માથ્થી ૨૦:૧-૩૪

  • દ્રાક્ષાવાડીના મજૂરો અને એકસરખી મજૂરી (૧-૧૬)

  • ઈસુના મરણ વિશે ફરીથી જણાવાયું (૧૭-૧૯)

  • રાજ્યમાં ઊંચું સ્થાન આપવાની વિનંતી (૨૦-૨૮)

    • ઘણાને માટે છુટકારાની કિંમત, ઈસુ (૨૮)

  • બે આંધળા માણસો સાજા કરાયા (૨૯-૩૪)

૨૦  “સ્વર્ગનું રાજ્ય એક ઘરમાલિક જેવું છે, જે વહેલી સવારે બહાર જઈને પોતાની દ્રાક્ષાવાડી માટે મજૂરો લેવા ગયો. ૨  તેણે મજૂરો સાથે દિવસનો એક દીનાર નક્કી કર્યા પછી, તેઓને પોતાની દ્રાક્ષાવાડીમાં મોકલ્યા. ૩  સવારે આશરે નવ વાગ્યે* તે ફરી બહાર ગયો ત્યારે, તેણે બજારમાં બીજા મજૂરોને બેકાર ઊભેલા જોયા; ૪  તેણે તેઓને કહ્યું, ‘તમે દ્રાક્ષાવાડીમાં જાવ અને જે વાજબી હશે એ હું તમને આપીશ.’ ૫  એટલે તેઓ ગયા. બપોરે આશરે બાર વાગ્યે* અને આશરે ત્રણ વાગ્યે* તે ફરીથી બહાર ગયો અને એવું જ કર્યું. ૬  આખરે, સાંજે લગભગ પાંચ વાગ્યે* તે બહાર ગયો અને બીજાઓને ઊભેલા જોયા; તેણે તેઓને પૂછ્યું, ‘તમે અહીં આખો દિવસ બેકાર કેમ ઊભા રહ્યા છો?’ ૭  તેઓએ જવાબ આપ્યો, ‘અમને કોઈએ મજૂરીએ રાખ્યા નથી એ માટે.’ તેણે તેઓને કહ્યું, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’ ૮  “જ્યારે સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીના માલિકે પોતાના કારભારીને કહ્યું, ‘મજૂરોને બોલાવ અને છેલ્લાથી શરૂ કરીને પહેલા સુધીને તેઓની મજૂરી ચૂકવી દે.’ ૯  પાંચ વાગ્યે કામે રાખેલા મજૂરો આવ્યા ત્યારે, તેઓ દરેકને એક-એક દીનાર મળ્યો. ૧૦  એટલે, જ્યારે પહેલા મજૂરો આવ્યા ત્યારે તેઓએ ધાર્યું કે પોતાને વધારે મળશે; પરંતુ, તેઓને પણ એક દીનાર મજૂરી ચૂકવવામાં આવી. ૧૧  એ લીધા પછી, તેઓ ઘરમાલિક સાથે કચકચ કરવા લાગ્યા ૧૨  અને કહ્યું: ‘આ છેલ્લા મજૂરોએ તો ફક્ત એક જ કલાક કામ કર્યું છે; તોપણ તમે તેઓને અમારા સરખા ગણ્યા, અમે તો ધોમધખતો તાપ સહન કર્યો અને આખો દિવસ સખત મહેનત કરી!’ ૧૩  પરંતુ, તેઓમાંના એકને જવાબ આપતા માલિકે કહ્યું, ‘મિત્ર, હું તને કંઈ અન્યાય નથી કરતો. તેં મારી સાથે એક દીનાર નક્કી કર્યો હતો, બરાબર ને? ૧૪  તારી મજૂરી લે અને જા. હું આ છેલ્લાને પણ તારા જેટલું જ આપવા ચાહું છું. ૧૫  મારા પૈસા મારી મરજીથી વાપરવાનો મને હક નથી શું? કે પછી હું ભલાઈથી* વર્તું છું એની તને અદેખાઈ આવે છે?’* ૧૬  આ રીતે જેઓ છેલ્લા તેઓ પહેલા અને પહેલા તેઓ છેલ્લા થશે.” ૧૭  યરૂશાલેમ તરફ જતાં, ઈસુએ ૧૨ શિષ્યોને લોકોથી દૂર એક બાજુ લઈ જઈને માર્ગમાં કહ્યું: ૧૮  “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ અને માણસના દીકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. તેઓ તેને મોતની સજા ફટકારશે ૧૯  અને મશ્કરી કરવાને, કોરડા મારવાને તથા વધસ્તંભે ચડાવવાને તેઓ તેને બીજી પ્રજાઓને સોંપી દેશે; અને ત્રીજા દિવસે