પ્રકટીકરણ ૪:૧-૧૧

  • સ્વર્ગમાં યહોવાની હાજરીનું દર્શન (૧-૧૧)

    • પોતાના રાજ્યાસન પર બેઠેલા યહોવા ()

    • રાજ્યાસનો પર ૨૪ વડીલો ()

    • ચાર કરૂબો ()

 એ પછી મેં જોયું તો જુઓ! સ્વર્ગમાં એક દરવાજો ખુલ્લો હતો. મારી સાથે વાત કરતો પહેલો અવાજ મેં સાંભળ્યો. એ રણશિંગડા જેવો હતો, જેણે કહ્યું: “અહીં ઉપર આવ અને જે બનાવો બનવાના છે એ હું તને બતાવીશ.” ૨  ત્યાર બાદ, તરત જ ઈશ્વરની શક્તિ મારા પર આવી અને જુઓ! સ્વર્ગમાં એક રાજ્યાસન હતું અને રાજ્યાસન પર કોઈ બેઠેલા હતા. ૩  અને એના પર જે બેઠા હતા, તેમનો દેખાવ યાસપિસ પથ્થર અને ઘેરા લાલ પથ્થર* જેવો હતો; અને રાજ્યાસનની ચારે બાજુ મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો. ૪  રાજ્યાસનની ચારે બાજુ ૨૪ રાજ્યાસનો હતાં અને એ રાજ્યાસનો પર સફેદ કપડાં પહેરેલા ૨૪ વડીલો બેઠેલા મેં જોયા અને તેઓના માથા પર સોનાના મુગટ હતા. ૫  રાજ્યાસનમાંથી વીજળીઓ, અવાજો અને ગર્જના નીકળતા હતા; રાજ્યાસન આગળ અગ્‍નિના સાત મોટા દીવા સળગતા હતા, જે ઈશ્વરની સાત પવિત્ર શક્તિઓ છે. ૬  રાજ્યાસન આગળ સ્ફટિકના જેવો, જાણે કાચનો પારદર્શક સમુદ્ર હતો. રાજ્યાસનની બાજુમાં* અને એની આસપાસ ચાર કરૂબો* હતા, જેઓ આગળ-પાછળ આંખોથી ભરપૂર હતા. ૭  પહેલો કરૂબ સિંહ જેવો હતો અને બીજો કરૂબ વાછરડા જેવો હતો અને ત્રીજા કરૂબનો ચહેરો માણસ જેવો હતો અને ચોથો કરૂબ ઊડતા ગરુડ જેવો હતો. ૮  એ ચાર કરૂબોમાંના દરેકને છ પાંખો હતી, જે આગળ-પાછળ અને બધે જ આંખોથી ભરપૂર હતી. અને દિવસ તથા રાત તેઓ સતત કહેતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,* જે હતા અને જે છે અને જે આવનાર છે.” ૯  જે રાજ્યાસન પર બેઠા છે અને જે હંમેશને માટે જીવે છે, તેમને જ્યારે જ્યારે કરૂબો મહિમા, માન અને આભારસ્તુતિ આપતા, ૧૦  ત્યારે ત્યારે રાજ્યાસન પર જે બેઠા છે તેમની આગળ ૨૪ વડીલો ઘૂંટણે પડતા અને જે હંમેશને માટે જીવે છે તેમની ભક્તિ કરતા અને રાજ્યાસન આગળ મુગટ ઉતારી દઈને કહેતા: ૧૧  “હે યહોવા* અમારા ઈશ્વર, મહિમા, માન અને અધિકાર મેળવવાને તમે જ યોગ્ય છો, કેમ કે તમે બધી વસ્તુઓ ઉત્પન્‍ન કરી અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવી અને ઉત્પન્‍ન થઈ.”

ફૂટનોટ

અથવા, “લાલ રંગના કીમતી પથ્થર.”
અથવા, “રાજ્યાસન નજીક.”
દૂતોમાં કરૂબો ઊંચું સ્થાન ધરાવે છે.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.