ફિલિપીઓ ૩:૧-૨૧

  • શરીર પર ભરોસો રાખવો નહિ (૧-૧૧)

    • ખ્રિસ્તને લીધે બધું નુકસાનકારક ગણ્યું (૭-૯)

  • ધ્યેય પૂરો કરવા મંડ્યા રહેવું (૧૨-૨૧)

    • સ્વર્ગની નાગરિકતા (૨૦)

 છેવટે, મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરતા રહો. તમને એકની એક વાત લખતા મને કંટાળો આવતો નથી અને એ તમારા રક્ષણ માટે છે. ૨  કૂતરાઓથી* સાવધ રહો; નુકસાન પહોંચાડે છે તેઓથી સાવધ રહો; સુન્‍નતનો* આગ્રહ કરનારાઓથી સાવધ રહો. ૩  કેમ કે આપણી સુન્‍નત* તો સાચી છે, આપણે ઈશ્વરની શક્તિથી પવિત્ર સેવા કરીએ છીએ, ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરીએ છીએ અને આપણે શરીર પર ભરોસો રાખતા નથી. ૪  તોપણ, શરીર પર ભરોસો રાખવાનું જો કોઈની પાસે કારણ હોય, તો મારી પાસે છે. જો કોઈ માણસ વિચારે કે તેની પાસે શરીર પર ભરોસો રાખવાનું કારણ છે, તો મારી પાસે વધારે કારણો છે: ૫  આઠમા દિવસે સુન્‍નત થયેલો, ઇઝરાયેલ પ્રજાનો, બિન્યામીન કુળનો, હિબ્રૂ માબાપથી જન્મેલો હિબ્રૂ, નિયમશાસ્ત્ર* પ્રમાણે ફરોશી, ૬  મંડળની સતાવણી કરવામાં ઝનૂની; નિયમશાસ્ત્ર પ્રમાણે જે ખરું છે, એ કરવામાં કોઈ વાંક કાઢી ન શકે એવો હું હતો. ૭  તોપણ, જે વસ્તુઓ મને ફાયદાકારક હતી, એને મેં ખ્રિસ્તને લીધે નુકસાનકારક ગણી છે.* ૮  વધુમાં, મારા પ્રભુ ખ્રિસ્ત ઈસુના અમૂલ્ય જ્ઞાનને લીધે બધી વસ્તુઓને હું નકામી જ ગણું છું. તેમના માટે મેં બધી વસ્તુઓ ફેંકી દીધી છે અને એ બધાને હું કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને મેળવું ૯  અને તેમની સાથે એકતામાં આવું; નિયમશાસ્ત્ર પાળવાને લીધે હું નેક ઠરું એવું નહિ, પણ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકવાથી હું નેક ઠરું, ઈશ્વરની નજરે શ્રદ્ધાથી નેક ઠરું. ૧૦  મારો ધ્યેય ખ્રિસ્તને ઓળખવાનો અને મરણમાંથી તેમને જીવતા કરનારની શક્તિને ઓળખવાનો, તેમની જેમ દુઃખો સહેવાનો અને તેમની જેમ મરણને આધીન થવાનો છે, ૧૧  જેથી શક્ય હોય તો જેઓને મરણમાંથી પ્રથમ જીવતા કરવામાં આવે, તેઓમાં હું હોઉં. ૧૨  એવું નથી કે મને ઇનામ મળી ચૂક્યું છે કે હું સંપૂર્ણ થઈ ગયો છું, પણ ખ્રિસ્ત ઈસુએ જેના માટે મને પસંદ કર્યો છે* એ મેળવી લેવા હું મંડ્યો રહું છું. ૧૩  ભાઈઓ, મેં એ મેળવી લીધું છે, એવું હું માનતો નથી; પણ, એક વાત તો ચોક્કસ છે: પાછળ છોડી દીધેલી વાતોને ભૂલીને આગળની વાતો તરફ હું દોડી રહ્યો છું, ૧૪  હું ઇનામનો ધ્યેય પૂરો કરવા મંડ્યો રહું છું, જે ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર તરફથી સ્વર્ગનું આમંત્રણ છે. ૧૫  એટલે, આપણામાં જેઓ સમજુ છે, તેઓ એવું વલણ કેળવે; અને જો તમે કોઈ પણ રીતે જુદું વલણ રાખતા હો, તો ઈશ્વર તમને ખરું વલણ આપશે. ૧૬  અને આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે બરાબર રીતે ચાલતા રહીએ. ૧૭  ભાઈઓ, સંપ રાખીને મારા પગલે ચાલો અને અમે તમારા માટે બેસાડેલા દાખલા પ્રમાણે જેઓ ચાલે છે, તેઓ પર તમે ધ્યાન આપો. ૧૮  એવા ઘણા છે જેઓ વિશે હું વારંવાર જણાવતો હતો, પણ હવે હું તેઓ વિશે રડતાં રડતાં જણાવું છું, કેમ કે તેઓ જાણે ખ્રિસ્તના વધસ્તંભના દુશ્મનો હોય એમ જીવે છે. ૧૯  વિનાશ તેઓનો અંત તથા પેટ તેઓનો પરમેશ્વર છે અને જેમાં શરમ આવવી જોઈએ એમાં તેઓ ગૌરવ લે છે અને સંસારી વાતો પર તેઓના મન લાગેલા છે. ૨૦  પણ, આપણી નાગરિકતા તો સ્વર્ગની છે અને ત્યાંથી ઉદ્ધાર કરનાર, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે, એની આપણે કાગડોળે રાહ જોઈએ છીએ; ૨૧  તે પોતાની મહાન શક્તિથી આપણા કમજોર શરીરને તેમના જેવું ભવ્ય શરીર બનાવશે; એ શક્તિથી તે બધી વસ્તુઓ પોતાને આધીન કરે છે.

ફૂટનોટ

અથવા, “અશુદ્ધ લોકોથી.”
અથવા, “શરીરની કાપકૂપ કરવાનો.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા કદાચ, “રાજીખુશીથી ત્યાગ કર્યો છે.”
મૂળ અર્થ, “મને પકડી રાખ્યો છે.”