ફિલિપીઓ ૧:૧-૩૦

  • સલામ (૧, ૨)

  • ઈશ્વરનો આભાર; પાઊલની પ્રાર્થના (૩-૧૧)

  • મુશ્કેલીઓ છતાં ખુશખબર ફેલાવવામાં આવી (૧૨-૨૦)

  • જીવું તો ખ્રિસ્ત માટે, મરું તો મારા લાભ માટે (૨૧-૨૬)

  • ખુશખબરને યોગ્ય હોય એવું વર્તન રાખો (૨૭-૩૦)

 અમે ખ્રિસ્તના* દાસો પાઊલ અને તિમોથી, ફિલિપીમાં રહેતા સર્વ પવિત્ર જનો, જેઓ ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે તેઓને અને દેખરેખ રાખનારાઓને* અને સહાયક સેવકોને લખીએ છીએ: ૨  ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા અને શાંતિ મળે. ૩  જ્યારે હું તમને યાદ કરું છું ત્યારે હંમેશાં ઈશ્વરનો આભાર માનું છું; ૪  તમારા બધા માટે કરેલી દરેક વિનંતીમાં હું તેમનો આભાર માનું છું. દરેક વિનંતી હું ખુશીથી કરું છું, ૫  કેમ કે તમે જે દિવસથી ખુશખબર સ્વીકારી ત્યારથી આજ સુધી ખુશખબર ફેલાવવામાં મદદ કરી છે.* ૬  આ વિશે મને પૂરી ખાતરી છે કે જેમણે તમારામાં સારું કામ શરૂ કર્યું તે ઈશ્વર, ખ્રિસ્ત ઈસુનો દિવસ આવે ત્યાં સુધીમાં એને પૂરું પણ કરશે. ૭  તમારા બધા વિશે હું એમ વિચારું એ વાજબી છે, કેમ કે તમે મારા દિલમાં વસેલા છો; મારી કેદમાં અને ખુશખબરનું રક્ષણ કરવામાં અને એનો પ્રચાર કરવા કાયદેસર હક મેળવવામાં તમે ભાગીદાર છો. તેમ જ, તમે મારી સાથે અપાર કૃપાના પણ ભાગીદાર છો. ૮  ઈશ્વર મારા સાક્ષી છે કે હું તમને મળવાની કેટલી ઝંખના રાખું છું, કેમ કે હું તમને ખ્રિસ્ત ઈસુ જેવો પ્રેમ કરું છું. ૯  હું પ્રાર્થના કરતો રહું છું કે સાચા જ્ઞાનથી અને પૂરી સમજણથી તમારો પ્રેમ હજુ વધતો ને વધતો જાય; ૧૦  આમ, જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી શકો, જેથી ખ્રિસ્તનો દિવસ આવે ત્યાં સુધી તમે નિર્દોષ થાઓ અને બીજાઓને ઠોકર ન ખવડાવો; ૧૧  અને ઈશ્વરના ગૌરવ તથા સ્તુતિ માટે ઈસુ ખ્રિસ્તની મદદથી તમે વધારે ને વધારે નેક કામો* કરો. ૧૨  હવે ભાઈઓ, તમે આ જાણો એવું હું ચાહું છું: ખરું જોતાં, મારી હાલત ખુશખબર ફેલાવવા સહાયરૂપ થઈ છે. ૧૩  કેમ કે હું ખ્રિસ્તને લીધે બંધનમાં હોવાથી, સમ્રાટના* અંગરક્ષકો* અને બીજા બધામાં એ વાત જાહેર થઈ છે. ૧૪  મારા બંધનને લીધે પ્રભુની સેવા કરતા મોટા ભાગના ભાઈઓનો ભરોસો વધ્યો છે અને તેઓ હજુ વધારે હિંમતથી ઈશ્વરનો સંદેશો ગભરાયા વગર જણાવે છે. ૧૫  ખરું કે, અમુક લોકો અદેખાઈને લીધે ખ્રિસ્ત વિશે પ્રચાર કરે છે, પણ બીજાઓ સારા ઇરાદાથી કરે છે. ૧૬  સારો ઇરાદો રાખનારાઓ પ્રેમને લીધે ખ્રિસ્તને જાહેર કરે છે, કેમ કે તેઓ જાણે છે