પ્રકટીકરણ ૨:૧-૨૯
૨ “એફેસસ મંડળના દૂતને લખ: જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે અને સોનાની સાત દીવીઓ વચ્ચે ચાલે છે, તે આ વાતો જણાવે છે:
૨ ‘તારાં કાર્યો અને તારી મહેનત અને તારી સહનશક્તિ હું જાણું છું; તું ખરાબ માણસોને ચલાવી લેતો નથી; જેઓ પોતાને પ્રેરિતો* કહેવડાવે છે પણ હકીકતમાં નથી, તેઓની તું પરીક્ષા કરે છે અને તેઓ તારી આગળ જૂઠા સાબિત થયા છે, એ હું જાણું છું.
૩ તું ધીરજ પણ બતાવે છે અને તેં મારા નામને લીધે સહન કર્યું છે અને તું નિરાશ થઈ ગયો નથી.
૪ તેમ છતાં, તારી વિરુદ્ધ મારે આટલું કહેવું છે કે તારામાં પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી.
૫ “‘તેથી, તું જ્યાંથી પડ્યો છે એ યાદ રાખ અને પસ્તાવો કર અને પહેલાં કર્યાં હતાં એવાં કાર્યો કર. જો તું એમ નહિ કરે, તો હું તારી પાસે આવીશ અને તું પસ્તાવો નહિ કરે તો, તારી દીવી હું એની જગ્યાએથી ખસેડી દઈશ.
૬ જોકે, આ એક બાબત તું સારી કરે છે: તું નીકોલાયતીઓનાં* કાર્યોને ધિક્કારે છે, જે હું પણ ધિક્કારું છું.
૭ પવિત્ર શક્તિ મંડળોને જે કહે છે એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો: જે જીતે છે તેને હું જીવનના વૃક્ષ પરથી ખાવા દઈશ, જે વૃક્ષ ઈશ્વરના બાગમાં* છે.’
૮ “અને સ્મર્ના મંડળના દૂતને લખ: જે ‘પહેલો અને છેલ્લો’ છે, જે મરણ પામ્યો અને ફરી જીવતો થયો તે આ વાતો કહે છે:
૯ ‘હું તારી વિપત્તિ અને ગરીબી જાણું છું, પણ તું ધનવાન છે. અને હું એવા લોકોની નિંદા પણ જાણું છું, જેઓ પોતાને યહુદી કહેવડાવે છે પણ હકીકતમાં નથી. તેઓ તો શેતાનની ટોળીના* છે.
૧૦ તારા પર જે આવી પડવાનું છે એનાથી ગભરાઈશ નહિ. જુઓ! તમારામાંથી અમુકને શેતાન* કેદમાં નાખશે, જેથી તમારી પૂરેપૂરી કસોટી થાય અને તમારા પર દસ દિવસ સંકટો આવશે. તારે મરવું પડે તોપણ, પોતાને વિશ્વાસુ સાબિત કર અને હું તને જીવનનું ઇનામ* આપીશ.
૧૧ પવિત્ર શક્તિ મંડળોને જે કહે છે એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો: જે જીતે છે તેને કદી પણ બીજું મરણ સહેવું પડશે નહિ.’
૧૨ “પેર્ગામમ મંડળના દૂતને લખ: જેની પાસે તીક્ષ્ણ, લાંબી અને બેધારી તલવાર છે, તે આ વાતો કહે છે:
૧૩ ‘હું જાણું છું કે તું જ્યાં રહે છે, ત્યાં શેતાનનું રાજ્યાસન છે અને છતાં તું મારા નામને વળગી રહ્યો છે; શેતાન રહે છે ત્યાં મારા વિશ્વાસુ સાક્ષી અંતિપાસને તારી આગળ મારી નાખવામાં આવ્યો હતો, એ દિવસોમાં પણ તેં મારા પરની શ્રદ્ધાનો નકાર કર્યો નહિ.
૧૪ “‘તેમ છતાં, મારે તારી વિરુદ્ધ આટલું કહેવું છે કે, તારી પાસે એવા લોકો છે, જેઓ બલામના શિક્ષણને વળગી રહે છે; તેણે ઇઝરાયેલના દીકરાઓને લાલચમાં પાડવાનું બાલાકને શીખવ્યું, જેથી તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓ ખાય અને વ્યભિચાર* કરે.
