ફિલિપીઓ ૨:૧-૩૦
૨ તો પછી, જો ખ્રિસ્તમાં કોઈ ઉત્તેજન હોય, પ્રેમથી કોઈ દિલાસો હોય, એકબીજા માટે કોઈ લાગણી હોય,* કોઈ કરુણા અને દયા હોય,
૨ તો મારો આનંદ ભરપૂર કરવા એક મનના થાઓ, એકસરખો પ્રેમ બતાવો, પૂરી રીતે એકતામાં રહો* અને એક વિચારના થાઓ.
૩ અદેખાઈ કે અભિમાનને લીધે કંઈ ન કરો, પણ નમ્રતાથી* બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.
૪ તમે ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જુઓ.
૫ તમે પણ ખ્રિસ્ત ઈસુ જેવો સ્વભાવ રાખો;
૬ તે ઈશ્વર જેવા હતા, છતાં તેમણે સત્તા છીનવી લેવાનો, એટલે કે ઈશ્વર સમાન થવાનો વિચાર ન કર્યો.
૭ ના, પણ તેમણે પોતાની પાસે જે કંઈ હતું, એનો ત્યાગ કર્યો અને દાસ જેવા થયા અને મનુષ્ય બન્યા.*
૮ એટલું જ નહિ, જ્યારે તે મનુષ્ય તરીકે આવ્યા,* ત્યારે તેમણે પોતાને નમ્ર કર્યા અને છેક મરણ સુધી, હા, વધસ્તંભ* પરના મરણ સુધી આધીન થયા.
૯ એ જ કારણે, ઈશ્વરે તેમને વધારે ઊંચી પદવી આપી અને પ્રેમથી દરેક નામ કરતાં ઉત્તમ નામ આપ્યું.
૧૦ એ માટે, સ્વર્ગમાંના અને પૃથ્વી પરના અને જમીન નીચેના દરેક, ઈસુના નામે ઘૂંટણે પડે
૧૧ અને દરેક જીભ જાહેરમાં કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, જેથી ઈશ્વર આપણા પિતાને મહિમા મળે.
૧૨ તેથી, મારા વહાલા ભાઈઓ, જેમ તમે હંમેશાં આધીન રહ્યા છો તેમ ફક્ત મારી હાજરીમાં જ નહિ, ખાસ કરીને મારી ગેરહાજરીમાં પણ આધીન રહો. તમારા પોતાના ઉદ્ધાર માટે ડર અને કંપારી સાથે મહેનત કરતા રહો.
૧૩ કેમ કે ઈશ્વર તમને શક્તિ આપીને ખુશ થાય છે, જેનાથી તમને તેમનું કામ કરવાની ઇચ્છા જ નહિ, એ પૂરું કરવાનું બળ પણ મળે છે.
૧૪ બધાં કામ કચકચ અને દલીલ કર્યા વગર કરો,
૧૫ જેથી તમે શુદ્ધ અને નિર્દોષ થાઓ. દુષ્ટ અને આડી પેઢી વચ્ચે ઈશ્વરનાં બાળકો તરીકે તમે કલંક વગરના સાબિત થાઓ. દુનિયામાં જ્યોતિઓની જેમ તેઓ વચ્ચે પ્રકાશો
૧૬ અને જીવનના વચન પર મજબૂત પકડ રાખો. એમ કરશો તો, મને ખ્રિસ્તના દિવસે એ જાણીને આનંદ કરવાનું કારણ મળશે કે, હું નકામું દોડ્યો નથી અથવા મારી મહેનત નકામી ગઈ નથી.
૧૭ જોકે, તમે શ્રદ્ધાને લીધે કરો છો એ બલિદાન પર અને પવિત્ર સેવા* પર હું દ્રાક્ષદારૂના અર્પણની જેમ રેડાઈ જાઉં, તોપણ હું ખુશ છું અને તમારા બધા સાથે આનંદ કરું છું.
૧૮ એવી જ રીતે, તમે પણ ખુશ થાઓ અને મારી સાથે આનંદ કરો.
૧૯ હવે, હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે તિમોથીને તમારી પાસે જલદી જ મોકલું, જેથી તમારા વિશે સમાચાર સાંભળીને મને ઉત્તેજન મળે.
૨૦ કેમ કે એના જેવો સ્વભાવ હોય એવું મારી પાસે કોઈ નથી. તે તમારી દિલથી સંભાળ રાખશે.
૨૧ કેમ કે બીજા બધા તો ઈસુ ખ્રિસ્તના કામનો નહિ, પણ પોતાના જ ફાયદાનો વિચાર કરે છે.
૨૨ પરંતુ, તમે જાણો છો કે જેમ દીકરો પિતાની સાથે મળીને મહેનત કરે, તેમ તેણે મારી સાથે ખુશખબર ફેલાવવા મહેનત કરીને પોતાને લાયક સાબિત કર્યો છે.
૨૩ તેથી, મારું શું થવાનું છે એ જાણ્યા પછી, હું તરત તેને જ તમારી પાસે મોકલી દેવાની આશા રાખું છું.
૨૪ સાચે જ, પ્રભુમાં મને ભરોસો છે કે હું પોતે પણ જલદી આવીશ.
૨૫ પરંતુ, હમણાં તો મને જરૂરી લાગે છે કે હું એપાફ્રદિતસને તમારી પાસે મોકલું. તે મારો ભાઈ, સાથી કામદાર અને સાથી સૈનિક છે તથા તમે મોકલેલો સંદેશવાહક અને મદદરૂપ થવા મારો સેવક છે.
૨૬ હવે, તે તમને બધાને જોવા ઘણો આતુર છે. તે બીમાર થયો હતો એ તમે સાંભળ્યું હોવાથી તે નિરાશામાં ડૂબી ગયો છે.
૨૭ ખરેખર, તે એટલો બીમાર થયો હતો કે મરવાની અણી પર હતો; પરંતુ, તેના પર ઈશ્વરે દયા કરી, ફક્ત તેના પર નહિ, મારા પર પણ દયા કરી, જેથી મને એક પછી એક શોક ન થાય.
૨૮ એટલે, હું તેને એકદમ ઉતાવળે મોકલું છું, જેથી તેને જુઓ ત્યારે તમે ફરીથી આનંદ કરો અને મારી ચિંતા પણ ઓછી થાય.
૨૯ એ માટે, પ્રભુના શિષ્યોનું કરો છો એવું તેનું પણ ખુશીથી સ્વાગત કરજો અને તેના જેવા ભાઈઓને વહાલા ગણતા રહેજો,
૩૦ કેમ કે તે ખ્રિસ્તના કાર્ય માટે* લગભગ મરવાની અણી પર આવી ગયો હતો. તમે અહીં ન હોવાથી મારી સેવા કરવા માટે તેણે પોતાનું જીવન જોખમમાં મૂક્યું હતું.*
ફૂટનોટ
^ મૂળ અર્થ, “પવિત્ર શક્તિની ભાગીદારી.”
^ અથવા, “એક જીવના થાઓ.”
^ અથવા, “નમ્ર ભાવથી.”
^ મૂળ અર્થ, “માણસ તરીકે આવ્યા.”
^ મૂળ અર્થ, “જ્યારે તે માણસના દેખાવમાં આવ્યા.”
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “જનસેવા.”
^ અથવા કદાચ, “પ્રભુના કાર્ય માટે.”
^ અથવા, “પોતાને મોતના મોંમાં મૂક્યો.”