કે ખુશખબરનું રક્ષણ કરવા મને પસંદ કરવામાં આવ્યો છે; ૧૭  અદેખાઈ રાખનારાઓ સારા ઇરાદાથી નહિ, પણ દેખાદેખીને લીધે પ્રચાર કરે છે, કેમ કે તેઓ ચાહે છે કે બંધનોમાં મને વધારે તકલીફો પડે. ૧૮  તો શું થયું? ભલે ઢોંગથી હોય કે સચ્ચાઈથી, દરેક રીતે ખ્રિસ્તને જાહેર કરવામાં આવે છે અને એ માટે હું આનંદ કરું છું. સાચે જ, હું આનંદ કરતો રહીશ, ૧૯  કેમ કે હું જાણું છું કે તમારી વિનંતીઓ અને ઈસુ ખ્રિસ્તથી મળેલી પવિત્ર શક્તિ દ્વારા મારો ઉદ્ધાર થશે. ૨૦  એ હું આતુરતાથી જે અપેક્ષા અને આશા રાખું છું એના સુમેળમાં છે કે મારે કોઈ પણ રીતે શરમાવું ન પડે. પણ, અચકાયા વગર બોલવાને કારણે હંમેશાંની જેમ હમણાં પણ ખ્રિસ્ત મારા* દ્વારા મહિમાવંત થાય, ભલે પછી હું જીવું કે મરું. ૨૧  મારા કિસ્સામાં, જો હું જીવું તો ખ્રિસ્ત માટે અને જો મરું તો મારા લાભ માટે. ૨૨  હવે, જો હું મનુષ્ય તરીકે જીવું તો એ મારા કાર્યનું ફળ છે, છતાં હું જણાવતો નથી કે હું શું પસંદ કરીશ. ૨૩  આ બે પસંદગી વચ્ચે મારા મનમાં ખેંચતાણ ચાલે છે, કેમ કે હું ચાહું છું કે મારો છુટકારો થાય અને હું ખ્રિસ્ત સાથે રહું, જે ખરેખર વધારે સારું છે. ૨૪  જોકે, તમારા માટે હું મનુષ્ય તરીકે જીવું એ વધારે જરૂરી છે. ૨૫  એટલે, એ વિશે ખાતરી હોવાથી હું જાણું છું કે હું જીવતો રહીશ અને તમારા બધા સાથે હોઈશ, જેથી તમારી પ્રગતિ થાય અને શ્રદ્ધામાં તમારો આનંદ વધે. ૨૬  આમ, હું ફરીથી તમારી સાથે હોઉં ત્યારે મારા લીધે ખ્રિસ્ત ઈસુમાં તમારા આનંદનો કોઈ પાર ન રહે. ૨૭  ખ્રિસ્ત ઈસુ વિશેની ખુશખબરને યોગ્ય હોય એવું જ વર્તન રાખો.* પછી, ભલે હું આવીને તમને જોઉં કે હું ન પણ આવું, તોપણ હું તમારા વિશે સાંભળું અને જાણું કે તમે એક મનના થઈને દૃઢ ઊભા છો, સંપમાં છો અને ખુશખબરમાં શ્રદ્ધા ટકાવી રાખવા ખભેખભા મિલાવીને મહેનત કરો છો; ૨૮  અને તમે કોઈ પણ રીતે તમારા વિરોધીઓથી ડરતા નથી. એ સર્વ તેઓના વિનાશની સાબિતી છે, પણ તમારા માટે ઉદ્ધારની; અને એ ઈશ્વર તરફથી છે. ૨૯  કેમ કે તમને ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકવાનો જ નહિ, પણ તેમની સાથે સહન કરવાનો પણ લહાવો આપવામાં આવ્યો છે. ૩૦  તમે પણ એ જ લડાઈ લડો છો, જે તમે મને લડતા જોયો છે અને હમણાં તમે સાંભળો છો કે હું હજુ લડું છું.

ફૂટનોટ

શબ્દસૂચિ જુઓ.
અથવા, “વડીલોને.”
અથવા, “આગળ વધારવામાં તમે સહકાર આપ્યો છે.”
મૂળ અર્થ, “નેકીનું ફળ.”
મૂળ અર્થ, “કાઈસાર.”
શબ્દસૂચિ જુઓ.
ગ્રીકમાં, “મારું શરીર.”
અથવા, “નાગરિકોની જેમ જીવો.”