માથ્થી ૧૩:૧-૫૮

  • રાજ્યનાં ઉદાહરણો (૧-૫૨)

    • વાવનાર (૧-૯)

    • ઈસુ કેમ ઉદાહરણો વાપરે છે (૧૦-૧૭)

    • વાવનારના ઉદાહરણની સમજણ (૧૮-૨૩)

    • ઘઉં અને કડવા દાણા (૨૪-૩૦)

    • રાઈનું બી અને ખમીર (૩૧-૩૩)

    • ઉદાહરણોનો ઉપયોગ ભવિષ્યવાણી પૂરી કરે છે (૩૪, ૩૫)

    • ઘઉં અને કડવા દાણાના ઉદાહરણની સમજણ (૩૬-૪૩)

    • સંતાડેલો ખજાનો અને સારું મોતી (૪૪-૪૬)

    • જાળ (૪૭-૫૦)

    • જૂનો અને નવો ખજાનો (૫૧, ૫૨)

  • ઈસુનો વતનમાં નકાર (૫૩-૫૮)

૧૩  એ દિવસે ઈસુ ઘરમાંથી નીકળ્યા અને સરોવરને કિનારે બેઠા. ૨  તેમની પાસે એટલું મોટું ટોળું ભેગું થઈ ગયું કે ઈસુ એક હોડીમાં જઈને બેઠા અને આખું ટોળું સરોવરને કિનારે ઊભું રહ્યું. ૩  પછી, તેમણે તેઓને ઉદાહરણોથી ઘણી વાતો જણાવતા કહ્યું: “જુઓ! એક વાવનાર વાવવા માટે બહાર ગયો. ૪  તે વાવતો હતો ત્યારે, કેટલાંક બી રસ્તાને કિનારે પડ્યાં અને પક્ષીઓ આવીને એને ખાઈ ગયાં. ૫  અમુક બી ખડકાળ જમીન પર પડ્યાં, જ્યાં બહુ માટી ન હતી; અને ત્યાં માટી ઊંડી ન હોવાથી એ બી તરત જ ઊગી નીકળ્યાં. ૬  પણ, સૂર્યના તાપથી એ કરમાઈ ગયાં અને એનાં મૂળ ઊંડાં ન હોવાથી એ સુકાઈ ગયાં. ૭  બીજાં બી કાંટામાં પડ્યાં અને કાંટાળી ઝાડીએ વધીને એને દાબી દીધાં. ૮  અને બીજાં બી સારી જમીન પર પડ્યાં અને એ ફળ આપવાં લાગ્યાં; કોઈને સો ગણાં, કોઈને સાઠ ગણાં, તો કોઈને ત્રીસ ગણાં. ૯  હું જે કહું છું એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.” ૧૦  એટલે, શિષ્યોએ પાસે આવીને ઈસુને પૂછ્યું: “તમે શા માટે ઉદાહરણો આપીને તેઓ સાથે વાત કરો છો?” ૧૧  જવાબમાં તેમણે કહ્યું: “સ્વર્ગના રાજ્યનાં પવિત્ર રહસ્યોની સમજણ તમને આપવામાં આવી છે, પણ તેઓને આપવામાં આવી નથી. ૧૨  કેમ કે જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે અઢળક થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે કંઈ છે એ પણ લઈ લેવાશે. ૧૩  હું એટલા માટે તેઓ સાથે ઉદાહરણોમાં વાત કરું છું, કેમ કે તેઓ જુએ છે પણ જાણે જોતા નથી, તેઓ સાંભળે છે પણ જાણે સાંભળતા નથી અને એનો અર્થ પણ સમજતા નથી. ૧૪  તેઓના કિસ્સામાં યશાયાની આ ભવિષ્યવાણી પૂરી થાય છે: ‘તમે ચોક્કસ સાંભળશો પણ એ સમજશો નહિ અને તમે ચોક્કસ જોશો પણ કંઈ સૂઝશે નહિ. ૧૫  કેમ કે આ લોકોના હૃદય જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે અને તેઓએ પોતાની આંખો બંધ કરી દીધી છે, જેથી એવું ન થાય કે તેઓ પોતાની આંખોથી જુએ, કાનથી સાંભળે, હૃદયથી સમજે અને પાછા ફરે અને હું તેઓને સાજા કરું.’ ૧૬  “પરંતુ, તમે સુખી છો, કેમ કે તમારી આંખો જુએ છે અને તમારા કાન સાંભળે છે. ૧૭  હું તમને સાચે જ કહું છું, તમે જે જોઈ રહ્યા છો એ જોવાની ઘણા પ્રબોધકો અને નેક લોકોની ઇચ્છા હતી, પણ તેઓને એ જોવા ન મળ્યું; અને તમે જે સાંભળી રહ્યા છો એ સાંભળવાની તેઓની ઇચ્છા હતી, પણ તેઓને એ સાંભળવા ન મળ્યું. ૧૮  “હવે, તમે વાવનાર માણસના ઉદાહરણ પર ધ્યાન આપો. ૧૯  જ્યારે કોઈ રાજ્યનો સંદેશો સાંભળે છે પણ સમજતું નથી, ત્યારે દુષ્ટ* આવીને તેના હૃદયમાં જે વાવેલું છે એ છીનવી લઈ જાય છે; આ એ બી છે જે રસ્તાને કિનારે વાવેલું