પ્રકટીકરણ ૬:૧-૧૭
૬ અને ઘેટાએ સાત મહોરમાંથી એક ખોલી ત્યારે, મેં જોયું અને ચાર કરૂબોમાંના એકને ગર્જના જેવા અવાજમાં કહેતો સાંભળ્યો: “આવ!”
૨ અને મેં જોયું તો જુઓ! એક સફેદ ઘોડો હતો અને એના પર જે બેઠો હતો તેની પાસે ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો અને તે જીતતો અને જીત પૂરી કરવા નીકળી પડ્યો.
૩ તેણે બીજી મહોર ખોલી ત્યારે, મેં બીજા કરૂબને આમ કહેતો સાંભળ્યો: “આવ!”
૪ બીજો એક ઘોડો બહાર આવ્યો, જે લાલચોળ હતો અને તેના પર જે બેઠો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની પરવાનગી આપવામાં આવી, જેથી લોકો એકબીજાની કતલ કરે; અને તેને મોટી તલવાર આપવામાં આવી હતી.
૫ તેણે ત્રીજી મહોર ખોલી ત્યારે, મેં ત્રીજા કરૂબને આમ કહેતો સાંભળ્યો: “આવ!” અને મેં જોયું, અને જુઓ! એક કાળો ઘોડો હતો અને એના પર જે બેઠો હતો તેના હાથમાં ત્રાજવું હતું.
૬ ચાર કરૂબોની વચ્ચેથી આવતો હોય એવો એક અવાજ મેં સાંભળ્યો: “એક દીનારના* એક કિલો ઘઉં અને એક દીનારના ત્રણ કિલો જવ; જૈતૂન તેલ અને દ્રાક્ષદારૂનો બગાડ કરશો નહિ.”
૭ તેણે ચોથી મહોર ખોલી ત્યારે, મેં ચોથા કરૂબને આમ કહેતો સાંભળ્યો: “આવ!”
૮ મેં જોયું અને જુઓ! એક ફિક્કા રંગનો ઘોડો હતો અને એના પર જે બેઠો હતો તેનું નામ મરણ હતું. અને તેની પાછળ પાછળ કબર* આવતી હતી. અને પૃથ્વીના ચોથા ભાગને લાંબી તલવારથી, દુકાળથી, જીવલેણ બીમારીથી અને જંગલી જાનવરોથી મારવાની તેઓને સત્તા આપવામાં આવી.
૯ તેણે પાંચમી મહોર ખોલી ત્યારે મેં વેદી નીચે એ લોકોનું લોહી* જોયું, જેઓને ઈશ્વરના સંદેશાને લીધે અને તેઓએ જે સાક્ષી આપી હતી, એના લીધે મારી નાખવામાં આવ્યા હતા.
૧૦ મોટા અવાજે તેઓએ પોકાર કર્યો: “હે વિશ્વના માલિક, પવિત્ર અને સાચા ઈશ્વર, ક્યાં સુધી તમે ન્યાય નહિ કરો અને પૃથ્વી પર રહેનારા પાસેથી અમારા લોહીનો બદલો નહિ લો?”
૧૧ અને તેઓ દરેકને સફેદ ઝભ્ભો આપવામાં આવ્યો; જ્યાં સુધી તેઓના સાથી ચાકરો અને તેઓના ભાઈઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી તેઓને રાહ જોવાનું કહેવામાં આવ્યું, જેઓને તેઓની જેમ મારી નાખવામાં આવવાના હતા.
૧૨ અને તેણે છઠ્ઠી મહોર ખોલી ત્યારે, મેં જોયું અને મોટો ધરતીકંપ થયો; અને સૂર્ય, વાળથી* બનેલા તાટ જેવો કાળો થઈ ગયો અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો;
૧૩ અને જેમ ભારે પવનથી અંજીરનું ઝાડ હલે અને કાચાં અંજીર નીચે પડે, એમ આકાશમાંથી તારાઓ પૃથ્વી ઉપર પડ્યા.
૧૪ અને જેમ વીંટો વાળવામાં આવે, તેમ આકાશ વીંટાયું અને અદૃશ્ય થઈ ગયું અને દરેક પહાડ તથા દરેક ટાપુ એની જગ્યાએથી ખસી ગયા.
૧૫ પછી, પૃથ્વીના રાજાઓ, મોટા અધિકારીઓ, સેનાપતિઓ, ધનવાનો, સત્તાધીશો, દરેક ગુલામ અને દરેક આઝાદ વ્યક્તિ ગુફાઓ અને પહાડોના ખડકમાં સંતાઈ ગયા.
૧૬ અને તેઓ પહાડો અને ખડકોને કહેવા લાગ્યા: “અમારા પર પડો અને રાજ્યાસન પર જે બેઠા છે તેમની નજરથી અને ઘેટાના ક્રોધથી બચાવવા અમને સંતાડી દો,
૧૭ કેમ કે તેઓના ક્રોધનો મહાન દિવસ આવ્યો છે અને એનાથી કોણ બચી શકે?”
ફૂટનોટ
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “હાડેસ.” શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
^ કદાચ બકરાના વાળ.