માથ્થી ૧૨:૧-૫૦

  • “સાબ્બાથના પ્રભુ,” ઈસુ (૧-૮)

  • સુકાઈ ગયેલા હાથવાળો સાજો કરાયો (૯-૧૪)

  • ઈશ્વરનો વહાલો સેવક (૧૫-૨૧)

  • પવિત્ર શક્તિથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા (૨૨-૩૦)

  • માફ ન થનારું પાપ (૩૧, ૩૨)

  • ઝાડ એના ફળથી ઓળખાય છે (૩૩-૩૭)

  • યૂનાની નિશાની (૩૮-૪૨)

  • જ્યારે ખરાબ દૂત પાછો ફરે છે (૪૩-૪૫)

  • ઈસુના મા અને ભાઈઓ (૪૬-૫૦)

૧૨  એ સમયે ઈસુ સાબ્બાથના દિવસે* અનાજનાં ખેતરોમાં થઈને પસાર થતા હતા. તેમના શિષ્યો ભૂખ્યા થયા અને અનાજનાં કણસલાં તોડીને ખાવા લાગ્યા. ૨  એ જોઈને ફરોશીઓએ ઈસુને કહ્યું: “જો! તારા શિષ્યો સાબ્બાથના દિવસે એવું કામ કરી રહ્યા છે, જે નિયમ પ્રમાણે કરવું ન જોઈએ.” ૩  તેમણે તેઓને કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે દાઊદ અને તેમના માણસો ભૂખ્યા હતા ત્યારે તેમણે શું કર્યું? ૪  તે ઈશ્વરના ઘરમાં ગયા અને અર્પણ કરેલી રોટલી તેઓએ ખાધી. નિયમ પ્રમાણે તેમને કે તેમના માણસોને એ રોટલી ખાવાની મનાઈ હતી, ફક્ત યાજકો જ એ ખાઈ શકતા હતા. ૫  અથવા શું તમે નિયમશાસ્ત્રમાં નથી વાંચ્યું કે સાબ્બાથના દિવસે યાજકો મંદિરમાં કામ કરે છે, તોપણ તેઓ નિર્દોષ રહે છે? ૬  પણ, હું તમને કહું છું કે અહીં મંદિર કરતાં મહાન કોઈક છે. ૭  ‘હું દયા ઇચ્છું છું, બલિદાન નહિ,’ આનો અર્થ તમે સમજ્યા હોત તો, નિર્દોષ લોકોને દોષિત ઠરાવ્યા ન હોત. ૮  કેમ કે માણસનો દીકરો સાબ્બાથના દિવસનો પ્રભુ છે.” ૯  એ જગ્યાએથી નીકળ્યા પછી તે તેઓના સભાસ્થાનમાં ગયા, ૧૦  અને જુઓ! ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયો હતો.* ઈસુ પર આરોપ મૂકવા કંઈ મળી રહે એ માટે તેઓએ પૂછ્યું, “શું સાબ્બાથના દિવસે સાજા કરવું નિયમ પ્રમાણે બરાબર છે?” ૧૧  તેમણે તેઓને કહ્યું: “તમારામાં એવો કયો માણસ છે, જેની પાસે એક ઘેટું હોય અને સાબ્બાથના દિવસે એ ખાડામાં પડી જાય તો, એને પકડીને બહાર નહિ કાઢે? ૧૨  ઘેટાં કરતાં માણસ કેટલો વધારે મૂલ્યવાન છે! એટલે, સાબ્બાથના દિવસે કંઈક સારું કરવું નિયમ પ્રમાણે બરાબર છે.” ૧૩  પછી, તેમણે એ માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” તેણે એ લાંબો કર્યો અને એ બીજા હાથ જેવો સાજો થઈ ગયો. ૧૪  પણ, ફરોશીઓ બહાર જઈને ઈસુને મારી નાખવાનું કાવતરું રચવા લાગ્યા. ૧૫  એ જાણીને ઈસુ ત્યાંથી નીકળી ગયા. ઘણા લોકો પણ તેમની પાછળ ગયા અને જેઓ બીમાર હતા એ બધાને તેમણે સાજા કર્યા. ૧૬  પણ, તેમણે તેઓને સખત ચેતવણી આપી કે પોતાના વિશે વાત ન ફેલાવે, ૧૭  જેથી યશાયા પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું એ પૂરું થાય: ૧૮  “જુઓ! મારો સેવક જેને મેં પસંદ કર્યો છે. મારો વહાલો, જેના પર હું* પ્રસન્‍ન છું! હું તેને મારી