માથ્થી ૧૮:૧-૩૫

  • રાજ્યમાં સૌથી મોટું કોણ? (૧-૬)

  • ઠોકર ખવડાવતી બાબતો (૭-૧૧)

  • ખોવાયેલા ઘેટાનું ઉદાહરણ (૧૨-૧૪)

  • ભાઈને કઈ રીતે જીતી લેવો (૧૫-૨૦)

  • માફ ન કરનાર ચાકરનું ઉદાહરણ (૨૧-૩૫)

૧૮  એ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું: “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?” ૨  એટલે, ઈસુએ એક બાળકને બોલાવીને તેઓની વચ્ચે ઊભું રાખ્યું ૩  અને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જો તમે પોતાને નહિ બદલો અને બાળકો જેવાં નહિ બનો, તો તમે કોઈ પણ રીતે સ્વર્ગના રાજ્યમાં જઈ શકશો નહિ. ૪  એ માટે જે કોઈ પોતાને આ બાળકની જેમ નમ્ર બનાવશે, એ સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું છે; ૫  જે કોઈ મારા નામને લીધે આવા બાળકનો સ્વીકાર કરે છે, એ મારો પણ સ્વીકાર કરે છે. ૬  પણ, જે કોઈ મારામાં શ્રદ્ધા રાખનાર આ નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવે છે, તેના માટે તો એ વધારે સારું થાય કે, તેને ગળે ઘંટીનો મોટો પથ્થર* લટકાવીને દરિયાના ઊંડાણમાં ડુબાડી દેવામાં આવે. ૭  “દુનિયાને અફસોસ કે એ ઠોકર ખવડાવે છે! ખરું કે ઠોકરરૂપ બનતી બાબતો જરૂર આવશે, પણ જે મનુષ્ય ઠોકરરૂપ બને છે એને અફસોસ! ૮  તેથી, જો તારો હાથ કે પગ તને ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ અને તારી પાસેથી એને દૂર ફેંકી દે. બંને હાથ અને બંને પગ સાથે હંમેશ માટેની આગમાં નંખાવા કરતાં, લૂલા કે લંગડા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે. ૯  તેમ જ, જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો એને કાઢી નાખ અને તારી પાસેથી એને દૂર ફેંકી દે. બે આંખ સાથે ગેહેન્‍નાની* આગમાં નંખાવા કરતાં, તારા માટે એક આંખ સાથે જીવન મેળવવું વધારે સારું છે. ૧૦  ધ્યાન રાખજો કે આ નાનાઓમાંના એકને તમે ધિક્કારો નહિ, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના દૂતો હંમેશાં મારા સ્વર્ગમાંના પિતાના મોં આગળ ઊભા રહે છે. ૧૧  * ૧૨  “તમને શું લાગે છે? જો કોઈ માણસ પાસે ૧૦૦ ઘેટાં હોય અને એમાંનું એક ખોવાઈ જાય, તો તે ૯૯ને પહાડો પર મૂકીને ખોવાયેલું એક ઘેટું શોધવા નહિ જશે શું? ૧૩  જો તેને એ પાછું મળે તો હું તમને સાચે જ કહું છું કે જે ૯૯ ઘેટાં નથી ખોવાયાં, એનાથી જેટલો ખુશ થાય એના કરતાં તે વધારે ખુશ થશે. ૧૪  એવી જ રીતે, મારા* સ્વર્ગમાંના પિતાને જરાય પસંદ નથી કે આ નાનાઓમાંનું કોઈ એક પણ નાશ પામે. ૧૫  “વધુમાં, જો તારો ભાઈ તારી વિરુદ્ધ કંઈ પાપ કરે, તો જા અને એકાંતમાં તેને તેની ભૂલ જણાવ.* જો તે સાંભળે તો તેં તારા ભાઈને જીતી લીધો છે. ૧૬  પરંતુ, જો તે ન સાંભળે તો તારી સાથે બીજા એક કે બેને લઈ જા, જેથી બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી* દરેક વાત સાબિત થઈ શકે. ૧૭  તે તેઓનું પણ ન સાંભળે તો મંડળને* વાત કર. જો તે મંડળનું પણ ન સાંભળે, તો તેને દુનિયાના માણસ* અને કર ઉઘરાવનાર જેવો ગણવો. ૧૮  “હું તમને સાચે જ કહું છું: તમે પૃથ્વી પર જે કંઈ બાંધશો,* એ સ્વર્ગમાં પહેલેથી બંધાયેલું હશે અને તમે પૃથ્વી પર જે કંઈ છોડશો,* એ સ્વર્ગમાં પહેલેથી છોડાયેલું હશે. ૧૯  ફરીથી, હું તમને સાચે જ કહું છું: પૃથ્વી પર તમારામાંના બે જણ કોઈ મહત્ત્વની વાત પર એક મનના થઈને વિનંતી કરે તો, સ્વર્ગમાંના મારા પિતા એ પૂરી કરશે. ૨૦  કેમ કે જ્યાં પણ મારા નામમાં બે કે ત્રણ જણ ભેગા થાય છે, ત્યાં હું તેઓની વચમાં છું.” ૨૧  પછી, પીતર આવ્યો અને તેમને કહ્યું: “પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર પાપ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર?” ૨૨  ઈસુએ તેને કહ્યું, “હું તને કહું છું કે સાત વાર નહિ, પણ સિત્તોતેર વાર.* ૨૩  “એટલે, સ્વર્ગના રાજ્યને એક રાજા સાથે સરખાવી શકાય, જે પોતાના ચાકરો સાથે હિસાબ ચૂકતે કરવા માંગતો હતો. ૨૪  જ્યારે તે હિસાબ લેવા બેઠો, ત્યારે એક માણસને તેની સામે લાવવામાં આવ્યો, જેણે ૧૦,૦૦૦ તાલંત* ઉધાર લીધા હતા. ૨૫  પરંતુ, એ દેવું તે કોઈ પણ રીતે ચૂકવી શકે એમ ન હતો. એટલે તેને, તેની પત્નીને, તેનાં બાળકોને અને તેની પાસે જે કંઈ હતું, એ બધુંય વેચીને દેવું ચૂકતે કરવાનો તેના માલિકે હુકમ કર્યો. ૨૬  તેથી, ચાકર માલિકને પગે પડ્યો અને કહેવા લાગ્યો, ‘મારી સાથે ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી દઈશ.’ ૨૭  એ જોઈને માલિકને દયા આવી અને તેણે એ ચાકરને જવા દીધો અને તેનું બધું દેવું માફ કર્યું. ૨૮  પરંતુ, એ ચાકર બહાર નીકળ્યો અને સાથી ચાકરોમાંના એકને શોધી કાઢ્યો, જેણે તેની પાસેથી ૧૦૦ દીનાર* ઉછીના લીધા હતા; તેને પકડીને તેનું ગળું દબાવતા તેણે કહ્યું, ‘બધું દેવું મને ચૂકવી દે.’ ૨૯  તેથી, તેનો સાથી ચાકર પગે પડ્યો અને કાલાવાલા કરતા કહેવા લાગ્યો, ‘મારી સાથે ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી દઈશ.’ ૩૦  જોકે, તે જરાય સાંભળવા તૈયાર ન હતો; તેણે જઈને ચાકર બધું દેવું ન ચૂકવે ત્યાં સુધી તેને કેદમાં નંખાવ્યો. ૩૧  બીજા ચાકરોએ આ જોયું ત્યારે, તેઓ બહુ જ દુઃખી થયા; અને જે કંઈ બન્યું હતું એ બધું તેઓએ જઈને પોતાના માલિકને કહ્યું. ૩૨  પછી, તેના માલિકે તેને હુકમ કરીને બોલાવ્યો અને કહ્યું: ‘દુષ્ટ ચાકર, તેં મને આજીજી કરી ત્યારે મેં તારું બધું જ દેવું માફ કરી દીધું. ૩૩  મેં તને દયા બતાવી તેમ, શું તારે પણ તારા સાથી ચાકરને દયા બતાવવી જોઈતી ન હતી?’ ૩૪  એમ કહીને તેનો માલિક એટલો ક્રોધે ભરાયો કે તે બધું જ દેવું ચૂકવી ન દે ત્યાં સુધી, તેને કેદખાનાના ઉપરીઓને સોંપી દીધો. ૩૫  જો તમે દરેક તમારા ભાઈને દિલથી માફ નહિ કરો, તો સ્વર્ગમાંના મારા પિતા પણ તમારી સાથે એ જ રીતે વર્તશે.”