૧૫ એવી જ રીતે, તારી પાસે એવા લોકો પણ છે, જેઓ નીકોલાયતીઓના શિક્ષણને વળગી રહે છે.
૧૬ તેથી, પસ્તાવો કર. જો તું નહિ કરે, તો હું તારી પાસે જલદી જ આવી રહ્યો છું અને મારા મોંની લાંબી તલવારથી હું તેઓની સાથે યુદ્ધ કરીશ.
૧૭ “‘પવિત્ર શક્તિ મંડળોને જે કહે છે એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો: જે જીતે છે તેને હું સંતાડેલા માન્નામાંથી થોડું આપીશ અને હું તેને સફેદ પથ્થર આપીશ અને એ પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે એના મેળવનાર સિવાય બીજું કોઈ જાણતું નથી.’
૧૮ “થુવાતિરા મંડળના દૂતને લખ: ઈશ્વરનો દીકરો જેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે અને જેના પગ ચોખ્ખા તાંબા જેવા છે, તે આ વાતો કહે છે:
૧૯ ‘તારાં કાર્યો, તારો પ્રેમ, તારી શ્રદ્ધા, તારી સેવા અને તારી સહનશક્તિ હું જાણું છું; તારાં હમણાંનાં કાર્યો અગાઉનાં કરતાં વધારે છે.
૨૦ “‘તોપણ, મારે તારી વિરુદ્ધ આટલું છે કે તું એ સ્ત્રી ઇઝેબેલને ચલાવી લે છે, જે પોતાને પ્રબોધિકા ગણાવે છે અને તે મારા સેવકોને વ્યભિચાર* કરવાનું અને મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓ ખાવાનું શીખવે છે અને ગેરમાર્ગે દોરે છે.
૨૧ અને મેં તેને પસ્તાવો કરવાનો સમય આપ્યો, પણ તે પોતાના વ્યભિચારનો* પસ્તાવો કરવા તૈયાર નથી.
૨૨ જો! હું જલદી જ તેને એવી સખત બીમાર કરીશ કે તે પથારીવશ થઈ જશે અને જેઓ તેની સાથે વ્યભિચાર* કરે છે, તેઓ તેનાં કાર્યો માટે પસ્તાવો નહિ કરે તો હું તેઓ પર મોટું સંકટ લાવીશ.
૨૩ અને હું તેનાં બાળકોને જીવલેણ બીમારીથી મારી નાખીશ, એટલે બધાં મંડળો જાણશે કે અંતરના વિચારો* અને હૃદયોને પારખનાર હું જ છું અને દરેકને પોતાનાં કાર્યો પ્રમાણે હું બદલો આપીશ.
૨૪ “‘જોકે, થુવાતિરામાં બાકીના બધા જેઓ ઇઝેબેલના શિક્ષણને પાળતા નથી અને જેઓ “શેતાનની ઊંડી વાતો” વિશે કંઈ જાણતા નથી, તેઓને હું કહું છું: હું તમારી ઉપર વધારાનો કોઈ બોજો નાખતો નથી.
૨૫ ફક્ત એટલું જ કે હું આવું ત્યાં સુધી, તમારી પાસે જે છે એને વળગી રહેજો.
૨૬ જે વ્યક્તિ જીતે છે અને અંત સુધી મારા માર્ગો પ્રમાણે ચાલે છે, તેને હું પ્રજાઓ પર અધિકાર આપીશ;
૨૭ એવો અધિકાર મને મારા પિતા પાસેથી મળ્યો છે અને તે વ્યક્તિ લોકો પર લોઢાના દંડથી રાજ કરશે, જેથી માટીનાં વાસણોની જેમ તેઓના ટુકડેટુકડા થઈ જાય.
૨૮ અને હું તેને સવારનો તારો આપીશ.
૨૯ પવિત્ર શક્તિ મંડળોને જે કહે છે એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.’
ફૂટનોટ
^ શબ્દસૂચિ જુઓ.
^ આ એક ધાર્મિક જૂથ હતું.
^ અથવા, “જીવનના બાગમાં.”
^ મૂળ અર્થ, “સભાસ્થાન.”
^ શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
^ મૂળ અર્થ, “મુગટ.”
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ એટલે કે, લગ્નસાથી સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે જાતીય સંબંધ.
^ અથવા, “ઊંડી લાગણીઓ.” મૂળ અર્થ, “કિડની.”