માથ્થી ૧૧:૧-૩૦
૧૧ ઈસુ પોતાના ૧૨ શિષ્યોને માર્ગદર્શન આપી રહ્યા પછી, બીજાં શહેરોમાં શીખવવા અને પ્રચાર કરવા ગયા.
૨ યોહાને ખ્રિસ્તનાં કામો વિશે કેદખાનામાં સાંભળીને પોતાના શિષ્યોને મોકલ્યા
૩ અને તેમને પૂછાવ્યું: “જે આવનાર છે તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?”
૪ જવાબમાં ઈસુએ તેઓને કહ્યું, “જાઓ અને તમે જે જુઓ છો તથા સાંભળો છો, એ વિશે યોહાનને જણાવો:
૫ આંધળા હવે જુએ છે અને લંગડા ચાલે છે, રક્તપિત્તિયાને શુદ્ધ કરવામાં આવે છે અને બહેરા સાંભળે છે, મરણ પામેલા પાછા ઉઠાડાય છે અને ગરીબોને ખુશખબર જણાવાય છે.
૬ જેઓએ મારા લીધે ઠોકર ખાધી નથી, તેઓ સુખી છે.”
૭ તેઓ ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે, ઈસુ ટોળાંને યોહાન વિશે કહેવા લાગ્યા: “તમે ઉજ્જડ પ્રદેશમાં શું જોવા ગયા હતા? પવનથી ડોલતા બરુને?*
૮ તો પછી, તમે શું જોવા ગયા હતા? શું રેશમી કપડાં* પહેરેલા માણસને? જેઓ રેશમી કપડાં પહેરે છે, તેઓ તો રાજાઓના મહેલોમાં છે.
૯ તો તમે શા માટે ગયા હતા? શું પ્રબોધકને જોવા? હા, હું તમને કહું છું કે પ્રબોધકથી પણ મહાન છે તેને.
૧૦ આ એ જ છે, જેના વિશે લખવામાં આવ્યું છે: ‘જો, હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારી આગળ તારો રસ્તો તૈયાર કરશે!’
૧૧ હું તમને સાચે જ કહું છું કે સ્ત્રીઓથી જન્મેલા બધામાં યોહાન બાપ્તિસ્મા આપનારથી મહાન બીજું કોઈ થયું નથી; પણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે તેના કરતાં મહાન છે.
૧૨ યોહાન બાપ્તિસ્મા આપનારના દિવસોથી તે આજ સુધી, લોકો જે ધ્યેય સુધી પહોંચવા સખત પ્રયત્ન કરે છે એ સ્વર્ગનું રાજ્ય છે; જેઓ સખત પ્રયત્ન કરતા રહે છે તેઓ એ મેળવે છે.*
૧૩ કારણ કે પ્રબોધકો અને નિયમશાસ્ત્ર, એ બધાએ યોહાન સુધી ભવિષ્યવાણી કરી હતી;
૧૪ તમે માનો કે ન માનો, પણ આ એ જ ‘એલિયા છે જે આવનાર છે.’
૧૫ હું જે કહું છું એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.
૧૬ “આ પેઢીને હું કોની સાથે સરખાવું? એ તો બજારમાં બેઠેલાં બાળકો જેવી છે, જેઓ પોતાના સાથીઓને બૂમ પાડીને
૧૭ કહે છે: ‘અમે તમારા માટે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો પણ તમે છાતી કૂટી નહિ.’
૧૮ એ જ રીતે, યોહાન ખાતો-પીતો આવ્યો નથી, તોપણ લોકો કહે છે: ‘તેને દુષ્ટ દૂત વળગ્યો છે.’
૧૯ માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તોપણ લોકો કહે છે: ‘જુઓ! ખાઉધરો અને દારૂડિયો માણસ, કર ઉઘરાવનારાઓ અને પાપીઓનો મિત્ર!’ ખરેખર, ડહાપણ પોતાનાં કાર્યોથી* ખરું સાબિત થાય છે.”*
૨૦ પછી, ઈસુએ જ્યાં મોટા ભાગનાં શક્તિશાળી કાર્યો કર્યાં હતાં એ શહેરોને તે સખત ઠપકો આપવા લાગ્યા, કેમ કે તેઓએ પસ્તાવો કર્યો ન હતો:
૨૧ “ઓ ખોરાઝીન, તને હાય હાય! ઓ બેથસૈદા, તને હાય હાય! કેમ કે તમારામાં થયેલાં શક્તિશાળી કાર્યો તૂર અને સિદોનમાં* થયાં હોત તો, તેઓએ ઘણા સમય પહેલાં તાટ ઓઢીને અને રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત.
૨૨ પરંતુ, હું તમને કહું છું કે ન્યાયના દિવસે તમારા કરતાં તૂર અને સિદોનની દશા વધારે સારી હશે.
૨૩ ઓ કાપરનાહુમ, શું તું એમ માને છે કે તને આકાશ સુધી ઊંચું કરાશે? તું તો નીચે કબરમાં* જશે, કેમ કે તારામાં થયેલાં શક્તિશાળી કાર્યો જો સદોમમાં થયાં હોત, તો એ આજ સુધી રહ્યું હોત.
૨૪ પણ, હું તમને કહું છું: ન્યાયના દિવસે સદોમ દેશની દશા તમારા કરતાં વધારે સારી હશે.”
૨૫ એ પછી ઈસુએ કહ્યું: “હે પિતા, સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુ, હું બધા આગળ તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે આ વાતો શાણા અને જ્ઞાની લોકોથી સંતાડી રાખી છે અને નાનાં બાળકો જેવાં નમ્ર લોકોને પ્રગટ કરી છે.
૨૬ હા પિતા, કેમ કે એમ કરવું તમને પસંદ પડ્યું છે.
૨૭ મારા પિતાએ મને સર્વ બાબતો સોંપી છે અને પિતા સિવાય બીજું કોઈ દીકરાને પૂરી રીતે જાણતું નથી; પિતાને પણ દીકરા સિવાય અને દીકરો જેને પ્રગટ કરવા ચાહે છે તેના સિવાય, બીજું કોઈ પૂરી રીતે જાણતું નથી.
૨૮ ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજથી દબાયેલાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ.
૨૯ મારી ઝૂંસરી* તમારા પર લો ને મારી પાસેથી શીખો, કેમ કે હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું અને તમને* વિસામો મળશે.
૩૦ કેમ કે મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી અને મારો બોજો હલકો છે.”
ફૂટનોટ
^ શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “મુલાયમ કપડાં.”
^ મૂળ અર્થ, “પકડે છે.”
^ અથવા, “પોતાનાં પરિણામોથી.”
^ અથવા, “વાજબી પુરવાર થાય છે.”
^ આ યહુદી શહેરો ન હતાં.
^ અથવા, “હાડેસ.” શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિ જુઓ.
^ શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.