પ્રકટીકરણ ૩:૧-૨૨

  • સાર્દિસને (૧-૬), ફિલાદેલ્ફિયાને (૭-૧૩), લાવદિકિયાને (૧૪-૨૨) સંદેશો

 “સાર્દિસ મંડળના દૂતને લખ: જેની પાસે ઈશ્વરની સાત પવિત્ર શક્તિઓ અને સાત તારા છે, તે આ વાતો કહે છે: ‘તારાં કાર્યો હું જાણું છું; તું નામ પૂરતો જીવે છે, પણ તું મરેલો છે. ૨  સાવધ થા અને જે મરવાની તૈયારીમાં છે તેને મજબૂત કર, કેમ કે મારા ઈશ્વર આગળ તારાં કામ પૂરાં કરેલાં* મને દેખાયાં નથી. ૩  એટલે, તને જે મળ્યું અને તેં જે સાંભળ્યું, એના પર ધ્યાન આપતો રહે* અને એ પ્રમાણે કરતો રહે અને પસ્તાવો કર. જો તું જાગતો નહિ હોય, તો હું ચોરની જેમ ચોક્કસ આવીશ અને હું કઈ ઘડીએ આવી પહોંચીશ એની તને જરાય ખબર નહિ પડે. ૪  “‘જોકે, સાર્દિસમાં તારી વચ્ચે એવા અમુક લોકો* છે, જેઓએ પોતાનાં કપડાં અશુદ્ધ કર્યાં નથી અને તેઓ મારી સાથે સફેદ કપડાંમાં ચાલશે, કારણ કે તેઓ લાયક છે. ૫  જે જીતે છે તેને આવાં સફેદ કપડાં પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી હું તેનું નામ કદી પણ ભૂંસી નાખીશ* નહિ, પણ મારા પિતા આગળ અને તેમના દૂતો આગળ હું તેનું નામ કબૂલ કરીશ. ૬  પવિત્ર શક્તિ મંડળોને જે કહે છે, એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.’ ૭  “ફિલાદેલ્ફિયા મંડળના દૂતને લખ: જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઊદની ચાવી છે, જે ખોલે છે એને કોઈ બંધ કરી નથી શકતું તથા જે બંધ કરે છે એને કોઈ ખોલી નથી શકતું, તે આ વાતો જણાવે છે: ૮  ‘હું તારાં કાર્યો જાણું છું. જો! મેં તારી આગળ બારણું ખુલ્લું મૂક્યું છે, જે કોઈ બંધ કરી શકશે નહિ. અને હું જાણું છું કે તારી પાસે થોડી જ તાકાત છે અને તેં મારી વાત માની છે અને તું મારા નામને વિશ્વાસુ સાબિત થયો છે. ૯  જો! શેતાનની ટોળીના* જેઓ પોતાને યહુદી ગણાવે છે અને હકીકતમાં તેઓ યહુદી નથી પણ જૂઠું બોલે છે, તેઓને હું તારી પાસે લાવીશ અને તારા પગ આગળ નમન કરાવીશ અને તેઓને જણાવીશ કે હું તને પ્રેમ કરું છું. ૧૦  મારી ધીરજ વિશે તેં જે સાંભળ્યું છે, એ તેં પાળ્યું* હોવાથી, હું પણ તને કસોટીના સમયે સંભાળી રાખીશ, જે આખી પૃથ્વી પર આવી પડવાની છે, જેથી પૃથ્વી પર રહેનારા બધાની કસોટી થાય. ૧૧  હું જલદી જ આવું છું. તારી પાસે જે છે એને મક્કમપણે વળગી રહેજે, જેથી તારું ઇનામ* કોઈ લઈ ન લે. ૧૨  “‘જે જીતે છે, તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ અને તે કદી પણ ત્યાંથી બહાર જશે નહિ. હું તેના ઉપર મારા ઈશ્વરનું નામ અને મારા ઈશ્વરનું શહેર, એટલે નવું યરૂશાલેમ, જે સ્વર્ગમાંથી મારા ઈશ્વર પાસેથી ઊતરે છે એનું નામ અને મારું પોતાનું નવું નામ લખીશ. ૧૩  પવિત્ર શક્તિ મંડળોને જે કહે છે એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.’ ૧૪  “લાવદિકિયા મંડળના દૂતને લખ: જે આમેન, વિશ્વાસુ અને ખરો સાક્ષી છે, જે ઈશ્વરે રચેલી સૃષ્ટિની શરૂઆત છે, તે આ વાતો કહે છે: ૧૫  ‘હું તારાં કામ જાણું છું, તું નથી ઠંડો કે નથી ગરમ. તું ઠંડો કે ગરમ હોત તો કેવું સારું! ૧૬  પણ, તું હૂંફાળો છે અને ઠંડો નથી કે ગરમ નથી, એટલે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. ૧૭  તું કહે છે, “હું ધનવાન છું અને મેં સંપત્તિ ભેગી કરી છે અને મને કશાની જરૂર નથી,” પણ તને ખ્યાલ નથી કે તું દુઃખી, લાચાર, ગરીબ, આંધળો અને નગ્‍ન છે. ૧૮  તેથી, હું તને સલાહ આપું છું કે અગ્‍નિમાં શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી ખરીદ, જેથી તું ધનવાન થાય; અને સફેદ કપડાં ખરીદ, જેથી તું એ પહેરે અને તારી નગ્‍નતા ખુલ્લી ન પડે અને તારે શરમાવું ન પડે; તારી આંખોમાં લગાવવા અંજન ખરીદ, જેથી તું જોઈ શકે. ૧૯  “‘જે સર્વને હું પ્રેમ કરું છું તેઓને હું ઠપકો આપું છું અને શિક્ષા* કરું છું. તેથી, ઉત્સાહી થા અને પસ્તાવો કર. ૨૦  જો! હું દરવાજા પાસે ઊભો રહીને ખખડાવું છું. જે કોઈ મારો અવાજ સાંભળે છે અને દરવાજો ખોલે છે તેના ઘરમાં હું અંદર જઈશ અને હું તેની સાથે અને તે મારી સાથે સાંજનું ભોજન ખાશે. ૨૧  જે જીતે છે તેને હું મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ, જેમ હું જીત્યો છું અને મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બેઠો છું. ૨૨  પવિત્ર શક્તિ મંડળોને જે કહે છે એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.’”

ફૂટનોટ

અથવા, “સંપૂર્ણ થયેલાં.”
અથવા, “યાદ રાખજે.”
મૂળ અર્થ, “અમુક નામ.”
અથવા, “કાઢી નાખીશ.”
મૂળ અર્થ, “સભાસ્થાન.”
અથવા કદાચ, “મારી ધીરજના દાખલા પ્રમાણે ચાલ્યો.”
મૂળ અર્થ, “મુગટ.”
૧કો ૧૧:૩૨ની ફૂટનોટ જુઓ.