પવિત્ર શક્તિ આપીશ અને તે પ્રજાઓને દેખાડશે કે સાચો ન્યાય કેવો હોય છે. ૧૯  તે ઝઘડો કરશે નહિ, મોટેથી બૂમ પાડશે નહિ; મુખ્ય રસ્તાઓમાં કોઈને તેનો અવાજ સંભાળશે નહિ. ૨૦  તે ન્યાયને પૂરેપૂરો સ્થાપી દે ત્યાં સુધી, તે વળી ગયેલા બરુને છૂંદી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને હોલવી નાખશે નહિ. ૨૧  સાચે જ, તેના નામ પર પ્રજાઓ આશા રાખશે.” ૨૨  પછી, તેઓ ઈસુ પાસે એક દુષ્ટ દૂત વળગેલા માણસને લઈ આવ્યા, જે આંધળો અને મૂંગો હતો. તેમણે તેને સાજો કર્યો, એટલે મૂંગો માણસ બોલવા અને જોવા લાગ્યો. ૨૩  એ જોઈને આખું ટોળું દંગ થઈ ગયું અને કહેવા લાગ્યું: “આ દાઊદનો દીકરો તો નથી ને?” ૨૪  એ સાંભળીને ફરોશીઓએ કહ્યું: “આ માણસ દુષ્ટ દૂતોના રાજા બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.” ૨૫  તેઓના વિચારો જાણીને ઈસુએ તેઓને કહ્યું: “દરેક રાજ્ય જેમાં ભાગલા પડે છે એનું પતન થાય છે અને દરેક શહેર કે ઘર જેમાં ભાગલા પડે છે, એ ટકશે નહિ. ૨૬  એ જ રીતે, જો શેતાન શેતાનને કાઢે, તો તેના પોતાનામાં જ ભાગલા પડ્યા છે. તો પછી, તેનું રાજ્ય કેવી રીતે ટકશે? ૨૭  વધુમાં, જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો તમારા દીકરાઓ કોની મદદથી કાઢે છે? એટલા માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. ૨૮  પણ, જો હું ઈશ્વરની શક્તિથી દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો ખરેખર ઈશ્વરનું રાજ્ય અચાનક તમારી પાસે આવી પહોંચ્યું છે. ૨૯  અથવા કોઈ કઈ રીતે બળવાન માણસના ઘરમાં ઘૂસીને એની મિલકત લૂંટી લઈ શકે? પહેલા તે બળવાન માણસને બાંધશે, ત્યાર પછી જ તે તેનું ઘર લૂંટી શકશે. ૩૦  જે કોઈ મારી બાજુ નથી, એ મારી વિરુદ્ધ છે અને જે કોઈ મારી સાથે ભેગું કરતો નથી, તે વિખેરી નાખે છે. ૩૧  “એટલે, હું તમને કહું છું, લોકોએ કરેલાં હરેક પ્રકારનાં પાપ અને જે કંઈ પવિત્ર છે એની વિરુદ્ધ કરેલી નિંદા માફ કરવામાં આવશે, પણ પવિત્ર શક્તિ વિરુદ્ધ કરેલી નિંદા માફ કરવામાં નહિ આવે. ૩૨  દાખલા તરીકે, માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ બોલશે, તેને માફ કરવામાં આવશે. પરંતુ, પવિત્ર શક્તિ વિરુદ્ધ જે કોઈ બોલશે, તેને માફ કરવામાં નહિ આવે; ના, આ દુનિયામાં* નહિ અને આવનાર દુનિયામાં પણ નહિ. ૩૩  “જો તમે સારું ઝાડ હશો, તો તમારું ફળ પણ સારું હશે; પણ જો તમે સડેલું ઝાડ હશો, તો તમારું ફળ પણ સડેલું હશે, કેમ કે ઝાડ એના ફળથી ઓળખાય છે. ૩૪  ઓ ઝેરી સાપનાં વંશજો, તમે દુષ્ટ છો એટલે સારી વાત ક્યાંથી કહેવાના? કેમ કે હૃદયમાં જે ભરેલું છે એ જ મુખમાંથી નીકળે છે. ૩૫  સારો માણસ એના હૃદયના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ કાઢે છે, પણ ખરાબ માણસ એના હૃદયના