર આ એક નામ લખેલું હતું, જે રહસ્ય ભરેલું હતું: “મહાન બાબેલોન, વેશ્યાઓની અને પૃથ્વીની ધિક્કારપાત્ર વસ્તુઓની માતા.” ૬  અને મેં જોયું કે એ સ્ત્રી પવિત્ર લોકોનું લોહી અને ઈસુના સાક્ષીઓનું લોહી પીને ચકચૂર થઈ હતી. હું તેને જોઈને અતિશય આશ્ચર્ય પામ્યો. ૭  તેથી, દૂતે મને કહ્યું: “તું શા માટે આશ્ચર્ય પામે છે? હું તને સ્ત્રીનું અને તે જેના પર બેઠી છે, એ સાત માથાં તથા દસ શિંગડાંવાળા જંગલી જાનવરનું રહસ્ય જણાવીશ: ૮  જે જંગલી જાનવર તેં જોયું, એ અગાઉ હતું, પણ હવે નથી અને હજુ અનંત ઊંડાણમાંથી બહાર આવવાની તૈયારીમાં છે અને એનો નાશ થવાનો છે. દુનિયાનો પાયો નંખાયો ત્યારથી જેઓનાં નામ જીવનના વીંટામાં લખેલાં નથી, એવા પૃથ્વીના રહેવાસીઓ જ્યારે જોશે કે જંગલી જાનવર અગાઉ હતું, પણ હવે નથી અને હજુ આવશે, ત્યારે નવાઈ પામશે. ૯  “આ સમજવા ચતુર મન* જોઈએ: સાત માથાં એટલે સાત પહાડો, જેઓની ટોચ પર એ સ્ત્રી બેઠેલી છે; ૧૦  અને તેઓનો અર્થ સાત રાજાઓ થાય: પાંચ પડ્યા છે, એક છે અને એક હજુ આવ્યો નથી; પણ જ્યારે તે આવશે, ત્યારે તે થોડા સમય માટે જ હશે. ૧૧  અને જંગલી જાનવર જે હતું, પણ નથી, એ આઠમો રાજા પણ છે, પરંતુ એ સાતમા રાજામાંથી આવે છે અને એ નાશમાં જાય છે. ૧૨  “તેં જે દસ શિંગડાં જોયાં એ દસ રાજાઓ છે, જેઓને હજુ રાજ્ય મળ્યું નથી, પણ જંગલી જાનવર સાથે તેઓને ઘડીભર રાજાઓ તરીકે અધિકાર મળવાનો છે. ૧૩  તેઓ એક વિચારના છે અને તેઓ પોતાની શક્તિ અને અધિકાર જંગલી જાનવરને આપે છે. ૧૪  તેઓ ઘેટા સાથે યુદ્ધ કરશે, પણ તે પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા હોવાથી, તેઓ પર જીત મેળવશે. વધુમાં, જેઓ તેમની સાથે છે અને બોલાવેલા, પસંદ કરેલા અને વિશ્વાસુ છે, તેઓ પણ જીત મેળવશે.” ૧૫  દૂતે મને કહ્યું: “વેશ્યાને જે પાણી પર તેં બેઠેલી જોઈ, એ પાણી તો પ્રજાઓ, ટોળાઓ, દેશો અને બોલીઓ* છે. ૧૬  તેં જે દસ શિંગડાં અને જે જંગલી જાનવર જોયું, તેઓ વેશ્યાનો ધિક્કાર કરશે, તેને બરબાદ કરશે, તેને નગ્‍ન કરશે, તેનું માંસ ખાશે તથા તેને અગ્‍નિથી પૂરેપૂરી બાળી નાખશે. ૧૭  કેમ કે ઈશ્વરે પોતાનો હેતુ પૂરો કરવાનો વિચાર તેઓના દિલમાં મૂક્યો છે; તેઓ સર્વ એક વિચારના થાય, એટલે કે ઈશ્વરનાં વચનો પૂરાં ન થાય ત્યાં સુધી, તેઓ જંગલી જાનવરને પોતાનું રાજ્ય આપે. ૧૮  અને તેં જે સ્ત્રીને જોઈ તે તો મહાન શહેર છે, જે પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે.”

ફૂટનોટ

શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “બુદ્ધિશાળી મન.”
અથવા, “ભાષાઓ.”