હતું. ૨૦  ખડકાળ જમીન પર વાવેલું બી એ માણસ છે, જે સંદેશો સાંભળે છે અને તરત જ એને આનંદથી માની લે છે. ૨૧  તોપણ, સંદેશો તેના હૃદયમાં પહોંચ્યો ન હોવાથી એ થોડી જ વાર ટકે છે; જ્યારે સંદેશાને લીધે તેના પર સંકટ અથવા સતાવણી આવી પડે છે, ત્યારે તે તરત જ એને માનવાનું બંધ કરી દે છે. ૨૨  કાંટાની વચ્ચે વાવેલું બી એ માણસ છે, જે સંદેશો સાંભળે છે પણ દુનિયાની* ચિંતા અને ધનદોલતની માયા સંદેશાને દબાવી દે છે અને તે ફળ આપતો નથી. ૨૩  સારી જમીન પર વાવેલું બી એ માણસ છે, જે સંદેશો સાંભળે છે, એને સમજે છે અને સાચે જ ફળ આપે છે; કોઈ સો ગણાં, કોઈ સાઠ ગણાં તો કોઈ ત્રીસ ગણાં ફળ આપે છે.” ૨૪  ઈસુએ તેઓને બીજું એક ઉદાહરણ આપતા કહ્યું: “સ્વર્ગના રાજ્યને એક માણસ સાથે સરખાવી શકાય, જેણે પોતાના ખેતરમાં સારાં બી વાવ્યાં. ૨૫  રાત્રે બધા સૂતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને ઘઉંમાં કડવા છોડનાં* બી વાવીને ચાલ્યો ગયો. ૨૬  ઘઉંના છોડ ઊગ્યા અને એને દાણા આવ્યા ત્યારે, કડવા છોડ પણ દેખાવા લાગ્યા. ૨૭  એટલે, માલિકના ચાકરોએ આવીને તેને કહ્યું: ‘માલિક, શું તમે તમારા ખેતરમાં સારાં બી વાવ્યાં ન હતાં? તો એમાં કડવા છોડ ક્યાંથી ઊગ્યા?’ ૨૮  માલિકે તેઓને કહ્યું, ‘દુશ્મને આ કર્યું છે.’ તેઓએ તેને કહ્યું: ‘તો પછી, શું તમે ચાહો છો કે અમે જઈને એ છોડ ભેગા કરીએ?’ ૨૯  તેણે કહ્યું: ‘ના, ક્યાંક એવું ન થાય કે તમે કડવા છોડ ભેગા કરો ત્યારે એની સાથે ઘઉં પણ ઉખેડી નાખો. ૩૦  કાપણી સુધી એ બંનેને ઊગવા દો અને કાપણીનો સમય આવે ત્યારે, હું કાપણી કરનારાઓને કહીશ: પહેલા કડવા છોડને ભેગા કરો અને બાળવા માટે એના ભારા બાંધો; પછી ઘઉંને મારા કોઠારમાં ભરો.’” ૩૧  તેમણે ટોળાને બીજું એક ઉદાહરણ આપતા કહ્યું: “સ્વર્ગનું રાજ્ય રાઈના બી જેવું છે, જે એક માણસે લઈને પોતાના ખેતરમાં વાવ્યું. ૩૨  એ બીજાં સર્વ બી કરતાં નાનું છે, પણ જ્યારે વધે છે ત્યારે બીજા છોડ કરતાં મોટું થાય છે અને ઝાડ બને છે; અને એની ડાળીઓ પર આકાશનાં પક્ષીઓ આવીને વાસો કરે છે.” ૩૩  તેમણે તેઓને બીજું એક ઉદાહરણ આપ્યું: “સ્વર્ગનું રાજ્ય ખમીર* જેવું છે, જે લઈને એક સ્ત્રીએ ત્રણ મોટાં માપ* લોટમાં ભેળવી દીધું, જેનાથી બધા લોટમાં આથો ચડી ગયો.” ૩૪  આ બધી વાતો ઈસુએ ટોળાને ઉદાહરણો આપીને કહી. સાચે જ, ઉદાહરણો વગર તે તેઓની સાથે વાત કરતા નહિ, ૩૫  જેથી પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું એ પૂરું થાય: “હું ઉદાહરણોથી મારું મુખ ખોલીશ; દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી જે વાતો સંતાડેલી છે એને હું જાહેર કરીશ.” ૩૬  પછી, ટોળાને વિદાય આપીને ઈસુ ઘરમાં ગયા; અને તેમના શિષ્યોએ પાસે આવીને કહ્યું: “ખેતરના કડવા દાણાનું ઉદાહરણ અમને સમજાવો.” ૩૭  જવાબમાં તેમણે કહ્યું: “જે સારાં બી વાવે છે, તે માણસનો દીકરો છે; ૩૮  ખેતર આ દુનિયા છે. સારાં બી રાજ્યના દીકરાઓ છે, પણ કડવાં બી દુષ્ટના* દીકરાઓ છે. ૩૯  અને જે દુશ્મને એ બી વાવ્યાં તે શેતાન* છે. કાપણી દુનિયાનો* અંત છે અને કાપણી કરનારા દૂતો છે. ૪૦  એ માટે, જેમ કડવા દાણા ભેગા કરાય છે અને આગમાં બાળી નંખાય છે, તેમ આ દુનિયાના* અંતે