ખરાબ ખજાનામાંથી ખરાબ વસ્તુઓ કાઢે છે. ૩૬  હું તમને કહું છું કે લોકો જે દરેક નકામી વાત કહે છે એ માટે તેઓએ ન્યાયના દિવસે જવાબ આપવો પડશે; ૩૭  તમારી વાતોથી તમને નિર્દોષ ઠરાવવામાં આવશે અને તમારી વાતોથી તમને દોષિત ઠરાવવામાં આવશે.” ૩૮  પછી, કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓએ કહ્યું: “ગુરુજી, અમે તમારી પાસેથી એક નિશાની જોવા માંગીએ છીએ.” ૩૯  ઈસુએ જવાબમાં તેઓને કહ્યું: “દુષ્ટ અને વ્યભિચારી* પેઢી નિશાની શોધે છે, પણ યૂના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ. ૪૦  જે રીતે યૂના મોટી માછલીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહ્યા, એ જ રીતે માણસનો દીકરો પૃથ્વીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેશે. ૪૧  નીનવેહના લોકોને ન્યાયના દિવસે આ પેઢી સાથે ઉઠાડવામાં આવશે અને તેઓ એને દોષિત ઠરાવશે; કેમ કે યૂનાએ જે પ્રચાર કર્યો એના લીધે તેઓએ પસ્તાવો કર્યો હતો. પણ જુઓ! અહીં યૂના કરતાં મહાન કોઈ છે. ૪૨  દક્ષિણની રાણીને ન્યાયના દિવસે આ પેઢી સાથે ઉઠાડવામાં આવશે અને તે એને દોષિત ઠરાવશે; કેમ કે તે પૃથ્વીને છેડેથી સુલેમાનનું ડહાપણ સાંભળવા આવી હતી. પણ જુઓ! અહીં સુલેમાન કરતાં મહાન કોઈ છે. ૪૩  “એક ખરાબ દૂત કોઈ માણસમાંથી નીકળે છે અને આરામની જગ્યા શોધતો વેરાન જગ્યાઓએ ફરે છે, પણ તેને એ મળતી નથી. ૪૪  ત્યારે તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળ્યો હતો એમાં પાછો જઈશ.’ અને ત્યાં પહોંચતા તે જુએ છે કે ઘર ફક્ત ખાલી જ નહિ, પણ ચોખ્ખું કરેલું તથા સજાવેલું છે. ૪૫  પછી, તે જઈને પોતાનાથી વધારે દુષ્ટ, બીજા સાત દૂતોને લઈ આવે છે અને એમાં પેસીને તેઓ ત્યાં રહે છે; એ માણસની છેલ્લી હાલત પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે. એવું જ આ દુષ્ટ પેઢી સાથે પણ થશે.” ૪૬  તે હજી તો ટોળા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે, તેમની મા અને ભાઈઓ આવીને બહાર ઊભા રહ્યા, કેમ કે તેઓ ઈસુ સાથે વાત કરવા માંગતા હતા. ૪૭  તેથી, કોઈએ તેમને કહ્યું: “જુઓ! તમારી મા અને તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમારી સાથે વાત કરવા માંગે છે.” ૪૮  તેમની સાથે વાત કરનારને જવાબ આપતા ઈસુએ કહ્યું: “મારી મા કોણ અને મારા ભાઈઓ કોણ?” ૪૯  પોતાના શિષ્યો તરફ હાથ લાંબો કરતા તેમણે કહ્યું: “જુઓ! મારી મા અને મારા ભાઈઓ! ૫૦  જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તે મારો ભાઈ, મારી બહેન અને મારી મા છે.”

ફૂટનોટ

શબ્દસૂચિ જુઓ.
અથવા, “લકવો થયેલો હતો.”
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.
અથવા, “આ યુગમાં.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “બેવફા.”