ફૂટનોટ

અથવા, “જે ઘંટીનો પથ્થર ગધેડું ફેરવે છે.”
શબ્દસૂચિ જુઓ.
માથ ૧૭:૨૧ની ફૂટનોટ જુઓ.
અથવા કદાચ, “તમારા.”
મૂળ અર્થ, “અને તેને ઠપકો આપ.”
મૂળ અર્થ, “મોંથી.”
દેખીતું છે કે આ મંડળના આગેવાનો સાથે વાત કરવાને બતાવે છે. પુન ૧૯:૧૬, ૧૭ સરખાવો.
દેખીતું છે કે આ બિનયહુદીઓની વાત કરે છે, જેઓ સાચા ઈશ્વરમાં માનતા નથી.
શક્ય છે કે અહીં ખોટાં કામ કરનારને દોષિત ઠરાવવા અથવા અમુક કામોની મનાઈ કરતા નિર્ણયો વિશે વાત થાય છે.
શક્ય છે કે અહીં ખોટાં કામ કરનારને નિર્દોષ ઠરાવવા અથવા અમુક કામો કરવાની છૂટ આપતા નિર્ણયો વિશે વાત થાય છે.
અથવા, “સિત્તેર ગુણ્યા સાત વાર.”
ચાંદીના ૧૦,૦૦૦ તાલંત ૬ કરોડ દીનાર બરાબર હતા. શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.