પ્રકટીકરણ ૨૧:૧-૨૭

  • નવા આકાશ અને નવી પૃથ્વી (૧-૮)

    • મરણ હશે જ નહિ ()

    • બધું નવું બનાવવામાં આવ્યું ()

  • નવા યરૂશાલેમનું વર્ણન (૯-૨૭)

૨૧  પછી, મેં નવા આકાશ અને નવી પૃથ્વી જોયા; કેમ કે પહેલાંનું આકાશ અને પહેલાંની પૃથ્વી જતા રહ્યા છે અને સમુદ્ર હવે રહ્યો નથી. ૨  ઉપરાંત, મેં સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી પવિત્ર શહેર, નવું યરૂશાલેમ ઊતરતું જોયું અને કન્યાએ પોતાના પતિ માટે શણગાર કર્યો હોય, એમ એ શહેર તૈયાર થયેલું હતું. ૩  ત્યારે મેં રાજ્યાસનમાંથી મોટો અવાજ આમ કહેતો સાંભળ્યો: “જુઓ! ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે અને તે તેઓની સાથે રહેશે, તેઓ તેમના લોકો થશે અને ઈશ્વર પોતે તેઓ સાથે હશે. ૪  અને તે તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ. પહેલાંના જેવું હવે રહ્યું નથી.” ૫  અને રાજ્યાસન પર જે બેઠા હતા, તેમણે કહ્યું: “જુઓ! હું બધું નવું બનાવું છું.” વધુમાં, તે કહે છે: “તું આ લખી લે, કેમ કે આ શબ્દો વિશ્વાસયોગ્ય* તથા સત્ય છે.” ૬  તેમણે મને આમ પણ કહ્યું: “આ શબ્દો પૂરા થઈ ચૂક્યા છે! હું આલ્ફા અને ઓમેગા* છું, શરૂઆત અને અંત છું. જે કોઈ તરસ્યો છે, તેને હું જીવનના પાણીના ઝરણામાંથી* મફત* આપીશ. ૭  જે કોઈ જીત મેળવશે, તેને આ બધાનો વારસો મળશે અને હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો દીકરો થશે. ૮  પણ બીકણો, શ્રદ્ધા વગરનાઓ, નીચ કામ કરનારા અશુદ્ધ લોકો, ખૂનીઓ, વ્યભિચારીઓ,* મેલીવિદ્યા કરનારાઓ, મૂર્તિપૂજકો તથા જૂઠું બોલનારા સર્વ લોકોને અગ્‍નિ અને ગંધકથી બળતા સરોવરમાં નાખવામાં આવશે. એ જ બીજું મરણ છે.” ૯  જે સાત દૂતો પાસે છેલ્લી સાત આફતોથી ભરપૂર સાત કટોરા હતા, તેઓમાંના એકે આવીને મને કહ્યું: “આવ, અને હું તને કન્યા, ઘેટાની પત્ની બતાવીશ.” ૧૦  તે પવિત્ર શક્તિની દોરવણીથી મને મોટા અને ઊંચા પહાડ પર લઈ ગયો અને તેણે મને ઈશ્વર પાસેથી, સ્વર્ગમાંથી ઊતરી આવતું પવિત્ર શહેર યરૂશાલેમ બતાવ્યું, ૧૧  જેના પર ઈશ્વરનું ગૌરવ હતું. તેની ચમક સૌથી કીમતી રત્ન જેવી હતી, જાણે ઝગમગતો યાસપિસનો રત્ન! ૧૨  તેની દીવાલો મોટી અને ઊંચી હતી; તેને ૧૨ દરવાજા હતા, જ્યાં ૧૨ દૂતો ઊભા હતા અને દરવાજાઓ પર ઇઝરાયેલના દીકરાઓના ૧૨ કુળોનાં નામ કોતરેલાં હતાં. ૧૩  પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા અને પશ્ચિમમાં ત્રણ દરવાજા હતા. ૧૪  શહેરની દીવાલમાં પાયાના ૧૨ પથ્થરો પણ હતા અને એ પથ્થરો પર ઘેટાના ૧૨ પ્રેરિતોનાં નામ હતાં. ૧૫  હવે, જે મારી સાથે વાત કરતો હતો, તેણે શહેર, તેના દરવાજા અને દીવાલ માપવા માટે સોનાની લાકડી પકડેલી હતી. ૧૬  અને શહેરનો આકાર ચોરસ હતો અને તેની પહોળાઈ જેટલી જ તેની લંબાઈ હતી. અને તેણે શહેરને લાકડીથી માપ્યું, એ આશરે ૨,૨૨૦ કિલોમીટર* હતું; તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એકસરખી હતી. ૧૭  તેણે તેની દીવાલ પણ માપી, માણસના માપ તેમજ દૂતના માપ પ્રમાણે એ ૧૪૪ હાથભર* હતી. ૧૮  હવે, દીવાલ યાસપિસની બનેલી હતી અને શહેર પારદર્શક કાચના જેવું, શુદ્ધ સોનાનું હતું. ૧૯  શહેરનો પાયો દરેક જાતના કીમતી રત્નોથી શણગારેલો હતો: પાયાનો પહેલો પથ્થર યાસપિસ, બીજો નીલમ, ત્રીજો પાનું, ચોથો લીલમ, ૨૦  પાંચમો ગોમેદ, છઠ્ઠો લાલ રત્ન, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ અને બારમો યાકૂત. ૨૧  વળી, ૧૨ દરવાજા ૧૨ મોતી હતા; દરેક દરવાજો એક મોતીનો બનેલો હતો. અને શહેરના મુખ્ય રસ્તા પારદર્શક કાચ જેવા ચોખ્ખા સોનાના હતા. ૨૨  મેં તેમાં મંદિર જોયું નહિ, કેમ કે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા* અને ઘેટું એ જ તેનું મંદિર છે. ૨૩  શહેરને પ્રકાશ માટે સૂર્ય કે ચંદ્રની જરૂર નથી, કેમ કે ઈશ્વરનું ગૌરવ તેમાં અજવાળું ફેલાવે છે અને એ શહેરનો દીવો ઘેટું છે. ૨૪  અને પ્રજાઓ તેના પ્રકાશમાં ચાલશે અને પૃથ્વીના રાજાઓ તેમાં પોતાનું ગૌરવ લાવશે. ૨૫  તેના દરવાજા આખો દિવસ બંધ કરવામાં આવશે નહિ અને ત્યાં રાત હશે જ નહિ. ૨૬  પ્રજાઓનું ગૌરવ અને માન તેનામાં લાવવામાં આવશે. ૨૭  પણ, જે કંઈ ભ્રષ્ટ થયેલું હોય અને જે કોઈએ ધિક્કારપાત્ર અને કપટી કામો કર્યાં હોય, એમાંનું કોઈ તેમાં પ્રવેશી શકશે નહિ; ફક્ત તેઓ જ પ્રવેશી શકશે, જેઓનાં નામ જીવનના વીંટામાં છે, જે વીંટો ઘેટાનો છે.

ફૂટનોટ

અથવા, “ભરોસાપાત્ર.”
પ્રક ૧:૮ની ફૂટનોટ જુઓ.
અથવા, “ઝરામાંથી.”
અથવા, “વિનામૂલ્ય.”
શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.
આશરે ૧,૩૭૯ માઈલ. મૂળ અર્થ, “૧૨,૦૦૦ સ્ટેડિયા.” એક સ્ટેડિયમ ૧૮૫ મી. (૬૦૬.૯૫ ફૂટ) જેટલું થાય.
આશરે ૬૪ મી. (૨૧૦ ફૂટ).
શબ્દસૂચિ જુઓ.