પણ થશે. ૪૧  માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે અને તેઓ તેના રાજ્યમાંથી ઠોકર ખવડાવનારી સર્વ વસ્તુઓને તથા ખોટાં કામ કરનારા સર્વ લોકોને એકઠા કરશે; ૪૨  અને દૂતો તેઓને ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેશે, જ્યાં તેઓનું રડવું ને દાંત પીસવું થશે. ૪૩  સત્યતાથી ચાલનારા લોકો એ સમયે તેઓના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ ચમકશે. હું જે કહું છે એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો. ૪૪  “સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે, જે એક માણસને મળ્યો અને તેણે પાછો સંતાડી દીધો અને તે એટલો ખુશ થયો કે જઈને પોતાનું બધું વેચીને એ ખેતર ખરીદી લીધું. ૪૫  “વધુમાં, સ્વર્ગનું રાજ્ય એક વેપારી જેવું છે, જે સારાં મોતીની શોધમાં નીકળે છે. ૪૬  એક ઘણું મૂલ્યવાન મોતી મળતા જ તેણે જઈને પોતાનું બધું વેચી દીધું અને એ મોતી ખરીદી લીધું. ૪૭  “ઉપરાંત, સ્વર્ગનું રાજ્ય માછીમારની મોટી જાળ જેવું છે, જેને દરિયામાં નાખવામાં આવી અને એમાં હરેક પ્રકારની માછલીઓ પકડાઈ; ૪૮  જ્યારે જાળ ભરાઈ ગઈ, ત્યારે તેઓ એને ખેંચીને કિનારે લઈ આવ્યા અને બેસીને સારી માછલીઓ વાસણમાં ભેગી કરી, પણ ખરાબ માછલીઓ તેઓએ ફેંકી દીધી. ૪૯  આ દુનિયાના* અંતના સમયે પણ એવું જ થશે. દૂતોને મોકલવામાં આવશે અને તેઓ દુષ્ટ લોકોને નેક લોકોથી જુદા પાડશે ૫૦  અને દુષ્ટ લોકોને ધગધગતી ભઠ્ઠીમાં નાખશે. ત્યાં તેઓનું રડવું ને દાંત પીસવું થશે. ૫૧  “શું તમે આ બધી વાતો સમજ્યા?” તેઓએ તેમને કહ્યું, “હા.” ૫૨  પછી, ઈસુએ તેઓને કહ્યું: “જો એમ હોય, તો સ્વર્ગના રાજ્યનું શિક્ષણ મેળવનાર દરેક ઉપદેશક, એવા ઘરમાલિક જેવો છે જે પોતાના ખજાનામાંથી જૂની અને નવી વસ્તુઓ બહાર કાઢે છે.” ૫૩  આ ઉદાહરણો આપી રહ્યા પછી ઈસુ ત્યાંથી નીકળી ગયા. ૫૪  પોતાના વતનમાં આવ્યા પછી, તે તેઓના સભાસ્થાનમાં શીખવવા લાગ્યા. તેથી, તેઓએ નવાઈ પામીને કહ્યું: “આ માણસ પાસે આવું ડહાપણ ક્યાંથી આવ્યું? તેનામાં આવાં પરાક્રમી કામો કરવાની આવડત ક્યાંથી આવી? ૫૫  શું તે સુથારનો દીકરો નથી? શું તેની માનું નામ મરિયમ નથી? શું તેના ભાઈઓ યાકૂબ અને યુસફ તથા સિમોન અને યહુદા નથી? ૫૬  અને તેની બધી બહેનો આપણી સાથે નથી શું? તો પછી, તેની પાસે આ બધું ક્યાંથી આવ્યું?” ૫૭  આમ, તેઓ તેમના વિશે ઠોકર ખાવા લાગ્યા. પણ, ઈસુએ તેઓને કહ્યું: “પ્રબોધકને પોતાના વતન અને પોતાના ઘર સિવાય બધે માન મળે છે.” ૫૮  તેઓમાં શ્રદ્ધાની ખામી હોવાથી, તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામો કર્યાં નહિ.

ફૂટનોટ

એટલે કે, શેતાન.
અથવા, “આ યુગની.” શબ્દસૂચિ જુઓ.
ઘઉંના છોડ જેવો દેખાતો એક ઝેરી છોડ.
શબ્દસૂચિ જુઓ.
મૂળ અર્થ, “શીઆ માપ.” એક શીઆ એટલે ૭.૩૩ લિ. (આશરે ૩.૩ કિ.ગ્રા.).
આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.
એટલે કે, શેતાન.
શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.
અથવા, “આ યુગનો.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “આ યુગના.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “આ યુગના.” શબ્દસૂચિ જુઓ.