પ્રકટીકરણ ૭:૧-૧૭
૭ એ પછી મેં જોયું કે ચાર દૂતો પૃથ્વીના ચાર ખૂણે ઊભા હતા અને તેઓએ પૃથ્વીના ચાર પવનને બરાબર પકડી રાખ્યા હતા, જેથી પૃથ્વી પર કે સમુદ્ર પર કે કોઈ ઝાડ પર પવન ન વાય.
૨ અને બીજા એક દૂતને મેં પૂર્વ દિશાથી* ઉપર આવતો જોયો, જેની પાસે જીવતા ઈશ્વરની મહોર હતી; અને જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને નુકસાન પહોંચાડવાની રજા આપવામાં આવી હતી, તેઓને તેણે મોટા અવાજે બૂમ પાડીને કહ્યું:
૩ “આપણા ઈશ્વરના સેવકોના કપાળ પર અમે મહોર ન કરીએ ત્યાં સુધી, પૃથ્વી કે સમુદ્ર કે ઝાડને નુકસાન પહોંચાડશો નહિ.”
૪ અને જેઓ પર મહોર કરવામાં આવી તેઓની સંખ્યા મેં સાંભળી, એ ૧,૪૪,૦૦૦ હતી; ઇઝરાયેલના દીકરાઓનાં દરેક કુળમાંથી તેઓ પર મહોર કરવામાં આવી હતી:
૫ યહુદાના કુળમાંથી ૧૨,૦૦૦ ઉપર મહોર કરવામાં આવી;રૂબેનના કુળમાંથી ૧૨,૦૦૦;ગાદના કુળમાંથી ૧૨,૦૦૦;
૬ આશેરના કુળમાંથી ૧૨,૦૦૦;નફતાલીના કુળમાંથી ૧૨,૦૦૦;મનાશ્શાના કુળમાંથી ૧૨,૦૦૦;
૭ શિમયોનના કુળમાંથી ૧૨,૦૦૦;લેવીના કુળમાંથી ૧૨,૦૦૦;ઇસ્સાખારના કુળમાંથી ૧૨,૦૦૦;
૮ ઝબુલોનના કુળમાંથી ૧૨,૦૦૦;યુસફના કુળમાંથી ૧૨,૦૦૦;બિન્યામીનના કુળમાંથી ૧૨,૦૦૦ ઉપર મહોર કરવામાં આવી;
૯ એ પછી મેં જોયું તો જુઓ! દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી* કોઈ માણસ ગણી ન શકે, એટલું મોટું ટોળું રાજ્યાસન અને ઘેટા સામે ઊભું હતું; તેઓએ સફેદ ઝભ્ભા પહેર્યા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.
૧૦ અને તેઓ મોટા અવાજે પોકારતા હતા: “રાજ્યાસન પર બેઠેલા આપણા ઈશ્વર અને ઘેટા તરફથી ઉદ્ધાર મળે છે.”
૧૧ રાજ્યાસન અને વડીલો અને ચાર કરૂબોની આસપાસ બધા દૂતો ઊભા હતા અને તેઓએ રાજ્યાસન આગળ ઘૂંટણે પડીને માથું નમાવીને ઈશ્વરની ભક્તિ કરી
૧૨ અને કહ્યું: “આમેન! આપણા ઈશ્વરને સ્તુતિ, મહિમા, ડહાપણ, આભાર, માન, શક્તિ, સામર્થ્ય હંમેશાં ને હંમેશાં હો. આમેન.”
૧૩ ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું: “જેઓએ સફેદ ઝભ્ભા પહેર્યા છે, તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે?”
૧૪ તરત જ મેં તેમને કહ્યું: “મારા પ્રભુ, તમે એ જાણો છો.” અને તેમણે મને કહ્યું: “તેઓ મહાન વિપત્તિમાંથી નીકળી આવેલા લોકો છે અને તેઓએ પોતાના ઝભ્ભા ઘેટાના લોહીમાં ધોઈને સફેદ કર્યા છે.
૧૫ એટલે જ તેઓ ઈશ્વરના રાજ્યાસન આગળ છે અને તેમના મંદિરમાં તેઓ રાત-દિવસ તેમની પવિત્ર સેવા કરે છે; અને રાજ્યાસન પર જે બેઠા છે, તે તેઓનું રક્ષણ કરશે.*
૧૬ તેઓને કદી ભૂખ લાગશે નહિ કે તરસ લાગશે નહિ, તેઓ પર સૂર્યનો તાપ કે બાળી નાખતી કોઈ ગરમી પડશે નહિ,
૧૭ કારણ કે જે ઘેટું રાજ્યાસનની વચ્ચે* છે, તે તેઓની સંભાળ રાખશે અને જીવનનાં પાણીનાં ઝરણાઓ* સુધી તેઓને દોરી જશે. અને ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.”
ફૂટનોટ
^ અથવા, “ઉગમણી દિશાથી.”
^ અથવા, “ભાષામાંથી.”
^ અથવા, “તેઓ પર પોતાનો તંબુ ફેલાવશે.”
^ અથવા, “મધ્યમાં.”
^ અથવા, “ઝરાઓ.”