તેને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” ૨૦  પછી, ઝબદીના દીકરાઓની મા પોતાના દીકરાઓની સાથે તેમની પાસે આવી અને નમન કર્યું. તે તેમની પાસેથી કંઈક માંગવા ચાહતી હતી. ૨૧  ઈસુએ તેને પૂછ્યું: “તમે શું ચાહો છો?” તેણે તેમને જવાબ આપ્યો: “હું વિનંતી કરું છું કે મારા બે દીકરા તમારા રાજ્યમાં તમારી સાથે બેસે. એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે.” ૨૨  ઈસુએ જવાબમાં દીકરાઓને કહ્યું: “તમે જાણતા નથી કે તમે શું માંગી રહ્યા છો. હું જે પ્યાલો* પીવા જઈ રહ્યો છું, એ શું તમે પી શકો છો?” તેઓએ તેમને કહ્યું: “અમે પી શકીએ છીએ.” ૨૩  તેમણે તેઓને કહ્યું: “તમે મારો પ્યાલો જરૂર પીશો, પણ મારે જમણે અને ડાબે હાથે બેસાડવાનું હું નક્કી કરતો નથી; પણ, એ જગ્યા મારા પિતાએ જેઓ માટે નક્કી કરી છે, તેઓની છે.” ૨૪  જ્યારે બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું, ત્યારે તેઓ બંને ભાઈઓ પર ગુસ્સે થયા. ૨૫  પરંતુ, ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું: “તમે જાણો છો કે દુનિયાના શાસકો પ્રજા પર હુકમ ચલાવે છે અને મોટા માણસો તેઓને દાબમાં રાખે છે. ૨૬  તમારામાં આવું ન થવું જોઈએ, પણ જે કોઈ તમારામાં મોટો થવા ચાહે તેણે તમારા સેવક બનવું જોઈએ; ૨૭  અને તમારામાં જે કોઈ પહેલો થવા ચાહે તેણે તમારા દાસ બનવું જોઈએ. ૨૮  જેમ માણસનો દીકરો પોતાની સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યો; અને ઘણા લોકોના છુટકારાની કિંમત* ચૂકવવા પોતાનું જીવન* આપવા આવ્યો.” ૨૯  તેઓ યરીખોથી નીકળતા હતા ત્યારે, મોટું ટોળું તેમની પાછળ પાછળ ગયું. ૩૦  અને જુઓ! રસ્તાની બાજુએ બેઠેલા બે આંધળા માણસોએ સાંભળ્યું કે ઈસુ ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને તેઓ પોકારી ઊઠ્યા: “ઓ પ્રભુ, દાઊદના દીકરા, અમારા પર દયા કરો!” ૩૧  પરંતુ, ટોળાએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું; તોપણ, તેઓ હજુ વધારે મોટા અવાજે પોકારી ઊઠ્યા: “ઓ પ્રભુ, દાઊદના દીકરા, અમારા પર દયા કરો!” ૩૨  તેથી, ઈસુ ઊભા રહ્યા અને તેઓને બોલાવીને કહ્યું: “તમે શું ચાહો છો, હું તમારા માટે શું કરું?” ૩૩  તેઓએ તેમને કહ્યું: “પ્રભુ, અમને દેખતા કરો.” ૩૪  ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તે તેઓની આંખોને અડક્યા; તરત જ તેઓ દેખતા થયા અને તેમની પાછળ ગયા.

ફૂટનોટ

મૂળ અર્થ, “આશરે ત્રીજા કલાકે [સૂર્યોદય પછી].”
મૂળ અર્થ, “આશરે છઠ્ઠા કલાકે [સૂર્યોદય પછી].”
મૂળ અર્થ, “આશરે નવમા કલાકે [સૂર્યોદય પછી].”
મૂળ અર્થ, “આશરે અગિયારમા કલાકે [સૂર્યોદય પછી].”
અથવા, “ઉદારતાથી.”
મૂળ અર્થ, “તારી આંખ દુષ્ટ છે.”
“પ્યાલો,” ઈશ્વરનિંદાના ખોટા આરોપ નીચે ઈસુને મરવા દેવાની ઈશ્વરની ઇચ્છાને દર્શાવે છે.
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.