ફિલિપીઓ ૪:૧-૨૩

  • એકતા, આનંદ, યોગ્ય વિચારો (૧-૯)

    • કંઈ ચિંતા ન કરો (૬, ૭)

  • ફિલિપીઓએ મોકલેલી ભેટોની કદર (૧૦-૨૦)

  • છેલ્લી સલામ (૨૧-૨૩)

 એટલે મારા ભાઈઓ, હું તમને બહુ પ્રેમ કરું છું અને મળવાને ઝંખું છું; મારા વહાલાઓ, તમે મારો આનંદ અને મુગટ છો, પ્રભુમાં આવી જ રીતે દૃઢ ઊભા રહેજો. ૨  યુવદિયાને હું વિનંતી કરું છું અને સુન્તુખેને પણ હું વિનંતી કરું છું કે તેઓ પ્રભુમાં એક મનની થાય. ૩  હા, સાચા સાથીદાર* તરીકે તને પણ હું વિનંતી કરું છું કે એ બહેનોને મદદ આપતો રહેજે, જેઓએ ખુશખબર માટે મારી સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું છે;* તેમ જ, તેઓએ ક્લેમેન્ત અને મારા બીજા સાથીદારો સાથે મળીને મને મદદ કરી છે, જે બધાનાં નામ જીવનના પુસ્તકમાં છે. ૪  પ્રભુમાં હંમેશાં આનંદ કરો. ફરી હું કહીશ, આનંદ કરો! ૫  તમે વાજબી* છો, એની બધાને જાણ થવા દો. પ્રભુ આપણી નજીક છે. ૬  કંઈ ચિંતા ન કરો, પણ બધી બાબતમાં પ્રાર્થના અને વિનંતી સાથે આભાર માનતા, તમારી અરજો ઈશ્વરને જણાવો; ૭  અને ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારા હૃદયો અને મનોનું* રક્ષણ કરશે. ૮  છેવટે ભાઈઓ, જે કંઈ સાચું, જે કંઈ મહત્ત્વનું, જે કંઈ નેક, જે કંઈ પવિત્ર,* જે કંઈ પ્રેમ જગાડે, જે કંઈ માનપાત્ર, જે કંઈ સદાચાર અને જે કંઈ પ્રશંસાપાત્ર હોય, એ બધા વિશે વિચારતા રહો.* ૯  મારી પાસેથી જે વાતો તમે શીખ્યા અને સ્વીકારી અને સાંભળી અને જોઈ, એ કરતા રહેજો અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે. ૧૦  હવે, તમે ફરી મારી ચિંતા કરવા લાગ્યા છો, એટલે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું. ખરું કે તમે મારી ચિંતા તો કરતા હતા, પણ એ બતાવવાની તમને તક મળી ન હતી. ૧૧  મને કશાની કમી હોવાથી આમ કહું છું એવું નથી, કેમ કે હું કોઈ પણ સંજોગોમાં સંતોષી રહેવાનું શીખ્યો છું. ૧૨  અછત હોય ત્યારે અને પુષ્કળ હોય ત્યારે, કઈ રીતે જીવવું એ હું જાણું છું. દરેક બાબતમાં અને બધા સંજોગોમાં કઈ રીતે ભરપૂર થવું અને કઈ રીતે ભૂખ વેઠવી, એ બંનેનું રહસ્ય હું શીખ્યો છું; કઈ રીતે પુષ્કળતામાં રહેવું અને કઈ રીતે તંગીમાં રહેવું, એ બંને હું શીખ્યો છું. ૧૩  કેમ કે જે મને બળ આપે છે, તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે. ૧૪  જોકે, મારાં સંકટોમાં તમે મારા ભાગીદાર થયા છો, એ ઘણું સારું કર્યું. ૧૫  ફિલિપીના ભાઈઓ, તમે એ પણ જાણો છો કે તમે ખુશખબર સાંભળી એ પછી, હું મકદોનિયાથી નીકળ્યો ત્યારે, તમારા સિવાય કોઈ પણ મંડળ મારી સાથે આપવા-લેવામાં ભાગીદાર થયું નહિ; ૧૬  હું થેસ્સાલોનિકામાં હતો ત્યારે પણ, તમે મારી જરૂરિયાતો પૂરી કરવા એક વાર નહિ, બે વાર મદદ મોકલી હતી. ૧૭  એવું નથી કે હું કોઈ ભેટની આશા રાખું છું, પણ હું ચાહું છું કે તમારા ખાતામાં વધારે સારાં કાર્યો જમા થાય. ૧૮  મને જોઈએ એ બધું જ મારી પાસે છે અને એથી પણ વધારે છે. એપાફ્રદિતસ સાથે તમે જે મોકલ્યું, એ ઈશ્વરને માટે સુગંધી, માન્ય અને ખુશ કરે એવું બલિદાન હતું, જે મેળવીને હું ભરપૂર થયો છું. ૧૯  એના બદલામાં, મારા ઈશ્વર આશીર્વાદોની મહિમાવંત સંપત્તિથી તમારી સર્વ જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુ દ્વારા પૂરી કરશે. ૨૦  આપણા ઈશ્વર અને પિતાને હંમેશાં ને હંમેશાં ગૌરવ મળતું રહે. આમેન. ૨૧  ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે એવા દરેક પવિત્ર જનને મારી સલામ કહેજો. મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને સલામ મોકલે છે. ૨૨  બધા પવિત્ર જનો અને ખાસ કરીને સમ્રાટના કુટુંબના તમને સલામ મોકલે છે. ૨૩  તમે જે વલણ બતાવો છો, એના પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા રહે.

ફૂટનોટ

મૂળ અર્થ, “ખરો જોડીદાર.”
અથવા, “જેઓએ સખત મહેનત કરી છે.”
અથવા, “સમજદાર.”
અથવા, “તમારા વિચારોનું.”
અથવા, “શુદ્ધ.”
અથવા, “મનન કરતા રહો.”