પ્રકટીકરણ ૨૨:૧-૨૧

  • જીવનના પાણીની નદી (૧-૫)

  • સમાપ્તિ (૬-૨૧)

    • ‘આવ! જીવનનું પાણી મફત લે’ (૧૭)

    • “પ્રભુ ઈસુ આવો” (૨૦)

૨૨  અને દૂતે મને જીવનના પાણીની નદી બતાવી, જે સ્ફટિક જેવી શુદ્ધ હતી તથા ઈશ્વરના અને ઘેટાના રાજ્યાસનમાંથી વહેતી હતી; ૨  એ નદી નીચેની તરફ શહેરના મુખ્ય રસ્તાની વચ્ચેથી વહેતી હતી. નદીના બંને કિનારે જીવનનાં વૃક્ષો હતાં, જે ૧૨ વખત, એટલે કે દર મહિને એક વખત ફળ આપતાં હતાં અને વૃક્ષોનાં પાંદડાં પ્રજાઓને સાજી કરવા માટે હતાં. ૩  એ શહેરને ઈશ્વર કોઈ શાપ આપશે નહિ. પરંતુ, ઈશ્વરનું અને ઘેટાનું રાજ્યાસન એ શહેરમાં હશે અને ઈશ્વરના દાસો તેમની પવિત્ર સેવા કરશે; ૪  અને તેઓ તેમનું મુખ જોશે અને તેમનું નામ તેઓના કપાળ પર લખેલું હશે. ૫  તેમ જ, હવેથી રાત થશે નહિ અને તેઓને દીવા કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ, કેમ કે યહોવા* ઈશ્વર તેઓ પર પ્રકાશ પાથરશે અને તેઓ સદાને માટે રાજાઓ તરીકે રાજ કરશે. ૬  દૂતે મને કહ્યું: “આ શબ્દો વિશ્વાસયોગ્ય* અને સત્ય છે; હા, પ્રબોધકોને પ્રેરનાર યહોવા* ઈશ્વરે પોતાના દૂતને મોકલ્યો છે, જેથી નજીકમાં જે ચોક્કસ બનવાનું છે એ પોતાના ચાકરોને બતાવી શકે. ૭  ‘જુઓ! હું જલદી જ આવું છું.’ આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો જે પાળે છે, તેને ધન્ય છે.” ૮  હું યોહાન આ બાબતો જોનાર અને સાંભળનાર છું. જ્યારે મેં એ બધું જોયું અને સાંભળ્યું, ત્યારે જે દૂત મને એ બતાવી રહ્યો હતો, તેની ભક્તિ કરવા તેના પગ આગળ હું ઘૂંટણે પડ્યો. ૯  પરંતુ, તેણે મને કહ્યું: “જોજે! એમ ન કરતો! હું તો ફક્ત તારો અને તારા ભાઈઓ, જેઓ પ્રબોધકો છે અને જેઓ આ વીંટાના શબ્દો પાળે છે, તેઓનો સાથી દાસ છું. ઈશ્વરની ભક્તિ કર.” ૧૦  તેણે મને એમ પણ કહ્યું: “આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો પર મહોર ન માર, કેમ કે નક્કી કરેલો સમય પાસે છે. ૧૧  જે ખોટું કરે છે, તેને ખોટું કરતા રહેવા દો અને જે ગંદાં કામો કરે છે, તેને ગંદાં કામો કરતા રહેવા દો; પણ જે નેક છે, તે નેક કામો કરતો રહે અને જે પવિત્ર છે, તે પવિત્ર કામો કરતો રહે. ૧૨  “‘જુઓ! હું જલદી જ આવું છું અને દરેકને તેનાં કાર્યો પ્રમાણે જે બદલો આપું છું, એ મારી પાસે છે. ૧૩  હું આલ્ફા અને ઓમેગા* છું, પહેલો અને છેલ્લો, શરૂઆત અને અંત. ૧૪  જેઓએ પોતાના ઝભ્ભા ધોયા છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓને જીવનનાં વૃક્ષો પરથી ફળ ખાવાનો અધિકાર મળશે અને એ શહેરના દરવાજાઓમાં થઈને એમાં અંદર જશે. ૧૫  કૂતરાઓ,* મેલીવિદ્યા કરનારાઓ, વ્યભિચારીઓ,* ખૂનીઓ, મૂર્તિપૂજકો અને અસત્ય ચાહે છે તથા એ પ્રમાણે વર્તે છે, એવી દરેક વ્યક્તિ શહેરની બહાર છે.’ ૧૬  “‘મેં ઈસુએ, આ વાતોની સાક્ષી આપવા તારી પાસે દૂતને મોકલ્યો, જેથી મંડળોને લાભ થાય. હું દાઊદના કુટુંબનો અને એનો વંશજ છું અને સવારનો ચમકતો તારો છું.’” ૧૭  અને પવિત્ર શક્તિ અને કન્યા કહેતા રહે છે, “આવ!” અને જે કોઈ સાંભળે તે કહે, “આવ!” અને જે કોઈ તરસ્યો છે તે આવે; જે કોઈ ચાહે તે જીવનનું પાણી મફત લે. ૧૮  “આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો સાંભળનાર દરેકને હું સાક્ષી આપું છું: જો કોઈ આ વાતોમાં ઉમેરો કરે, તો ઈશ્વર તેના પર આ વીંટામાં લખેલી આફતો લાવશે; ૧૯  અને જો કોઈ આ ભવિષ્યવાણીના વીંટાના શબ્દોમાંથી કંઈ પણ કાઢી નાખે, તો એ વીંટામાં જે કંઈ લખેલું છે એમાંથી ઈશ્વર તેનો ભાગ કાઢી નાખશે, એટલે કે તે તેને જીવનનાં વૃક્ષો પરથી ફળ ખાવા દેશે નહિ અને પવિત્ર શહેરમાં પ્રવેશવા દેશે નહિ. ૨૦  “આ વાતો વિશે જે સાક્ષી આપે છે તે કહે છે, ‘હા, હું જલદી જ આવું છું.’” “આમેન! પ્રભુ ઈસુ આવો.” ૨૧  પ્રભુ ઈસુની અપાર કૃપા પવિત્ર જનો પર રહો.

ફૂટનોટ

શબ્દસૂચિ જુઓ.
અથવા, “ભરોસાપાત્ર.”
શબ્દસૂચિ જુઓ.
પ્રક ૧:૮ની ફૂટનોટ જુઓ.
એટલે કે, ઈશ્વરની નજરમાં જેઓનાં કાર્યો ધિક્કારપાત્ર છે તેઓ.
શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.